અહમદાબાદી, અબ્દુલકરીમ ‘કલીમ’

January, 2001

અહમદાબાદી, અબ્દુલકરીમકલીમ (જ. 1882; અ. ?) : અર્વાચીન ઉર્દૂ કવિ. મૂળ નામ અબ્દુલકરીમ હતું. ઉપનામ કલીમ. અમદાવાદની કુરૈશ બિરાદરીમાં જન્મ. તેઓ ખાસ બજાર ત્રણ દરવાજા પાસે ઉર્દૂ-ગુજરાતી સામયિકો તેમજ પુસ્તકોની દુકાન ધરાવતા હતા. ઈ. સ. 1911થી તેમણે શાયરી લખવાની શરૂઆત કરી હતી. તેમણે કાવ્યજ્ઞાન, ગાલિબના વંશજ અને મહાન શાયર અઝીઝ સુરતી પાસેથી પ્રાપ્ત કર્યું હતું. તેઓ ઉર્દૂ-ગુજરાતી બંને ભાષાઓ ઉપર પ્રભુત્વ ધરાવતા હતા અને બંને ભાષાઓમાં કાવ્યો રચતા હતા. તેમણે પયગંબરસાહેબ વિશે પ્રશંસાકાવ્યો રચ્યાં છે. મૂળથી જ એમનું વલણ સૂફીવાદ તરફ હતું એટલા માટે તેઓ એકાન્તવાસ વધારે પસંદ કરતા. કલીમસાહેબે ઉર્દૂના મશહૂર ગ્રંથ ‘તિલિસ્મે ઐશરુબા’નું ગુજરાતીમાં રૂપાંતર કર્યું છે. એવી જ રીતે જગવિખ્યાત નાટ્યલેખક આગા હશ્રનાં કેટલાંક નાટકોનો ગુજરાતીમાં અનુવાદ કરેલો છે. તેમની ઉર્દૂ કૃતિઓમાં ‘ગુલઝારે તયબાહ’ અને ઉર્દૂ કાવ્યસંગ્રહ ‘મતાએ કલીમ’ પ્રગટ થયેલા છે.

સજ્જાદ કુરેશી