અસંગતિ (unconformity) (ભૂસ્તરશાસ્ત્ર) : બે સ્તરશ્રેણી વચ્ચેની નિક્ષેપ – રચનાનો સાતત્યભંગ. જુદા જુદા પ્રકારની અસંગતિના અર્થઘટન માટે મુખ્યત્વે ત્રણ દૃષ્ટિબિંદુઓ લક્ષમાં લેવાય છે : (1) કાળ (time) : જે કાળગાળા દરમિયાન એક અસંગતિ-રચનાનો વિકાસ થઈ શકે, તેમાં બિલકુલ નિક્ષેપક્રિયા થતી નથી. આ સંકલ્પના નિક્ષેપક્રિયા અને કાળ બંનેને સાથે મૂલવે છે, નિક્ષેપક્રિયા થતી નથી, તો કાળ-નોંધણી પણ થતી નથી.

(2) નિક્ષેપક્રિયા (deposition) : નિક્ષેપક્રિયામાં થતો નાનો કે મોટો કોઈ પણ પ્રકારનો અંતરાય એટલે જ અસંગતિ. અસંગતિ માટેનું આ દૃષ્ટિબિંદુ નિક્ષેપક્રિયાના પ્રમાણભૂત કદમાપનની પૂર્વધારણા કરી લે છે, જેમાં કણજમાવટમાં આવતા મુખ્ય અંતરાયોનું સહેલાઈથી નિદર્શન કરી શકાય છે, ગૌણ અંતરાયોને ગણતરીમાં લેવાતા નથી. (ગૌણ અંતરાયોના નિર્ણય માટે તલસ્પર્શી અન્વેષણોની જરૂર રહે છે.)

(૩) રચના (structure) : અસંગતિને, રચનાત્મક દૃષ્ટિએ મૂલવતાં, બે ખડકશ્રેણી વચ્ચેની સમતલ સંધિસપાટી તરીકે ઘટાવી શકાય, જે ઉપર કહેલ કાળ અને નિક્ષેપક્રિયાના સમન્વયસ્વરૂપ અમુક કાળ પૂરતો નિક્ષેપવિરામ રજૂ કરે છે. નિક્ષેપવિરામ દરમ્યાન જૂની ખડકસ્તરશ્રેણીનો ઉપરનો વિભાગ ખવાણ, ઘસારો અને ધોવાણનાં પરિબળોની સંયુક્ત અસર હેઠળ પસાર થઈ વિશિષ્ટ સંધિસપાટીના સ્વરૂપમાં તૈયાર થાય છે. આવી લાક્ષણિક સંધિસપાટી તેની ઉપરની નવી સ્તરશ્રેણીને સમાંતર, કોણીય કે અનિયમિત સંબંધવાળી હોઈ શકે છે. પછીથી થતાં ભૂસંચલનો અને ગેડ કે સ્તરભંગમાં રૂપાંતરિત કરી શકે ખરાં.

એક અસંગતિની રચના ઘણા લાંબા ભૂસ્તરીય કાળગાળાને આવરી લે છે. સમુદ્રતળ ઉપર થતી જતી એકધારી નિક્ષેપક્રિયાને પરિણામે ક્ષિતિજસમાંતર સ્તરાનુબદ્ધ ખડકશ્રેણી રચાય છે. નિક્ષેપ-જમાવટવાળો આ વિસ્તાર જો ભૂસંચલનક્રિયામાં સંડોવાય તો આ ખડકશ્રેણી સહિતનું સમુદ્રતળ ઊર્ધ્વગમન પામે છે. મૂળભૂત ક્ષિતિજસમાંતર સ્તરો કોઈ પણ નમનસ્થિતિમાં કે ગેડીકરણમાં રૂપાંતરિત થઈ ભૂપૃષ્ઠ પર વિવૃત થાય છે. ત્યારબાદ ખવાણ, ઘસારો અને નિક્ષેપક્રિયાનાં ત્રિવિધ પરિબળોની અસર હેઠળ શ્રેણીના ઉપરના વિભાગનું સ્થળદૃશ્ય અનિયમિત ઊંચાણ-નીચાણવાળું બની રહે છે. આ જ વિસ્તારમાં ફરીથી ભૂસંચલન થતાં અવતલન (subsidence) થાય તો પ્રથમ શ્રેણીની અનિયમિત ઉપલી સપાટી પર નવી ખડકસ્તરશ્રેણીની રચના થાય છે. કાલાંતરે ત્રીજી વાર પણ આ વિસ્તાર ભૂસંચલનની અસર નીચે આવતાં બંને શ્રેણી સહિતનો સમગ્ર વિસ્તાર ઊર્ધ્વગમન પામતાં, વિવિધ પ્રકારનાં રચનાત્મક લક્ષણોવાળો બની રહે છે અને પ્રાકૃતિક પરિબળોની અસર હેઠળ ઘસાતો જાય છે. આ બંને સ્તરશ્રેણીઓનાં રચનાત્મક લક્ષણો (સ્તરનિર્દેશન, દિશા, નમનદિશા, નમનકોણ વગેરે) મોટે ભાગે અલગ અલગ હોય છે. (ક્યારેક લગભગ એકસરખાં પણ હોઈ શકે.) બંને શ્રેણી વચ્ચે અરસપરસની કોઈ રચનાત્મક સુસંગતતા હોતી નથી. જે સંધિસપાટીથી બે શ્રેણીઓ એકમેક સાથે જોડાયેલી હોય તેને અસંગત-સંધિસપાટી (unconformable junction) અને રચનાને અસંગતિ (unconformity) કહે છે.

