અહમદનગર (શહેર) : મહારાષ્ટ્રમાં આવેલું ઐતિહાસિક મુસ્લિમ રાજ્ય અને શહેર. અહમદનગર 190 5´ ઉત્તર અક્ષાંશ અને 740 44´ પૂર્વ રેખાંશ પર આવેલું મધ્યકાલીન નગર છે. તે મુંબઈથી જમીનમાર્ગે 288 કિમી. પૂર્વમાં તથા પુણેથી 112 કિમી. દૂર ઈશાનમાં આવેલું છે. અહમદનગરનો કિલ્લો જોવાલાયક છે. નગરની વસ્તી 3,50,859 (2011).
દખ્ખણમાં આવેલી બહમની સલ્તનત પંદરમી સદીમાં નબળી પડતાં તેના શક્તિશાળી સૂબાઓ સ્વતંત્ર થયા. ઈ. સ. 149૦માં જુન્નરનો સૂબો મલિક અહમદ સ્વતંત્ર થઈ ગયો અને લશ્કરી દૃષ્ટિએ વ્યૂહાત્મક સ્થળે, પોતાના નામ ઉપરથી અહમદનગર શહેર વસાવીને ત્યાં રાજધાની ફેરવી. તેના પિતાના નામ નિઝામ-ઉલ-મુલ્ક બહરી ઉપરથી તેનો રાજવંશ ‘નિઝામશાહી’ કહેવાયો.
ઈ. સ. 1508માં મલિક અહમદના મૃત્યુ પછી તેનો પુત્ર બુરહાન નિઝામશાહ ગાદીએ આવ્યો. તેના 45 વર્ષના લાંબા શાસનકાળ દરમિયાન અહમદનગરને પડોશી બીજાપુર અને ગોળકોંડા જેવાં મુસ્લિમ રાજ્યો, તથા વિજયનગરનાં હિંદુ રાજ્ય સાથે યુદ્ધો થયાં કર્યાં. તેના પુત્ર હુસેન નિઝામશાહે ઈ. સ. 1565માં વિજયનગર સામેના મુસ્લિમ સંઘમાં જોડાઈને વિજયનગરનો નાશ કરવામાં આગળ પડતો ભાગ લીધો હતો. તેની પછી ગાદીએ આવનાર સુલતાન મુરતઝા નિઝામશાહ વૈભવવિલાસમાં ડૂબ્યો રહ્યો, જેને પરિણામે શાસનતંત્ર ઢીલું પડ્યું, અને અહમદનગર રાજ્યના પતનની શરૂઆત થઈ. તેના મૃત્યુ પછી બુરહાન નિઝામશાહ બીજો ગાદીએ આવ્યો, પરંતુ તેના સમયમાં અહમદનગરની આંતરિક સ્થિતિ વધારે ખરાબ થતાં છેવટે તે મુઘલ શહેનશાહ અકબરના આક્રમણનું ભોગ બની ગયું.
સુલતાન બુરહાન નિઝામશાહ બીજાના મૃત્યુ પછી તેની ગાદી માટે કેટલાક હરીફો ઊભા થયા, જેને લીધે દરબારના ઉમરાવોમાં પણ પક્ષો પડી ગયા. આવા એક પક્ષના નેતા મિયાં મંજુએ શહેનશાહ અકબરની મદદ માગી. અકબર આવી તકની રાહ જ જોતો હતો. તેણે તુરત જ પાટનગરમાંથી અબ્દુર્રહીમ ખાનખાનાનને, તથા ગુજરાતમાંથી શાહજાદા મુરાદને અહમદનગર ઉપર ચડાઈ કરવા માટે મોકલ્યા. આ સમયે મરહૂમ સુલતાન બુરહાનની વિધવા બહેન ચાંદબીબી (જેને બીજાપુરના સુલતાન સાથે પરણાવવામાં આવી હતી) પોતાના પિતૃ-દેશની મદદે આવી. તેણે અકબરના સૈન્યની સામે અહમદનગરનો વીરતાપૂર્વક બચાવ કર્યો, પરંતુ આખરે મુઘલોને વરાડ પ્રાંત સોંપવાની શરતે તેણે સંધિ સ્વીકારવી પડી. કેટલાક ઉમરાવો આ સંધિથી રોષે ભરાયા અને તેમણે ચાંદબીબીની હત્યા કરાવી, વરાડ પ્રાંત પાછો જીતી લીધો. પરંતુ તે પછી ઈ. સ. 16૦૦માં અકબર જાતે દખ્ખણમાં આવ્યો; તેણે અહમદનગરના કિલ્લાનો નાશ કરીને, વરાડ પ્રાંત જીતી લીધો.
