અશ્મ ઓજારો : આદિમાનવે ઉપયોગમાં લીધેલાં પથ્થરનાં ઓજારો. પારિભોગિક સામગ્રી પરથી માનવઇતિહાસ તપાસતાં, માનવે વાપરેલા પથ્થરો કે તેને ફોડીને બનાવેલાં ઓજારો સૌથી જૂનાં સાધનો છે. મનુષ્યે વાપરેલા કે ઘડેલા પથ્થરો કુદરતી પથ્થરો કરતાં જુદાં રૂપરંગ ધારણ કરતાં હોવાથી અલગ તરી આવે છે. પથ્થર વાપરવા કે ઘડવા માટે પથ્થરની પસંદગી, પથ્થર ફોડવાની કે કોરવાની પદ્ધતિ, તેને ધાર કાઢવાની પદ્ધતિ તથા તેના વિશિષ્ટ આકાર પરથી પથ્થરનાં સાધનોનું અધ્યયન થાય છે.

પથ્થરની પસંદગી : ઓજારો ગમે તેવા પથ્થરનાં બનતાં નથી; તેને માટે સૂક્ષ્મ રજકણવાળા, ફોડવાથી છિપોલી તડ પડે એવા, એકસરખા દળવાળા પથ્થરોની જરૂર પડે છે. વિશ્વના જુદા જુદા ભાગોમાં આવા પથ્થરો જુદી જુદી જાતના હોય છે. યુરોપમાં ફ્લાંટ અને ભારતમાં ક્વાર્ટઝાઇટ, ડૉલેરાઇટ અને રાયોલાઇટ તેમજ અકીક અને તેની વિવિધ જાતના પથ્થરોનાં ઓજારો વપરાય છે. આ પથ્થરોમાં ઘણી વાર નદીપ્રવાહમાં ગોળ થયેલા મોટા કાંકરા વપરાય છે, તો કેટલીક વાર સ્થાનિક ખડકોમાંથી છૂટા પડેલા કકડાનો પણ ઉપયોગ થાય છે. ક્વચિત્ પથ્થરના પડોદય ફોડીને પણ તેનો ઉપયોગ થતો હોવાની સંભાવના છે.

પથ્થર ફોડવાની પદ્ધતિઓ : પથ્થરનાં ઓજારો બનાવવા માટે તેને ફોડવા પડે છે. તેને માટે નદીના કાંકરાનો ઉપયોગ કરવાનો હોય તો એક હાથમાં ઓજાર બનાવવાનો પથ્થર પકડીને બીજે હાથે તેની બાજુ  પર યોગ્ય ખૂણાથી, પથ્થરનો ઘા કરવાથી પથ્થર ફૂટે છે. આમ એક જ જગ્યાએ પથ્થર કુદરતી રીતે પણ ફૂટતો હોય છે, તેથી એક જ ઘાનું નિશાન હોય તો તેની મદદથી પથ્થરનું ઓજાર ઓળખાતું નથી. સામાન્યત: પથ્થરનાં ઓજાર પર એક કરતાં વધારે ઘા હોય છે અને તે વપરાયું હોય તો તેની પર ખાણ પડેલી હોય છે.

Néolithique

અશ્મ ઓજારો-1

સૌ. "Néolithique" | CC BY-SA 2.5

આ ઓજાર બનાવવા માટે વપરાયેલા ‘અશ્મદાણ’ને નામે ઓળખાતા પથ્થર પર તે ટિચાયો હોવાથી નાના નાના ખાડા પડેલા હોય છે. તેની મદદથી તે બીજા પથ્થરોથી જુદો તરી આવે છે.

કેટલીક વાર મોટા કકડાની જરૂર હોય તો પથ્થર પર બીજો પથ્થર જોરથી ફેંકીને તેના કકડા કરવામાં આવે છે. તેમાંથી જરૂરી ટુકડાનો ઉપયોગ કરવામાં આવે છે. આવા પથ્થર પર વિશિષ્ટ ઘાસ્થાન, ઘાટેકરા કે ખાડાનાં નિશાનો હોય છે.

પથ્થરનું ઓજાર હાથથી ઘડવામાં આવે ત્યારે તેની ધાર ઘણી વાર આડીઅવળી હોય છે, તેને ધીમે ધીમે ફોડીને સીધી કરવામાં આવે છે, તેથી પથ્થરના ઓજાર પર હલકે હાથે ઘા કરીને તેની ધાર સીધી થતાં, તે પથ્થર પર પગથિયાના જેવી ફૂટ દેખાય છે.

