આંખ (Eye) : ઘણાં પ્રાણીઓમાં જોવા મળતું પ્રકાશ-સંવેદી અંગ. પ્રાણીઓ અને તેની આસપાસના પર્યાવરણ વચ્ચે સંવેદના (sensation) અને પ્રતિભાવ(response)ની આપલે સતત થતી જોવા મળે છે, જેમાં ર્દષ્ટિ અને તેનું અંગ આંખ મુખ્ય છે. આંખને ‘દર્શનેન્દ્રિય’ પણ કહે છે. ગર્ભવિકાસ દરમિયાન બાહ્ય સ્તરમાંથી ઉદભવતું આ સંવેદી અંગ સામાન્ય રીતે જોડ(pair)માં હોય છે. પરંતુ નીચલી કક્ષાનાં પ્રાણીઓ(ઉદા. યુગ્લીના)માં તે ટપકા સ્વરૂપે પણ હોય છે, જેને નેત્રબિન્દુ (eye-spot) કહે છે. માનવસહિત પૃષ્ઠવંશી પ્રાણીઓની આંખ સામાન્યપણે ગોળાકાર હોય છે. આ ગોળાકાર અંગની ગોઠવણી નેત્રગુહાની અંદર રક્ષણાત્મક રીતે થયેલી જોવા મળે છે. આંખની સમમિતિ (symmetry) ત્રિજ્યાવર્તી (radial) પ્રકારની કહી શકાય. તેની દીવાલ ત્રણ સ્પષ્ટ સ્તરોની બનેલી હોય છે; જેમાં સૌથી બહારનું પડ શ્વેતપટલ (sclera), વચ્ચે આવેલું મધ્યપટલ અથવા રક્તક પટલ (choroid) અને અંદરનું પડ નેત્રપટલ (ર્દષ્ટિપટલ, retina) તરીકે ઓળખાય છે. શ્વેતપટલ સંપૂર્ણ ગોળાકાર સ્વરૂપે આંખની ફરતે ગોઠવાયેલું હોય છે. શ્વેતપટલનો આગળનો ભાગ પારદર્શક હોય છે, જેથી તેને પારદર્શક પટલ (સ્વચ્છા, cornea) કહે છે. આ વ્યવસ્થાને કારણે પર્યાવરણમાંથી આવેલાં કિરણો આંખમાં પ્રવેશી શકે છે. મધ્યપટલ અને નેત્રપટલ(ર્દષ્ટિપટલ) અપૂર્ણ ગોળાકાર સ્વરૂપે આવેલાં હોય છે. મધ્યપટલને કાર્યની ર્દષ્ટિએ પોષક સ્તર પણ કહી શકાય, જ્યારે પ્રકાશનાં કિરણ પ્રતિ સંવેદનશીલ પટલ તરીકેનું કાર્ય માત્ર ર્દષ્ટિપટલ દ્વારા જ થાય છે. તેમાં બે પ્રકારના સંવેદી કોશો આવેલા હોય છે : પ્રકાશગ્રાહી દંડકોશો (rod cells) અને રંગગ્રાહી શંકુકોશો (cone cells). કંઈક અંશે અગ્ર બાજુએ આવેલા નેત્રમણિ (lens) દ્વારા આંખના બે ભાગ પડે છે. નેત્રમણિની આગળના ભાગને અગ્રખંડ કહે છે. તેમાં તરલ રસ (aqueous humor) નામનું પ્રવાહી હોય છે. નેત્રમણિની પાછળ પશ્ચખંડ હોય છે, જેમાં કાચરસ (vitreous humor) હોય છે. આ ઉપરાંત નેત્રમણિ સાથે જોડાયેલ પક્ષ્મલ (ciliary) સ્નાયુઓની અસર હેઠળ નેત્રમણિની વક્રતા(curvature)માં ફેરફાર થવાથી આંખમાં પ્રવેશેલાં કિરણોને આંખના કેન્દ્રગર્ત (fovea centralis, macula lutea) પર કેન્દ્રિત કરી શકાય છે. પારદર્શક પટલની પાછળ સ્નાયુઓનો બનેલો એક પડદો કનીનિકા (iris) હોય છે. તેની મધ્યમાં એક ખુલ્લું દ્વાર-નેત્રદ્વાર-કીકી (pupil) હોય છે. સ્નાયુઓને લીધે આ દ્વાર પહોળું અથવા સાંકડું બને છે. તેનાથી આંખમાં પ્રવેશતાં કિરણોનું નિયમન થઈ શકે છે (સરખાવો કૅમેરાનો ડાયાફ્રામ). કેન્દ્રગર્ત પાસે મુખ્યત્વે દંડકોષો આવેલા હોય છે. આ કોષો ઉત્તેજિત થવાથી ઉત્પન્ન થયેલી સંવેદનાના આવેગો ર્દષ્ટિચેતા (optic nerve) દ્વારા મગજમાં આવેલાં કેન્દ્રોને પહોંચાડવામાં આવે છે.
