અસ્થિછિદ્રલતા (osteoporosis) : હાડકાના દળ(mass)માં થતા ઘટાડાનો રોગ. ચયાપચયી (metabolic) વિકારોને કારણે આવી અસ્થિઅલ્પતા (osteopaenia) થાય છે. અસ્થિ ગળી ગયા પછી બાકી રહેલું હાડકાંનું દળ સામાન્ય બંધારણવાળું હોય છે, એટલે કે, તેના કૅલ્શિયમ અને અસ્થિદ્રવ્ય(osteoid)નું પ્રમાણ (ratio) સામાન્ય (normal) હોય છે. અસ્થિમૃદુતા (osteomalacia) અથવા સુકતાન (rickets) નામના એક અન્ય ચયાપચયી રોગમાં અસ્થિદ્રવ્યનું કૅલ્શિયમીકરણ (calcification) ઓછું થાય છે. તેથી તેમાં અસ્થિદ્રવ્ય કરતાં કૅલ્શિયમનું પ્રમાણ ઓછું હોય છે.

સામાન્ય માણસમાં ઘસારા અને સમારકામની અનુક્રમે અસ્થિલયન (osteolysis) અને અસ્થિજનન(osteogenesis)ની પ્રક્રિયાઓ સતત અને સંતુલિત રીતે ચાલતી હોય છે. અસ્થિલયનનો વધારો, અસ્થિજનનનો ઘટાડો અથવા બંને સાથે મળીને અસ્થિછિદ્રલતા સર્જે છે. અસ્થિછિદ્રલતા થવાનાં વિવિધ કારણો સારણીમાં દર્શાવ્યાં છે. સામાન્ય રીતે અસ્થિછિદ્રલતાનાં કોઈ ખાસ લક્ષણો હોતાં નથી પરંતુ અસ્થિભંગ થાય ત્યારે જ તેની ખબર પડે છે. એક્સ-રે ચિત્રણ નિદાન માટે ઉપયોગી છે. કરોડના મણકા બંને બાજુથી અંતર્ગોળ, માછલી આકારના (મીનમણકા, fish vertebrae), અગ્રફાચરરૂપ કે સપાટ ચકતી જેવા બની જાય છે. ક્યારેક શ્મર્લ(Schmorl)ની ગંડિકાઓ (nodules), ઊભી રેખાઓ (striations) અને પહોળી થયેલી આંતરમણકા-ચકતીઓ (inter-vertebral discs) જોવા મળે છે.

અસ્થિછિદ્રલતાથી જંઘાસ્થિ(femur)ના મૃદુઅસ્થિમાં ઘટતા અસ્થિરેસા (trabecutae) : (1) સામાન્ય (normal), (2) મધ્યમ ઉગ્રતાવાળી અસ્થિછિદ્રલતા, (3) અતિ-ઉગ્ર અસ્થિછિદ્રલતા. [નોંધ : ‘તીર’ અસ્થિરેસાની ગેરહાજરી તથા શક્ય અસ્થિભંગનું સ્થાન દર્શાવે છે.]

અસ્થિછિદ્રલતા રોગનો પ્રકાર અને તબક્કો સારવાર નક્કી કરવા માટે સમજવા મહત્વના છે. કૅલ્શિયમ અને પ્રોટીનવાળો યોગ્ય, સમતુલિત આહાર અને થોડું વિટામિન ‘ડી’ તેની સારવારમાં અપાય છે. ઇસ્ટ્રોજન, એન્ડ્રોજન અને ચયકારી (anabolic) સ્ટીરૉઇડ જેવા નર અને નારી જાતિના અંત:સ્રાવો (hormones) પણ ક્યારેક અપાય છે.

અસ્થિછિદ્રલતાનાં કારણો અને પ્રકારો

1. અજ્ઞાતમૂલ (idiopathic) અસ્થિછિદ્રલતા
 2. બાલ્યાવસ્થાની(juvenile) પ્રાથમિક અસ્થિછિદ્રલતા
 3. વૃદ્ધાવસ્થાની અસ્થિછિદ્રલતા
 4. અંત:સ્રાવી (hormonal) અને ચયાપચયી કારણો :
(ક) અલ્પજનનગ્રંથિતા (hypogonadism)
(ખ) અતિકૉર્ટિકોસ્ટીરૉઇડતા
(ગ) અતિગલગ્રંથિતા (hyperthyroidism)
(ઘ) અતિપરાગલગ્રંથિતા (hyperparathyroidism)
(ચ) મધુપ્રમેહ (diabetes mellitus)
(છ) અપપોષણ (malnutrition)
(જ) દીર્ઘકાલી યકૃત(liver)રોગ
(ઝ) વિટામિન ‘સી’ની ઊણપ
(ટ) મદ્યપાનની લત
 5. જઠર અને આંતરડાંના રોગો :
(ક) અપશોષણ (malabsorption) સંલક્ષણ
(ખ) દીર્ઘકાલી અવરોધજન્ય કમળો
(ગ) પ્રાથમિક પિત્તરોધી યકૃતકાઠિન્ય (primary biliary cirrhosis)
 6. કૅન્સર :
(ક) વ્યાપક અસ્થિમજ્જાર્બુદ (multiple myeloma)
(ખ) હાડકાંમાં ફેલાયેલું કૅન્સર
 7. સંધાનપેશી(connective tissue)ના રોગો
 8. વારસાગત રોગો, દા.ત., અપૂર્ણ અસ્થિજનન (osteogenesis imperfecta)
 9. સ્થગિતીકરણ (immobilization)
1૦. હીપેરિન (heparin) અથવા કૉર્ટિકોસ્ટીરૉઇડ ઔષધો વડે ચિકિત્સા

કીર્તિ મ. પટેલ

શિલીન નં. શુક્લ