અસ્થિ (bone) : અસ્થિ એ પૃષ્ઠવંશી પ્રાણીનું અંત:કંકાલતંત્ર રચતી, ઘણી સખત પ્રકારની સંયોજક પેશી છે. શરીરના વિવિધ ભાગોમાં આવેલાં અસ્થિઓ અંદરથી પોલાં હોય છે, તેમજ આકાર અને કદની દૃષ્ટિએ ઘણું વૈવિધ્ય ધરાવે છે. સપાટી પર આવરણ અને અંદરની તરફ અસ્થિદ્રવ્ય આવેલું હોય છે. મધ્યભાગને અસ્થિદંડ કહે છે, જ્યારે બંને છેડા પર આવેલા ઊપસેલા ભાગને અસ્થિશિર અથવા અધિદંડ કહે છે. સસ્તન પ્રાણીના અસ્થિમાં આવેલું અસ્થિદ્રવ્ય, સમકેન્દ્રિત નલિકાઓથી રચાતું, હાવર્સિયન તંત્ર દર્શાવે છે. તેમાં વચ્ચે એક હાવર્સિયન નલિકા હોય છે. તેની આસપાસ બારીક અસ્થિનલિકાઓવાળાં કોષસ્થાનો સમકેન્દ્રિત પટ્ટીઓમાં ગોઠવાયેલાં હોય છે. દરેક કોષસ્થાનમાં જીવરસના પ્રવર્ધોવાળો એક એક અસ્થિકોષ હોય છે. પ્રવર્ધો અસ્થિનલિકાઓમાંથી પસાર થઈ એકબીજા સાથે જોડાય છે. સસ્તનો સિવાયનાં અન્ય પૃષ્ઠવંશીઓમાં હાવર્સિયન તંત્ર હોતું નથી.

અસ્થિનું સખતપણું તેના અસ્થિદ્રવ્યમાં રહેલા વિવિધ ક્ષારોને આભારી હોય છે. અસ્થિના વજનનો ભાગ કૅલ્શિયમ કાર્બોનેટ, કૅલ્શિયમ ક્લોરાઇડ તેમજ કૅલ્શિયમ અને મૅગ્નેસિયમના ફૉસ્ફેટ જેવા અકાર્બનિક ક્ષાર સ્વરૂપે હોય છે. કાર્બનિક ક્ષારો બાકીનો ભાગ રચે છે.

અસ્થિની સૂક્ષ્મ રચનાનો અભ્યાસ બે રીતે થઈ શકે છે : (1) અસ્થિને થોડા દિવસ જમીનમાં દાટી રાખવાથી અને ત્યારબાદ ખુલ્લામાં સૂકવવાથી તેમાંનું પ્રાણિજ દ્રવ્ય નાશ પામે છે. આવા સૂકા અસ્થિના નાના ટુકડાને પથ્થર પર ઘસીને કે અન્ય રીતે પાતળો છેદ બનાવી શકાય, જેનો સૂક્ષ્મદર્શક યંત્ર વડે અભ્યાસ કરવામાં આવે છે. અથવા (2) અસ્થિને મંદ હાઇડ્રોક્લોરિક ઍસિડમાં ડુબાડી રાખવાથી, તેના ખનિજ ક્ષારો તેમાં ઓગળી જાય છે. પરિણામે, સહેલાઈથી વળી શકે તેવું નરમ, ચૂનારહિત અસ્થિનું નિર્માણ થાય છે. તેનો સરળતાથી, અનુપ્રસ્થ (transverse) છેદ લઈ સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા રચનાકીય અભ્યાસ કરી શકાય છે. અસ્થિના પોલાણમાં આવેલ અસ્થિમજ્જા રુધિરકોષોના નિર્માણમાં અગત્યનો ભાગ ભજવે છે. સસ્તન પ્રાણીઓમાં લાલ અસ્થિમજ્જા અને ઉભયજીવી પ્રાણીઓમાં શ્વેત અસ્થિમજ્જા આવેલી હોય છે. અસ્થિનું મુખ્ય કાર્ય પ્રાણીને આકાર, મજબૂતાઈ તેમજ આધાર આપવાનું છે. આ ઉપરાંત તે હૃદય કે ફેફસાં જેવાં ઘણાં નાજુક અંગોનું રક્ષણ પણ કરે છે. વળી, ઐચ્છિક સ્નાયુઓને આધાર આપે છે. તેથી પ્રાણીની હલનચલનની ક્રિયા માટે પણ તે અતિઆવશ્યક છે. બે અસ્થિઓ વચ્ચેના જોડાણથી રચાતા વિવિધ પ્રકારના સાંધાઓ પણ પ્રાણીની વિવિધ ક્રિયાઓને સરળ અને સાહજિક બનાવે છે. (જુઓ : અસ્થિઓ અને કંકાલતંત્ર)

નવીનચંદ્ર મોહનલાલ જોશી