પૃષ્ઠવંશી પ્રાણીઓમાં વસવાટ અને આદતને અનુલક્ષીને આંખની રચના, સ્થાન તેમજ કાર્યપદ્ધતિમાં થોડા ફેરફારો જોવા મળે છે. ઘણાં પ્રાણીઓમાં આંખનું સ્થાન મસ્તકની અગ્ર બાજુએ હોય છે, તો કેટલાંકમાં પાર્શ્વ બાજુએ (ઉદા. કાનમુસી : hammer-headed shark). તાપમાં રહેનારાં પ્રાણીઓની આંખ સુવિકસિત જોવા મળે છે, જ્યારે અંધકારમાં રહેનારાં કે નિશાચર (nocturnal) પ્રાણીઓમાં આંખ અલ્પવિકસિત રહે છે. એ રીતે દિવાચર અને નિશાચર પ્રાણીઓની આંખની રચના તેમજ કાર્યક્ષમતા જુદી પડે છે. નિશાચર પ્રાણીઓની આંખ કદમાં મોટી તેમજ તેના નેત્રપટલમાં દંડકોષો વધારે સંખ્યામાં આવેલા હોય છે. સૌથી વધુ દૂર સુધી જોવા માટેની ર્દષ્ટિ ખાસ કરીને બાજ, ગીધ વગેરે પક્ષીઓમાં હોય છે. વાનર, અપુચ્છ વાનર (ગોરીલા, ચિમ્પાન્ઝી વગેરે) કે મનુષ્ય જેવાં અંગુષ્ઠધારી (primates) પ્રાણીઓમાં દ્વિનેત્ર (binocular) ત્રિપરિમાણ (three dimensional) પ્રકારની ર્દષ્ટિ વિકસી છે, જે તેમનું મહત્વ વધારનાર અંગ છે.
ભ્રમર, પોપચાં (eye-lids), પાંપણ, અશ્રુગ્રંથિ, અશ્રુનલિકાઓ, અશ્રુનલી, અશ્રુકોશા (lacrimal sac) તથા નેત્રકલા (conjunctiva) માનવ-આંખની આસપાસ આવેલાં તેનાં અગત્યનાં ઉપાંગો છે.
નેત્રકલા, તે પોપચાંની અંદરની બાજુનું તથા બે પોપચાં વચ્ચેની નેત્રફાડ(palpebral fissure)માં દેખાતા શ્વેતપટલની બહારની બાજુનું આવરણ છે. નેત્રકલાના આ આવરણથી બનતી કોથળી(નેત્રકલાકોશા, conjunctivalsac)માં અશ્રુગ્રંથિમાં ઉત્પન્ન થતું પ્રવાહી (અશ્રુ) 6થી 12 અશ્રુનલિકાઓ દ્વારા સતત ઝમે છે. પોપચાંની ઉઘાડબંધ અશ્રુને સમગ્ર નેત્રકલાકોશાની અંદર ફેરવીને અશ્રુનલી દ્વારા નેત્રગુહાના નાક તરફના ભાગમાં આવેલી અશ્રુકોશામાં ઠાલવે છે. અશ્રુકોશામાંનું પ્રવાહી નાસાશ્રુકોશાનલી (nasolacrimal duct) દ્વારા નાકમાં વહી જાય છે. પોપચાંમાંની મીબોમિયન (meibomian) ગ્રંથિમાં ગાંઠ કે કોષ્ઠ (cyst) થાય ત્યારે તેને કેલેઝિયૉન (chalazion) કહે છે. પાંપણોના વાળના મૂળમાં આવેલી ઝીસ(zeis)ની ચર્મતેલ(sebum) ઉત્પન્ન કરતી ગ્રંથિઓના ચેપને આંજણી (stye) કહે છે. અશ્રુકોશાના ચેપને નાસૂર અથવા અશ્રુકોશાશોથ (acrocystitis) કહે છે. નેત્રકલાના ચેપજન્ય સોજા વખતે નેત્રફાડ લાલ થઈ જાય તેને આંખ આવવી અથવા નેત્રકલાશોથ(conjunctivitis) કહે છે. અશ્રુસ્રાવમાં ક્ષાર, થોડું શ્લેષ્મ અને જીવાણુનાશક વિલયનકારી ઉત્સેચક (lysozyme) હોય છે. તે આંખના ડોળાને પલાળે છે, લીસો રાખે છે અને જીવાણુથી સુરક્ષિત રાખે છે. પારદર્શક સ્વચ્છામાં રોગ કે ઈજાને કારણે અપારદર્શકતા આવે તો સ્વચ્છાનિરોપણ-(keratoplasty)ની શસ્ત્રક્રિયા કરીને ર્દષ્ટિ પાછી લાવી શકાય છે. આ ચક્ષુદાન કે નેત્રદાન તરીકે જાણીતી પ્રક્રિયા છે.
