અસ્થિઓ અને કંકાલતંત્ર

હાડકાં (અસ્થિઓ, bones), કાસ્થિ (cartilage) અને તેમના સાંધાઓ (અસ્થિસંધિ, joints) વડે બનેલા હાડપિંજર(skeleton)ના તંત્રને કંકાલતંત્ર કહે છે. હાડકાં શરીરને આકાર તથા આધાર આપે છે. હાડપિંજર હૃદય, મગજ અને અન્ય મૃદુ અવયવોને રક્ષણ આપે છે. હાડકાં સાંધાઓથી જોડાયેલાં હોય છે. તે ઉચ્ચાલનના દંડ તરીકે અને તેમના સાંધા આધારબિંદુ તરીકે કાર્ય કરે છે, જેથી હલનચલન (locomotion), ખોરાક ચાવવો, હાથમાં વસ્તુ પકડવી વગેરે ચલનક્રિયાઓ (movements) થઈ શકે છે. આ ક્રિયાઓ માટેનું બળ સ્નાયુઓ (muscles) દ્વારા મળે છે. હાડકાં કૅલ્શિયમ, ફૉસ્ફરસ, મૅગ્નેશિયમ અને સોડિયમ જેવા જીવનજરૂરી ખનિજક્ષારો(minerals)નું સંગ્રહસ્થાન પણ છે. હાડકાંના પોલાણ(મજ્જાગુહા–marrow cavity)માં પોચા માવા જેવી મૃદુ પેશી (soft tissue), અસ્થિમજ્જા (bone marrow) આવેલી હોય છે. તેને તેમાં ચરબીના મેદકોષો તથા લોહીના કોષો બનાવતી રુધિરકોષપ્રસર્જક (haemopoietic) પેશી આવેલી છે (જુઓ અસ્થિમજ્જા). રુધિરકોષપ્રસર્જક પેશીવાળી અસ્થિમજ્જાને રક્તમજ્જા કહે છે અને મેદકોષોવાળી અસ્થિમજ્જાને પીતમજ્જા અથવા પીળી મજ્જા કહે છે. હાડકું સખત હોવા છતાં સ્થિતિસ્થાપક, ખૂબ સંવેદનશીલ, લોહીથી ભરપૂર, જીવંત અને સતત પરિવર્તનશીલ પેશી છે તેથી તે વજન તથા આંચકા સહન કરી શકે છે. ઈજા કે રોગ પછી તે પુનર્વિકાસ (regeneration) પામે છે. હાડકું અંદરથી પોલું અને જાળીવાળું હોવાથી હલકું તથા મજબૂત હોય છે. પોલું હાડકું ખેંચ (tensile force) અને દાબ(pressure)ને સહી શકે છે.

વર્ગીકરણ : માનવમાં હાડપિંજર મુખ્યત્વે શરીરની અંદર, સ્નાયુઓ અને ચામડી વડે ઢંકાયેલું હોય છે, તેથી તેને અંત:કંકાલતંત્ર (endoskeleton) કહે છે. દાંતનો બહાર દેખાતો સફેદ ભાગ (દંતવેષ્ટ, enamel) તથા નખ બાહ્ય કંકાલતંત્ર(exoskeleton)ના ભાગ છે. ગાયનાં શિંગડાં અને પગની ખરી, હાથીના બહાર દેખાતા દાંત, મગરનાં ભીંગડાં તથા કાચબાનું કવચ બાહ્ય કંકાલતંત્રનાં ઉદાહરણ છે. આ ઉપરાંત બીજી અનેક રીતે કંકાલતંત્રનું વિભાજન કરવામાં આવે છે. દા.ત., દૈહિક (somatic) અને અવયવી (visceval) કંકાલતંત્ર તથા અક્ષીય (axial) અને શાખાકીય (appendicular) કંકાલતંત્ર. હાથ, પગ, ધડ અને માથાનાં હાડકાં દૈહિક કંકાલતંત્ર બનાવે છે. જેમાંનાં શ્રોણીમેખલા (pelvic girdle) અને સ્કંધમેખલા(pectoral girdle)નાં હાડકાં, માથાનાં હાડકાં, કરોડના મણકા અને પાંસળીઓ અક્ષીય કંકાલતંત્ર બનાવે છે (જુઓ આકૃતિ 1). હાથ અને પગનાં હાડકાં હલનચલન માટે ઉપયોગી હોય છે તે શાખાકીય કંકાલતંત્ર બનાવે છે. મધ્ય કર્ણ(middle ear)નાં હથોડી, એરણ અને પેંગડું આકારનાં હાડકાં, સ્વરપેટી (larynx) ઉપરનું હાડકું તથા ખોપરીની નીચે ગળાના પાછલા ભાગમાં શરપ્રવર્ધ (styloid process) નામનું કાંટા જેવું હાડકું અવયવી કંકાલતંત્ર બનાવે છે. કેટલાંક પ્રાણીઓમાં હૃદયની દીવાલમાં હૃદયાસ્થિ (oscordis) અને નર જનનેન્દ્રિયમાં પુંજનનેન્દ્રિયાસ્થિ (os penis) નામનાં અવયવી કંકાલતંત્રનાં હાડકાં આવેલાં છે. ખોપરી(skull)નાં હાડકાંમાં વિવરો (sinuses) આવેલાં હોય છે. આ અસ્થિ-વિવરો અથવા  પોલાણોમાં નાક અને ગળામાંથી હવા ભરાય છે. આવાં હવા ભરેલાં હાડકાંને વાયવી (pneumatic) હાડકાં કહે છે. તે ખોપરીનું વજન ઘટાડે છે, મોંને આકાર આપે છે તથા અવાજમાં ઘેરાપણું (resonance) ઉમેરે છે. કેટલીક અંદરની શસ્ત્રક્રિયાઓમાં આવાં પરાનાસા (paranasal) વિવરોમાંથી માર્ગ મેળવવામાં આવે છે.

આકૃતિ 1 : હાડપિંજર (કંકાલતંત્ર) : અક્ષીય કંકાલતંત્ર : (1) ખોપરી અથવા કર્પરી, (1ક) કપાલ, (1ખ) મુખ (ચહેરો), (2) મેરુદંડ અથવા કરોડસ્તંભ(કરોડનાં હાડકાં), (3) વક્ષ, (3ક) વક્ષાસ્થિ (ઉરોસ્થિ), (૩ખ) પાંસળીઓ, (4) સ્કંધમેખલા, (4ક) હાંસડી, (4ખ) સ્કંધાસ્થિ, (5) શ્રોણીમેખલા, (5ક) નિતંબાસ્થિ, (5ખ) જઘનાસ્થિ, (5ગ) આસનાસ્થિ, (6) ઊર્ધ્વશાખાનાં હાડકાં, (6ક) ભુજાસ્થિ, (6ખ) હસ્તાસ્થિ (અગ્રભુજાસ્થિ), (૬ગ) અનુહસ્તાસ્થિ (અનુઅગ્રભુજાસ્થિ), (૬ઘ) મણિબંધ(કાંડા)નાં હાડકાં, (6ચ) અગ્રહસ્તાસ્થિઓ, (6છ) અંગુલાસ્થિ, (7) અધ:શાખા(પગ)નાં હાડકાં, (7ક) જંઘાસ્થિ, (૭ખ) ઢાંકણી, (7ગ) નળાસ્થિ, (7ઘ) અનુનળાસ્થિ, (7ચ) પાદાસ્થિઓ, (7છ) અગ્રપાદાસ્થિઓ, (7જ) અંગુલાસ્થિઓ

વળી કેટલાક સ્નાયુબંધ(tendon)માં ઘસારાને પહોંચી વળવા માટે બીજ (seed) જેવાં દાણાદાર હાડકાં બને છે. તેમને કંડરાસ્થિ અથવા સ્નાયુબંધાસ્થિ (sesamoid bone) કહે છે. ઢીંચણની ઢાંકણી (patella) આ પ્રકારનું હાડકું છે.

આકૃતિ 2 : અસ્થિની રચના : (1) અધિદંડ, (2) મધ્યદંડ, (૩) સંધિકારી કાસ્થિ, (4) જાળીવાળું અસ્થિ, (રક્ત મજ્જા સાથે) (5) અંત:અસ્થિકલા, (6) ઘટ્ટ અસ્થિ, (7) પરિઅસ્થિકલા, (8) મજ્જાગુહા (પીતમજ્જા સાથે), (9) પોષક ધમની, (1૦) પોષક છિદ્ર

આ ઉપરાંત હાડકાંનું વર્ગીકરણ આકાર, રચના તથા તેમના સર્જનની પ્રક્રિયાને આધારે પણ થાય છે. આકાર પ્રમાણે હાડકાં લાંબાં (ભુજાસ્થિ, જંઘાસ્થિ વગેરે), ટૂંકાં (ઘૂંટી અને કાંડાનાં હાડકાં), ચપટાં (ખોપરીનાં હાડકાં) કે અનિયમિત આકારનાં (કરોડના મણકા) હોય છે.

હાડકાની બહારનો ભાગ (બાહ્યક, cortex) ઘટ્ટ (compact) હોય છે, જ્યારે તેની અંદરનો ભાગ જાળીવાળો (spongy, cancellous) હોય છે. માનવગર્ભનું કંકાલતંત્ર સતંતુ કલાઓ (fibrous membranes) અને કાસ્થિનું બનેલું હોય છે. સતંતુ કલાઓમાં અસ્થીકરણ (ossification) થાય ત્યારે તેવાં હાડકાંને અંત:કલાજન્ય (intramembranous) હાડકાં અને કાસ્થિમાં બનતાં હાડકાંને અંત:કાસ્થિજન્ય (endochondral) હાડકાં કહે છે. ખોપરીના તળિયા સિવાયનાં હાડકાં અને હાંસડી(clavicle)નું હાડકું અંત:કલાજન્ય હાડકાં છે. શરીરનાં મોટા ભાગનાં હાડકાં અંત:કાસ્થિજન્ય હોય છે.

હાડકાંની રચના : કોઈ એક નમૂનારૂપ લાંબા હાડકામાં મુખ્ય બે ભાગ હોય છે; (1) બહારનું ઘટ્ટ (compact) હાડકાનું બનેલું બાહ્યક (cortex) (2) અંદરનું જાળીવાળું (spongy, cancellous) હાડકું; (આકૃતિ 2). લાંબા હાડકાના મુખ્ય પાંચ ભાગ છે. તેનો મધ્યભાગ (shaft) એક પોલી નળી હોય છે. તેને મધ્યદંડ (diaphysis) કહે છે. તેનો બાહ્યક ઘટ્ટ હાડકાંનો બનેલો હોય છે. તેના પોલાણને મજ્જાગુહા કહે છે, તેમાં મુખ્યત્વે પીતમજ્જા આવેલી હોય છે. હાડકાંના બંને છેડા પર અથવા ટોચ પર અધિદંડો (epiphysis) આવેલા હોય છે. બે લાંબાં હાડકાંના અધિદંડો સાંધો બનાવે છે. અધિદંડના સાંધો બનાવતા ભાગ પર સંધિકારી કાસ્થિ (articular cartilage) આવેલું હોય છે. અધિદંડ અને મધ્યદંડને પરાદંડ (metaphysis) જોડે છે. વિકાસશીલ હાડકામાં પરાદંડના કાસ્થિનું પ્રથમ કૅલ્સીકરણ (calcification) થાય છે અને પછીથી તેને સ્થાને હાડકું બને છે. ઉપર જણાવેલાં હાડકાંના પાંચ ભાગો  – મધ્યદંડ, પરાદંડ, અધિદંડ, મજ્જાગુહા અને સંધિકારી કાસ્થિ  ઉપરાંત, હાડકાંનાં બે આવરણો હોય છે. સંધિકારી કાસ્થિ દ્વારા ઢંકાયેલા ભાગ સિવાયના સમગ્ર હાડકાને પરિઅસ્થિકલા(periosteum)નું સતંતુ (fibrous) આવરણ હોય છે. પરિઅસ્થિકલા અથવા પરિઅસ્થિ બે પડનું બનેલું હોય છે. બહારનું સતંતુ પડ સંધાનપેશી(connective tissue)નું બનેલું હોય છે. તેમાંથી નસો, લસિકાનલિકાઓ (lymphatics) તથા ચેતાતંતુઓ (nerve fibres) પસાર થાય છે. અંદરનું પડ અસ્થિજનક (osteogenic) કહેવાય છે. તેમાં સ્થિતિસ્થાપક (elastic) તંતુઓ લોહી નસો તથા અસ્થિબીજકોષો (osteoblasts) આવેલાં હોય છે. અસ્થિબીજકોષો હાડકાંની વૃદ્ધિ તથા સમારકામ (repair) માટે ઉપયોગી હોય છે. પરિઅસ્થિને કારણે હાડકાંનાં વૃદ્ધિ, સમારકામ અને પોષણ શક્ય બને છે. હાડકાં સાથે  સ્નાયુઓના સ્નાયુબંધ (tendons) વડે જોડાય છે. બે હાડકાંના સાંધા(અસ્થિસંધિ)ને જોડનાં તંતુઓના પટ્ટાઓને અસ્થિસંધિબંધ (ligaments) કહે છે. સ્નાયુબંધ અને અસ્થિસંધિ બંધ પરિઅસ્થિ સાથે જ જોડાય છે. હાડકાંની મજ્જાગુહાની અંદરના આવરણને અંત:અસ્થિકલા (endosteum) કહે છે. તેમાં અસ્થિબીજકોષ ઉપરાંત અસ્થિભક્ષી કોષો (osteoclasts) પણ હોય છે.

