અશ્મક દેશ : અશ્મક કે અસ્સક (અશ્વક) નામે ઓળખાતો પ્રદેશ. તે માહિષ્મતી અને ગોદાવરી વચ્ચે આવેલો હતો. આજે આ પ્રદેશ ખાનદેશ તરીકે ઓળખાય છે. તેના લોકો અશ્મક તરીકે ઓળખાતા હોવાનું પાણિનિએ જણાવ્યું છે. બૌદ્ધકાલમાં અશ્મક જનપદ હતું અને એની રાજધાની પોતન કે પોતલી હતી. ખારવેલના લેખમાં જણાવ્યું છે તેમ, એણે પશ્ચિમ તરફ આગળ વધીને અસ્સક કે અસિકનગરમાં મોટી સેના દ્વારા હાહાકાર મચાવ્યો હતો. એ પરથી આ પ્રદેશ ઓરિસાની પશ્ચિમે ગોદાવરી વિસ્તારમાં આવેલો જણાય છે. જોકે માર્કંડેય પુરાણ અને બૃહત્સંહિતામાં એને વાયવ્ય ભારતનો પ્રદેશ કહ્યો છે. એ પ્રદેશ સ્વાતની ખીણમાં અને સરસ્વતીની પૂર્વ બાજુએ આવેલો હતો.
પ્રવીણચંદ્ર પરીખ