અહમેવવાદ (solipsism) : નૈતિકતાનાં ધોરણ, વાસ્તવિક અસ્તિત્વ અને જ્ઞાનની નિશ્ચિતતાની દૃષ્ટિએ સ્વત્વને જ અગ્રિમતા આપતો અભિગમ. નૈતિક ક્ષેત્રમાં અહમવાદ (egoism) એ અહમેવવાદનું એક સ્વરૂપ ગણાય, કારણ કે સ્વાર્થવાદમાં દરેક વ્યક્તિના પોતાના સુખ કે હિતને જ મૂલ્યાંકનના ધોરણ તરીકે સ્વીકારવામાં આવે છે. જોકે, નૈતિક ક્ષેત્રના આ પ્રકારના અહમેવવાદમાં અન્ય વ્યક્તિના અસ્તિત્વનો નિષેધ થતો નથી. ખરેખર તો અન્ય વ્યક્તિની સત્તા માન્યા વગર દરેક વ્યક્તિએ સ્વ-સુખ માટે જ વર્તવું જોઈએ એવું ધોરણ પણ સ્થાપી શકાય નહિ.

નૈતિક કરતાં તાત્વિક અહમેવવાદ(metaphysical solipsism)નું વધુ ઉગ્ર સ્વરૂપ છે, કારણ કે તેમાં માનનારા ચિંતકનું સ્પષ્ટ પ્રતિપાદન એ છે કે પોતાનું સ્વતત્વ એ જ સદવસ્તુ કે વાસ્તવિક (real) તત્વ છે અને બીજું કશું અસ્તિત્વમાં જ નથી. પ્રથમ દૃષ્ટિએ તો આ પ્રકારનો અભિગમ અર્થહીન લાગે છે, કારણ કે વાસ્તવિક સત્તા તરીકે પોતાની જ સત્તા (reality) સ્વીકારનાર ચિંતક બીજા કોઈનું અસ્તિત્વ સત્ય ન હોય તો પછી કોની આગળ પોતાનો સિદ્ધાંત રજૂ કરે છે તે પ્રશ્ન રહે છે; પરંતુ આવો અભિગમ સ્પષ્ટ રીતે કોઈ ફિલસૂફ ન સ્વીકારે તોપણ ઘણા તત્વચિંતકોના પોતાના સત્તા અને જ્ઞાન વિશેના અભિગમો જ એવા પ્રકારના હોય છે કે તેના તાત્વિક ફલિતાર્થો અહમેવવાદ તરફ તેમને દોરી જાય. આધુનિક પશ્ચિમી તત્વચિંતનમાં ડેકાર્ટ, લૉક, બર્કલી, હ્યૂમ વગેરેના તેમજ સમકાલીન તત્વચિંતનમાં તાર્કિક પ્રત્યક્ષવાદના ચિંતનમાં કેટલીક સ્વીકૃતિઓ એવી છે, જેનું પરિણામ અહમેવવાદમાં આવે; તેથી જ ચિંતકો તેમાંથી ઊગરી જવા સારુ બીજી ધારણાઓ કરે છે; દા.ત., ડેકાર્ટ કે બર્કલી ઈશ્વરની ધારણા કરીને પોતાના અભિગમમાં અહમેવવાદથી ઊગરી જાય છે.

તાત્વિક અહમેવવાદની સમીક્ષામાં એમ દલીલ કરવામાં આવી છે કે આવો અભિગમ આંતરિક રીતે જ સુસંગત નથી, તેથી બુદ્ધિગ્રાહ્ય બનતો નથી, કારણ કે તેને જ આધારવિધાનોમાંથી ફલિતવિધાન તરીકે તારવવામાં આવે તે આધારવિધાનો જ બીજી વ્યક્તિના અસ્તિત્વના જ્ઞાન અંગેની પૂર્વધારણાઓ રજૂ કરે છે. આમ અહમેવવાદ પોતે જ તાર્કિક દૃષ્ટિએ સુસંગતતાથી સ્થાપી શકાતો નથી, કારણ કે તેનો સિદ્ધાંત પોતે જ પરસ્પરવિરોધી વિધાનોનો સમાવેશ કરે છે; એટલે કે અહમેવવાદ અસત્ય હોય તો અને તો જ તે બુદ્ધિગમ્ય બને છે અને અર્થવિહીન હોય તો અને તો જ સત્ય ગણી શકાય છે.