જાળીવાળું હાડકું રક્તમજ્જા ભરેલી જગ્યાઓ (spaces) અને અસ્થિરેસાઓ(trabeculae)નું બનેલું હોય છે. તે લાંબા હાડકાના અધિદંડનો તથા ટૂંકાં, ચપટાં અને અનિયમિત આકારનાં હાડકાંનો મુખ્ય ભાગ છે. આ રેસાઓ ઉપલક નજરે આડાઅવળા લાગે છે, પરંતુ તે ભાર વહન કરવા માટે વૈજ્ઞાનિક રીતે ગોઠવાયેલા હોય છે. જેમ રેલવે સ્ટેશનના છાપરાને વચ્ચેના થાંભલા પર આધારિત રાખવા તેની નીચે લોખંડના સળિયા આડાઊભા ગોઠવવામાં આવે છે, તેમજ આ આડાઊભા અસ્થિરેસા શરીરનો ભાર નીચેના મધ્યદંડના ઘટ્ટ હાડકા સુધી પહોંચાડે છે. ઘટ્ટ હાડકું ખૂબ ઓછી ખાલી જગ્યાઓ(spaces)વાળું હોય છે. તે જાળીવાળા હાડકાની ઉપર એક પડ રૂપે ફેલાયેલું હોય છે. મધ્યદંડમાં ઘટ્ટ હાડકું જાડું હોય છે. ઘટ્ટ હાડકું રક્ષણ, આધાર તથા વજન ખમવાની ક્ષમતા આપે છે. લાંબા હાડકાના ઘટ્ટ ભાગનો આડછેદ અભિકેન્દ્રી વર્તુળો(concentric rings)નો બનેલો હોય છે (જુઓ આકૃતિ 3).

આકૃતિ ૩ : અસ્થિની સૂક્ષ્મરચના : (1) નલિકાઓ, (2) અસ્થિકોષ, (3) રિક્તાવકાશ, (4) પરિઅસ્થિકલા, (4ક) બાહ્ય સતંતુ પડ, (4ખ) અંત:અસ્થિજનક પડ, (5) અસ્થિબીજકોષ, (6) હાવર્સન નળીમાં લોહીની નસ અને લસિકાનલી, (7) વૉકમૅનની નળી, (8) હાવર્સન નળીનો આડછેદ, (9) જાળીવાળું અસ્થિ, (1૦) ઘટ્ટ અસ્થિ, (11) પડળો

પરિઅસ્થિ અને અંત:અસ્થિકલામાંની લોહીની નસો અને ચેતાતંતુઓ વૉકમૅનની નળીઓ (Volkman’s canals) વટે હાડકાંમાં પ્રવેશે છે. તે હાવર્સિયન (Haversian) નળીઓમાંની નસો સાથે સંપર્ક સ્થાપે છે. હાવર્સિયન નળીઓ હાડકાંની લંબાઈને સમાંતર (longitudinally) આવેલી છે. તેમની ફરતે કઠણ, કૅલ્સીકૃત (calcified) આંતરકોષીય દ્રવ્ય(intercellular substance)નાં અભિકેન્દ્રી વર્તુળાકાર પડળો (laminae) આવેલાં છે. પડળોની વચ્ચે નાના નાના રિક્તાવકાશો (lacunae) અથવા ખાલી જગ્યાઓ આવેલી હોય છે. રિક્તાવકાશોની દરેક ખાલી જગ્યામાં અસ્થિકોષ (osteocyte) આવેલો હોય છે. અસ્થિબીજકોષ જ્યારે પુખ્ત બને અને નવું હાડકું બનાવવાની ક્ષમતા ગુમાવે ત્યારે તે અસ્થિકોષ બને છે. રિક્તાવકાશમાંથી ચારે બાજુ ઝીણી નલિકાઓ (canaliculi) ફેલાય છે, જેમાં અસ્થિકોષની રેસાઓ જેવી પ્રવર્ધિકાઓ (processes) હોય છે. આ નલિકાઓ રિક્તાવકાશો અને હાવર્સિયનની નળીઓને જોડે છે, સમગ્ર ઘટ્ટ હાડકામાં નાનીમોટી નળીઓની એક જાળી બને છે, જે દ્વારા પોષણદ્રવ્યો અને કચરાનું વહન કરાય છે. હાવર્સિયનની નળીની આસપાસનાં પડળો, રિક્તાવકાશો, અસ્થિકોષો અને નલિકાઓના સમૂહને હાવર્સિયન તંત્ર અથવા અસ્થિક (osteon) કહે છે. અસ્થિક હાડકાંનું એકમ (unit) છે. બે હાવર્સિયન તંત્રો વચ્ચે અંતરાલીય (interstitial) પડળો આવેલાં હોય છે. તેમાં પણ રિક્તાવકાશો, અસ્થિકોષો તથા નલિકાઓ હોય છે. અંતરાલીય પડળો હાવર્સિયન તંત્ર સાથે જોડાતાં નથી.

જાળીયુક્ત (spongy) હાડકાંમાં હાવર્સિયન તંત્ર હોતું નથી. તેમાં અસ્થિરેસાઓ અને રક્તમજ્જા ભરેલી જગ્યાઓ હોય છે. અસ્થિરેસાઓમાં રિક્તાવકાશો અને અસ્થિકોષો આવેલા હોય છે.

હાડકાંનું બંધારણ : હાડકાંમાં આંતરકોષીય દ્રવ્ય પુષ્કળ પ્રમાણમાં હોય છે. તેમાં ખનિજક્ષારો ખૂબ હોય છે. મુખ્ય ક્ષારો છે – કૅલ્શિયમ ફૉસ્ફેટ [Ca3(PO4)(OH)2] અને થોડું કૅલ્શિયમ કાર્બોનેટ [CaCO3]. તેમને હાઇડ્રૉક્સિઍપેટાઇટ(hydroxyapatite)ના નામે ઓળખવામાં આવે છે. આંતરકોષીય દ્રવ્યના ગુંદકારી તંતુઓ શ્વેતતંતુઓ (collagen fibres) પર ઉપર જણાવેલા ક્ષારો જામે છે. કૅલ્સીકરણની આ ક્રિયાને કારણે પેશી કઠણ અને અસ્થીકૃત (ossified) બને છે. હાઇડ્રૉક્સિઍપેટાઇટમાં બે ભાગ હાડકાંનું વજન અને એક ભાગ ગુંદકારી તંતુઓ અને પાણીનું વજન હોય છે.

હાડકું એ એક સંધાનપેશી (connective tissue) છે. તે બધી જ સંધાનપેશીઓમાં વધુમાં વધુ કઠણ હોય છે. તેનો મુખ્ય કોષ અસ્થિકોષ (osteocyte) છે. હાડકાંમાં અન્ય બે પ્રકારના કાર્યશીલ કોષો હોય છે – અસ્થિબીજકોષ (osteoblast) અને અસ્થિભક્ષી કોષ (osteoclast). અસ્થિબીજકોણ હાડકું બનાવે છે જ્યારે અસ્થિભક્ષીકોષ તેનો નાશ કરે છે.

અસ્થિનું નિર્માણ અને પુન:શોષણ : જીવન દરમિયાન સતત હાડકાંનું ઘડતર અને પુન:શોષણ (resorption) થયા કરે છે. આ કાર્ય હાડકાંના કોષો કરે છે. અસ્થિબીજકોષ અસ્થિનિર્માણ માટે જવાબદાર હોય છે. તે હાડકાંની વિકાસ પામતી સપાટી પર આવેલા હોય છે. અસ્થિનિર્માણ માટે આ કોષોમાં આલ્કેલાઇન ફૉસ્ફેટેઝ (alkaline phosphatase) નામનો ઉત્સેચક (enzyme) વિપુલ પ્રમાણમાં હોય છે. જોકે તેનું ખરેખરું કાર્ય જ્ઞાત નથી. અસ્થિબીજકોષ ગર્ભીય મધ્યત્વચા કોષો (mesenchymal cells)માંથી ઉત્પન્ન થાય છે. અસ્થિબીજકોષો હાડકાનું દળ (matrix) ઉત્પન્ન કરે છે, જેમાં મુખ્ય કોલેજન તંતુઓ હોય છે. તેને અસ્થિદ્રવ્ય (osteoid) કહે છે. ત્યારબાદ તેમાં બહિ:કોષીય તરલ(extracellular fluid, ECF)માંથી ખનિજોના આયનો (ions) સરળતાથી પ્રવેશે છે. કૅલ્શિયમ જમા થવાની આ ક્રિયાને કૅલ્સીકરણ કહે છે. અસ્થિબીજકોષોનું કાર્ય નિશ્ચિત રૂપે જાણેલું નથી, પરંતુ અસ્થિબીજકોષો અંતરાલીય દ્રવ્યના કૅલ્સીકરણમાં મહત્વનો ભાગ ભજવે છે. ધીરે ધીરે અસ્થિબીજકોષ તેની આસપાસ તેણે પાથરેલા અંતરાલીય દ્રવ્યમાં (પ્રથમ કૅલ્સીકૃત અને ત્યારબાદ અસ્થીકૃત થયેલા) પુરાઈ જાય છે. તેમની કાર્યશીલતા ઘટે છે. હવે તે અસ્થિકોષ કહેવાય છે. તેઓ પ્રોટીન બનાવવાનું કામ ઘટાડે છે અને કોષરેસા અથવા પ્રવર્ધિકાઓ (processes) ઉત્પન્ન કરે છે, જે બીજા રિક્તાવકાશ(lacuna)માં રહેલા અસ્થિકોષ સુધી નલિકાઓ (canaliculli) દ્વારા સંપર્ક પ્રસ્થાપિત કરે છે. અસ્થિના એક એકમ, અસ્થિક(osteon)માંના બધા અસ્થિકોષો એકબીજાના સંપર્કમાં રહે છે. આ કોષરેસાઓ સપાટી પરના અસ્થિબીજકોષો સાથે પણ સંપર્ક જાળવે છે. અસ્થિકોષો ખનિજક્ષારોના સંચલન(movement)માં જરૂરી કાર્ય કરે છે.

અસ્થિભક્ષી કોષ એક મોટો 15થી 2૦ કોષકેન્દ્ર ધરાવતો મહાકોષ (giant cell) છે. તે અસ્થિના પુન:શોષણનું કાર્ય કરે છે. લોહીમાં ભ્રમણ કરતા એકકેન્દ્રી કોષો(monocytes)માંથી ઉત્પન્ન થયેલા આ કોષો હાડકાંમાંના વાતાવરણ પ્રમાણે રૂપપરિવર્તન કરે છે. તેમનામાંના ઉત્સેચકોને જ્યારે હાડકાંમાં મુક્ત કરવામાં આવે છે ત્યારે તે અંતરાલીય દ્રવ્યને ઓગાળે છે. તેમાંના કૅલ્શિયમને તથા ફૉસ્ફરસને મુક્ત કરે છે. મુક્ત ખનિજદ્રવ્યો અસ્થિભક્ષી કોષોમાં શોષાય છે. ત્યારબાદ તે બહિ:કોષીય તરલ(ECF)માં થઈને લોહીમાં પ્રવેશે છે. વધતી જતી વય સાથે તથા ઈજા કે રોગ પછી હાડકાંના આકારમાં કરવા પડતા ફેરફાર(remodeling)માં અસ્થિભક્ષી કોષો મહત્વનું કાર્ય કરે છે.

પુખ્તતાની વય (18થી 2૦ વર્ષ) સુધી જ અસ્થિના આકારનું ઘડતર (ઘાટઘડતર, modeling) થાય છે, જ્યારે ત્યારબાદ અને તે પહેલાં સપાટી પરનાં પુનર્વિકસન અને પુન:શોષણની પ્રક્રિયા વડે હાડકાંના આકારનું પુન:ઘડતર (remodeling) થાય છે.

અસ્થિનિર્માણ (ossification) : તેને અસ્થીકરણ અથવા અસ્થિજનન (osteogenesis) પણ કહે છે. ઉપર જણાવ્યા પ્રમાણે માનવગર્ભમાં સતંતુ કલા (fibrous membrane) અથવા કાચસમ કાસ્થિ (hyaline cartilage) હાડકાં જેવો આકાર ધરાવે છે અને અસ્થીકરણના માધ્યમ તરીકે વર્તે છે. ગર્ભજીવનના છઠ્ઠા કે સાતમા અઠવાડિયાથી અસ્થીકરણ શરૂ થાય છે ઉદગમપેશીના આધારે અસ્થીકરણ બે પ્રકારનું હોય છે – અંત:કલાજન્ય (intra-membranous) અને અંત:કાસ્થિજન્ય (endochondral). જોકે તેમાંથી ઉત્પન્ન થતાં હાડકાં સમાન બંધારણવાળાં હોય છે. પ્રથમ ગર્ભની સંધાનપેશીના કોષો (ગર્ભમધ્યત્વકીય કોષો, mesenchymal cells) તે વિસ્તારમાં પ્રવેશે છે. જે વિસ્તારમાં લોહીની કેશવાહિનીઓ ન હોય તેમાં આ કોષો કાસ્થિબીજકોષો(chondroblasts)માં રૂપાંતર પામે છે અને કાસ્થિ બનાવે છે. જ્યાં કેશવાહિનીઓ હોય છે ત્યાં તેઓ અસ્થિબીજકોષોમાં રૂપાંતરિત થાય છે, જે હાડકું બનાવે છે.

અંત:કલાજન્ય અસ્થીકરણ સરળ હોય છે. ખોપરીનાં ઉપરનાં ચપટાં હાડકાં, નીચલા જડબા(mandible)ના કેટલાક ભાગ અને હાંસડીનું હાડકું આ રીતે બને છે, સતંતુ કલા(તાંતણાવાળાં પડ)માં અસ્થિબીજકોષો એકઠા થઈને અસ્થીકરણનું કેન્દ્ર બનાવે છે. તેઓ પ્રથમ આંતરકોષીય દ્રવ્ય બનાવે છે, તે કૅલ્સીકૃત થઈને અસ્થિરેસા (trabeculae) બનાવે છે. તે કઠણ બનતાં અસ્થીકૃત થાય છે. તે જાળીવાળું (spongy) હાડકું બનાવે છે. આંતરકોષીય દ્રવ્યમાં સપડાઈ ગયેલા અસ્થિબીજકોષો અસ્થિકોષોમાં પરિણમે છે. રેસાઓ વચ્ચેની જગ્યામાં રક્તમજ્જા (red marrow) આવેલી હોય છે. તેમાં લોહીના કોષો ઉત્પન્ન થાય છે. આવાં જાળીવાળાં હાડકાંની સપાટી ઘટ્ટ હાડકાંમાં ફેરવાય છે. ઉંમર વધે છે તેમ સપાટી પરનું હાડકું પુન: શોષાય છે અને નવું બનતું રહે છે; આમ હાડકું મોટું થતું રહે છે. પુન:શોષણ અને નવવિકસનનું કાર્ય અનુક્રમે અસ્થિભક્ષી કોષો અને અસ્થિબીજકોષો કરે છે.

