અસંગઠિત–અનૌપચારિક ક્ષેત્ર

January, 2001

અસંગઠિત–અનૌપચારિક ક્ષેત્ર (unorganised or informal sector) : સામાજિક પ્રક્રિયાઓ અને પરિબળો પર અસર કરવામાં મહદ્અંશે અશક્તિમાન તથા આર્થિક, સામાજિક અને રાજકીય વંચિતતાથી સતત પીડાતા, ભિન્ન ભિન્ન વ્યવસાયોમાં વીખરાયેલા ઉપેક્ષિત સમૂહો. વિશાળ સંખ્યા ધરાવતા આવા અસંગઠિત સમૂહો અલ્પવિકસિત સમાજનું એક લક્ષણ છે. વાસ્તવમાં સંઘશક્તિના અભાવ ઉપરાંત ન્યાયોચિત અને કાયદામાન્ય અધિકારોના ઉપભોગથી પણ તેઓ વંચિત રહે છે. પરિણામે અલ્પવિકસિત તથા વિકાસશીલ દેશોની કુલ વસ્તીનો ઘણો મોટો ભાગ (આશરે 9૦ ટકા) લાચારીનું જીવન જીવતો હોય છે. આવા સમૂહોની એક પેટાસંસ્કૃતિ (sub-culture) ઊભી થાય છે. સમયના વહેણ સાથે તેની અલાયદા પરંપરા પણ ઊભી થાય છે.

ઘાનાના એક અભ્યાસના ફલિતાર્થોની રજૂઆત દરમિયાન કીથ હાર્ટ નામના એક સંશોધકે ‘informal sector’ એવો શબ્દપ્રયોગ પહેલી વાર કર્યો હતો અને ત્યારપછીનાં આવાં સંશોધનોમાં તે શબ્દ પ્રચલિત બન્યો છે. આ ક્ષેત્રની અપાર વિવિધતાઓ તથા ભિન્ન ભિન્ન લાક્ષણિકતાઓને લીધે ‘અસંગઠિત ક્ષેત્ર’ની કોઈ નિશ્ચિત સર્વમાન્ય તથા સમગ્રલક્ષી વ્યાખ્યા તારવી શકાય નહિ; એટલું જ નહિ, પરંતુ તેનો નિર્દેશ કરવા માટે વિકલ્પાર્થી ગણાય તેવા વિવિધ શબ્દોનો પણ પ્રયોગ થયા કરે છે. વહીવટી સુધારણા પંચે તો એ પણ સ્વીકાર્યું છે કે ‘સંગઠિત ક્ષેત્ર’ તરીકે ઓળખાતા અર્થતંત્રના વિભાગની પણ કોઈ સ્પષ્ટ અને સચોટ વ્યાખ્યા આપી શકાય તેમ નથી; માત્ર આટલું જ કહી શકાય કે સંગઠિત ક્ષેત્ર સાથે સંકળાયેલ રોજગારી નિશ્ચિત સ્વરૂપની, કાનૂની તથા સંસ્થાકીય વ્યવસ્થાને અધીન હોય છે અને તેથી તેમાં કામ કરતા શ્રમદળને કાયમી રોજગારીના આનુષંગિક લાભ પ્રાપ્ત થાય છે, તેમજ તે ક્ષેત્રમાં માલિક તથા કામદારો વચ્ચેના સંબંધોમાં સ્થિરતાનું તત્વ (nexus) વિશેષ હોય છે.

