આંત્રવ્યાવર્તન

January, 2002

આંત્રવ્યાવર્તન (intestinal volvulus) : ધરીની આસપાસ આંતરડાની આંટી પડવી તે. નાના આંતરડાના છેવટના ભાગ(અંતાંત્ર, ileum)માં, મોટા આંતરડાના શરૂઆતના ભાગ(અંધાંત્ર, caecum)માં કે છેવટના ભાગ(શ્રોણિસ્થિરાંત્ર, pelvic colon)માં અથવા જઠરમાં આવી આંટી પડે છે. ગર્ભના વિકાસ-સમયે પેટમાં આંતરડું આંત્રપટ(mesentery)ની ધરી બનાવી ગોળ ફરીને તેના યોગ્ય સ્થાને ગોઠવાય છે. જો આ પ્રક્રિયા અધૂરી રહી જાય તો નવજાત શિશુમાં આંતાંત્ર અને અંધનાલનું વ્યાવર્તન થાય છે. આંતરડાની આંટી પડવાનાં કારણોમાં આંતરડામાં પદાર્થોનો અતિશય ભરાવો, લાંબો આંત્રપટ, ટૂંકું અને સાંકડું આંત્રપટનું પેટની દીવાલ સાથેનું જોડાણ તથા આંતરડાનું આસપાસના અવયવ સાથે પેશીરજ્જુ(tissue band of adhesion)થી થયેલું જોડાણ મુખ્ય છે (આકૃતિ અ, આ).

આંત્રવ્યાવર્તનની ક્રિયા : (અ) પેશીરજ્જુથી ચોંટેલું આંતરડું, (આ) આંતરડામાં આંટી પડવી. (1) પેશીરજ્જુ, (2) આંતરડું, (3) આંત્રપટ, (4) લોહીની નળી, (5) આંટી પડેલું સોજાવાળું આંત્રરોધી વ્યાવર્તન

પેશીરજ્જુ વડે આંતરડું કોઈ અવયવ સાથે કે પેટની દીવાલ સાથે ચોંટી ગયેલું હોય છે. આમ આંત્રપટનું અને પેશીરજ્જુનું બે જુદી જુદી દિશામાં થયેલું જોડાણ એક ધરી (axis) બનાવે છે, જેની આસપાસ આંતરડું અને તેનો લાંબો આંત્રપટ આંટી રૂપે ગોળ ફરીને વ્યાવર્તન સર્જે છે. આંટી પડેલું આંતરડું કે જઠર તેની સહજ લહરીગતિ(peristalsis)વાળું હલનચલન કરી શકતાં નથી. તેથી પેટમાં દુખાવો, ઊબકા, ઊલટી, કબજિયાત અને પેટનું ફૂલી જવું વગેરે થાય છે. નાડીના ધબકારા અને શ્વાસોચ્છવાસ વધી જાય છે. આમ આંટી પડવાથી આંત્રરોધ (intestinal obstruction) થાય છે. પેટનું સાદું એક્સ-રે ચિત્ર અને શ્રોણિસ્થિરાંત્ર વ્યાવર્તનમાં બેરિયમ-બસ્તિ (barium enema) નિદાન માટે ઉપયોગી છે. જો આંટી પડવાથી આંતરડાનો લોહીનો પુરવઠો ખોરવાઈ જાય તો આંતરડાનો તે ભાગ મરી જાય છે. મોટા આંતરડાના અંધનાલનું વ્યાવર્તન થાય ત્યારે દક્ષિણાવર્ત (clockwise) દિશામાં અને શ્રોણિસ્થિરાંત્રનું વ્યાવર્તન થાય ત્યારે વામાવર્ત (anticlockwise) દિશામાં આંટી પડે છે. શસ્ત્રક્રિયાની મદદથી આંતરડામાં પડેલી ગૂંચ દૂર કરી શકાય છે. જરૂર પડ્યે આંતરડાનો બગડી ગયેલો ભાગ કાઢી નાંખવામાં આવે છે. પેશીરજ્જુ બનેલ હોય તો તે દૂર કરવામાં આવે છે. ક્યારેક આંતરડાની આંટી આપમેળે પણ ઊકલી જાય છે.

શિલીન નં. શુક્લ

સોમાલાલ ત્રિવેદી