અશ્વમેધ : અશ્વનો બલિ અપાય છે તે પ્રાચીન વૈદિક યજ્ઞ. અત્યંત પ્રાચીન વૈદિક યજ્ઞોમાં અશ્વમેધ મુખ્ય ગણાય છે. સમ્રાટ બનવા ઇચ્છતા  રાજાનો ઐન્દ્ર મહાભિષેક થાય તે પછી તેને આ યજ્ઞ કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે.

આ યજ્ઞનો આરંભ ફાગણ કે અષાઢની સુદ આઠમ કે નોમથી થાય. આપસ્તંભને મતે ચૈત્રપૂર્ણિમાથી પણ થઈ શકે, અથવા જેઠ અને અષાઢ માસમાં પણ થઈ શકે.

આ યજ્ઞની શરૂઆતમાં અશ્વમેધ કરનાર રાજા અલંકારથી સજ્જ થતો, અને તેની ચાર પ્રકારની – (1) મહિષી (પટરાણી), (2) વાવાતા (જેને રાજા અધિક ચાહતો હોય તે રાણી), (૩) પરિવૃક્તી (રાજાએ ત્યજી દીધેલી રાણી), (4) પાલાગલી (નીચી જાતિની રાણી) – રાણીઓ સાથે યજ્ઞસ્થળમાં પ્રવેશ કરતો. સર્વપ્રથમ આ યજ્ઞમાં ચાર પાત્રોમાં ચાર અંજલિ, ચાર મુષ્ટિ તાંદુલ લઈ તેનો બ્રહ્મોદન રંધાતો. તેમાં ઘી રેડીને જે ચાર પ્રધાન ઋત્વિજો એમાં હોય તેને ભોજન કરાવાતું. પછી તેમને સો ગાયો અને રક્તિકા આપવામાં આવતાં. તે પછી કાળાં ગોળ ટપકાંવાળો અશ્વ ત્યાં લાવવામાં આવ્યો હોય તેમની ચારે બાજુ ચાર પ્રધાન ઋત્વિજો ઊભા રહી તેની પર અભિષેક કરે. પછી ભિન્ન પ્રકારના રાજવંશી પુરુષોથી વીંટળાયેલા એને જળાશય પર લઈ જાય. ત્યાં વૈશ્યા માતા અને શૂદ્ર પિતાના પુત્રે મારેલા ચતુરક્ષ કૂતરાના શબ પર અશ્વને ઊભો રાખી એને સ્નાન કરાવાય. પછી એની પર ઘીનો લેપ કરવામાં આવે. પછી અશ્વના કાનમાં પ્રશંસામંત્રો ભણી એને વિહાર કરવા છુટ્ટો મૂકવામાં આવતો. તેની પાછળ એક સેના રહેતી. જો કોઈ રાજા અશ્વને બાંધે તો તેને હરાવી અશ્વને છૂટો કરાવાતો.

અશ્વના સ્વૈરવિહાર દરમિયાન રાજધાનીમાં ભિન્ન ભિન્ન પ્રકારનાં આયોજન થતાં, ઉપાખ્યાનો થતાં, પ્રહેલિકાઓ પૂછવાની હરીફાઈ થતી, શાસ્ત્રાર્થ થતો.

યજ્ઞશાળાના પશુબંધન માટે 21 સ્તંભો રોપાતા. વર્ષાન્તે જ્યારે વિજયી અશ્વ પાછો ફરતો ત્યારે એનું અને બીજાં અનેક પશુઓનું બલિદાન અપાતું. પછી ત્રીજે દિવસે અતિરાત્ર યજ્ઞ કર્યા પછી યજમાનને અવભૃથ અભિષેક થાય ત્યારે અશ્વમેધ યજ્ઞની પૂર્ણાહુતિ થતી. અશ્વ એ બલવાન પ્રાણનું પ્રતીક છે. પૂર્વ સમુદ્રમાંથી ઊગતો દિવસ કે સૂર્ય અને પશ્ચિમ સમુદ્રમાંથી  ઊગતો ચન્દ્ર એ અશ્વની આગળ અને પાછળનાં સુવર્ણ અને રજતનાં પાત્રો છે. ઉષા એ અશ્વનું મસ્તક છે એવો અર્થ બૃહદારણ્યક ઉપનિષદે કર્યો છે.

શતપથબ્રાહ્મણ અનુસાર રાજા જનક, પરીક્ષિત, ભીમસેન, ઉગ્રસેન અને શ્રુતસેને અશ્વમેધયજ્ઞ કર્યો હતો. રામાયણમાં રાજા દશરથ અને રામે આ યજ્ઞ કર્યાની વિગતો અપાઈ છે. ઐતિહાસિક કાલમાં પુષ્યમિત્ર શુંગ, સમુદ્રગુપ્ત, વાકાટકનરેશ પ્રવરસેન પહેલો વગેરેએ પણ આ યજ્ઞ કર્યા હતા.

ભગવતીપ્રસાદ પંડ્યા