આંગ્રે નૌ સેનાનીઓ : 18મી સદીના ઉત્તરાર્ધ દરમિયાન મરાઠા નૌકાસૈન્યના મુખ્ય ઘડવૈયા અને સમુદ્ર ઉપર મરાઠા આધિપત્યના પ્રવર્તકો. આંગ્રે ખાનદાનનો આદ્ય પુરુષ સેખોજી અલીબાગની કોળી કોમનો અગ્રણી હતો. તેનું મૂળ ગામ કાળોસે હતું. તેનો એક ભાગ અંગરવાડી કહેવાતો હતો તેથી આંગ્રે અટક પડી જણાય છે. મૂળ અટક સંકપાલ હતી. સેખોજીના પુત્ર તુકોજીએ 164૦માં શાહજી ભોંસલેને રેવાદંડા પાસે મુઘલ કાફલાના અધિપતિ જંજીરાના સીદીને હરાવવા મદદ કરી હતી. તેના હાથ નીચે પચીસ માણસો હતા અને તેનું ‘સરનોબત’ બિરુદ હતું. શાહજીના અનુગામી શિવાજીના નૌકાસૈન્યમાં સિંધોજી ગુર્જર સાથે રહીને તુકોજીએ નામના મેળવી હતી. શિવાજીનું સૂત્ર હતું કે ‘જલં યસ્ય બલં તસ્ય.’ 1659થી 1684 સુધીના ગાળામાં માંડવીથી મલબાર સુધીના દરિયાકાંઠે કિલ્લાઓ બાંધી તેની સત્તા ર્દઢ કરી હતી. તુકોજીનું મૃત્યુ 168૦માં થયું હતું, જ્યારે સિંધોજી ગુર્જર 1698માં મરણ પામ્યા હતા.
કાન્હોજી આંગ્રે (1667–1729) : તુકોજીના મૃત્યુ પછી કાન્હોજી મરાઠા નૌકાસૈન્યનો અધિપતિ થયો અને શંભોં છત્રપતિના અવસાન પછી કોંકણના કિલ્લાઓ જીતવામાં તેણે રાજારામને 1694-1704 દરમિયાન સહાય કરી હતી. રાજારામે ખુશ થઈ તેને ‘સરખેલ’નો ખિતાબ આપ્યો હતો. તેણે વેપારી જહાજો અને મનવારોના બાંધકામ માટે કુલાબા, વિજયદુર્ગ, સિંધુદુર્ગ, રત્નાગિરિ, અંજનવેલ વગેરે બંદરોએ જહાજવાડાઓ સ્થાપીને નૌકાસૈન્યને મજબૂત કર્યું. તેના નૌકાસૈન્યમાં 16થી 80 તોપોવાળાં 100-150 ટનનાં ગુરાબો અને 5થી 10 તોપોવાળી 50થી 70 ટનની ગલીબતો તેમજ ટોની પ્રકારનાં જહાજો અને મછવાઓ હતાં. સૌથી મોટું યુદ્ધજહાજ 300 ટનનું હતું. આ યુદ્ધજહાજોના સંચાલન માટે તેણે નીવડેલા ડચ, આરબ, હબસી, પૉર્ટુગીઝ અને સ્થાનિક વહાણવટીઓ અને લડવૈયાઓની ભરતી કરી હતી. પ્રથમ કુલાબા અને ત્યારબાદ ધેરિયા કે વિજયદુર્ગ તેના નૌકાકાફલાનાં મથકો હતાં. દરિયાસારંગ કાન્હોજી મરાઠા પ્રાદેશિક જળવિસ્તારમાંથી પસાર થતાં સીદી, પૉર્ટુગીઝ, મુઘલ વગેરેનાં વહાણો પાસેથી સલામત રીતે જવા દેવા ‘ચૉથ’ ઉઘરાવતો હતો અને પરવાનો લેવાની તેમને ફરજ પાડતો હતો. આથી આ સત્તાઓ સાથે તેને ઘર્ષણ થયું હતું. 1699માં સીદી, પૉર્ટુગીઝ અને મુઘલ નૌકાસૈન્યે કાન્હોજીના કાફલા ઉપર હુમલો કર્યો. તેઓ હાર્યા અને ખંડેરી તથા કોલાબાની આવકનો 2/3 ભાગ, ઉત્તર ચૌલનો પ્રદેશ અને દક્ષિણ ચૌલની આવકનો અર્ધો ભાગ આપવા સીદી નવાબને ફરજ પડી. અંગ્રેજી વહાણોએ પરવાનો લીધો ન હોવાથી 1707માં કાન્હોજીએ ‘બૉમ્બે’ ફ્રિગેટનો તોપમારાથી નાશ કર્યો. 1710માં ‘ગોલ્ડફીન’ નામના યુદ્ધજહાજ સાથે બે દિવસ લડાઈ કરીને તેણે ખંડેરી જીતી લીધું. 1712માં મુંબઈના ગવર્નર બૂનની વિહારનૌકા (yacht) અને બે યુદ્ધજહાજો તેણે કબજે કર્યાં. 1716માં તેણે માહિમ નજીકથી ચાર ખાનગી વહાણો અને અંગ્રેજોના ‘સસેક્સ’ને તેમજ એક બંગાળી વહાણને કબજે કર્યાં. ધેરિયા, ખંડેરી અને કોલાબા ઉપર અંગ્રેજ નૌકાસૈન્યે (Bombay Marine) હુમલા કર્યા પણ તેમાં તેઓ નિષ્ફળ ગયા. 1719માં ‘વિક્ટરી’ અને ‘રિવેન્જ’ યુદ્ધજહાજોની મદદથી અંગ્રેજોએ ખંડેરી ઉપર હુમલો કર્યો, પણ તેમાં તેઓ નિષ્ફળ ગયા. 