કાસ્થિના અસ્થીકરણને અંત:કાસ્થિજન્ય અસ્થીકરણ કહે છે. શરીરનાં મોટા ભાગનાં હાડકાં આ રીતે બને છે. ગર્ભજીવનના શરૂઆતના તબક્કામાં ભવિષ્યમાં બનનારા હાડકાનું એક કાસ્થિરૂપ મૉડેલ (template) બનેલું હોય છે. આવા કાસ્થિની આસપાસ પરિકાસ્થિકલા(perichondrium)નું આવરણ હોય છે. કાસ્થિની લંબાઈમાં મધ્યે લોહીની નસ પ્રવેશે છે. પરિકાસ્થિકલાના અંદરના પડના કોષો કાર્યાન્વિત થઈને અસ્થિબીજકોષોમાં રૂપાંતરિત થાય છે. આ સમયે પરિકાસ્થિકલાને પરિઅસ્થિકલા કહેવામાં આવે છે. ત્યારબાદ લોહીની નસ કાસ્થિના મધ્યદંડમાં પ્રવેશે છે. ત્યાંના કોષો અધિવૃદ્ધિ (hypertrophy) પામે છે અને આમ પ્રાથમિક અસ્થીકરણ કેન્દ્ર બને છે. રાસાયણિક ક્રિયાઓને અંતે કોષ આસપાસનું દ્રવ્ય કૅલ્શિયમયુક્ત બને છે. ત્યાંના કાસ્થિકોષો મૃત્યુ પામે છે. કેલ્સીકૃત આંતરકોષીય દ્રવ્ય નાશ પામે છે, અને આમ મોટી ગુહાઓ (cavities) અથવા પોલાણો ઉત્પન્ન થાય છે. ગુહાઓની દીવાલો પર નસો વિકસે છે. ગુહાઓ એકબીજી સાથે જોડાઈને મજ્જાગુહા બનાવે છે. આ સાથે પરિઅસ્થિકલાના અંદરના પડના અસ્થિબીજકોષો હાડકાંનાં બીજાં પડ (layers) જમા કરે છે. મધ્યદંડના બંને છેડા પરનું કાસ્થિ હાડકાંના મૉડેલની લંબાઈ વધારે છે. છેલ્લે અધિદંડો(epiphyses)માં લોહીની નસ પ્રવેશે છે અને ત્યાં પણ દ્વિતીય અસ્થીકરણ કેન્દ્રો બને છે. અધિદંડો અને મધ્યદંડ વચ્ચેનું કાસ્થિ હવે પરાદંડ (metaphysis) કહેવાય છે. વધતી ઉંમર સાથેનો હાડકાંનો વિકાસ અંત:કલાજન્ય અસ્થીકરણ જેવો જ છે.

સામાન્ય રીતે, 25 વર્ષની ઉંમર સુધીમાં બધાં જ હાડકાંનું અસ્થીકરણ પૂર્ણ થાય છે. છોકરીઓમાં 18 વર્ષે અને છોકરાઓમાં 2૦ વર્ષે અધિદંડના કાસ્થિકોષોનું વિભાજન અટકે છે અને પૂર્ણ અસ્થિમાં રૂપાંતર થાય છે. હાંસડીનાં હાડકાંની વૃદ્ધિ સૌથી છેલ્લે પૂરી થાય છે.

હાડકાંનાં આકાર, કદ, વિકાસ, વજન વગેરેનો આધાર વારસાગત લક્ષણો અને અંત:સ્રાવો ઉપર રહેલો હોય છે, તેથી સામાન્ય રીતે છૂટાં હાડકાં, હાડપિંજર કે મૃત શરીરના અવશેષોનાં હાડકાંની તપાસ કરવાથી નીચેની માહિતી મળી શકે છે.

(1) હાડકાં માનવનાં છે કે પશુનાં, (2) હાડકાં સ્ત્રીનાં છે કે પુરુષનાં, (3) હાડકાં જે વ્યક્તિનાં હોય તેની ઉંમર, તેનું કદ અને તેની જાતિ (race), દા.ત., ગુરખા (મૉંગોલૉઇડ) અથવા હબસી (નીગ્રૉઇડ), (4) હાડકાંના રાસાયણિક વિશ્લેષણથી મરનાર વ્યક્તિને ઝેર અપાયું હતું કે કેમ, (5) પુરાતત્વ ખાતાના સંશોધનમાં મળેલાં હાડકાં કે હાડપિંજર કેટલાં જૂનાં છે – આવાં અનુમાનો ખૂબ જ વૈજ્ઞાનિક રીતે થાય છે અને અદાલતમાં માન્ય પુરાવો ગણાય છે.

કૅલ્શિયમ–ફૉસ્ફરસનો ચયાપચય (metabolism) : લોહીમાં કૅલ્શિયમનું પ્રમાણ જાળવવા માટે ત્રણ અંત:સ્રાવો (hormones) કાર્ય કરે છે. પરાગલ (parathyroid) ગ્રંથિનો અંત:સ્રાવ, ગલગ્રંથિ(thyroid gland)નો અલ્પકૅલ્સિકારી અંત:સ્રાવ (calcitonin) અને વિટામિન (પ્રજીવક) ‘ડી’માંથી મૂત્રપિંડમાં ઉત્પન્ન થયેલો 1,25-કૉલીકૅલ્સિફેરૉલ [1,25(OH)2D]. આ ત્રણ અંત:સ્રાવોના કાર્યને અસર કરતાં ઘણાં પરિબળો શરીરમાં કાર્યરત હોય છે. આ અંત:સ્રાવો આંતરડાં, મૂત્રપિંડ અને હાડકાંમાં કાર્ય કરી ખનિજક્ષારોનાં બહિ:કોષીય તરલ(ECF)માંના પ્રવેશ પર અસર કરે છે. તેમનું ઉપર જણાવેલા અવયવો પરનું કાર્ય સારણી 1માં અને આકૃતિ 4માં દર્શાવ્યું છે.

સારણી 1 : કૅલ્શિયમનું નિયમન કરતા અંત:સ્રાવોનું કાર્ય

અંત:સ્રાવ હાડકાં મૂત્રપિંડ આંતરડાં
1. પરાગલગ્રંથિ અંત:સ્રાવ (parathyroid hormone) કૅલ્શિયમ અને ફૉસ્ફરસનું પુન:શોષણ વધારે છે. (અ) કૅલ્શિયમનું પુન:શોષણ વધારે છે અને ફૉસ્ફરસનું પુન:શોષણ ઘટાડે છે. કોઈ સીધી અસર નથી.
(આ) 1,25(OH)2Dનું ઉત્પાદન કરાવે છે.
2. અલ્પકૅલ્શિકારી અંત:સ્રાવ (calcitonin) કૅલ્શિયમ અને ફૉસ્ફરસનું પુન:શોષણ ઘટાડે છે. કૅલ્શિયમ અને ફૉસ્ફરસનું પુન:શોષણ ઘટાડે છે. કોઈ સીધી અસર નથી.
3. વિટામિન‘ડી’(જુઓ આકૃતિ 4) કૅલ્શિયમ આયન(ion)નું વહનતંત્ર જાળવે છે. કૅલ્શિયમનું પુન:શોષણ ઘટાડે છે. કૅલ્શિયમ અને ફૉસ્ફરસનું શોષણ વધારે છે.

સામાન્ય રીતે લોહીના પ્લાઝ્મામાં 8.9થી 1૦.1 મિગ્રા. ડેસિલીટર પ્રમાણમાં કૅલ્શિયમ હોય છે, જેમાંનું 46 % પ્રોટીન સાથે જોડાયેલું હોય છે. 46થી 5૦ % આયન(ion)ના રૂપમાં હોય છે, અને ૪થી 8 % સંકુલિત (complexed) હોય છે. આયનરૂપી કૅલ્શિયમ કાર્યશીલ હોય છે, જ્યારે પ્રોટીનબદ્ધ કૅલ્શિયમ જરૂર પડે ત્યારે ઉપયોગી જથ્થારૂપ રહે છે. પ્રોટીનબદ્ધ કૅલ્શિયમનો 8૦ % જથ્થો આલ્બુમિન સાથે અને 2૦ % જથ્થો ગ્લોબુલિન સાથે હોય છે. કૅલ્શિયમની લોહીમાંની વધઘટથી વિકારો સર્જાય છે. (જુઓ અતિકૅલ્શિયમતા, અસ્થિછિદ્રલતા, અસ્થિમૃદુતા, અંગુલિવંકતા, અંત:સ્રાવી ગ્રંથિતંત્ર).

આકૃતિ 4 : વિટામિન ‘ડી’નું અંત:સ્રાવી કાર્ય

સામાન્ય રીતે, લોહીના પ્લાઝ્મામાં 2.5થી 4.5 મિગ્રા. ડે.લીટર જેટલું ફૉસ્ફરસ હોય છે. તેમાંનું ફક્ત 15 % પ્રોટીનબદ્ધ અને 85 % મુક્ત હોય છે. કૅલ્શિયમ અને ફૉસ્ફરસના આયનોનો ગુણાકાર કૅલ્શિયમ ફૉસ્ફેટ [Ca3(PO4)2] અને હાઇડ્રૉક્સિઍપેટાઇટ [Ca10(PO4)6(OH)2] બનાવવા માટે જરૂરી કરતાં ઘણો વધારે હોય છે. તેથી હાડકાંનું ખનિજીકરણ (mineralization) અથવા હાડકાંમાં કૅલ્શિયમનું પ્રસ્થાપિત થવું (કૅલ્સીકરણ) સરળ બને છે. આ ગુણાકાર 20થી ઓછો હોય તો હાડકાંમાં કૅલ્સીકરણ ખામીભરેલું થાય છે, અને જો તે 7૦થી વધુ હોય તો અન્ય મૃદુ પેશીઓમાં પણ કૅલ્શિયમ જમા થાય છે.

એક સામાન્ય પુખ્ત વ્યક્તિને 12થી 15 ગ્રા./કિગ્રા. વજન કૅલ્શિયમ અને 15થી 2૦ ગ્રા./કિગ્રા. વજન ફૉસ્ફરસની રોજના આહારમાં જરૂર રહે છે. આ જરૂરિયાત બાળકો અને સગર્ભા સ્ત્રીઓમાં બેથી ત્રણગણી વધી જાય છે. ઋતુસ્રાવ બંધ થયો હોય તેવી સ્ત્રીઓ અને વૃદ્ધ પુરુષોએ પણ આહારમાં દોઢું કૅલ્શિયમ લેવું જરૂરી બને છે.

હાડપિંજર : પુખ્ત માનવના શરીરમાં 206 હાડકાં હોય છે, જેમાંનાં 8૦ હાડકાં અક્ષીય કંકાલતંત્રનાં અને 126 હાડકાં શાખાકીય કંકાલતંત્રનાં હોય છે. અક્ષીય કંકાલતંત્રમાં ખોપરીનાં હાડકાં, કરોડના મણકા, પાંસળીઓ તથા વક્ષાસ્થિ (ઉરોસ્થિ, sternum) ગણવામાં આવે છે. હાથપગનાં હાડકાં તથા શ્રોણીમેખલા (pelvic girdle) અને સ્કંધમેખલા(pectoral girdle)નાં હાડકાં શાખાકીય કંકાલતંત્રનાં ગણાય છે.

અક્ષીય કંકાલતંત્ર : ખોપરી(skull)માં 22 હાડકાં હોય છે (આકૃતિ 5-6). તે કરોડના મણકા ઉપર સ્થિત છે અને તેનાં હાડકાં બે જૂથમાં વહેંચાયેલાં હોય છે : કર્પર કે કપાલ(cranium)નાં હાડકાં અને મુખ(face)નાં હાડકાં. આઠ કર્પરી હાડકાંનાં નામ છે  કપાળમાંનું અગ્રાસ્થિ અથવા લલાટાસ્થિ (frontal bone), પાછળનું પર્શ્વકપાલાસ્થિ (occipital bone), પંખી આકારનું ખગાસ્થિ (sphenoid bone) ઝર્ઝરિકાસ્થિ (ethmoid bone), બે પાર્શ્વ કપાલાસ્થિઓ (parietal bones) અને બે લમણાંનાં હાડકાં (શંખાસ્થિઓ, temporal bones). ચહેરાનાં 14 હાડકાં છે, જેમાં બે નાકનાં (નાસાસ્થિ), બે ઉપલા જડબાનાં (ઊર્ધ્વહનુઅસ્થિઓ, maxillae), એક નીચલા જડબા (અધોહનુઅસ્થિ, manible)નું, બે અશ્રુકોથળીનાં (અશ્રુકોટરાસ્થિ lacrimal), બે તાળવાનાં (તાલવ્યાસ્થિ, palatine) હાડકાં, બે અધ:નાસા હાડકાં, બે કપોલાસ્થિ(zygomatic bones) અને એક ત્રિભુજાસ્થિ (vomer). ખોપરીનાં હાડકાં એકબીજાં સાથે હાલી ન શકે તેવાં ટંકાયેલાં અથવા સીવણસાંધા (sutures) વડે જોડાયેલાં હોય છે.