આ તમામ સંદર્ભ જોતાં અસંગતિ એ વિશિષ્ટ પ્રકારનો ફેરફાર દર્શાવતું રચનાત્મક લક્ષણ છે. સંજોગોને અધીન રહીને એ ફેરફાર હંગામી કે કાયમી હોઈ શકે છે. અસંગતિની રચના ઘસારા, નિક્ષેપક્રિયા, ભૂસંચલનની પ્રવિધિઓને તેમજ કાળને આવરી લે છે. ખંડનિર્માણ અને ગિરિનિર્માણ જેવી સંચલનક્રિયાઓના વયનિર્ણય માટે પણ મહત્વના લક્ષણ તરીકે તે ઉપયોગી બની રહે છે. આ ઉપરાંત દરિયાઈ અતિક્રમણ કે પીછેહઠ ખડકરચનાના પ્રકારો (facies), આબોહવાના જીવાવશેષ સંબંધી ફેરફારો માટે પણ સૂચક બની રહે છે. કાળગણનાના સંદર્ભમાં સ્તરરચના કે તેના વિભાગો-ઉપવિભાગોની કાળમર્યાદા આંકવામાં પણ અસંગતિનો ઉપયોગ થાય છે, જોકે આ બાબતને ક્યારેક પૂરેપૂરી સંતોષકારક રીતે અપનાવી શકાતી નથી. કારણ કે સંધિસપાટી તૈયાર થવામાં પસાર થતો સમયગાળો ચોકસાઈપૂર્વક પ્રસ્થાપિત થઈ શકતો નથી. વળી કોઈ પણ રીતે, જ્યારે એટલા સમયગાળા પૂરતા સ્તરવિભાગો શોધી કાઢવામાં આવે તોપણ તેમને કયા સમયવિભાગમાં કેટલા પ્રમાણમાં ગોઠવવા તે કાર્ય મુશ્કેલ બની રહે છે. હકીકતમાં, આ પ્રકારની સમયાનુસાર સીમામર્યાદાઓ આંકવામાં આખાયે કાલાનુક્રમનો તલસ્પર્શી અભ્યાસ કરવાનું ખૂબ જ જરૂરી થઈ પડે છે. તેમ છતાં ભૂસ્તરીય ઇતિહાસ અને કણજમાવટ તેમજ આર્થિક ભૂસ્તરશાસ્ત્રના સંશોધનાત્મક અભ્યાસીઓ માટે અસંગતિ વિવિધ પ્રકારના ઉપયોગ માટેની મહત્વની કડી બની રહે છે.

અસંગતિના ચાર પ્રકારો પાડવામાં આવેલા છે. (1) કોણીય અસંગતિ (angular unconformity) : બંને સ્તરશ્રેણીનાં રચનાત્મક લક્ષણો- (સ્તરનિર્દેશન, નમનદિશા, નમનકોણ)માં તફાવત હોય, નીચે રહેલી જૂની શ્રેણી વધુ નમનકોણવાળી કે ગેડીકરણવાળી કે સ્તરભંગની અસરવાળી હોય અને ઉપરની નવી શ્રેણી ઓછી નમેલી કે ક્ષિતિજસમાંતર હોય.

