અશ્વપતિ : પ્રાચીન કાળમાં ઉલ્લેખાયેલા આ નામના ભારતના ત્રણ રાજવી : (1) એક દાનવ, (2) મદ્ર દેશનો એક રાજા અને (3) દશરથ રાજાની ત્રીજી રાણી કૈકેયીનો પિતા કેકયરાજ. આમાંનો બીજો તે સાવિત્રીનો પિતા. સત્યવાન-સાવિત્રીનું પૌરાણિક કથાનક જાણીતું છે. કેકયદેશના રાજા અશ્વપતિ, કહેવાય છે કેમકે, તેઓ પક્ષીઓની ભાષાના જાણકાર હતા. એમણે એક દિવસે ‘જૃંભ’ પક્ષીની બોલી સાંભળી હાસ્ય કર્યું. આ સમયે રાણી પાસે હતી. તેણે હસવાનું કારણ પૂછતાં રાજાએ કહ્યું કે આ રહસ્ય ખોલું તો મારું તરત જ મૃત્યુ થાય. રાણીએ હઠ કરતાં રાજાએ તેને મહાલયમાંથી કાઢી મૂકી. વાલ્મીકીય રામાયણ  અયોધ્યાકાંડમાં આ રીતે ઉલ્લિખિત થયેલા રાજાની વિગત છાંદોગ્યોપનિષદમાં અને શતપથ બ્રાહ્મણમાં વધુ જૂના સમયમાં મળે છે.

કે. કા. શાસ્ત્રી