અશોક (ઈ.સ.પૂ. ત્રીજી સદી) : મગધના મૌર્ય વંશનો પ્રસિદ્ધ રાજા. ચંદ્રગુપ્ત મૌર્યનો પૌત્ર અને બિંદુસારનો પુત્ર. અશોક રાજપુત્ર હતો ત્યારે તેણે પહેલાં અવન્તિમાં અને પછી તક્ષશિલામાં રાજ્યપાલ તરીકે સફળ કામગીરી બજાવી હતી. એ અવન્તિમાં હતો ત્યારે વિદિશાના શ્રેષ્ઠિની દેવી નામે પુત્રીને પરણ્યો હતો. દેવીને મહેન્દ્ર નામે પુત્ર અને સંઘમિત્રા નામે પુત્રીનો જન્મ થયો હતો.
બૌદ્ધ અનુશ્રુતિ અનુસાર અશોકે પિતાનું મૃત્યુ થતાં, યુવરાજ સુમનને તથા તેના સર્વ સહોદરોને મારીને રાજગાદી કબજે કરી. રાજ્યારોહણ પછીય અશાંતિ ચાલુ રહેતાં, એનો રાજ્યાભિષેક એ પછી ચાર વર્ષે ઊજવાયો હતો. બૌદ્ધ સાહિત્યમાં અશોક વિશે આવી અનેક કથાઓ આપી છે, પણ તે દંતકથાઓ લાગે છે.
અશોકે પોતાના સમસ્ત સામ્રાજ્યમાં અનેક શિલાલેખો કોતરાવ્યા હતા. પાલિ ભાષામાં લખેલા અને બ્રાહ્મી (કે ખરોષ્ઠી) લિપિમાં કોતરેલા આ અભિલેખો વાંચતાં અશોકના ઉદાત્ત ચરિત પર ઘણો પ્રકાશ પડ્યો છે. એમાં એ પોતાને ‘દેવાનાં પ્રિય’, ‘પ્રિયદર્શી રાજા’ તરીકે ઉલ્લેખે છે. અભિષેક પછી આઠ વર્ષે અશોકે કલિંગ દેશ જીતી લીધો, પણ એમાં જે વિનાશ સર્જાયો તેથી એના મનમાં ભારે સંતાપ અને પશ્ચાત્તાપ થયો. પરિણામે એ અહિંસા અને ધર્મના માર્ગે વળ્યો. દસમા વર્ષે એણે બૌદ્ધ ભિક્ષુસંઘની મુલાકાત લીધી ને ત્યારથી એ સક્રિય ઉપાસક બન્યો. અભિષેકને બાર-તેર વર્ષ થયાં ત્યારે તેણે ચૌદ ધર્મલેખ લખાવી ઠેકઠેકાણે શૈલ પર કોતરાવ્યા. તેણે જીવહિંસા-નિષેધની ઘોષણા કરી. ધર્મ માટે ખાસ મહામાત્ર નીમ્યા. એ સર્વ સંપ્રદાયો તરફ સદભાવ ધરાવતો હતો. એણે બૌદ્ધ તીર્થોની યાત્રા કરી. અભિષેકને 26-27 વર્ષ થયાં ત્યારે તેણે સાત ધર્મલેખ લખાવી ઠેકઠેકાણે શિલાસ્તંભ પર કોતરાવ્યા. પ્રજાનાં સુખહિત માટે એ પ્રવૃત્ત રહેતો હતો ને પ્રજામાં ઉત્કટ ધર્મભાવના વધે તે માટે વિવિધ પગલાં લેતો હતો. અશોકે લગભગ ઈ. પૂ. 268થી 231 સુધી રાજ્ય કર્યું. એ ભારતનો જ નહિ, જગતનો એક મહાન ઉદાત્ત રાજવી ગણાયો છે.
હરિપ્રસાદ ગં. શાસ્ત્રી