દટાયેલું સ્થળદૃશ્ય : અસંગતિ

(2) બિનસંગતિ (non-conformity) : આ એક એવા પ્રકારની કોણીય અસંગતિ ગણાય, જેમાં નીચેના ખડકો અંત:કૃત – અગ્નિકૃત ઉત્પત્તિવાળા હોય અને જેની ઉપર જળકૃત સ્તરશ્રેણીની જમાવટ થયેલી હોય. નીચેનો ભાગ ક્યારેક વિકૃત ખડકોનો પણ હોઈ શકે, લાવા પ્રવાહો પર જ્યારે સ્તરશ્રેણીની જમાવટ થઈ હોય, એવા દાખલામાં આ શબ્દનો ઉપયોગ કરવાનું જોકે ચર્ચાસ્પદ રહેલું છે. જોકે દટાઈ ગયેલા સ્થળદૃશ્ય ઉપર નિક્ષેપપ્રક્રિયા થઈ હોય ત્યારે એવી રચનાત્મક સ્થિતિ માટે આ શબ્દનો ઉપયોગ થઈ શકે ખરો.

આકૃતિ 2 : બિનસંગતિ

(૩) સમાંતર અસંગતિ (disconformity or parallel unconformity) : બંને સ્તરશ્રેણી સંધિસપાટીને સમાંતર ગોઠવણીવાળી હોય; જેમાં સંધિસપાટીનો તલવિભાગ વધુ પડતા અનિયમિત ઘસારાની અસરવાળો હોય-વધુ પડતું ઊંચાણ-નીચાણ ધરાવતો હોય, તેને સમાંતર અસંગતિ કહેવાય. પરંતુ સંધિસપાટી જો એકસરખી સમતલ, સપાટ લક્ષણોવાળી હોય તો તેને ઉપસંગતિ (paraconformity) કહેવાય છે. આ પ્રકારની અસંગતિની પરખ સંધિસપાટી પર રહેલા આછાપાતળા ગોળાશ્મ ખડક-સ્તરની હાજરીથી થઈ શકે છે.

આકૃતિ ૩ : સમાંતર અસંગતિ

(4) સ્થાનિક અસંગતિ (local unconformity or non-depositional unconformity) : આ પ્રકારની અસંગતિ સમાંતર અસંગતિને બધાં જ લક્ષણોમાં મળતી આવતી હોય, પરંતુ સ્પષ્ટપણે માત્ર સ્થાનિક મહત્વ ધરાવતી હોય છે. તેથી તેને ગૌણ પ્રકારની અસંગતિ ગણાવી શકાય. આ પ્રકાર ટૂંકા ગાળાની, સ્થાનિક નિક્ષેપરહિત કાળગણનાનો નિર્દેશ કરે છે. આવા અંતરાયને જીવાવશેષવાળા સ્તર દ્વારા પારખી શકાય છે, અથવા પ્રાકૃતિક લક્ષણો દ્વારા પણ પારખી શકાય છે, જેમ કે ખવાયેલી, ખોતરાયેલી સંધિસપાટી, અથવા સંધિસપાટી પરના ગોળાશ્મ ખડકસ્તર.

આકૃતિ 4 : સ્થાનિક અસંગતિ

અસંગતિની સંધિસપાટી સાથે સંકળાયેલી બંને સ્તરશ્રેણીના અન્યોન્ય સંબંધો દર્શાવતા કેટલાક પર્યાયો નીચેના અર્થમાં ઉપયોગમાં લેવાય છે :

અતિક્રમ (overstep), અતિક્રમિત અસંગતિ : દરિયાઈ અતિક્રમણ (marine-transgression) દરમિયાન વિકાસ પામતી જતી અસંગતિરચના, જેમાં નવી સ્તરશ્રેણી ક્રમશ: જૂની સ્તરશ્રેણીના જૂના વયના સ્તરો તરફ આગળ ધપતી જાય.

(i) અતિવ્યાપ્તિ, (ii) અતિક્રમ, (iii) પ્રતિવ્યાપ્તિ

અતિવ્યાપ્તિ (overlap) : જૂની સ્તરશ્રેણીની ઉપર નવી શ્રેણીના નવા વયના સ્તરો ક્રમશ: આગળ ધપતા જાય.

પ્રતિવ્યાપ્તિ (off-lap) : અતિવ્યાપ્તિની વિરુદ્ધ લક્ષણો દર્શાવતી નવી સ્તર-શ્રેણી. દરિયાઈ પીછેહઠ(marine regression)ને અનુસરીને ઉપરની સ્તરશ્રેણીનો પ્રત્યેક નવા વયનો સ્તર ઓછા ને ઓછા વિસ્તારમાં જામે છે.

અતિક્રમિત અતિવ્યાપ્તિ (onlap) : અતિવ્યાપ્તિના સમકક્ષ અર્થમાં લેવાય છે. ક્યારેક અતિવ્યાપ્તિ અને અતિક્રમના સંયુક્ત અર્થમાં પણ લેવાય છે.

ગિરીશભાઈ પંડ્યા