1720માં અંગ્રેજો અને પૉર્ટુગીઝોએ કૉમોડૉર મૅથ્યુની આગેવાની નીચે કુલાબા ઉપર હુમલો કર્યો અને વિજયદુર્ગમાં પડેલાં 16 વહાણો બાળી નાંખ્યાં, પણ કિલ્લો જીતી ન શક્યા. 1722માં કરાયેલા હુમલામાં અંગ્રેજો નિષ્ફળ ગયા. 1724માં કાન્હોજીએ બે ડચ વેપારી જહાજો પકડ્યાં. ડચ કાફલાએ વિજયદુર્ગ ઉપર નિષ્ફળ ચડાઈ કરી. 1726માં અંગ્રેજોનું પુષ્કળ દોલતવાળું ‘ડર્બી’ વહાણ આંગ્રેએ કબજે કર્યું. કાન્હોજીને કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને દર વરસે રૂપિયા પાંચ લાખનું નુકસાન થતું હતું. અંગ્રેજોએ કાન્હોજીને લાલચ આપી ફોડવા પ્રયત્ન કર્યો ત્યારે તેણે જવાબ આપ્યો કે, ‘જો મેં વેપાર અને વેપારીઓને પ્રોત્સાહન આપ્યું હોત તો વિજયદુર્ગ સૂરતના મહાન બંદરની હરીફાઈ કરતું હોત.’ કાન્હોજીએ અંગ્રેજ ગવર્નર પાસે વાર્ષિક રૂપિયા વીસ લાખ પરવાના પેટે આપવા માગણી કરી હતી, પણ અંગ્રેજોએ તે સ્વીકારી નહોતી. કચ્છથી ત્રાવણકોર સુધી કાન્હોજીની હાક વાગતી હતી. કાન્હોજીનાં યુદ્ધજહાજો કદમાં નાનાં હોવાથી સરળતાથી હરીફરી શકતાં અને છીછરા પાણીમાં સંચરી શકતાં હતાં. પણ આ જહાજો દરિયાઈ અને જમીનના પવનો પર તેજ ગતિ માટે આધાર રાખતાં હોવાથી તે 64 કિમી.થી વધારે દૂર દુશ્મન જાહાજોનો ભરદરિયે પીછો કરી શકતાં ન હતાં. કાન્હોજીનું 1729ના જુલાઈની ચોથી તારીખે મૃત્યુ થયું હતું.
સેખોજી : કાન્હોજીને છ પુત્રો હતા. તે પૈકી સેખોજી ‘સરખેલ’ (1729-1733) થયો. સીદી સાતાએ બ્રહ્મેન્દ્ર સ્વામીના પરશુરામક્ષેત્રને ખેદાનમેદાન કર્યું તેથી પેશવા બાજીરાવે તેના ઉપર ચડાઈ કરી. સેખોજીએ તેને મદદ કરી. આથી પેશવા અને છત્રપતિ બંને આંગ્રેના મિત્રો બન્યા. 1733માં તેનું મૃત્યુ થયું. ત્યારબાદ કાન્હોજીના અન્ય પુત્રો વચ્ચે આંતરકલહ શરૂ થયો અને આંગ્રે કુટુંબના ભાગલા પડ્યા. કાન્હોજીનો બીજો પુત્ર સંભાજી (1733-1742) મરાઠા નૌકાસૈન્યનો વડો થયો. બાજીરાવે ‘સરખેલ’નો ખિતાબ અને સુવર્ણદુર્ગ તેને આપ્યાં અને કાન્હોજીના ત્રીજા પુત્ર માનોજીને ‘વજારત-મ-આબ’નો ખિતાબ તથા કુલાબા આપ્યાં. સંભાજીએ અંગ્રેજો, ડચ, પોર્ટુગીઝો અને સીદીઓનાં વહાણો ઉપર હુમલા ચાલુ રાખ્યા. અંગ્રેજોનાં ‘બંગાળ’ અને ‘બૉમ્બે’ નામનાં યુદ્ધજહાજોનો સંભાજીએ નાશ કર્યો. તેના કાફલામાં ચાર ગુરાબ અને પંદર ગલીબતો હતાં. ત્યારબાદ ‘ઓકહામ’ વહાણ ઉપર સંભાજીએ હુમલો કરીને તેને લૂંટ્યું. 1738માં ધેરિયા (વિજયદુર્ગ) ઉપર ઘેરો ઘાલનાર ડચ કાફલાની સાત મનવાર અને અન્ય સાત જહાજોને તેણે વેરવિખેર કરી નાંખ્યાં. આ જ વર્ષે અંગ્રેજ કૉમોડૉર બાગવેલે વિજયદુર્ગ(ધેરિયા)ની ખાડીમાં પડેલા આંગ્રેના કાફલા ઉપર હુમલો કર્યો, પણ આંગ્રેનાં યુદ્ધજહાજો નદીના અંદરના ભાગમાં જતાં તે નિષ્ફળ ગયો. અંગ્રેજોએ સંભાજીના ભાઈ માનોજીને હાથ પર લીધો. તેથી સંભાજીએ ચૌલ, અલીબાગ, સાગરગઢ અને થાલ માનોજી પાસેથી જીતી લીધાં. તેણે 1740માં ચીનથી આવતાં વહાણો લૂંટી લીધાં હતાં. કુલાબા ઉપર માનોજીને હરાવવા સંભાજીએ ચડાઈ કરી ત્યારે અંગ્રેજો માનોજીની મદદે આવ્યા હતા. 1742માં સંભાજીનું મૃત્યુ થયું.