ગર્ભજીવનમાં સતંતુ કલા(fibrous membrane)માં ખોપરીનાં હાડકાં બને છે. જન્મ સમયે હાડકાં પૂરેપૂરાં બન્યાં ન હોવાથી તેમની વચ્ચેની જગ્યા પડદા(કલા)થી પુરાયેલી હોય છે. આ પડદાને કર્પરી કલા (fontanelle) કહે છે (આકૃતિ 7). જન્મ સમયે માથું સહેજ દબાય તો નાના માર્ગમાંથી તે નીકળી શકે તે માટે તથા જન્મ પછી અંદરના મગજનો વિકાસ શક્ય બને તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી હોય છે. જન્મ સમયે સામાન્ય રીતે છ કર્પરી કલાઓ હોય છે. અગ્રસ્થ (frontal) કર્પરી કલા અગ્રસ્થ હાડકું અને બે પાર્શ્વકપાલાસ્થિઓની વચ્ચે આવેલી છે. તેનો આકાર હીરા જેવો (ચતુષ્કોણ) હોય છે. તે સૌથી મોટી છે અને જન્મ પછી 18થી 24 મહિને પુરાય છે. અન્ય કર્પરી કલાઓ જન્મ પછીના પ્રથમ ત્રણ મહિને પુરાય છે. ક્યારેક પશ્ર્ચપાર્શ્ર્વ અથવા કર્ણમૂલક (posterolateral or mastoid) કર્પરી કલા પુરાતાં એક વર્ષ થાય છે. ખોપરીનાં તળિયાનાં હાડકાંમાં ઘણાં છિદ્રો આવેલાં હોય છે. તેની દ્વારા ખોપરીમાં નસો પ્રવેશે છે અને ચેતાઓ (nerves) બહાર નીકળે છે.

આકૃતિ 5–6 : ખોપરીનો દેખાવ આગળથી તથા પાછળથી : (1) અગ્રાસ્થિ અથવા લલાટાસ્થિ, (2) પાર્શ્વકપાલાસ્થિ, (૩) ખગાસ્થિ, (4) નેત્રગુહા, (5) ઝર્ઝરિકાસ્થિ, (6) અશ્રુકોટરાસ્થિ, (7) ત્રિભુજાસ્થિ, (8) નીચલું જડબું (અધોહનુઅસ્થિ), (9) ઉપલું જડબું (ઊર્ધ્વહનુઅસ્થિ), (1૦) કપોલાસ્થિ, (11) નાસાસ્થિ, (12) શંખાસ્થિ, (13) દાંત, (14) પશ્ચકપાલાસ્થિ, (15) કર્ણછિદ્ર.

અશ્વનાલાભ (hyoid) હાડકું ગળામાં આવેલું હોય છે. તે નીચલા જડબા અને સ્વરપેટીની વચ્ચે જીભ તથા અન્ય સ્નાયુઓને આધાર આપે છે. આ હાડકું કોઈ પણ અન્ય હાડકા સાથે સાંધો બનાવતું નથી.

પુખ્ત માનવમાં કરોડના મણકા આશરે 71 સેમી. જેટલી લંબાઈ ધરાવે છે. તે પીઠની મધ્યમાં મેરુદંડ અથવા કરોડસ્તંભ (vertebral column) રૂપે આવેલાં છે. આ 33 મણકા આગળ, પાછળ અને બાજુમાં હલનચલન કરે છે. મેરુદંડ માથાનો આધાર છે, કરોડરજ્જુનો રક્ષક છે, પાંસળીઓ અને પીઠના સ્નાયુઓનું બંધન-સ્થાન (attachment) છે તથા શરીરના વજનનું વહન કરે છે. તેના 7 મણકા ગળામાં, 12 મણકા છાતીના પાછલા ભાગ(પીઠ)માં, 5 મણકા કમરમાં હોય છે, જ્યારે એકબીજા સાથે ચોંટેલા ત્રિકાસ્થિના પાંચ મણકા અને એકબીજા સાથે ચોંટેલા અનુત્રિકાસ્થિ(coccyx)ના ચાર મણકા છેક નીચેના ભાગમાં આવેલા હોય છે. પ્રથમ મણકાથી ત્રિકાસ્થિ સુધી દર બે મણકા વચ્ચે આંતરમણિકા ચકતી (intervertebral disc) આવેલી હોય છે. દરેક ચકતીમાં બહારના ભાગમાં તંતુકાસ્થિનું વર્તુળ (fibrocartilagenous annulus) હોય છે અને વચ્ચે મૃદુકેન્દ્ર (nucleus pulposus) આવેલું હોય છે. આ ચકતીઓ ખૂબ મજબૂત સાંધા તરીકે કામ કરે છે. તે મણકાના વિવિધ સંચલનને શક્ય બનાવે છે અને સાથે સાથે ઘણા આંચકા પણ સહે છે. દબાણ હેઠળ તે ચપટી બને છે અને બે મણકાની વચ્ચે આવેલા, ચેતાનો માર્ગ બનતા, આંતરમણિકા છિદ્રમાં ફૂલે છે. કરોડના મણકા સીધી રેખામાં આવેલા નથી. તે ગળા અને કમરના ભાગમાં આગળની બાજુ અને પીઠ તથા ત્રિકાસ્થિ(sacrum)ના ભાગમાં પાછળની બાજુ બહિર્ગોળ વળાંક ધરાવે છે.

આકૃતિ 7 : જન્મ સમયે ખોપરીની રચના : (1) અગ્રાસ્થિઓ, (2) પાર્શ્વકપાલાસ્થિ, (૩) પશ્ચકપાલાસ્થિ, (4) અગ્રકર્પરી કલા, (5) સીવણસાંધા

કરોડના મણકા આકાર, માપ અને રચનામાં જુદા જુદા હોવા છતાં તે મૂળ બાબતોમાં સમાનતા ધરાવે છે. કોઈ એક નમૂનારૂપ મણકામાં (આકૃતિ 8) જાડા, દટ્ટા જેવા અગ્રસ્થ (anteriorly situated) આગળની બાજુએ રહેલા ભાગને કાંડ અથવા કાય (body) કહે છે. તેની ઉપર અને નીચેની સપાટી પર આંતરમણકા ચકતીઓ આવેલી હોય છે. તેના પશ્ચપાર્શ્વ (posterolateral) અથવા પાછળ અને બાજુ તરફ આવેલા ભાગમાંથી એક એક મણકાકમાન (vertebral arch) નીકળે છે. મણકાના દટ્ટા સાથે જોડાતા તેના ભાગને પાદક (pedicle) કહે છે અને પાછળના ભાગને મણકાપટ્ટી (lamina) કહે છે. પાદક અને મણકાપટ્ટી જ્યાં મળે ત્યાંથી આડપ્રવર્ધ (transverse process) બાજુ પર જાય છે. બંને મણકાપટ્ટી મળીને કંટક (spine) બનાવે છે, જે બરાબર પાછળ અને મધ્યમાં હોય છે. મણકાકમાન પર, ઉપર અને નીચે સંધિકારી સપાટીઓ આવેલી હોય છે. તે ઉપર અને નીચેના મણકાની તેવી જ સપાટીઓ સાથે સાંધા બનાવે છે. ઉપરનીચેના મણકાની મણકાકમાનો વચ્ચેના કાણાને આંતરમણિકા છિદ્ર કહે છે. તેમાંથી ચેતા બહાર નીકળે છે. અગ્રસ્થ દટ્ટા અને બંને મણકાકમાનો વચ્ચે એક પોલી નળી બને છે. તેને મેરુદંડનળી (vertebral canal) છે. તેમાં કરોડરજ્જુ સચવાઈને રહે છે.

આકૃતિ 8 : કરોડના મણકા (મેરુદંડ) (1) અગ્રભાગ, (2) પશ્ચભાગ, (3) ગ્રીવાના મણકા, (4) વક્ષના મણકા, (5) કટિના મણકા, (6) ત્રિકાસ્થિ, (7) અનુત્રિકાસ્થિ, (8) કાંડ (મણકાકાય), (9) મેરુદંડનળી, (1૦) મણકાકમાન, (1૦ક) પાદક, (1૦ખ) મણકાપટ્ટી, (11) આડપ્રવર્ધ, (12) કંટક

ગળાના સાતમા મણકાનો કંટક સૌથી મોટો હોય છે. ગાય-બળદની પીઠ પરનો ઢેકો આ જ કંટકને કારણે બને છે, જેની આગળ ધૂંસરી મૂકવામાં આવે છે. ગળાના પ્રથમ મણકાને શીષધર (atlas) અને બીજા મણકાને અક્ષિક (axis) કહે છે. તે બંને વચ્ચે અક્ષીય (axial) સાંધો બને છે.

છાતી(પીઠ)ના 12 મણકાની બંને બાજુએથી એક એક એમ 12 પાંસળીઓ(પર્શુકાઓ, ribs)ની જોડ નીકળે છે. પ્રથમ છ જોડ આગળ વક્ષાસ્થિ (ઉરોસ્થિ, sternum) સાથે જોડાય છે. સાતમી, આઠમી, નવમી અને દશમી જોડ આગલી જોડની પાંસળી સાથે જોડાય છે. અગિયારમી અને બારમી પાંસળીઓ વક્ષાસ્થિ કે કોઈ પાંસળી સાથે જોડાતી નથી. તેમને તરતી પાંસળીઓ કહે છે. પાંસળીઓ વચ્ચેના સાંધા તથા પાંસળીઓ અને વક્ષાસ્થિ સાથેના સાંધા કાસ્થિ વડે બનેલા હોય છે. દરેક પાંસળીના પાછળના છેડાને શીર્ષ (head) કહે છે, જેના પર આવેલી બે સંધિકારી સપાટી વડે તે ઉપર-નીચેના બે મણકા સાથે સંધિ કરે છે. શીર્ષની જોડે ગ્રીવા (neck) આવેલી હોય છે. પાંસળીના નીચલા ભાગમાં ખુલ્લી ખાંચ (groove) આવેલી હોય છે. તેમાં લોહીની નસો અને ચેતા રહેલી હોય છે.

બે પાંસળી વચ્ચેની જગ્યાને આંતરપાંસળી આંતરપર્શૂકા (intercoastal) જગ્યા કહે છે, જેમાં સ્નાયુ આવેલા હોય છે. વક્ષાસ્થિ 15 સેમી. લાંબું, ચપટું, એક ખંજર જેવું હાડકું હોય છે. તેના ત્રણ ભાગ હોય છે : ઉપરનો ત્રિકોણાકાર, ખંજરના હાથા જેવો ભાગ (હસ્તક, manubrium); ખંજરની પટ્ટી જેવો વચલો સૌથી મોટો ભાગ, કાંડ પટ્ટી, body અને ત્રિકોણાકાર ટોચ જેવો સૌથી નીચેનો છેડાનો પાંદડા જેવો ભાગ (પત્રક, xiphoid). વક્ષાસ્થિના હસ્તક સાથે બંને હાંસડીનાં હાડકાં સાંધા બનાવે છે. પ્રથમ પાંસળીની જોડ વક્ષાસ્થિના હસ્તક સાથે, બીજી જોડ વક્ષાસ્થિના હસ્તક અને કાંડપટ્ટી જોડે અને ત્રીજીથી છઠ્ઠી જોડ વક્ષાસ્થિની કાંડપટ્ટી જોડે સાંધા બનાવે છે. પાંસળીઓ અને વક્ષાસ્થિ તથા પીઠના કરોડના મણકા છાતીનું પિંજરું (વક્ષપિંજર, thoracic cage) બનાવે છે, જે હૃદય, ફેફસાં અને પેટની ગુહાના ઉપરના ભાગના અગત્યના અવયવો(યકૃત, બરોળ, જઠર વગેરે)નું રક્ષણ કરે છે. નીચલી પાંસળીઓની જોડ પર ઉરોદરપટલ (diaphragm) જોડાયેલો હોય છે. વક્ષાસ્થિની અસ્થિમજ્જાનું જીવપેશીપરીક્ષણ (bone marrow biopsy) લોહીના રોગોમાં ઉપયોગી છે.

શાખાકીય કંકાલતંત્ર : હલનચલન માટે જરૂરી એવા કંકાલતંત્રના આ ભાગને શાખાકીય કંકાલતંત્ર કહે છે. તેમાં હાથ અને પગનાં હાડકાં ઉપરાંત હાથને ખભાવડે અક્ષીય કંકાલતંત્ર સાથે જોડતી સ્કંધમેખલા (pectoral girdle) અને પગને કેડ આગળ તેની સાથે જોડતી શ્રોણીમેખલા(pelvic girdle)નાં હાડકાંનો સમાવેશ થાય છે.

સ્કંધમેખલાની બંને જોડમાં બે બે હાડકાં આવેલાં હોય છે : (1) હાંસડી (અક્ષકાસ્થિ અથવા અરીયાસ્થિ, clavicle) અને (2) સ્કંધાસ્થિ (scapula). હાંસડીનું હાડકું આગળ વક્ષાસ્થિના હસ્તક (manubrium) સાથે અને બાજુમાં સ્કંધાસ્થિ સાથે સાંધા બનાવે છે. હાંસડી આગળના ભાગમાં અને સ્કંધાસ્થિ પીઠમાં, પાછળના ભાગમાં આવેલાં છે. સ્કંધાસ્થિ હાંસડીના હાડકા અને ભુજાસ્થિ(humerus)ના શીર્ષ સાથે સાંધો બનાવે છે. સ્કંધાસ્થિ સાથે પીઠના સ્નાયુઓ જોડાયેલા હોય છે. તે સ્કંધાસ્થિને પીઠની પાછળ યોગ્ય સ્થળે રાખે છે તથા ખભાના હલનચલનનો વ્યાપ વધારે છે.

