અવેસ્તા (ઝંદ) : જરથોસ્તી ધર્મનો મૂળ ગ્રંથ. ઝંદનો અર્થ ભાષ્ય-ટીકા થાય છે. અવેસ્તાની ગાથા અને ઋગ્વેદના કેટલાક મંત્ર મળતાં આવે છે અને કેટલાંક તો એક જ અર્થનાં છે. મૂળ અવેસ્તા ગ્રંથ ઘણો મોટો હતો, પરંતુ સિકંદરે જ્યારે ઈરાન જીત્યું ત્યારે તેનો ઘણો અંશ નાશ પામ્યો હતો. સાતમી સદીમાં મુસ્લિમોની ચડાઈથી ધર્મપ્રેમી પારસીઓ હિંદમાં તેમના ધર્મગ્રંથને લઈને નાસી આવ્યા. તેની ભાષા સંસ્કૃતને મળતી આવે છે. અવેસ્તાનો ગ્રંથ અવેસ્તા, પહેલવી, માઝંદ અને ફારસી – એમ ચાર ભાષામાં લખાયેલો છે. અવેસ્તા-વ-ઝંદ ધર્મશાસ્ત્ર પાંચ ભાગમાં વહેંચાયેલું છે : યસ્ત, વીસ્પરદ, વંદીદાદ, યશ્ત અને ખોર્દેહ અવેસ્તા. હાલના અવેસ્તાનો ગ્રંથ બચેલા અવશેષોમાંથી સંકલિત કરી શાસાનીય રાજાઓના સમયમાં (ત્રીજીથી સાતમી સદી) વ્યવસ્થિત રૂપે તૈયાર થયો. તેમાં ધાર્મિક ગીતો અને ભજનો છે અને પયગમ્બર જરથોસ્તના શબ્દોમાં રચેલી ગાથાઓ છે. ગાથાઓ તેના મુખ્ય ભાગ છે. યસ્ત વિભાગમાં હોમ-યજ્ઞનો વિધિ દર્શાવ્યો છે. વીસ્પરદમાં ધાર્મિક નેતાઓનાં ગુણગાન અને તેમને અપાયેલી અંજલિ છે. વંદીદાદમાં જરથોસ્તી કાનૂન  – ધાર્મિક અને નાગરિક  છે. એમાં વિશ્વના સર્જન વિશે તેમજ પ્રથમ માનવ ‘યિમા’ના જન્મ વિશે માહિતી છે. યસ્તમાં 21 ભજનો છે અને તે જુદા જુદા યઝના-ફિરસ્તાઓ અને પૌરાણિક વીરો વિશે છે. ખોર્દેહ અવેસ્તા એટલે નાનું અવેસ્તા. તેમાં અવેસ્તાનો ટૂંકો સાર, ભજનો અને ખાસ પ્રસંગો માટેની પ્રાર્થનાઓ છે. જરથોસ્તી ધર્મમાં આ દૈહિક આત્માને ‘રવાન’ તરીકે અને મીનોઈ  અથવા સ્વર્ગીય આત્માને ‘ફ્રવશી’ તરીકે ઓળખવામાં આવે છે. ‘રવાન’ એટલે જીવાત્મા અને ‘ફ્રવશી’ એટલે પરમાત્મા. યસ્ત (55:1) પ્રમાણે માનવીને સાત શરીરો છે : (1) સ્થૂળ શરીર, (2) લિંગ શરીર, (3) પ્રાણ, (4) કાળ, (5) બુદ્ધિ, (6) જીવાત્મા (રવાન) અને (7) પરમાત્મા, (ફ્રવશી). જરથોસ્તી ધર્મમાં ઈશ્વર નિર્વિકલ્પ શ્રેય છે. આ જગતની લીલા ચાલુ રહે તે માટે ઈશ્વરમાંથી બે શક્તિઓનો પ્રાદુર્ભાવ થયો : (1) સ્પેનામી (ભલાઈ-નેકી) અને (2) અંગ્રમીનો (બૂરાઈ-બદી). જગતમાં માત્ર નેકી જ હોય તો કાર્ય કરવાની જરૂર ન રહે. એથી બંને શક્તિઓનું સાથે જ સર્જન થયું અને તેને ગાથામાં જોડિયા મીનો તરીકે ઓળખાવી છે.

કૃષ્ણવદન જેટલી

ચીનુભાઈ નાયક