આંગ્ર, ઝાં ઑગસ્ત ડૉમિનિક

January, 2002

આંગ્ર, ઝાં ઑગસ્ત ડૉમિનિક (Ingres, Jean Auguste Dominique) (જ. 1780; અ. 1867) : પ્રસિદ્ધ ફ્રેંચ ચિત્રકાર. તેની કલામાં રંગદર્શી અને નવપ્રશિષ્ટ – એમ બે પરસ્પરવિરોધી વલણોની સહોપસ્થિતિ જોવા મળે છે. પ્રસિદ્ધ ફ્રેંચ નવપ્રશિષ્ટ ચિત્રકાર જાક લુઈ દાવિદનો(Jacques Louis David) તે શિષ્ય, અને નેપોલિયોં બોનાપાર્તેનો તે પ્રખર સમર્થક હતો. તેના જીવનકાળમાં રંગદર્શી અને નવપ્રશિષ્ટ કલાકારો વચ્ચેનો ઝઘડો પરાકાષ્ઠાએ પહોંચ્યો હતો. રંગદર્શી ચિત્રકારોએ આંગ્રને નવપ્રશિષ્ટ ઠરાવેલો, કારણ કે આંગ્રનાં ચિત્રો રંગદર્શીઓના આદર્શ આરાધ્ય રૂબેન્સ કરતાં નવપ્રશિષ્ટોના આદર્શ પુસોં(Poussin)ની નજીક હતાં. (રૂબેન્સની કૃતિઓમાં રેખાઓના મુકાબલે રંગો પર અને પુસોંની કૃતિઓમાં રંગોના મુકાબલે રેખાઓ પર વધુ ઝોક જોવા મળે છે.) આંગ્રેએ પોતે પણ રંગો કરતાં રેખાઓ પર વધુ ઝોક આપેલો. તેની સૌથી મહત્ત્વની ચિત્રકૃતિ ‘ઑડેલિસ્ક’(ODALISQUE)માં પણ નગ્ન નવયૌવનાની ત્વચા અને માંસમજ્જાને મખમલી રીતે યૌન ઉદ્દીપકની(sensual) રીતે ન ચીતરતાં આરસપહાણમાં કોતરેલા શિલ્પ જેવી એકધારી લીસી સપાટીમાં ચીતરી છે અને આ જ કારણે તેની માનવઆકૃતિઓ રફાયેલ કરતાં પાર્મિજિયાનિનોની માનવઆકૃતિઓ સાથે સામ્ય ધરાવે છે.

આ ઉપરાંત આંગ્ર વ્યક્તિચિત્રમાં નિષ્ણાત હતો. પાત્રનું મનોગત અજબ કુશળતાથી જાણી લઈ તેના અંતરમાં પડેલી અસ્ફુટ ભાવલાગણીઓને તે ચહેરા પર સબળ રીતે સ્ફુટ કરી શકતો હતો.

અમિતાભ મડિયા