આ ઉપરાંત ‘જે છે તે હું જ છું, બીજાં બધાં માત્ર મારાં માનસિક પ્રક્ષેપણો જ છે’ તેવી અહમેવવાદની રજૂઆત ભાષા અંગેની કેટલીક મુશ્કેલીઓ પણ સર્જે છે. ભાષામાં શબ્દોના જે અર્થો છે તે અહમેવવાદ અસત્ય હોય તો જ સમજી શકાય છે. અહમેવવાદને રજૂ કરવા તદ્દન નવી ભાષા ઉપજાવવામાં આવે તોપણ પ્રશ્નો ઊભા થાય છે, કારણ કે આવી ભાષા બીજાને બુદ્ધિગમ્ય બનાવવાની પ્રવૃત્તિ જ અહમેવવાદની પોતાની દૃષ્ટિએ મિથ્યા છે !

તાત્વિક ક્ષેત્રે અહમેવવાદ સ્વીકાર્ય ન બને તે દેખીતું છે, પરંતુ ઘણા ફિલસૂફોએ જ્ઞાનક્ષેત્રમાં એવો દાવો કર્યો છે કે અન્ય કોઈ પણ વસ્તુના અસ્તિત્વના જ્ઞાનનો આધાર દરેક વ્યક્તિના અવ્યવહિત અનુભવમાં જ છે, તેથી સ્વતત્વ સિવાય અન્ય કોઈનું અસ્તિત્વ કેવળ અનુમાનનો વિષય જ ગણાય. માત્ર સ્વનું જ નિશ્ચિત જ્ઞાન મળી શકે. એટલે જ્ઞાનમીમાંસાને લગતા અહમેવવાદ પ્રમાણે તો વ્યક્તિનો પોતાનો સ્વ અને તેની અવસ્થાઓ જ જ્ઞાનનો યથાર્થ વિષય છે. આ મતમાં પદ્ધતિમૂલક અહમેવવાદ જણાય છે, કેમ કે જ્ઞાનનું વિશ્લેષણ કરવા પૂરતો જ અહમેવવાદ સ્વીકારીને ચાલીએ તો વાંધો નથી તેમ માની લેવામાં આવે છે; પરંતુ ખરેખર અહીં પણ ઘણીબધી વૈચારિક મુશ્કેલીઓ ઊભી થાય છે; દા. ત., જો જ્ઞાન માત્ર વ્યક્તિની પોતાની ચેતનાવસ્થાઓ પૂરતું જ સીમિત હોય તો પછી બાહ્ય વસ્તુના અસ્તિત્વને કેવી રીતે માની શકાય? તે જ પ્રમાણે અન્ય વ્યક્તિના અસ્તિત્વની સાબિતીના પ્રશ્નો પણ ઉદભવે છે.

બાહ્ય અર્થ(object)ને માનવાનો પ્રશ્ન તેમજ ‘પર’ના મનના અસ્તિત્વની સમસ્યા (the problem of other minds) જ્ઞાનમીમાંસાકીય અહમેવવાદને લીધે વીસમી સદીના તાર્કિક પ્રત્યક્ષવાદી અભિગમમાં ઉદભવે છે. અસ્તિત્વવાદમાં આવા પ્રશ્નો ઊઠતા નથી, કારણ કે ‘મનુષ્યના-જગતમાં-હોવાપણા’થી જ તેઓ તેમનું ચિંતન શરૂ કરે છે.

આમ, અહમેવવાદને એક વાદ તરીકે સ્થાપવાનો ફિલસૂફીમાં ભાગ્યે જ કોઈને ઉત્સાહ છે, પણ ફિલસૂફોની કેટલીક સ્વીકૃતિઓ તેમને કઈ રીતે તેના તરફ દોરી જાય છે અને તેમાંથી ઊગરી જવા ફિલસૂફો કયા પ્રયત્ન કરે છે તેનો અભ્યાસ બૌદ્ધિક રીતે રસપ્રદ બને છે.

મધુસૂદન બક્ષી