જુદા જુદા નિર્દેશકોને આધારે ‘અસંગઠિત ક્ષેત્ર’ની વ્યાખ્યા કરવાના પ્રયાસ થયા છે જે વાસ્તવમાં તેમનાં લક્ષણોનો જ નિર્દેશ કરે છે : (1) રોજગારીનું કદ : સ્વરોજગારી (self-employment) દ્વારા ઊભા કરવામાં આવેલા તથા વધુમાં વધુ દસ શ્રમિકો દ્વારા ઉત્પાદન કરનારા એકમો. શરૂઆતના તબક્કામાં આવા એકમો નફાલક્ષી હોતા નથી. (2) ટેક્નૉલોજીનું સ્વરૂપ : સાપેક્ષ રીતે બિનકાર્યક્ષમ તેવા શ્રમપ્રધાન ઉત્પાદનપદ્ધતિને વરેલા નાના કદના ઉત્પાદન-ઘટકો. (3) ઔદ્યોગિક સંબંધોનું સ્વરૂપ : પેઢીના નિશ્ચિત માળખાનો અભાવ, કામદારો માટે કામ અંગેના નિશ્ચિત નિયમો કે ધારાધોરણોનો અભાવ, શ્રમિકોના હક્કોની સભાનતાનો અભાવ. (5) ઉત્પાદન-ઘટકોની ઉપલબ્ધતા : સરકારી તંત્ર પાસેથી અછતવાળાં સાધનો, પરવાના, કરવેરામાં રાહત, જમીન, ધિરાણ વગેરે સગવડોથી વંચિત; એટલું જ નહિ, પરંતુ સરકારી તંત્રના રોષને પાત્ર અને બજારના પ્રતિકૂળ વલણનો શિકાર. (5) કૌશલ્ય : નિયોજકો તથા શ્રમિકો તાલીમી ઉમેદવારી (apprenticeship) દ્વારા અથવા જાતઅનુભવને આધારે વ્યવસાયને લગતું કૌશલ્ય પરંપરાથી હાંસલ કરતા હોય છે. ‘અસંગઠિત ક્ષેત્ર’ના ઘટકોમાં આમાંનાં પરિબળોની ઓછાવત્તા પ્રમાણમાં ઉપસ્થિતિ હોય છે.

‘અસંગઠિત ક્ષેત્ર’ અંગે અત્યાર સુધી હાથ ધરવામાં આવેલાં સર્વેક્ષણોમાંથી તેને લગતાં સર્વસામાન્ય લક્ષણો : (1) અનિબંધિત પ્રવેશ, (2) સ્થાનિક સાધનોનો બહોળો ઉપયોગ, (3) સામાન્ય રીતે ઉત્પાદન-ઘટક પર કુટુંબની માલિકી, (4) મર્યાદિત ઉત્પાદન, મર્યાદિત આવક તથા મર્યાદિત વેચાણ, (5) શ્રમપ્રધાન ઉત્પાદનપદ્ધતિ, (6) અનૌપચારિક રીતે પ્રાપ્ત કૌશલ્ય, (7) અનિયંત્રિત બજારો તથા વિષમ હરીફાઈમાં વેચાણ, (8) સામાન્ય કક્ષાનાં સાધનો તથા સામાન્ય ટૅકનૉલોજીનો બહોળો ઉપયોગ, (9) નીચી ઉત્પાદકતા, (1૦) સ્થળાંતરિત શ્રમિકોની (immigrants) મોટી સંખ્યા, (11) કામ અંગેના નિશ્ચિત નિયમોનો અભાવ, (12) વ્યાપક અર્ધબેકારી તથા પ્રચ્છન્ન બેકારી, (13) શ્રમિક વર્ગમાં ભૌગોલિક તથા વ્યવસાયગત સ્થળાંતરની વ્યાપક પ્રવૃત્તિ, (14) કામના સ્થળે પ્રાથમિક સગવડોનો અભાવ તથા (15) ઓછી ધિરાણપાત્રતા, (16) રાજ્યનાં રક્ષણ અને ટેકાનો અભાવ, શાસકીય વ્યવસ્થા દ્વારા ઉપેક્ષિત.