બંને ઊર્ધ્વશાખાઓ અથવા બાહુ(upper limbs)માં કુલ 6૦ હાડકાં હોય છે. ખભા અને કોણીની વચ્ચે ભુજાસ્થિ (humerus) નામનું હાડકું આવેલું છે, જે સ્કંધાસ્થિ સાથે ખભાનો સાંધો (સ્કંધસંધિ) બનાવે છે. કોણીના સાંધા પર તે અગ્રભુજાસ્થિ (હસ્તાસ્થિ, radius) અને અનુઅગ્રભુજાસ્થિ (અનુહસ્તાસ્થિ, ulna) સાથે જોડાય છે. કાંડાના સાંધામાં અગ્રભૂજાસ્થિ અને અગ્રભૂજાસ્થિ કાંડા(મણિબંધ)નાં આઠ નાનાં હાડકાં (મણિબંધાસ્થિઓ, carpals) સાથે જોડાય છે. કાંડાના સાંધામાં હથેળીનાં પાંચ હાડકાં (અગ્રહસ્તાસ્થિઓ, metacarpals) પણ જોડાય છે. હથેળીનું પ્રથમ હાડકું દૂરના છેડે અંગૂઠાના પ્રથમ વેઢના હાડકા (અંગુલાસ્થિ, phalanx) સાથે જોડાય છે, જ્યારે હથેળીનાં બીજાં ચાર હાડકાં દૂરના છેડે આંગળીઓમાંના પ્રથમ વેઢના હાડકા સાથે જોડાય છે. અંગૂઠામાં બે વેઢનાં હાડકાં હોય છે, જ્યારે દરેક આંગળીમાં ત્રણ વેઢનાં હાડકાં હોય છે. આમ, દરેક ઊર્ધ્વશાખામાં 3૦ હાડકાં હોય છે.

મેરુદંડ(vertebral column)નું ત્રિકાસ્થિ (sacrum), શ્રોણીમેખલાનાં બે કટિ-અસ્થિઓ (hip bones) સાથે જોડાય છે. ત્રિકાસ્થિની બંને બાજુ એક એક એવાં આ કટિ-અસ્થિઓ આગળ એકબીજાં સાથે જોડાય છે. કરોડ દ્વારા ઝિલાયેલું શરીરનું વજન પગનાં હાડકાંમાં કટિ-અસ્થિઓ વડે વહન કરાય છે. શ્રોણીમેખલા પ્રજનન અવયવો, મૂત્રાશય તથા મળાશયનું રક્ષણ કરે છે. કટિ-અસ્થિ ત્રણ જોડાયેલાં હાડકાંનું બનેલું છે : નિતંબાસ્થિ (ileum), આસનાસ્થિ (ischaeum) અને જઘનાસ્થિ (pubis). શિશુના જન્મ સમયે તેણે શ્રોણીમેખલામાંથી પસાર થવાનું હોવાથી સગર્ભા સ્ત્રીના શ્રોણીમેખલાનું માપ (શ્રોણીમિતિ, pelvimetry) એક અગત્યની તપાસ બને છે. તે એક્સ-રે તથા અલ્ટ્રાસોનોગ્રાફી વડે થઈ શકે છે. આ હાડકાંના મોટા ખાંચામાંથી પાદચેતા (sciatic nerve) પસાર થાય છે. ક્યારેક તેના ઉપર દબાણ આવતાં રાંઝણ (sciatica) નામનો પગમાં થતી પીડાનો વિકાર થાય છે.

બંને પગ અથવા અધ:શાખા(lower limbs)માં કુલ 6૦ હાડકાં હોય છે. કટિના સાંધાથી ઢીંચણના સાંધા સુધી, શરીરનું સૌથી લાંબું અને મજબૂત હાડકું, જંઘાસ્થિ (femur) આવેલું છે. જંઘાસ્થિનું શીર્ષ એક ત્રાંસી ગ્રીવા (neck) પર આવેલું હોય છે. જંઘાસ્થિનું શીર્ષ કટિ-અસ્થિ સાથે કટિનો સાંધો (કટિસંધિ, hip joint) બનાવે છે. હાડકાં પોચાં પડતાં, વૃદ્ધાવસ્થામાં જંઘાસ્થિગ્રીવાનો અસ્થિભંગ (fracture) ઘણી વખત જોવા મળે છે.

જંઘાસ્થિ તેના દૂરના છેડે નળાસ્થિ (tibia, પગમાં આવેલું નળાનું હાડકું) સાથે ઢીંચણનો સાંધો બનાવે છે. ઢીંચણના સાંધાને સીધો રાખવા જાંઘમાં ચતુ:શીર્ષ (quadriceps) સ્નાયુ આવેલો હોય છે. તેનો સ્નાયુબંધ (tendon) નળાસ્થિના ગંડક (tuberosity) સાથે જોડાયેલો હોય છે. સતત ઘર્ષણમાં ટકી રહેવા તેમાં કંડારાસ્થિ (patella) નામનું ઊંધું ત્રિકોણાકાર હાડકું બનેલું હોય છે. તેને ઢીંચણની ઢાંકણી પણ કહે છે. ઢીંચણ અને ઘૂંટી (ankle) વચ્ચે બે હાડકાં આવેલાં હોય છે : મોટું અને વજન ઊંચકતું હાડકું નળાસ્થિ અને સ્નાયુઓને જોડાણ આપતું પાતળું હાડકું અનુનળાસ્થિ (fibula). ઘૂંટીનો સાંધો નળાસ્થિના દૂરના છેડે ઘુટિકાસ્થિ (talus), નળાસ્થિ તથા અનુનળાસ્થિ સાથે બને છે. ઘુટિકાસ્થિ સહિત પગની ઘૂંટી અને પાનીનાં સાત હાડકાં (પાદાસ્થિઓ, tarsals) હોય છે. તેમની અને પગનાં આંગળાંના વેઢનાં હાડકાં વચ્ચે બીજાં પાંચ હાડકાં (અગ્રપાદાસ્થિઓ, metatarsals) આવેલાં હોય છે. આ બારે હાડકાં મળીને પગની આગળપાછળ અને આડી કમાનો (arches) બનાવે છે જેથી દોડવા, ચાલવા અને કૂદવામાં સરળતા રહે. જેમના પગમાં આવી કમાન ન હોય તેમને સપાટપાદી (flat footed) કહે છે. હાથની અસ્થિ જેમ જ પગના અંગૂઠામાં બે વેઢનાં હાડકાં અને દરેક આંગળીમાં ત્રણ ત્રણ વેઢનાં હાડકાં (અંગુલાસ્થિઓ) આવેલાં હોય છે. ઘણી વખત પગનાં આંગળાં, અંગૂઠા અને કમાનનાં હાડકાંની જન્મજાત વિકૃતિઓ જોવા મળે છે.

આકૃતિ 9 : હાડકાનો સાંધો અને તેના કેટલાક રોગો : (1) સ્નાયુ-સ્નાયુશોથ (myositis), (2) સ્યૂનસ્યૂનશોથ (bursitis), (૩) સાંધામાંની જગ્યાચેપ, નજલો (gout), (4) સ્નાયુબંધ-સ્નાયુબંધ  સંધિકલાશોથ (tenosinovitis). (5) સંધિકલા-સંધિકલાશોથ (sinovitis), (6) સંધિસંપુટ-અસ્થિવિચલન, (7) કાસ્થિ-અસ્થિસંધિશોથ, (8) હાડકુંઅસ્થિશોથ, અર્બુદ, કૅન્સર, કુરચના, અસ્થિભંગ

સાંધાઓ : હાડકાં કઠણ હોવાથી વળી શકતાં નથી, તેથી હલનચલન (locomotion) અને સંચલન (movement) માટે હાડકાંના સાંધાની જરૂર પડે છે. બે કે વધુ હાડકાં જે સ્થળે એકબીજાં સાથે જોડાય તેને અસ્થિસંધિ (articulation) કહે છે. જરૂરિયાત પ્રમાણે અસ્થિસંધિ સંચલનની છૂટ કરી આપે છે, પરંતુ બધા જ સાંધાઓ પર સંચલન થતું નથી. અસ્થિસંધિ ત્રણ પ્રકારના હોય છે : (1) સ્થિરસંધિ (synarthrosis), (2) અર્ધચલિતસંધિ (amphiarthrosis) અને (૩) પૂર્ણચલિતસંધિ (diathrosis). બે હાડકાં વચ્ચેનું જોડાણ તંતુમય (fibrous), કાસ્થિમય (cartilagenous) અથવા તરલ-પોટીમય (synovial) હોય છે. તંતુમય સંધિમાં હાડકાના છેડા સંધાનપેશીના તાંતણાથી બંધાયેલા હોય છે, જેથી બહુ જ ઓછું સંચલન શક્ય બને છે અથવા સહેજ પણ શક્ય બનતું નથી. દા.ત., ખોપરીના સાંધા, અગ્રભુજાસ્થિ અને અનુઅગ્રભુજાસ્થિના મધ્યદંડનો સાંધો. જડબાની બખોલોમાં દાંત પણ આ જ પ્રકારના સાંધાથી જોડાયેલા હોય છે. પાંસળીઓ અને વક્ષાસ્થિ તથા કટિ-અસ્થિના આગળના છેડા કાસ્થિમય સંધિથી જોડાયેલા હોય છે. આ પ્રકારના સાંધામાં હાડકાના છેડાઓ વચ્ચે જગ્યા હોતી નથી તેમજ ત્યાં પૂર્ણ સંચલન પણ શક્ય નથી, તેથી તે સ્થિરસંધિ કે અર્ધચલિતસંધિનાં ઉદાહરણો છે. તરલ-પોટીમય સંધિમાં સંચલન સુગમ બને છે, કેમ કે તેમાં સંધિગુહા (joint cavity) હોય છે. બે હાડકાંના છેડા વચ્ચેની જગ્યા(સંધિગુહા)માં સંધિતરલ (synovial fluid) રૂપી પ્રવાહી ભરેલું હોય છે. હાડકાંના સંધિકારી છેડાઓ પર લીસું, સપાટ, કાચ જેવું કાસ્થિ (hyaline cartilage) હોય છે. આમ, હાડકાંના સંચલન વખતે ઘર્ષણ ઘણું ઘટી જાય છે. સ્નાયુબંધ અને હલનચલન કરતાં હાડકાં વચ્ચે ઘર્ષણ ન થાય માટે પ્રવાહી ભરેલી પોટલી જેવી સંરચનાઓ હોય છે. તેમને સ્યૂન (bursa) કહે છે.

સાંધામાં જોડાતાં હાડકાંના પરિઅસ્થિને જોડતું સંધિસંપુટ (capsule) સંધિગુહા બનાવે છે, તેની અંદરની દીવાલ પર સંધિતરલકલા અથવા સંધિકલા (synovial membrane) આવેલી હોય છે. આ સંધિતરલકલા સંધિતરલ નામનું પ્રવાહી ઉત્પન્ન કરે છે. સાંધામાં જોડાતાં બંને હાડકાંને અસ્થિ સંપુટ ઉપરાંત સંધિબંધો(ligaments)નાં તંતુમય દોરડાં જેવી પેશીઓ પણ બાંધી રાખે છે. આવાં અસ્થિબંધો અસ્થિસંધિની અંદર તેમજ બહાર પણ હોય છે. ક્યારેક બે હાડકાં વચ્ચેનું ઘર્ષણ ઘટાડવા માટે સાંધાની અંદર અને બંને હાડકાંની વચ્ચે કાસ્થિની અંત:સંધિ-ચકતીઓ (intra-articular discs) પણ આવેલી હોય છે (દા.ત., ઢીંચણનો સાંધો). સંધિગુહાની અંદર નળી વડે જોવાની ક્રિયાને અંત:નિરીક્ષા (arthroscopy) કહે છે. તેના વડે તેમાંના રોગોની જાણકારી મેળવી શકાય છે. સાંધા ઉપર થતા સંચલનથી સ્નાયુબંધ અને હાડકાં વચ્ચે, સ્નાયુબંધ અને સંધિબંધ વચ્ચે, બે સ્નાયુબંધ વચ્ચે કે બે સંધિબંધ વચ્ચે ઘર્ષણ થવાની શક્યતા રહે છે, તેથી આવાં સ્થળોએ બે ઘસાતી સપાટીઓ વચ્ચે પ્રવાહી ભરેલી સ્યૂન (bursa) આવેલી હોય છે. ક્યારેક આવી સ્યૂન સંધિગુહા સાથે જોડાયેલી પણ હોય છે. તરલમય સાંધાઓમાં જુદા જુદા પ્રકારનું સંચલન શક્ય બને છે. (1) સરકવું (gliding), (2) વંકતાકારી (angular) સંચલન, જેવાં કે કોણકારી (flexion), સુરેખકારી (extension), ઉપસારી (adduction) અને અપસારી (abduction) સંચલન, (3) ચક્રસારી (circumduction) સંચલન, જેવાં કે અંત:ચક્રસારી (internal rotation) અને બહિશ્ચક્રસારી (external rotation) સંચલન તથા (4) વિશિષ્ટ સંચલન, જેવું કે ઊંધા વળવું (pronation), ચત્તા થવું (supination), અવળું ફરવું, સવળું ફરવું વગેરે.

જુદી જુદી સંચલનશીલતાને આધારે તરલ-પોટીમય સાંધાઓના જુદા જુદા પ્રકાર પાડવામાં આવ્યા છે.

આકૃતિ 1૦ : સાંધાના પ્રકારો : (1) સરકતો સાંધો (કાંડાનો સાંધો), (2) મિજાગરાનો સાંધો (ઢીંચણનો સાંધો), (3) ધરી પ્રકારનો (ખીલનો) સાંધો (પ્રથમ બે મણકા વચ્ચે) (4) ઊખળી સાંધો (કેડ અને ખભાના સાંધા)

કાંડા અને પગની ઘૂંટીનાં હાડકાં વચ્ચે સરકતા સાંધા આવેલા હોય છે. કોણી તથા આંગળાના વેઢા વચ્ચે મિજાગરાના સાંધા આવેલા હોય છે. કરોડના પ્રથમ બે મણકા વચ્ચે અને અગ્રભુજાસ્થિ–અગ્રભૂજાસ્થિનો ઉપરનો સાંધો ધરીસંધિ પ્રકારનો હોય છે. તેમાં એક હાડકું ધરી (axis) બને છે, જેની આસપાસ બીજું હાડકું ગોળ ગોળ ફરી આવર્તનકારી સંચલન કરે છે. હથેળીનાં હાડકાં કાંડાનાં હાડકાં પર, ઘોડાની પીઠ પર જીન મૂક્યું હોય તેવો અશ્વજીન સાંધો બનાવે છે. ખભાકટિના સાંધાનું મુક્ત સંચલન શક્ય બને તે માટે દડા અને બખોલનો (ઊખળીનો) સાંધો બનાવે છે.