પરંતુ તે પછી, ટૂંકસમયમાં જ અહમદનગર રાજ્યને મલિક અંબર નામનો એક બાહોશ હબસી વઝીર મળી ગયો. તેણે નાણાકીય અને લશ્કરી સુધારાથી અહમદનગર રાજ્યને ફરી વ્યવસ્થિત અને શક્તિશાળી બનાવ્યું. તેણે મુઘલો પાસેથી વરાડ પ્રાંત પણ પાછો જીતી લીધો. તેમ છતાં અકબર પછી ગાદીએ આવેલા બાદશાહ જહાંગીરે ત્રણ ત્રણ વખત નિષ્ફળ પ્રયત્નોને અંતે વરાડ પ્રાંતનો ફરી કબજો લીધો. પરંતુ ઈ. સ. 163૦માં વઝીર મલિક અંબરના અવસાન પછી અહમદનગર ઉપર આફતનાં વાદળો ઘેરાયાં. મલિક અંબર પછી તેનો અપાત્ર પુત્ર ફતેહખાન વઝીર બન્યો. બીજી બાજુએ દિલ્હીની ગાદીએ જહાંગીર પછી શાહજહાંનું શાસન આવ્યું. તેણે અહમદનગરને ખતમ કરવા માટે શાહી લશ્કર મોકલ્યું. વઝીર ફતેહખાન મુઘલો સાથે ભળી ગયો. તેણે સુલતાન મુરતઝા નિઝામશાહ બીજાને કેદમાં નાખીને તેના 1૦ વર્ષના પુત્ર હુસેનને ગાદીએ બેસાડ્યો; તે પછી મુઘલો પાસેથી સાડાદસ લાખ રૂપિયાની લાંચ લઈને તેમને દૌલતાબાદનો કિલ્લો સોંપી દીધો અને પોતે મુઘલોની નોકરી સ્વીકારી લીધી. આ પછી મુઘલ લશ્કરે અહમદનગરનો કબજો લીધો, બાળસુલતાન હુસેનશાહને ગ્વાલિયરના કિલ્લામાં કેદ કરવામાં આવ્યો અને અહમદનગર રાજ્યને મુઘલ સામ્રાજ્યમાં જોડી દેવામાં આવ્યું (ઈ. સ. 1633). આમ અહમદનગરના સ્વતંત્ર રાજ્યનો તથા નિઝામશાહી રાજવંશનો અંત આવ્યો. નિઝામશાહી વંશના સુલતાનો મહદ્અંશે ધર્મસહિષ્ણુ હતા, અને તેમણે ભવ્ય કિલ્લાઓ અને મસ્જિદો-મિનારા બંધાવી દખ્ખણી ઇસ્લામી સ્થાપત્યકલાનો વિકાસ કર્યો હતો.
આ શહેર મુસ્લિમ શાસકોના કબજામાં લાંબો સમય રહ્યું હોવાથી મસ્જિદોનું પ્રમાણ અહીં વધુ છે. આ શહેરથી 9 કિમી. દૂર ટેકરી પર બાંધેલો ચાંદબીબીનો મહેલ જોવાલાયક છે. આ ઉપરાંત પરીબાગ, દાવરી મસ્જિદ, આલમગીર દરગાહ વગેરે સ્થળો જોવાલાયક છે. અહમદનગરના કિલ્લામાં ‘હિંદ છોડો’ ચળવળ (1942) દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નેહરુ, મૌલાના અબુલ કલામ આઝાદ સહિત અનેક દેશનેતાઓને રાજકીય કેદી તરીકે અટકાયતમાં રાખવામાં આવ્યા હતા.
દેવેન્દ્ર ભટ્ટ
યતીન્દ્ર દીક્ષિત
મહેશ મ. ત્રિવેદી