‘અસંગઠિત ક્ષેત્ર’ના ઉત્પાદન-ઘટકો નાના કદના હોવા છતાં સમગ્ર ક્ષેત્રની કુલ ઉત્પાદનક્ષમતા ઘણી મોટી હોય છે. દેશના કુલ શ્રમદળના ઘણા મોટા હિસ્સાને તે રોજગારી પૂરી પાડે છે. દેશની વસ્તીનો ઘણો મોટો ભાગ તેના પર નભે છે; એટલું જ નહિ, પરંતુ આ ક્ષેત્ર વ્યાપક પ્રમાણમાં રોજગારી તથા આવકનું સર્જન કરવાની ગર્ભિત શક્તિ ધરાવે છે અને તે દ્વારા સમાજની કુલ ખરીદશક્તિમાં વધારો કરવાની ક્ષમતા ધરાવે છે. આ બધું હોવા છતાં ‘અસંગઠિત ક્ષેત્ર’ સાથે સંકળાયેલા માનવીઓ પોતે કંગાલિયત, નિરાશા અને અનિશ્ચિતતાનું જીવન ગુજારતા હોય છે, જે એક મોટો વિરોધાભાસ ગણાય. પણ તેને પરિણામે અર્થતંત્રની વિકાસોન્મુખતા તથા ગતિશીલતામાં અવરોધો ઊભા થતા હોય છે. અલ્પવિકસિત દેશોમાં વિકાસની પ્રક્રિયા ઘણી ધીમી હોય છે તેના મૂળમાં ઉપર દર્શાવેલ પરિસ્થિતિ જવાબદાર ગણાય.

અલ્પવિકસિત તથા વિકાસશીલ દેશોનું કુલ વસ્તીનું ઘણું મોટું પ્રમાણ ‘અસંગઠિત ક્ષેત્ર’ પર નભતું હોવા છતાં વાસ્તવમાં રાષ્ટ્રીય આવકમાં સંગઠિત ક્ષેત્રના એકમદીઠ (per capita) ફાળાને મુકાબલે ‘અસંગઠિત ક્ષેત્ર’નો એકમદીઠ ફાળો અલ્પ હોય છે. આમ થવાનાં મુખ્ય કારણોમાં તે ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોનું જડ માનસ, તેના સંસ્થાકીય માળખાની જટિલતા, પછાત ઉત્પાદનપદ્ધતિ, તથા ધિરાણની તથા વેચાણની પ્રતિકૂળતા વિશેષ નોંધપાત્ર છે. આ ક્ષેત્રના કુલ શ્રમદળમાં એવા શ્રમિકોનું પ્રમાણ મોટું હોય છે જેમની સીમાવર્તી ઉત્પાદકતા શૂન્ય હોય છે અને તેથી કુલ ઉત્પાદન પર વિપરીત અસર કર્યા વિના તેવા શ્રમિકોને અન્ય વ્યવસાયોમાં ખસેડી શકાય છે. આ બાબત સાબિત કરે છે કે ‘અસંગઠિત ક્ષેત્ર’ પર વસ્તીનું મોટું દબાણ હોય છે જેને કારણે અર્ધબેકારી, પ્રચ્છન્ન બેકારી, અપૂરતું પોષણ, ખામીભર્યો આહાર, શારીરિક તથા માનસિક દુર્બળતા જેવાં દૂષણો સમાજમાં ઊભાં થાય છે.

‘અસંગઠિત ક્ષેત્ર’ સાથે સંકળાયેલા લોકોને સામાન્ય શિક્ષણ તથા વ્યવસાયને લગતી તાલીમ આપવાથી, તેમના ન્યાયોચિત તથા કાયદા દ્વારા સ્વીકૃત અધિકારો પ્રત્યે તેમને સભાન કરવાથી, જુદા જુદા વ્યવસાયોમાં વીખરાયેલા સમૂહો વચ્ચે આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવાથી, તેમના પ્રત્યે રચનાત્મક અભિગમ ધરાવતું નિરપેક્ષ તથા કુશળ નેતૃત્વ પૂરું પાડવાથી ‘અસંગઠિત ક્ષેત્ર’ના હાલના સંસ્થાકીય માળખામાં પાયાના ફેરફારો દાખલ કરી શકાય અને તે દ્વારા તેને સંગઠિત ક્ષેત્રની સમકક્ષ બનાવી શકાય.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે