અસ્થિઅર્બુદો (bone tumours) : હાડકામાં થતી ગાંઠ (અર્બુદ). તે બે પ્રકારની હોય છે સૌમ્ય (benign) અને દુર્દમ અથવા મારક (malignant) દુર્દમ અસ્થિ અર્બુદને કૅન્સર પણ કહે છે. કૅન્સર હાડકામાં તે જ સ્થળે ઉદભવ્યું હોય (પ્રથમાર્બુદ, primary) અથવા રોગસ્થાનાંતરતા(metastasis)ને કારણે અન્યત્ર ઉદભવીને હાડકામાં પ્રસર્યું પણ હોય (દ્વિરર્બુદ, secondary). (અસ્થિઅર્બુદોના પ્રકારો અને ઉદભવસ્થાન આકૃતિમાં દર્શાવ્યાં છે.)
સૌમ્ય અર્બુદ ધીમે ધીમે વધે છે અને તેને સંપુટ (capsule) અથવા આવરણ હોય છે. તે અન્યત્ર ફેલાતું નથી અને શસ્ત્રક્રિયા વડે દૂર કર્યા પછી ફરીથી થતું નથી. કદ, સ્થાન અને દબાણને કારણે તે તકલીફો કરે છે. સામાન્ય રીતે તે નાનાં બાળકો અને યુવાનોમાં થાય છે અને શરીરવૃદ્ધિ અટકે ત્યારે તેની વૃદ્ધિ પણ અટકે છે. ક્યારેક તે દુર્દમ અર્બુદમાં રૂપાંતર પામે છે, ત્યારે તેનું કદ અચાનક વધી જાય છે અને તે દુખાવો કરે છે. તેની ઉપરની શિરાઓ ઊપસી આવે છે અને તે ચામડી તથા ચેતા(nerves)ને ચોંટે છે. મહાકોષી અર્બુદ સ્થાનિક કક્ષાએ દુર્દમ હોય છે તેથી તે શસ્ત્રક્રિયા વડે દૂર કરવા છતાં વારંવાર તે ને તે જ સ્થાને થયા કરે છે. ઉત્સ્ફારિત અથવા પેટુકારી (aneurysmal) અસ્થિકોષ્ઠ(bone cyst)ને કેટલાક સૌમ્ય અસ્થિઅર્બુદના પેટામાં મૂકે છે.
સામાન્ય રીતે હાડકાંનું કૅન્સર બાળકોમાં અને યુવાવસ્થામાં ગમે તે ઉંમરે થઈ શકે છે. શરૂઆતમાં પીડા ન પણ હોય. જુદા જુદા આકારના (બહુરૂપિતા pleomorphism), ઝડપી સંખ્યાવૃદ્ધિ (નવવિકસન, neoplasia) કરતા અને અપક્વ રહેતા કોષોનું બનેલું કૅન્સર આસપાસની પેશીઓને ચોંટે છે, લોહી અને લસિકા(lymph)ની નસોમાં પ્રવેશે છે અને શરીરમાં બધે ફેલાય છે. ખાસ કરીને ફેફસાંમાં આવા દ્વિરર્બુદો થાય છે. હાડકાંનાં ઘણા પ્રકારનાં કૅન્સર થાય છે, જેમાં ઇવિંગનું કૅન્સર અને અસ્થિકૅન્સર (osteogenic sarcoma) મુખ્ય છે.
આ બંને પ્રકારનાં કૅન્સર યમાર્બુદ અથવા માંસાર્બુદ (sarcoma) જૂથનાં છે. એક્સ-રે ચિત્રણ અને જૈવપેશીનો ટુકડો લઈ સૂક્ષ્મદર્શક વડે અભ્યાસ (જીવપેશી-પરીક્ષણ, biopsy), એમ બે મુખ્ય નિદાન-કસોટીઓ છે. વિકિરણચિકિત્સા(radiotherapy)ની મદદથી ગાંઠ ઓગાળી શકાય છે. ઔષધચિકિત્સા વડે ઇવિંગના કૅન્સરની ગાંઠને અન્યત્ર ફેલાતી અટકાવીને દર્દીનું જીવન લંબાવી શકાય છે. ભારે માત્રામાં મિથોટ્રેક્સેટ અને લુકૉવૉરિન ફૅક્ટર, વિનક્રિસ્ટીન, એડ્રિયામાઇસીન, ઍક્ટિનોમાઇસિન ડી, સાઇક્લોફૉસ્ફેમાઇડ, આઈફોસ્ફેમાઇડ અને અન્ય કૅન્સરવિરોધી દવાઓ વપરાય છે. અસ્થિકૅન્સરની ગાંઠવાળા અંગનું ઉચ્છેદન (amputation) મુખ્ય ચિકિત્સાપદ્ધતિ છે. ઘણે સ્થળે હવે પ્રાથમિક ધોરણે વિકિરણ અને ઔષધચિકિત્સા જ અજમાવાય છે. તેની વડે અસરગ્રસ્ત હાથ પગને કાપી કાઢીને દૂર કરવાને બદલે તેમને શરીરમાં સાચવી રાખવાનું 6૦થી 7૦ % કિસ્સામાં શક્ય બને છે. ઉપર જણાવેલી સારવારથી અસ્થિકૅન્સરના 3૦ %થી 6૦ % દર્દીઓ અને ઇવિંગના કૅન્સરવાળા 5૦ %થી વધુ દર્દીઓનું જીવન લંબાવી શકાય છે.
પ્રબોધ દેસાઈ
શિલીન નં. શુક્લ