આંખ આવવી (conjunctivitis) : ચેપ અથવા ઍલર્જીના કારણે આંખનો સોજો અને રતાશ. શાસ્ત્રીય રીતે તેને નેત્રકલાશોથ કહે છે. પાંપણની અંદરની સપાટી અને આંખની સ્વચ્છા (cornea) સિવાયના બહારથી દેખાતા ભાગના આવરણને નેત્રકલા (conjunctiva) કહે છે (જુઓ આંખ, આકૃતિ 1 અને 2.). તેના લાલ રંગના પીડાકારક સોજાને નેત્રકલાશોથ કહે છે. આંખ લાલ થવી, તેમાંથી પાણી નીકળવું, પીયા અથવા ચીપડા નીકળવા, પાંપણનો સોજો થઈ આવવો, દુખાવો થવો, આંખમાં ખૂંચવું વગેરે આ રોગનાં મુખ્ય લક્ષણો છે. નેત્રકલાશોથ મુખ્ય બે પ્રકારના હોય છે : ચેપજન્ય (infective) અને વિષમોર્જાજન્ય (callergio).

Blausen_0013_AllergicConjunctivitis

ઍલર્જીના કારણે આંખનો સોજો અને રતાશ

સૌ. "Blausen 0013 AllergicConjunctivitis" | CC BY 3.0

(1) ઉગ્ર (acute) ચેપ સામાન્ય રીતે વિષાણુ (virus) અને જીવાણુ(bacteria)થી થાય છે. સંસર્ગજન્ય (contageous) હોવાને કારણે તે ઝડપથી ફેલાય છે. એક આંખથી બીજી આંખમાં અને એક દર્દીથી બીજા દર્દી સુધી હાથ, આંગળીઓ, રૂમાલ, ટુવાલ, કાજળ આંજવાની સળી વગેરે દ્વારા તે ફેલાય છે. ત્રણચાર દિવસમાં તે એકદમ વધી જાય છે. વિષાણુજન્ય ચેપ ઘણી વખત રોગચાળા(વાવર, epidemic)ના રૂપમાં પણ જોવા મળે છે તેમાં ક્યારેક નેત્રકલા નીચે લોહી જામે છે. સામાન્ય રીતે તે એક અઠવાડિયામાં કોઈ પણ નુકસાન વગર મટી જાય છે. જૂજ કિસ્સામાં આખી આંખ કે મગજમાં ચેપજન્ય તકલીફો ઊભી કરે છે. વિષાણુજ ચેપની સારવાર માટે કોઈ વિશિષ્ટ ઔષધ શોધાયું નથી, પરંતુ જીવાણુથી ચેપ ન લાગી જાય માટે ઍન્ટિબાયૉટિક દવાનાં ટીપાં નાખવામાં આવે છે. (‘હર્પિસ ઝોસ્ટર’ વિષાણુથી થતા નેત્રકલાશોથની સારવારની માહિતી અન્યત્ર આપી છે. જુઓ અછબડા.) નવજાત શિશુમાં થતો નેત્રવિકાર (ophthalmia neonatorum), જન્મ વખતે મળેલો પરમિયાના જીવાણુ(gonoco-cci)થી થતો નેત્રકલાશોથ છે. ઍન્ટિબાયૉટિક ઔષધો શોધાયાં તે પહેલાં આ રોગથી 50 % દર્દીઓ ર્દષ્ટિ ગુમાવતા હતા. નવજાત શિશુમાં આંસુ બનતાં નથી માટે તે સમયે આંખમાંથી પાણી નીકળે તો તેની તાત્કાલિક સારવાર કરાવવી હિતાવહ ગણાય છે. પરમિયાના નેત્રકલાશોથમાં સ્વચ્છા પર ચાંદું અને ક્યારેક કાણું પડી જાય છે, જેને કારણે લાંબે ગાળે મોતિયો અથવા ઝામર (glaucoma) થઈ જાય છે અથવા આંખની અંદર ચેપ પ્રવેશે છે. સ્વચ્છા અપારદર્શક થઈ જાય તો અંધાપો આવે છે. ડિફથેરિયાના દર્દીમાં આંખમાંથી નીકળતી રસી પોપડો બનાવે છે. આને કલામય નેત્રકલાશોથ (membranous conjunctivitis) કહે છે. રોગ મટ્યા પછી પણ પાંપણ આંખના ડોળા સાથે ચોંટી જાય છે, તેથી આંખ ખોલવામાં કે ડોળો ફેરવવામાં તકલીફ પડે છે. આને બદ્ધપક્ષ્મતા (symblepharon) કહે છે. આ બધા રોગોમાં આંખને વારંવાર હૂંફાળા પાણી વડે ધોવાથી વિષાણુ, જીવાણુ અને પરુ ધોવાઈ જાય છે. શેકથી લોહીનું સ્થાનિક ભ્રમણ વધવાથી રોગપ્રતિકારકતા વધે છે. સાથે સાથે ઍન્ટિબાયૉટિક દવાનાં ટીપાં કલાકે કલાકે નાખવામાં આવે છે. આંખ અંજાઈ ન જાય માટે રંગીન ચશ્માં (goggles) પહેરવાનું સલાહભર્યું રહે છે. આંખને પાટો બાંધી બંધ રાખવી તેમાં જોખમ છે. સ્વચ્છા પરના ચાંદાની સારવાર નિષ્ણાત જ સારી રીતે કરી શકે છે.