વજનનું વહન : ટટ્ટાર, સીધી ઊભી રહેતી વ્યક્તિના શીર્ષનું વજન ડોકના પ્રથમ મણકા ઉપર કેન્દ્રિત થાય છે. બંને હાથનું વજન સ્કંધમેખલાનાં હાડકાં દ્વારા છાતીના પિંજરા પર અને પાંસળીઓ દ્વારા પીઠના કરોડ સ્તંભ(મેરુદંડ)ના મણકા પર આવે છે. આમ, મેરુદંડની નીચે આવેલા ત્રિકાસ્થિ પર માથા, હાથ અને ધડનું સમગ્ર વજન મેરુદંડ દ્વારા આવે છે. મેરુદંડ શરીરના પાછલા ભાગમાં હોવાથી શરીરનું ગુરુત્વમધ્યબિંદુ ત્રિકાસ્થિના બીજા મણકાની આગળ આવેલું હોય છે.

વધુ વજનવાળી વ્યક્તિમાં પેટના આગળના ભાગમાં ચરબી જમા થાય છે તેથી વધુ પડતી ચરબી ગુરુત્વમધ્યબિંદુને આગળ ખેંચીને મેરુદંડ તથા તેના પાછળના સ્નાયુઓમાં વધુ પ્રમાણમાં તાણ (tensile force) ઉત્પન્ન કરે છે, તેથી સમય જતાં કમર અને પીઠની પીડા ઉત્પન્ન થાય છે. વળી, મેરુદંડને ટટ્ટાર, સીધો રાખીને બેસવા-ઊભા રહેવાની જેમને ટેવ ન હોય તેઓ પણ ગુરુત્વમધ્યબિંદુને મેરુદંડથી દૂર ખેંચે છે. આમ (આગળ તરફ નમીને) બેસવા-ઊભા રહેવાની ખોટી રીત પણ પીઠની પીડા માટે કારણભૂત બને છે. સગર્ભાવસ્થાની કટિપીડાનું આ એક કારણ હોય છે. ત્રિકાસ્થિમાંથી બંને બાજુ આવેલા કટિ-અસ્થિની કટિ-સંધિગુહા(acetabulum)માં ગોઠવાયેલા જંઘાસ્થિના શીર્ષ પર સરખે ભાગે વહેંચાયેલું વજન આવી પડે છે. બે પગનાં હાડકાં અને સ્નાયુઓની વચ્ચે સમતુલા જળવાયેલી ન હોય ત્યારે વજન એક બાજુ આવી પડે છે, તેથી શ્રોણીમેખલા એક બાજુ લચી પડે છે. એક બાજુ લચી પડેલી શ્રોણીમેખલા, મેરુદંડ પર એક બાજુથી તાણ ઉત્પન્ન કરે છે. આમ થતાં મેરુદંડ સીધો અને ટટ્ટાર રહી શકતો નથી. મેરુદંડમાં આને કારણે થતી વિકૃતિ (કુરચના, deformity) પણ પીઠમાં દુખાવો ઉત્પન્ન કરે છે. જંઘાસ્થિ શીર્ષ અને ગ્રીવા(head and neck of femur)માં આવેલા અસ્થિરેસા(trabeculae)ની આડી, ઊભી ને ત્રાંસી રચના વડે શરીરનું વજન જંઘાસ્થિના મધ્યદંડ(diaphysis)ના ઘટ્ટ હાડકાના બનેલા બાહ્યક (cortex) પર આવે છે. આમ બંને પગ પર અડધું અડધું વજન વહેંચાય છે. ગુરુત્વરેખા બે પગની વચ્ચેથી તથા કટિ-સંધિની પાછળ અને ઢીંચણના સાંધાની આગળથી પસાર થાય છે. જંઘાસ્થિમાંથી વજન નળાસ્થિ(tibia)માં થઈને પાદકમાનો (arches of foot) પર આવે છે. પાદ (foot) પર આવેલું વજન પણ બે ભાગમાં વહેંચાય છે. અડધું વજન પગની પાનીના હાડકા(calcaneum)માં અને અડધું પાંચ અગ્રપાદાસ્થિના શીર્ષ(heads of metatarsal)માં વહેંચાય છે. ગુરુત્વરેખા બંને પાદની વચ્ચે પડે છે. આમ શરીરનું વજન સંતુલિતપણે બંને પગ પર ઝીલી રખાય છે. વ્યક્તિ બેસે ત્યારે ત્રિકાસ્થિમાંથી વજન કટિ-અસ્થિના આસનાસ્થિ (ischium) પર બંને બાજુ સરખું વહેંચાય છે. ગુરુત્વમધ્યબિંદુ આગળ પડતું હોવાથી ઊભા થતી વખતે વ્યક્તિએ હાથ વડે આગળની બાજુ આધાર શોધવો પડે છે.

હાડકાં અને સાંધાના રોગો અને તેમની ચિકિત્સા : હાડકાં અને સાંધાના રોગોનાં મુખ્ય ચિહ્નો અને લક્ષણો પીડા (દુખાવો), હલનચલનમાં અટકાવ, સોજો અને સ્નાયુઓની ક્ષીણતા (atrophy) છે. દુખાવો તથા હલનચલનનો અટકાવ મુખ્યત્વે હાડકાં અને સાંધાને થયેલા નુકસાનને કારણે હોય છે. પીડા, હલનચલનનો સતત અટકાવ, સોજા તથા સ્નાયુઓની ક્ષીણતા અંગના આકારમાં બેડોળપણું લાવે છે. તેને કુરચના (deformity) કહે છે. જુદા જુદા પ્રકારના રોગો કે વિકારોમાં તેમને લગતાં વિશિષ્ટ ચિહ્નો તથા લક્ષણો હોય છે. મુખ્ય રોગો અને વિકારો સારણી 2માં દર્શાવ્યા છે.

સારણી 2 : હાડકાં અને સાંધાના રોગો અને વિકારો

પ્રકાર/નામ મુખ્ય કારણ
(1) રુગ્ણકારી (pathological) વિકાર :
(અ) હાડકાંની ઘનતામાં ઘટાડો –કૅલ્શિયમની ઊણપ
–અસ્થિમૃદુતા (osteomalacia) –ખોરાકમાં વિટામિન ‘ડી’, કૅલ્શિયમ કે
ફૉસ્ફરસની ઊણપ
–અપશોષણ (malabsorption)
–સંગ્રહણી (coeliac disease) સંલક્ષણ
–ક્રોહનનો રોગ
–મૂત્રપિંડનો રોગ
–અસ્થિછિદ્રલતા (osteoporosis) –વૃદ્ધાવસ્થા
–ઋતુસ્રાવનિવૃત્તિ
–વિટામિન ‘સી’ની ઊણપ
–નિરુપયોગ (disuse)
–કુશિંગનો રોગ અને સ્ટીરૉઇડ અંત:સ્રાવોનો
અતિશય ઉપયોગ
–અપૂર્ણ અસ્થિજનન (osteogenesis imperfecta) –જન્મજાત રોગ
–સતંતુ કોષ્ઠીય અસ્થિશોથ (osteitis fibrosa cystica) –પરાગલ(parathyroid)ની અતિસ્રાવતા (hypersecretion)
(આ) હાડકાંની ઘનતામાં વધારો –કૅલ્શિયમ અને તંતુનું વધેલું પ્રમાણ
–અસ્થિપીટ્રોસીસ (osteopetrosis) –જન્મજાત રોગ
–સીસાની વિષાક્તતા (lead poisioning) –આહારમાં અતિશય સીસું
–ફ્લુરિતા (fluorosis) –પાણીમાં અતિશય ફ્લોરિન
–અસ્થિતંતુતા (myclosclerosis) –પ્રાથમિક વિકાર અથવા અન્ય કારણોસર
–પેજેટનો અસ્થિરોગ –જન્મજાત રોગ
(ઈ) હાડકાંનો નાશ
–ક્ષય –ક્ષયનો જીવાણુ
–સમજ્જા-અસ્થિશોથ (osteomyelitis) –વિવિધ જીવાણુ
–કેસનનો રોગ –જુઓ અતિદાબખંડ
(2) અંત:સ્રાવી (hormonal) વિકારો : –જુઓ અંત:સ્રાવી ગ્રંથિતંત્ર
(અ) પીયૂષિકા (pituitary) ગ્રંથિ
–અતિકાયતા : સમ અથવા વિષમ –અતિસ્રાવતા
–વામનતા –અલ્પસ્રાવતા (hyposecretion)
(આ) ગલગ્રંથિ (thyroid gland)
–ક્રેટિન –અલ્પસ્રાવતા
(ઇ) પરાગલ (parathyroid) ગ્રંથિ
–સતંતુકોષ્ઠીય અસ્થિશોથ –અતિસ્રાવતા
(ઈ) અધિવૃક્ક (adrenal) ગ્રંથિ
–અસ્થિછિદ્રલતા –અતિસ્રાવતા
(૩) વિટામિનની ઊણપ :
(અ) સૂકતાન (બાળકોમાં) –વિટામિન ‘ડી’ની ઊણપ
–અસ્થિમૃદુતા (પુખ્ત વયે)
(આ) સ્કર્વી –વિટામિન ‘સી’ની ઊણપ
(4) હાડકાંની ગાંઠો
(5) ઈજાજન્ય
–અસ્થિભંગ (fracture)
–અસ્થિવિચલન (dislocation)
–મચકોડ

કંકાલતંત્રના રોગો અને વિકારોની ચિકિત્સાને અસ્થિચિકિત્સાવિદ્યા. કહે છે. તેનું પાશ્ચાત્ય ચિકિત્સાવિદ્યા-(આયુર્વિજ્ઞાન, allopathy)માં નામ ‘ઑર્થોપીડિક્સ’ છે. શરૂઆતમાં ઈજાગ્રસ્ત બાળકને સીધું (straight) રાખવા માટે વિકસેલી ચિકિત્સાપદ્ધતિ પાછળથી તેની ક્ષિતિજો વિસ્તારતી રહી છે. હવે તે બધી જ વયના, અસ્થિ અને અન્ય સંબંધિત પેશીઓના બધા જ રોગોને આવરે છે. આ ચિકિત્સાપદ્ધતિ હેઠળ જન્મજાત(congenital), ઈજાજન્ય, જીર્ણતાજન્ય (degenerative), ચેપજન્ય (infective), ચયાપચયી (metabolic) અને ચેતાજન્ય (neurologic) રોગો અને વિકારોને આવરી લેવાયા છે. શારીરિક કુરચના(બેડોળપણું, deformity)નાં અન્ય કારણોમાં દેહસ્થિતિ (posture) પણ મહત્વનું છે. ટેવ, વ્યાવસાયિક ઘટકો તથા ચાલવાની પદ્ધતિને કારણે, ઊઠવા-બેસવાની રીતે તથા ગુરુત્વાકર્ષણને કારણે દેહસ્થિતિમાં ફેરફારો આવે છે, જે શરીરમાં કુરચના લાવે છે. ઊભી દેહસ્થિતિ ચેતાતંત્રના નિયંત્રણ હેઠળની સ્નાયુસજ્જતા(muscle tone)ને આભારી છે. વિકાસના તબક્કામાં વિષમ બળોને કારણે કેટલીક શારીરિક કુરચનાઓ થાય છે, જેવી કે અંદરની તરફ વળેલા ઢીંચણના સાંધા (genu valga) અને સપાટ પાદ (flat foot).

નિયમિત કસરત કરવી તથા યોગ્ય દેહસ્થિતિ રાખવી અને જાળવવી એ આવા શારીરિક બેડોળપણાને થતાં અટકાવવાનો શ્રેષ્ઠ ઉપાય છે. શારીરિક કુરચના ઘણા રોગો તથા વારસાગત કે જનીની (genetic) કારણોથી થાય છે. જીર્ણતાજન્ય સાંધાના સોજા (સંધિશોથ, arthritis) પણ જનીની કારણોસર વહેલા અને વધુ ઉગ્રતાવાળા થાય છે. તેના નિવારણ માટે શરીરનું યોગ્ય પ્રમાણમાં રાખેલું વજન અને નિયમિત કસરત ઉપયોગી છે. આને લીધે હૃદય અને શ્વસનતંત્રનું કાર્ય તથા સ્નાયુસજ્જતા જળવાઈ રહે છે. તેથી તેમની કાર્યદક્ષતા વધે છે. ઈજાજન્ય અને સ્નાયુ-કંકાલતંત્રના અન્ય રોગો વ્યાયામાદિ ચિકિત્સા (physiotherapy), અંત:પેશી શેક (diathermy) (જુઓ અંત:પેશી શેક) તથા અન્ય વ્યાવસાયિક ચિકિત્સાલક્ષી ઉપાયોથી વહેલા મટે છે અને વ્યક્તિનો પુનર્વાસ (rehabilitation) જલદી થઈ શકે છે. વ્યાવસાયિક અને વ્યાયામાદિ ચિકિત્સાની સંકલ્પના બીજા વિશ્વયુદ્ધ પછી વિકસી છે. ચાલનું પૃથક્કરણ, વીજ-નિદાન(electrodiagnosis)ની પદ્ધતિઓ (જેવી કે વીજ-સ્નાયુ આલેખ, electromyography) અને ચેતા-વીજવહન-માપન, (nerve conduction measurement), ઈજાગ્રસ્ત અવયવ કે અંગનું સતત નિષ્ક્રિય સંચલન (passive movements) વગેરે આ ક્ષેત્રની નવી ઉમેરાયેલી સુવિધાઓ છે. હવે આ ક્ષેત્રના તજજ્ઞો પણ ઉપલબ્ધ છે.

