અશોક : દ્વિદળી વર્ગના ફેબેસી કુળમાં આવેલા ઉપકુળ સિઝાલ્પિની ઑઇડીની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Saraca indica L. (સં. अशोक, गतशोक; હિં. अशोका; અં. અશોક ટ્રી) છે.

કાયમ લીલુંછમ રહેતું, 5-7 મી. ઊંચું, ઘેરી ઘઉંવર્ણી છાલવાળું વૃક્ષ. 15-3૦ સેમી. લાંબાં, સંયુક્તરતાશ પડતાં પર્ણ. સામસામી, નીચે નમી પડતી (ઢળતી), 4-6 જોડવાળી પર્ણિકાઓ. ખૂબ જ નાનો પર્ણદંડ. પર્ણદંડાન્તરીય (intrapetiolar) ઉપપર્ણો. જૂના થડ ઉપર ક્વચિત્ કક્ષીય, સમશિખ (corymb), પીળાં-કેસરી રંગનાં અથવા રાતાં થોડી સુગંધવાળાં પુષ્પો. સપાટ, રુવાંટી વગરની, નસો (veins) ધરાવતી શિંગ. તપખીરિયા રંગનાં, દબાયેલાં, લંબગોળ બીજ.

આ વૃક્ષ ઉગાડવા માટે થોડું ભેજવાળું વાતાવરણ અનુકૂળ છે. ગાઢ જંગલોમાં પણ આપમેળે ઊગી નીકળે. આ ઝાડ નીચે બેસવાથી શોક દૂર થાય છે અને સ્ત્રીઓના રોગજન્ય શોકને દૂર કરનાર હોવાથી અશોક નામ પડ્યું એમ આયુર્વેદ કહે છે. આયુર્વેદમાં લોહીવા માટે વપરાતા અશોકારિષ્ટ તથા અશોકઘૃતમાં આ વનસ્પતિનું સત્વ હોય છે. અશોક અને આસોપાલવ સાવ વિભિન્ન વનસ્પતિઓ છે.

મ. ઝ. શાહ

શોભન વસાણી
સરોજા કોલાપ્પન