(2) દીર્ઘકાલીન (chronic) નેત્રકલાશોથ ધીરે ધીરે થાય છે અને લાંબા ગાળા સુધી ચાલે છે. તેનાં ઘણાં કારણો છે; દા.ત., નેત્રખીલ (trachoma), ઉપદંશ (syphilis) અને વિષાણુજ ચેપ. આંખમાં લાંબો સમય કચરો કે ધૂળ પડે, ધુમાડો કે પવન જાય અથવા દર્દી મોડે સુધી જાગે, દારૂ કે સિગારેટ પીએ કે તેને માથામાં ખોડો થાય કે સતત શરદી રહે તોપણ આ વિકાર થઈ આવે છે. ચશ્માંની જરૂર છતાં ન પહેરવામાં આવે કે પાંપણના વાળ ડોળા પર ઘસાયા કરે તોપણ આ તકલીફ થાય છે. ભારતમાં નેત્રખીલના દર્દીઓ ઘણા જોવા મળે છે. એક સમયે તે ઇજિપ્તના નેત્રરોગ(Egyptian ophthalmia)ને નામે ઓળખાતો હતો. આ ખૂબ સંક્રામક (ચેપી) રોગ ધૂળવાળી, સૂકી તથા ગરમ આબોહવામાં જોવા મળે છે. દુનિયામાં ઘણાં સ્થળે તે સ્થાયી રૂપે (endemic) જોવા મળે છે; દા.ત., ભારત, ઇજિપ્ત, ઈરાન, ચીન, જાપાન, ઇન્ડોનેશિયા, મધ્ય આફ્રિકા, દક્ષિણ અમેરિકા વગેરે. ભારતમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર, ઉત્તરપ્રદેશ, પંજાબ, હરિયાણા, બંગાળ અને ઓરિસાના કેટલાક ભાગોમાં તે વ્યાપક પ્રમાણમાં દેખા દે છે. બીજા કોઈ પણ રોગ કરતાં આ રોગથી થતા અંધાપાનું પ્રમાણ વધુ છે. તેનું ઉગ્ર સ્વરૂપ ઘણું ચેપી છે. તેની જો યોગ્ય સારવાર ન કરવામાં આવે તો કેટલીક આનુષંગિક તકલીફો (complications) થઈ આવે છે : (ક) પાંપણના વાળ અંદરની બાજુ વળી જવા તે, જેને પરવાળાં (trichiasis entropion) કહે છે. (ખ) સ્વચ્છા પર સફેદ છારી (ફૂલું) વળી જવી તે, જેના કારણે અંધાપો આવે છે. (ગ) આંસુ સુકાઈ જવાં તે, જેના કારણે આંખ સૂકી થઈ જાય છે. નેત્રખીલ મોટા વિષાણુથી થતો રોગ છે. સલ્ફોનેમાઇડ અને ટ્રેટાસાઇક્લીન ઔષધોનાં ટીપાં અને મલમનો યોગ્ય સમય સુધી ઉપયોગ કરવાથી તેના પર નિયંત્રણ લાવી શકાય છે. જો આંખમાં ખીલની કાંકરીઓ બને અને સ્વચ્છા પર ફૂલાં પડે તો તેના ઉપચારમાં શસ્ત્રક્રિયા જરૂરી બને છે.

(3) વિષમોર્જાજન્ય (callergic) નેત્રકલાશોથ વિવિધ કારણે થાય છે : (ક) આંખની આસપાસ લગાવાતાં દવા અને સૌંદર્ય-પ્રસાધનોની ઍલર્જી હોય તો તેનો ઉપયોગ અટકાવવાથી તકલીફ મટે છે. (ખ) અપૂરતા પોષણવાળા બાળકમાં વારંવાર કાકડા કે ગળાનો ચેપ અથવા ક્ષયની બીમારી થાય ત્યારે ક્યારેક સ્વચ્છાની પાસે નાની ફોલ્લી થાય છે અને તેની આસપાસની લોહીની નસો ફૂલેલી દેખાય છે. પ્રકાશમાં અંજાઈ જવું, આંખમાં ખૂંચવું કે તેમાંથી પાણી નીકળવું એ તેનાં લક્ષણો છે. પૂરતું પોષણ, ચેપ અને ક્ષયનો ઇલાજ અને સ્ટીરૉઇડ્ઝનાં ટીપાં અને/અથવા મલમ આરામદાયક બની રહે છે. (ગ) દર વર્ષે વસંત ઋતુમાં આંખમાં ચળ આવવી, આંખમાંથી પાણી આવવું, રેસા જેવો પદાર્થ નીકળવો, પાંપણની અંદરના ભાગમાં તથા સ્વચ્છા પાસે ફોલ્લી થઈ આવવી વગેરે ત્રીજા પ્રકારનાં ઍલર્જિક વિકારનાં લક્ષણો છે. સ્ટીરૉઇડ્ઝનાં ટીપાં અને મલમ તથા અન્ય ઔષધો તેની સારવાર રૂપે અપાય છે. સ્ટીરૉઇડના લાંબા સમયના ઉપયોગને કારણે આંખમાં વહેલો મોતિયો આવે છે. તેથી તેના બદલે હાલ, જરૂર પડ્યે તે કિસ્સામાં, કિટોરોલનાં ટીપાંનો ઉપયોગ કરાય છે.

શિલીન નં. શુક્લ

નીતિન ત્રિવેદી