જૂના સમયમાં કંકાલતંત્રના રોગોમાં શસ્ત્રક્રિયાનો મર્યાદિત ઉપયોગ થતો હતો. કંઈક અણઘડ પ્રકારનાં (crude) સાધનો વડે કુરચનાનો સુધાર, જોરદાર ખેંચ (કર્ષણ, traction) દ્વારા તૂટેલા કે ખસી ગયેલા હાડકાને બેસાડવું તથા રોગગ્રસ્ત અંગ(હાથપગ)નું ઉપાંગ-ઉચ્છેદન (amputation) વગેરે મુખ્ય શસ્ત્રક્રિયાઓ હતી. ઓગણીસમી સદીનાં પાછલાં વર્ષોમાં બેહોશ કરવાની વિદ્યા (નિશ્ચેતના, anaesthesia), ચેપરહિત શસ્ત્રક્રિયા, ઍન્ટિબાયૉટિક દવાઓ અને એક્સ-રેનો નિદાનીય ઉપયોગ વિકસ્યો, તેથી અસ્થિચિકિત્સાવિદ્યા પણ વિકસી. બંને વિશ્વયુદ્ધોએ અને આજના યાંત્રિક યુગના અકસ્માતોએ અસ્થિભંગ (fracture) સહિતની ઈજાઓની શસ્ત્રક્રિયા દ્વારા સારવાર વિકસાવવામાં મદદ કરી. હવે શારીરિક કુરચના અને તે કરતી પરિસ્થિતિઓની શસ્ત્રક્રિયા પણ વિકસી છે. જૈવ ઇજનેરીવિદ્યા (bio-engineering), ધાતુવિદ્યા (metallurgy) તથા દૃષ્ટિસહાયક સાધનો(optical instruments)ના વિકાસે પણ સ્થિતિ સુધારી છે. એક્સ-રે વિદ્યાનાં નવાં સંશોધનો, સી.એ.ટી. સ્કૅન અને ચુંબકીય અનુનાદી (magnetic resonance imaging) કરોડના રોગોમાં ચોક્કસ નિદાન માટે ઘણાં ઉપયોગી છે. છેલ્લાં વીસ વર્ષમાં રોગગ્રસ્ત કે કુરચનાગ્રસ્ત સાંધાને સ્થાને કૃત્રિમ સાંધા બદલી શકાય છે. હાડકાંના સાંધાની અંદર અંત:નિરીક્ષા માટેના સાધન (સંધિનિરીક્ષા, arthroscopy) વડે તપાસ કરવાની પદ્ધતિ છેલ્લા બે દાયકામાં વિકસી છે. આ જ રીતે ચેતાતંતુઓ અને લોહીની નાની નસોની સૂક્ષ્મ શસ્ત્રક્રિયાના વિકાસથી હવે છૂટાં પડેલાં અંગ કે ઉપાંગને ફરીથી સાંધી શકાય છે. (હાડકાંના રોપણની શસ્ત્રક્રિયા અંગે ‘અસ્થિનિરોપ’ હેઠળ જુઓ.) તૂટેલાં હાડકાંની સારવાર મુખ્યત્વે સ્થગિતકો (splints) અને પ્લાસ્ટરથી થતી આવી છે. ખીલી, પટ્ટીઓ, સ્ક્રૂ અને અન્ય સાધનોથી પણ તૂટેલાં હાડકાંના ટુકડાઓને જોડવામાં આવે છે. આ બધી પદ્ધતિઓમાં અંગનું સંચલન (movements) ઘટી જાય છે અને તેથી સારા એવા પ્રમાણમાં સ્નાયુઓની નિરુપયોગિતાજન્ય ક્ષીણતા (disuse atrophy) થાય છે. આ પ્રશ્નના ઉત્તર રૂપે 25 વર્ષના સંશોધન પછી સ્વિટ્ઝર્લૅન્ડના અને જર્મનીના સર્જનોના એક જૂથે એક પદ્ધતિ વિકસાવી છે. તેમણે ધાતુવિદ્, ઇજનેરો અને સાધન બનાવનારાઓની મદદથી અસ્થિસંધીકરણ(osteosynthesis)ની પદ્ધતિ વિકસાવી છે, જેના વડે અંગ વહેલું કામ કરતું થાય છે અને મોટા ભાગના કિસ્સાઓમાં બાહ્ય સાધનોની જરૂર પડતી નથી. (જુઓ, અસ્થિભંગ).

મેરુદંડની કુરચનાની શસ્ત્રક્રિયા તથા સાંધા બદલવાની શસ્ત્રક્રિયા ઉપરાંત અંગો(limbs)ની કુરચના દૂર કરવા તથા અસ્થિસંધિશોથ-(osteoarthritis)નો દુખાવો અને કુરચના દૂર કરવા અસ્થિછેદન(osteotomy)ની શસ્ત્રક્રિયા સામાન્ય રીતે થાય છે. ઉપાંગ-ઉચ્છેદન (amputation) દ્વારા ઈજા, ચેપ કે કૅન્સરમાં, રૂઝવી ન શકાય તેવાં અંગ કે ઉપાંગને, આખું કે જરૂર જેટલું ઓછું કાપીને દૂર કરવામાં આવે છે. સામાન્ય રીતે ઉપર જણાવેલ રોગોમાં તે અંગ/ઉપાંગના ભાગને લોહી પહોંચાડતી નસો દબાવાથી કે ઈજાગ્રસ્ત થવાથી તેનો પેશીનાશ (gangrene) થાય છે. ક્યારેક ન મટી શકે તેવા હાડકાના ચેપ(સમજ્જા-અસ્થિશોથ, osteomyelitis)માં પણ આ જ રીતે ઉપાંગ-ઉચ્છેદન કરવામાં આવે છે. કપાઈ ગયેલા ભાગને સ્થાને કૃત્રિમ ઉપાંગ (prosthesis) મૂકી શકાય છે. કૃત્રિમ ઉપાંગ દેખાવ તથા કેટલાક સંજોગોમાં કાર્યશીલતા જાળવી રાખવા માટે ઉપયોગી છે. કિફાયતી કૃત્રિમ પગ (દા.ત., જયપુરપાદ, Jaipur foot) હલનચલન અને દેખાવ માટે ઘણો જ ઉપયોગી સાબિત થયેલો છે. ક્યારેક કાપી નાખવામાં આવેલું ઉપાંગ જાણે હજુ પણ શરીરનો ભાગ છે અને તેમાં પીડા થઈ રહી છે, તેમ થોડા સમય માટે દર્દી કહે છે. આને છદ્મ ઉપાંગ (phantom limb) કહે છે. કેટલીક વખત તેની સારવારની જરૂર પડે છે.

વાહનવ્યવહારના અકસ્માતોમાં થતી ગંભીર ઈજાઓને કારણે પ્રથમોપચાર(first-aid)નું મહત્વ વધ્યું છે. પ્રથમોપચારમાં ફક્ત અંગનું સ્થગિતીકરણ કરીને અંગનું હલનચલન રોકવું કે દાબપટ્ટો (tourniquet) બાંધીને લોહી વહેતું અટકાવવું તથા ચિકિત્સાવાહન (ambulance) દ્વારા દર્દીને ઝડપથી હૉસ્પિટલ પહોંચાડવી – એટલું જ નથી. પ્રથમોપચાર માટે નસ વાટે લોહી અને જરૂરી પ્રવાહી ચઢાવી શકાય, હૃદય-કાર્ય તથા શ્વસનમાં અટકાવ આવે તો તેની તરત જ સારવાર થાય, તૂટેલા વાહનમાં કે ધસી ગયેલી જમીન નીચે ફસાયેલી વ્યક્તિને બહાર કાઢી શકાય વગેરે સગવડોની ઉપલબ્ધિ પણ જરૂરી છે. ચિકિત્સાવાહન ઝડપથી હૉસ્પિટલ પહોંચે માટે પોલીસનું રક્ષણ અને સહાય જરૂરી બને છે. વિકસિત દેશોમાં આ કામ ઝડપી બને માટે હેલિકૉપ્ટરની સેવા પણ મળતી થઈ છે. પ્રથમોપચાર  કાર્યકરોને ઘાને જંતુરહિત કપડાથી વીંટાળવાની, ઘાને જેમનો તેમ રાખવાની, દાબપટ્ટાનો નાછૂટકે ઉપયોગ કરવાની અને જો ઉપયોગ કરવામાં આવે તો થોડી થોડી વારે છોડવાની સૂચના તથા કૃત્રિમ શ્વસન કે બંધ હૃદય માટે હૃદમર્દન(cardiac massage)ની તાલીમ આપવામાં આવે છે.

અપૂરતી કે અયોગ્ય સારવારને કારણે સાંધા અસ્થિર (instable) બને છે, તૂટેલાં હાડકાં ખરાબ રીતે જોડાય છે (અપયુગ્મન, malunion) અને સાંધામાંનાં હાડકાંની સપાટી ખરબચડી બને છે. ક્યારેક ત્યાંથી પસાર થતી ચેતા(nerve)ને ઈજા પહોંચે છે. આ બધાંને કારણે લાંબા સમયની પીડા ઉત્પન્ન થાય છે. હાડકાંની ઈજા, ચેપ કે અન્ય રોગોથી પણ પીડા ઉત્પન્ન થાય છે. આમ, હાડકાંના વિકારોની સારવારમાં દુખાવો દૂર થાય તે મુખ્ય છે. હાડકાં અને સાંધાનો સોજો કરનારાં (શોથકારી, inflammatory) કારણો સામાન્ય રીતે પીડા કરે છે. તેથી શોથ અને પીડા બંનેને દૂર કરતાં ઔષધો ઉપયોગી રહે છે. ઍસિટાઇલ સેલિસિલિક ઍસિડ (ઍસ્પિરિન), ફિનાયેલબ્યુટેઝોન, ઇન્ડોમિથાસિન, અન્ય બિન-સ્ટીરૉઇડી પ્રતિશોથ ઔષધો (nonsteroidal anti-inflammatory drugs, NSAID) જેવાં કે આઇબુપ્રોફેન, કીટોપ્રોફેન, ફેનોપ્રૉફેન, નેપ્રોક્સિન, ડાઇક્લોફેન પાયરોક્સિકીમ વગેરે ઔષધો પીડા અને શોથને દૂર કરી રાહત પહોંચાડે છે. તેઓ વત્તેઓછે અંશે કેટલીક વિપરીત અસરો પણ કરે છે, જેવી કે શરીરમાં ક્ષાર અને પાણીનું જમા થવું, લોહીના ગંઠકકોષો(platelets)ની સંખ્યામાં અને કાર્યદક્ષતામાં ઘટાડો થવો, જઠરમાં ચાંદાં પડવાં કે અતિઅમ્લતા (hyperacidity) થવી, ક્યારેક જઠરમાંથી લોહીની ઊલટી થવી વગેરે. છતાં છેલ્લા બે દાયકામાં શોધાયેલાં આ જૂથનાં ઔષધો સલામતીપૂર્વક લાંબા સમય માટે આપી શકાયાં છે. શોથ વગરની પીડા માટે સાદાં પીડાનાશકો (analgesics) જેવાં કે પૅરાસિટેમોલ, કે ડેક્સ્ટ્રોપ્રૉપૉક્સિફેન વપરાય છે. સામાન્ય રીતે વ્યસનાસક્તિકારક (addicting) ઔષધો (મૉર્ફિન, પેથિડીન) આ કાર્ય માટે વપરાતાં નથી. જોકે તે ટૂંકા ગાળા માટે શસ્ત્રક્રિયા પછીની પીડા દૂર કરવા માટે વપરાય છે. સુવર્ણક્ષારો, પૅનિસિલેમાઇન તથા કોષવિષકારી (cytotoxic) ઔષધો (સામાન્યત : કૅન્સરની સામે વપરાતાં ઔષધો) આમવાતી સંધિશોથ (rheumatoid arthritis) જેવાં દર્દોમાં વપરાય છે.