પથ્થરનું ઓજાર તેના ગાભમાંથી તૈયાર કરતાં તેની પરથી ઘણી પતરી કાઢવી પડે છે અને એક જ ઓજાર તૈયાર થાય છે. તે રીતે  તોડેલા પથ્થરની પતરીનો ઉપયોગ પ્રમાણમાં ઓછો થાય છે, પરંતુ ક્રમશ: એક પથ્થરમાંથી વધારે ઓજારો બનાવવાની રીત વિકસતી દેખાય છે. તેમાં શરૂઆતમાં પથ્થર પર જરૂરી ઘાટ આપવા માટે થોડી પતરી કાઢ્યા બાદ, તે ભાગને એક ઘાથી જુદો પાડવામાં આવે છે અને તે પતરીનો ઉપયોગ ઓજાર તરીકે થાય છે. ત્યારબાદ વધારે પતરી નીકળે તે માટે ગાભને સરખો કરીને તેનું નળાકારરૂપ તૈયાર કરીને તેની પરથી પતરી કાઢવા માટે તેનો એક છેડો અણિયાળા એરણ પર મૂકવામાં આવે છે અને બીજી બાજુ પર હાડકાંની કે શિંગડાંની હથોડી મારી તે તોડવામાં આવે છે, તેથી સમાંતર બાજુવાળી પતરીઓ નીકળે છે. આ પતરીમાંથી ઓજાર બનાવવા માટે તેની એક બાજુ બુઠ્ઠી બનાવવા માટે તોડવામાં આવે છે, એટલે હાથામાં બેસાડેલા આ ભાગો સારું કામ આપી શકે.

પથ્થરનાં ઓજારોની ધાર સીધી અને મજબૂત કરવા માટે પથ્થર ફેંકીને તેની ધાર કાઢ્યા પછી, રેતી તથા પાણીની મદદથી તે ઘસીને સીધી અને મજબૂત કરવામાં આવે છે. એ રીતે ઘસાયેલા પથ્થરો પર ઓપ ચઢે છે અને તેથી તે ચળકતા થાય છે. આવાં ચળકાટવાળાં ઓજારોને અંગ્રેજીમાં ‘polished stone tools’ કહેવામાં આવે છે.

HMB Steinaxtmanufaktur

અશ્મ ઓજારો-2

સૌ. "HMB Steinaxtmanufaktur" | CC BY 3.0

કેટલીક વાર પથ્થરની વચ્ચે કાણું પાડીને તેમાં હાથો નાખીને તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેના કેન્દ્ર પર બંને બાજુથી તેની પર શાર પાડવામાં આવે છે, તેનો ઘાટ મોટા પથ્થરમાં ડમરુ જેવો હોય છે. આ શાર પાડવાની કારીગરીનો વિકાસ થતાં પથ્થરમાંથી મણકાઓ બનાવવામાં આવતા હતા.

ઓજારોનાં નામ : પથ્થરનાં ઓજારો વાપરનાર લોકોએ તેમને આપેલાં નામોના શબ્દોનો નાશ થયો છે તેથી આજના અન્વેષકો ઓજારોનાં નામો આપવા માટે તેનો ઘાટ, તેના સંભવિત ઉપયોગ, ઘડતર, તેની પરિસ્થિતિ અને તેનાં પ્રાપ્તિસ્થાન જેવાં લક્ષણોનો ઉપયોગ કરે છે.

ઘાટ પ્રમાણે નામ આપવામાં તેને માટે જામફળ ઘાટ, ત્રિકોણ, ચતુષ્કોણ, સમાંતર બાજુવાળી પતરી જેવા શબ્દપ્રયોગો થાય છે.

તેના સંભવિત ઉપયોગની કલ્પના કરીને અશ્મઘણ, અશ્મકુઠાર, અશ્મછરા, રંદા, પાનાં, કોદાળી જેવાં જાતજાતનાં નામો આપવાના પ્રયોગ થાય છે.

તેના ઘડતર પરથી ગાભનું, પતરીનું ઓપવાળું એમ ઓજારોનાં નામો પાડવામાં આવ્યાં છે.

ઓજારોનાં ભૌતિક સ્વરૂપ પરથી તે ઘસાયેલાં, ઓછાં ઘસાયેલાં, સારાં ઓજારો જેવી વર્ગીકરણની નામાવલિ તૈયાર થયેલી છે.

જુદા જુદા ઘાટના જુદા જુદા થરમાંથી અને સ્થળોએથી મળતાં ઓજારો સૌપ્રથમ જે જગ્યાએથી મળતાં હોય તે સ્થળના નામે તે ઓળખાય છે. તેથી એલીવીલિયન, ઓશુલિયન, લાવાલ્વા જેવાં યુરોપીય નામો તેમજ મદ્રાસી, નેવાસી જેવાં ભારતીય નામોનો ઉપયોગ થાય છે.

ર. ના. મહેતા