તુળાજી (1742-’56) : સંભાજીના મૃત્યુ પછી તેનો સાવકો ભાઈ તુળાજી મરાઠા નૌકાસૈન્યનો વડો થયો. તેણે તારાબાઈનો છત્રપતિ શાહુ વિરુદ્ધ પક્ષ લીધો હોવાથી પેશવા અને છત્રપતિ સાથે તેને દુશ્મનાવટ થઈ. તેણે અંગ્રેજોના ‘રેસ્ટોરેશન’ જહાજનો નાશ કર્યો હતો અને 1760માં કૉમોડૉર લિસ્લેનાં પાંસઠ તોપોવાળા ‘વિજિલન્ટ’ અને પચાસ તોપોવાળા ‘રૂબી’ યુદ્ધજહાજોને પકડી લીધાં હતાં. 1754માં તેણે ડચ કાફલાને હરાવ્યો; દારૂગોળાવાળા જહાજનો નાશ કર્યો. પેશવા સાથેના ઝઘડાનો અંગ્રેજોએ લાભ લીધો અને પેશવા સાથે આંગ્રેના કાફલાનો નાશ કરવાના કરાર કર્યા. 1755માં કૉમોડૉર જેમ્સે 40 તોપોવાળાં ‘પ્રૉક્ટર’, તોપોવાળી હોડીઓ અને બે બૉમ્બવાળાં જહાજોના કાફલા સાથે વિજયદુર્ગ ઉપર ચડાઈ કરી. તે અગાઉ તેણે સુવર્ણદુર્ગ જીતી લીધું હતું. જમીનમાર્ગે 10,000ના મરાઠા સૈન્યે અને ક્લાઇવે વિજયદુર્ગ ઉપર હુમલો કર્યો. અંગ્રેજ ઍડમિરલ વૉટ્સને પણ સહાય કરી અને તુલાજીની 1756માં સંપૂર્ણ હાર થઈ. ધેરિયાનો આંગ્રે નૌકાકાફલો નાશ પામ્યો અને અંગ્રેજો તથા પેશવાને ઘણું ધન મળ્યું. પેશવાની ટૂંકી બુદ્ધિના પગલાએ મરાઠા સામ્રાજ્યનો વિનાશ વહોરી લીધો અને મરાઠા દરિયાઈ આધિપત્યનો કરુણ અંત આવ્યો.
માનોજી (1733-1813) અને તેના વંશજો : કુલાબાના અધિપતિ માનોજી આંગ્રેએ પેશવાને 1737–39 દરમિયાન પૉર્ટુગીઝ વિરુદ્ધ મદદ કરી હતી. સને 1740માં તેનો કાફલો વેરવિખેર કરી નાખ્યો હતો. પેશવાને જંજીરાના સીદી વિરુદ્ધ માનોજીએ મદદ કરી હતી. 1755માં ઉડેરીની ચડાઈ વખતે પણ સીદી વિરુદ્ધ પેશવાને તેણે મદદ કરી હતી. તેના પુત્ર રઘુજીએ સીદીને સખત હાર આપીને કાયમ માટે તેની ખોડ ભુલાવી દીધી હતી. રઘુજી, તુલાજી અને માનોજીના મૃત્યુ પછી 1759-83 સુધી મરાઠા નૌકાસૈન્યનો ‘સરખેલ’ રહ્યો હતો. માનોજી બીજો 1793-99 સુધી આ પદ ઉપર રહ્યો હતો. તેના ભાઈ જયસિંગરાવ સાથે ઝઘડો થતાં બંનેએ નૌકાધિપતિનું (સરખેલ)પદ ખોયું અને મરાઠા કાફલો 1813 પછી નિષ્ક્રિય બની ગયો. 1818માં મરાઠા સત્તાનું પતન થતાં મરાઠા નૌકાસૈન્ય કાલની ગર્તામાં વિલીન થઈ ગયું.
શિવપ્રસાદ રાજગોર