અહમદી, . એેમ. (જ. 25 માર્ચ 1932, સૂરત) : ભારતની સર્વોચ્ચ અદાલતના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ. તેમના કાર્યકાળ દરમિયાન ન્યાયિક સક્રિયતા સચવાઈ અને દેશની અદાલતોમાં કમ્પ્યૂટરયુગનો પ્રારંભ થયો. પિતા એમ. આઈ. અહમદી અવિભક્ત મુંબઈ રાજ્યમાં સીનિયર ડિવિઝન સિવિલ જજ હોવાથી તેમની બદલીઓના કારણે મુંબઈ રાજ્યના જુદા જુદા નગરોમાં તેમણે શાળાકીય શિક્ષણ લીધું. ગુજરાત કૉલેજમાંથી ઇન્ટર આર્ટ્સની પરીક્ષા પસાર કર્યા પછી અમદાવાદની સર એલ. એ. શાહ લૉ કૉલેજમાંથી અને સૂરતની સાર્વજનિક લૉ કૉલેજમાંથી એલએલ.બી.ની પરીક્ષાઓ પસાર કરી.

જૂન 1954માં અમદાવાદની જિલ્લા અદાલતમાં તેમણે વકીલાત શરૂ કરી. 196061માં જિલ્લા સરકારી વકીલની કચેરીમાં લેવાયા અને 1961માં અમદાવાદમાં સિટી સિવિલ અને સેશન્સ કૉર્ટની સ્થાપના થતાં એ કૉર્ટમાં સરકારી વકીલ નિમાયા. ૩૦ માર્ચ 1964ના રોજ સિટી સિવિલ અને સેશન્સ કૉર્ટના ન્યાયાધીશ તરીકે નિમાયા. જૂન 1974થી ડિસેમ્બર 1975 સુધી કાયદા વિભાગના સચિવ તરીકે કામગીરી કરી. 2 સપ્ટેમ્બર 1976ના રોજ ગુજરાતની વડી અદાલતના ન્યાયમૂર્તિ નિમાયા.

સિટી સિવિલ કૉર્ટ અને વડી અદાલતના ન્યાયમૂર્તિ તરીકે કાયદાના ઊંડા અભ્યાસ સાથે વ્યાવહારિક વિવેકબુદ્ધિનો સુમેળ સાધ્યો. બંધારણ, કરવેરા, આબકારી અને કસ્ટમ, મજૂર-કાયદા, ઉદ્યોગો અને નોકરી અંગેના કેસોમાં એમના શકવર્તી ચુકાદા પ્રસિદ્ધ થયેલા છે. દરમિયાન દાણચોરોની અને કાળાબજારિયાઓની અટકાયત અંગેનાં સલાહકાર મંડળોમાં અધ્યક્ષ તરીકે પણ સેવાઓ આપી. તદુપરાંત ગુજરાત રાજ્યના ત્રીજા પગારપંચના અધ્યક્ષ તરીકે તેમજ રાવી-બિયાસ જલવિવાદ પંચના સભ્ય તરીકે પણ કામ કર્યું.

14 ડિસેમ્બર 1988ના રોજ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ નિમાયા. 1989માં સુપ્રીમ કૉર્ટ લીગલ એઇડ કમિટીના અધ્યક્ષ તરીકે નિમાયા. ૨૫ ઑક્ટોબર 1994ના રોજ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ નિમાયા. વૈકલ્પિક તકરાર-નિવારણના પુરસ્કર્તા અને ભારતની અદાલતોમાં ઝડપી ન્યાયવિતરણ માટે કમ્પ્યૂટરયુગ લાવનાર ન્યાયમૂર્તિ તરીકે વિખ્યાત થયા. 24 માર્ચ 1997ના રોજ તેઓ નિવૃત્ત થયા.

વિશ્વવિદ્યાલયીન સિદ્ધિઓ : ભારતની છ યુનિવર્સિટીઓ તરફથી નીચે મુજબ ડૉક્ટરેટ (Honoris Causo) એનાયત થઈ છે : યુનિવર્સિટી ઑવ્ કુરુક્ષેત્ર (27 ફેબ્રુઆરી 1994), મહર્ષિ દયાનંદ યુનિવર્સિટી, રોહતટક (26 માર્ચ 1995), યુનિવર્સિટી ઑફ કાનપુર (7 એપ્રિલ 1995), સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર (15 ડિસેમ્બર 1996), યુનિવર્સિટી ઑવ્ સાયન્સ ઍન્ડ ટૅકનૉલોજી, કોચીન (1 ફેબ્રુ. 1997), અને ડૉ. ભીમરાવ આંબેડકર યુનિવર્સિટી, આગ્રા (જૂની આગ્રા યુનિવર્સિટી) (8 જૂન 1997). તેઓ અમેરિકન Inn of Lawsના સભ્ય તરીકે નિમાયા તેમજ લંડનની મિડલ ટેમ્પલ ઇનના ઑનરરી માસ્ટર બેન્ચર તરીકે તા. 11 જૂન 1996ના રોજ નિયુક્ત થયા.

ચિનુપ્રસાદ વૈ. જાની