હાડકાંના રોગો અને વિકારો : હાડકાં અને સાંધાના મુખ્ય રોગો અને વિકારો જીર્ણતાજન્ય (degenerative), ઈજાજન્ય અને ચેપજન્ય હોય છે. ક્યારેક બાળલકવો (poliomyelitis) જેવા ચેતાતંત્રના રોગમાં સ્નાયુઓના અલ્પવિકસન અને ક્ષીણતાને કારણે હાડકાં અને સાંધાના વિકારો થાય છે. જીર્ણતાજન્ય વિકારો : આ વિકારો વૃદ્ધાવસ્થાને કારણે થાય છે. જનીની, વ્યાવસાયિક, દેહસ્થિતિજન્ય તથા ઈજાજન્ય કારણો અને વધુ પડતા શરીરના વજનની પણ ઘણી અસર રહે છે. તરલ-પોટીમય (synovial) સાંધાઓમાં પ્રથમ સંધિકારી કાસ્થિ અને ત્યારબાદ નીચેનું હાડકું, સંધિકલા તથા સાંધાના અન્ય ભાગો અસરગ્રસ્ત બને છે. આ વિકારને અસ્થિસંધિશોથ કહે છે (જુઓ અસ્થિસંધિશોથ). મેરુદંડ અથવા કરોડસ્તંભના મણકામાં અસ્થિ કંટકિકા (osteophytes) બને છે અને બે મણકા વચ્ચેની આંતરમણકા ચકતી (disc) અસરગ્રસ્ત બને છે. કરોડના મણકાના પશ્ચસપાટી(posterior facet)-સાંધાઓ તરલ-પોટીમય પ્રકારના હોય છે અને તેમાં અસ્થિસંધિશોથ થાય છે. બે મણકા વચ્ચેનાં છિદ્રોમાંથી નીકળતી ચેતા (nerves) દબાય છે, તેથી હાથ કે પગમાં પ્રસરતી પીડા થાય છે. પગની આવી પીડાને રાંઝણ (sciatica) કહે છે. કરોડસ્તંભના મણકાના આ વિકારને મણકારુગ્ણતા (spondylosis) કહે છે. બોચીના અને કમરના મણકામાં જીવનના ત્રીજા દાયકા પછી વધુ પ્રમાણમાં થતી આ તકલીફના પ્રથમ તબક્કામાં બે મણકા વચ્ચેની ચકતીના કેન્દ્રમાંનું પ્રવાહી ઘટે છે, તેના બાહ્યવર્તુળ(annulus)માં ચીરા પડે છે. સંપૂર્ણ આરામ, કર્ષણ (traction) તથા ઉપર દર્શાવેલી દવાઓ ઉપયોગી રહે છે. જ્યારે ચકતી દબાઈને ચેતાને દબાવે તેવી રીતે બહાર લચી પડે (ચકતીભ્રંશ, disc prolapse) ત્યારે ક્યારેક શસ્ત્રક્રિયાની જરૂર પડે છે. બીજા તબક્કામાં ચકતીભ્રંશ ચાલુ રહે છે, પરંતુ ધીમે ધીમે ઘટે છે. મેરુદંડની અસ્થિરતાને કારણે કટિપીડા (lumbago,) રાંઝણ કે પીઠપીડા (backache) વારેઘડીએ થયા કરે છે. સમય જતાં અતિતંતુતા (extensive fibrosis), સંધિબંધ(ligaments)ની ઘટ્ટતા તથા અસ્થિશૂલને કારણે મેરુદંડ સ્થિર અને અક્કડ બને છે. દુ:ખાવો ઘટે છે, પરંતુ કરોડરજ્જુ માટેની મેરુદંડની નલિકા સાંકડી બને છે. તેથી ચાલતાં ચાલતાં પગમાં દુ:ખાવો થાય છે. આ સ્થિતિને મેરુદંડનલિકા-સંકીર્ણતા (spinal stenosis) કહે છે. ક્યારેક મણકાપટ્ટી-ઉચ્છેદન (laminectomy) નામની શસ્ત્રક્રિયા આ તકલીફમાં જરૂરી બને છે. બોચીના મણકાની આવી તકલીફમાં બોચી અને હાથમાં દુખાવો ફેલાય છે. ક્યારેક આ તકલીફમાં ચેતાતંત્રીય વ્યાધિ વધી જાય છે ત્યારે શસ્ત્રક્રિયાની જરૂર પડે છે. ક્યારેક ગળામાં વધારાની પાંસળી હોય ત્યારે અથવા સ્કેલેની સંલક્ષણ નામની તકલીફો હોય ત્યારે પણ આવા પ્રકારની તકલીફ થાય છે. ગળા અને કમરના મણકાની આ તકલીફોમાં આરામ, પ્રતિશોથ ઔષધો, પીડાનાશકો તથા સ્નાયુ શિથિલન (relaxation) કરતાં ઔષધો ઉપયોગી છે. લઘુતરંગી અંત:પેશીશેક (short wave diathermy) વડે કરાતો શેક તથા જરૂર પડ્યે કર્ષણ અને કસરતનો ચિકિત્સામાં સમાવેશ કરાય છે. અંગને વાળવાની (flexion) તથા ગોળ ગોળ ફેરવવાની (rotation) કસરત સૂચવવામાં આવે છે. પહેલાં સૂચવવામાં આવતી, અંગને સીધાં કરવાની (વિસ્તરણ, extension) કસરત જોખમી છે તેવું હવે જાણી શકાયું છે. વજન ઊંચકતા અને મહેનતભર્યું કામ કરતા કામદારોમાં આ પ્રકારનો વ્યાધિ વ્યાવસાયિક પ્રશ્નો ઉત્પન્ન કરે છે. ઊઠવા-બેસવાની યોગ્ય પદ્ધતિ આ તકલીફોને થતી અને વધતી અટકાવે છે.

સાંધાનો સોજો (સંધિશોથ, arthritis) જુદાં જુદાં કારણોને લીધે થાય છે. અસ્થિસંધિશોથ મુખ્યત્વે કેડ અને ઢીંચણના સાંધાને અસર કરે છે. કદાચ પલાંઠી વાળીને બેસવાને કારણે ઢીંચણમાં આ તકલીફનું પ્રમાણ વધારે જોવા મળે છે. સાંધામાંનાં હાડકાંનું ભાંગવું કે સાંધામાં ક્ષયનો ચેપ લાગવો, સાંધામાંનાં હાડકાંનો અવાહિકી અસ્થિનાશ (avascular necrosis) કે આમવાતી સંધિશોથ જેવા રોગો પણ સાંધામાં સોજો લાવે છે.

હાડકાં અને સાંધાના કેટલાક અગત્યના વિકારો છે, જેમકે (અસ્થિઅર્બુદ, bone tumour), અવાહિક અસ્થિનાશ (avascular necrosis of bones), અસ્થિસંધિશોધ (osteoarthritis). પેજેટનો અસ્થિરોગ વગરે.

સંધાનપેશી(connective tissue)ના વિકારો પણ સાંધાને અસર કરે છે. દા.ત., આમવાતી સંધિશોથ(rheumatoid arthritis), બદ્ધમણિ મણકાશોથ (ankylosing spondylitis). આમવાતી સંધિશોથમાં સંધિકલાશોથ (sinovitis) થાય છે અને ઘણા લસિકાકોષો (hymphocytes) સંધિકલામાં પ્રવેશે છે. તેથી સંધિસંપુટ અને સંધિકારી કાસ્થિને નુકસાન થાય છે. સતત વધતી જતી આ સાંધાની તકલીફને અંતે દર્દી અપંગતા (disability) અનુભવે છે. શરીરમાંની સંધાનપેશીઓનો વિકાર હોવાથી દર્દી હળવો તાવ, પાંડુતા (anaemia) તથા અન્ય શારીરિક વિકારોથી પીડાય છે. મોટા ભાગના દર્દીઓમાં નાના તેમજ ઘણા સાંધા અસર પામે છે. આગળ દર્શાવેલ ઔષધો તથા જરૂરી કિસ્સાઓમાં શસ્ત્રક્રિયા ઉપયોગી રહે છે. બદ્ધમણિ મણકાશોથ મેરુદંડના, પાંસળીઓના મેરુદંડ સાથેના તથા ત્રિકાસ્થિના સાંધાને અસર કરે છે. મેરુદંડ અક્કડ બને છે અને પાછળ ખૂંધ (kyphosis) નીકળી આવે છે. પ્રતિશોધ ઔષધો, ટૂંકી વિકિરણચિકિત્સા અને શસ્ત્રક્રિયાનો ઉપયોગ જરૂર પ્રમાણે કરાય છે. આ પ્રકારના સાંધાના વિકારો ચામડીની કેટલીક તકલીફો, વ્રણકારી સ્થિરાંત્રશોથ (ulcerative colitis), મૂત્રાશયનલિકાશોથ (urethritis), નેત્રમધ્યસ્તરી શોથ (uveitis) વગેરેમાં પણ જોવા મળે છે.

પ્રૌઢ અને વૃદ્ધ વ્યક્તિઓમાં ખભાનો પરિસંધિશોથ (periarthritis) થાય છે, જેમાં હાથના સતત વજનના તણાવને કારણે ખભાના સાંધાના સંધિસંપુટ(capsule)ના તથા તેની આસપાસના સ્નાયુઓના સ્નાયુબંધ(tendon)ના શોથ(inflammation)ને લીધે ખભો દુખાવા સાથે અક્કડ બની જાય છે (frozen shoulder). ક્યારેક છએક મહિનામાં આપોઆપ મટતા આ વ્યાધિમાં પ્રતિશોથ ઔષધો, શેક તથા કસરતથી લાભ થાય છે. ક્યારેક દર્દીને બેભાન કરીને (નિશ્ચેતના, anaesthesia) સાંધાનું હલનચલન કરાવીને કે સ્ટીરૉઇડનાં ઇંજેક્ષન મૂકીને પણ રાહત અપાય છે.

કંકાલતંત્ર ચેપમાં મુખ્ય પ્રકાર સમજ્જા-અસ્થિશોથ (osteomyelitis) અને ક્ષય છે.

બાળલકવો, ધૂલિવિષાણુજ મેરુરજ્જુશોથ (poliomyelitis) વિષાણુથી થતો, રસી દ્વારા અટકાવી શકાય તેવો, આપણા દેશમાં પાંચ વર્ષથી નાનાં બાળકોનો રોગ છે. પોલિયોના વિષાણુ (virus) મેરુરજ્જુના અગ્રશૃંગી (anterior horn) કોષોને અસરગ્રસ્ત અને તેથી તે કોષો દ્વારા સંચલિત સ્નાયુઓની શિથિલતા(flacidity)વાળો લકવો થાય છે. સ્નાયુઓના જોરની અસંતુલિતતા, દેહસ્થિતિ(posture)ની કુરચના તથા અનિયમિત રીતે લાગતા ગુરુત્વાકર્ષણના બળને કારણે અસર પામેલ અંગ (હાથ કે પગ) હલાવવાની તકલીફ ઊભી થાય છે. શરૂઆતના તબક્કામાં અસરગ્રસ્ત અંગને આધાર અને આરામ ઉપયોગી છે. સ્નાયુઓની સજ્જતામાં છ મહિના સુધી સુધારો થતો રહે છે. ત્યારબાદ ઘોડી (calipers) તથા જુદી જુદી શસ્ત્રક્રિયાની મદદથી અંગની કાર્યશીલતા જાળવી રાખી શકાય છે.

કૅલ્શિયમ અને ફૉસ્ફરસના ચયાપચય(metabolism)માં હાડકાંનો મોટો ફાળો છે. તેથી કેટલાક ચયાપચયના વિકારોમાં પણ હાડકાંના રોગો થાય છે, જેમકે અસ્થિછિદ્રલતા, અસ્થિમૃદુતા, અતિકૅલ્શિયમતા, અંગુલિવંકતા, વગેરે. મૂત્રપિંડના કેટલાક રોગોમાં મૂત્રપિંડજન્ય અસ્થિવિકાર (renal osteodystrophy) થાય છે. પીવાના પાણીમાં ફલોરાઇડ નામના આયન(ion)નું પ્રમાણ વધારે હોય ત્યારે ફ્લુરોમયતા (fluorosis) નામનો રોગ થાય છે. ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં આ રોગનું પ્રમાણ વિશેષ જણાયું છે. તેમાં દાંતમાં ડાઘા પડે છે, દાંત બરડ બને છે અને હાડકાંની ઘટ્ટતા વધે છે તથા મૃદુપેશીઓમાં કૅલ્શિયમ જમા થાય છે. મેરુદંડનળીની સંકીર્ણતાને કારણે પગ અને હાથમાં લકવો પણ થાય છે.

ઈજાજન્ય હાડકાં અને સાંધાના કેટલાક વિકારો મહત્વના છે.  દા.ત., અસ્થિભંગ, જંઘાસ્થિ-ગ્રીવાનો અસ્થિભંગ, કોલિનો અસ્થિભંગ, નૌકાભ અસ્થિનો અસ્થિભંગ, અસ્થિવિચલન અને પુનરાવર્તી ઈજાને કારણે સંધિબંધ (ligament) જ્યારે ઈજાગ્રસ્ત બને અને અપૂરતો ચિરાઈ જાય ત્યારે તેને મચકોડ (sprain) કહે છે. સતત તણાવને લીધે પણ ક્યારેક આવી તકલીફ થાય છે. જ્યારે મચકોડ હોય ત્યારે સાંધો સ્થિર રહી શકે છે. જો સંધિબંધ પૂરેપૂરો ચિરાઈ ગયો હોય તો સાંધો અસ્થિર બને છે અને તે સમયે અસ્થિવિચલન (dislocation) અથવા ઉપવિચલન (subluxation) થાય છે. પીડાનાશક ઔષધો તથા સાંધાનું ત્રણ અઠવાડિયાં માટેનું સ્થગિતીકરણ (immobilization) ઉપયોગી રહે છે. ઉપવિચલન હોય તો શસ્ત્રક્રિયાની જરૂર પડે છે.

જનીની (genetic) અને વારસાગત કારણોને લીધે પણ કેટલાક રોગો થાય છે. તેમાંના કેટલાક જન્મજાત (congenital) અને બીજા જન્મ પછી, જુદી જુદી ઉંમરે થાય છે. (જુઓ : અપૂર્ણ અસ્થિજનન). દ્વિભાજીમણિકંટક (spinobifida) આવો એક રોગ છે. તેમાં કરોડના મણકાનો પાછલો ભાગ, કંટક (spine) વિકસિત થયેલો હોતો નથી. ક્યારેક તેમાં તાનિકાપોટી (meningocoele), મેરુરજ્જુ-તાનિકાપોટી (myelomeningocoele) કે મેરુરજ્જુનલિકા-તાનિકાપોટી (syringomyelocoele) થાય છે. તેમાં અનુક્રમે મેરુરજ્જુ (spinal cord) પરનાં આવરણો, મેરુરજ્જુ અને તેનાં આવરણો કે મેરુજ્જુનલિકા (spinal canal) ઉપર જણાવેલ મણકાની ફાડમાંથી પ્રવાહી ભરેલી પોટલીના રૂપમાં બહાર આવે છે. તેને કારણે ક્યારેક પગના સ્નાયુઓમાં શિથિલતા આવે છે, પગની સંવેદનશીલતા અને પેશાબમાર્ગ તથા મળમાર્ગ પરનું નિયંત્રણ ઘટે છે. ક્યારેક આ તકલીફની સાથે અતિજલશીર્ષ (hydrocephalus) પણ થાય છે.

સરકસના ઠિંગુજીઓ કંકાલતંત્રના એક જન્મજાત અને વારસાગત વિકારના શિકાર બનેલા હોય છે. કુંઠિતકાસ્થિ વામનતા (achondroplasia) નામના આ વિકારમાં ધડ અને માથું પણ વિકાસ પામે છે, પણ હાથ અને પગ ટૂંકા રહે છે. તેમની માનસિક અને જાતીય ક્ષમતા પૂરતી અને સામાન્ય હોય છે. ક્યારેક પાદ અને પાદાંગુલિઓ(foot and toes)ની જન્મજાત વિકૃતિ (congenital anomalies) પણ જોવા મળે છે. સ્થગિતીકરણ, કર્ષણ અને શસ્ત્રક્રિયા વડે આવા દર્દીઓને ઘણી રાહત આપી શકાય છે.

પ્રબોધ દેસાઈ

કનુભાઈ જોશી

ગિરીશ માંકડ

શિલીન નં. શુક્લ