અસંગત પાણી (anomalous, ortho or poly water) : રશિયન રસાયણશાસ્ત્રી ફેડ્યાકિને 1962માં બંને છેડે બંધ કાચની અથવા ક્વાર્ટ્ઝની કેશનળી(capillary)માં વરાળને ઠારીને મેળવેલું અસામાન્ય ગુણો ધરાવતું પાણી. તેના અગત્યના ગુણધર્મો નીચે પ્રમાણે હતા :

(1) નીચું બાષ્પદબાણ. (2) –4૦° સે. કે તેથી નીચા ઉષ્ણતામાને ઠારતાં કાચરૂપ (glassy) ઘન મળે છે. (૩) ઘનતા 1.4 ગ્રા.સેમી. (4) 5૦૦° સે. સુધી સ્થાયી. (5) સામાન્ય પાણી કરતાં ભિન્ન ઇન્ફ્રારેડ અને રામન વર્ણપટ. લાંબા સમય સુધી આ અંગે વિવાદ ચાલ્યો. આ પાણીના નમૂનાને પાણીનો બહુલક (polymer) ગણવો તેવો મત પણ દર્શાવાયો હતો. છેવટે 1973માં ડેર્યાગુઇને પોતાના અને અન્યના પ્રયોગો દ્વારા સાબિત કર્યું કે ‘અસંગત પાણી’ ખરેખર કેશનળીમાંની અશુદ્ધિઓવાળું પાણીનું દ્રાવણ જ છે.

મહેન્દ્ર શાહ