નેત્રમણિ જ્યારે અપારદર્શક બને ત્યારે મોતિયો (નેત્રમૌક્તિ, cataract) આવ્યો તેમ કહેવાય છે. મોતિયાની શસ્ત્રક્રિયામાં ઘણો વિકાસ થયો છે. હાલ નેત્રમણિના આવરણની અંદર નેત્રમણિના અપારદર્શક થયેલા દ્રવ્યને નિલંબિત કરાયા પછી મૂળ નાના છિદ્ર દ્વારા બહાર કાઢી શકાય છે અને તેને સ્થાને કૃત્રિમ મણિ મૂકી શકાય છે. અગ્રખંડમાં આવેલ તરલ રસનું ઉત્પાદન વધે અથવા તેનું અવશોષણ ઘટે ત્યારે આંખના ડોળાની અંદર તણાવ વધે છે, તેને ઝામર (glaucoma) કહે છે. ર્દષ્ટિપટલ ક્યારેક તૂટીને છૂટો પડે છે (ર્દષ્ટિપટલ, ઉન્મૂલન detachment of retina). આની સારવાર શસ્ત્રક્રિયા વડે કે લેઝર કિરણ વડે કરાય છે.
બહારથી આવતા પ્રકાશનાં કિરણોના વક્રીભવન દ્વારા તેમને ર્દષ્ટિપટલના કેન્દ્રગર્ત નામના ભાગમાં આવેલા ર્દષ્ટિબિન્દુ (maccula) પર પાડવા માટે પારદર્શકપટલ, નેત્રમણિ તથા આંખની અંદરનાં પ્રવાહીઓ ઉપયોગી બને છે. આંખના ડોળાનો, પારદર્શકપટલનો અથવા નેત્રમણિનો આકાર સુડોળ ન હોય ત્યારે ર્દષ્ટિપટલ પર અસ્પષ્ટ પ્રતિબિંબ પડે છે, આને ટૂંકી કે લાંબી ર્દષ્ટિની ખામી, પારદર્શકપટલ કે નેત્રમણિની અસમતલતા (astigmatism) કહે છે. પાસેની વસ્તુ સ્પષ્ટ જોવા માટે નેત્રમણિની વક્રતામાં ફેરફાર કરવો પડે છે. ઉંમર વધતાં આ કાર્યમાં શિથિલતા આવે છે તેથી પાસેની વસ્તુ જોવામાં તકલીફ પડે છે. આને ‘બેતાળાં’ (presbyopia) કહે છે. આ બધી જ પ્રકાશના વક્રીભવન-સંબંધિત તકલીફો માટે ચશ્માં ઉપયોગી નીવડે છે. આંખના પારદર્શકપટલ પર મૂકી શકાય તેવા સ્પર્શકાચ (contact-lens) પણ મળે છે. દૂર જોવાની તકલીફની સારવારમાં પારદર્શક પટલ પર કાપા મૂકવાની શસ્ત્રક્રિયા વિકસી છે. તેના લાભાલાભ વિશે હજુ ચોક્કસ નિર્ણય થવો બાકી છે.
ર્દષ્ટિપટલ પરના શંકુ અને દંડ (સળી) આકારના કોષો વિવિધ આવૃત્તિવાળાં કિરણોથી ઉત્તેજિત થાય છે અને તે ર્દષ્ટિચેતા દ્વારા, વિવિધ ચેતાકોષપુંજોમાં અને મગજના ર્દષ્ટિકેન્દ્રમાં ચેતા-આવેગોને પહોંચાડે છે. ર્દષ્ટિપથના વિવિધ રોગોમાં વિવિધ પ્રકારના આંશિક અંધાપાનાં ચિહનો પેદા થાય છે (જુઓ અંધાપો.).
શિલીન નં. શુક્લ
ઉપેન્દ્ર રાવળ