અવેજ (consideration) : એક પ્રકારની લેવડદેવડ (quid pro quo). અવેજ એ કરારનો પાયો છે. તેના વિના કરાર કાયદેસર ટકી શકતો નથી. કોઈ પણ કરારમાં બે પક્ષકારો હોય છે. તેમાં એક વ્યક્તિ વચન આપનાર છે અને બીજી વ્યક્તિ વચન લેનાર છે. એક પક્ષકાર વચન આપે તેના બદલામાં વચન લેનારે કંઈક આપવું જોઈએ અને તે ‘કંઈક’ની કાયદાની દૃષ્ટિએ કોઈ કિંમત હોવી જોઈએ. આ ‘કંઈક’ એટલે જ અવેજ (consideration). એમ પણ કહી શકાય કે અવેજ એ બીજી વ્યક્તિના વચનને ખરીદવા માટે અપાતી કિંમત (price) છે.

અવેજ નાણાં કે પદાર્થના રૂપમાં જ હોવો જોઈએ એવું કંઈ નથી. ક્યૂરી વિ. મિસાના કેસમાં વિદ્વાન ન્યાયાધીશે અવેજ સમજાવતાં જણાવ્યું હતું કે, ‘કાયદાની દૃષ્ટિએ કીમતી અવેજ કોઈ એક પક્ષકારને મળતો કોઈક હક, હિત કે લાભ અથવા બીજો પક્ષકાર કંઈક સહન કરે, નુકસાન કે ખોટ ભોગવે અથવા જવાબદારી ઉઠાવે તેનો બનેલો છે.’ આમ, અવેજ નાણાં કે પદાર્થના રૂપમાં જ હોવો જરૂરી નથી.

ભારતીય કરધારાની કલમ 2(d)માં અવેજની વ્યાખ્યા નીચે મુજબ આપવામાં આવી છે : ‘‘જ્યારે વચન આપનારની ઇચ્છાથી વચન લેનાર અગર બીજી કોઈ વ્યક્તિએ કંઈ કર્યું હોય કે કંઈ કરવાનું નિવાર્યું હોય, અથવા કંઈ કરે કે કરવાનું વિચારે, અથવા કંઈ કરવા કે કરવાનું નિવારવાનું વચન આપે ત્યારે આવું કાર્ય, નિવારણ કે વચન, એ પેલા વચન માટેનો અવેજ કહેવાય.’’

અવેજ અંગે કરારધારામાં આપેલાં નીચેનાં ઉદાહરણો પરથી અવેજનો સ્પષ્ટ ખ્યાલ આવી જશે.

  1. अ, बને રૂ. 5૦,૦૦૦માં ઘર વેચવાની કબૂલાત આપે છે. बના વચન માટે રૂ. 5૦,૦૦૦ એ અવેજ છે, ત્યારે ના વચન માટે ઘર એ અવેજ છે.
  2. अ, बને રૂ.1૦૦ના માસિક વેતનથી કારકુન તરીકે રાખે છે. बને માટે માસિક વેતન અવેજ છે, જ્યારે अ માટે बની સેવા અવેજ છે.
  3. अ, बને વચન આપે છે કે જો ब તેને રૂ. 5૦૦ અમુક તારીખ સુધીમાં ચૂકવી આપશે તો તે એની સામે દાવો માંડશે નહિ. અહીં अની સહિષ્ણુતા, बની ચુકવણી માટેનો અવેજ છે.

અવેજના ત્રણ પ્રકારો છે : (ક) ભૂતકાળનો અવેજ, (ખ) વર્તમાનનો અવેજ, (ગ) ભવિષ્યનો અવેજ. ભૂતકાળનો અવેજ : જ્યારે પક્ષકાર વચન આપે, તે પહેલાં એને એનો અવેજ મળી ગયો હોય, ત્યારે એ ભૂતકાળનો અવેજ કહેવાય છે; દા.ત., એક દાક્તરે बને દાક્તરી સેવા આપી. ત્યારબાદ ब, એ સેવા માટે ડૉક્ટરને અમુક નાણાં આપવાનું વચન આપે છે. તો તેના આ વચન માટે, ડૉક્ટરની સેવા એ ભૂતકાળનો અવેજ કહેવાય. ભારતીય કાયદામાં ભૂતકાળનો અવેજ યોગ્ય અવેજ ગણાય છે; પરંતુ અંગ્રેજી કાયદામાં ભૂતકાળના અવેજ પર રચાયેલી સમજૂતીઓ વ્યર્થ ગણાય છે. વર્તમાનનો અવેજ : સમજૂતીને સમયે જ, અવેજ આપવામાં આવતો હોય, તો તેને વર્તમાનનો અવેજ કહેવામાં આવે છે; દા.ત., अ દુકાનમાંથી કાપડ ખરીદે અને તે જ વખતે તેની કિંમત ચૂકવે, તો એ વર્તમાનનો અવેજ કહેવામાં આવે છે. ભવિષ્યનો અવેજ : અવેજ વચન આપ્યા પછી મળવાનો હોય તો એ ભવિષ્યનો અવેજ કહેવાય; દા.ત., अ, बને આવતા મહિને અમુક માલ નિયત કિંમતે આપવાનો કરાર કરે, તો એમાં બંને પક્ષકારના અવેજની લેવડદેવડ ભવિષ્યમાં થનારી હોઈ, એ અવેજ ભવિષ્યનો અવેજ ગણાય.

અવેજ અંગેના સામાન્ય સિદ્ધાંતો અથવા જરૂરિયાતો નીચે મુજબ દર્શાવી શકાય :

  1. અવેજ વચન આપનારની ઇચ્છાથી અપાવો જોઈએ : વચન લેનારે કંઈ કૃત્ય કર્યું હોય કે નુકસાની કે ખોટ સહન કરી હોય તો તે વચન આપનારની ઇચ્છાથી જ કરેલું હોવું જોઈએ. વચન આપનારની ઇચ્છા કે વિનંતી વિના કરવામાં આવેલું કૃત્ય, સ્વૈચ્છિક કૃત્ય કહેવાય અને તેનો ‘અવેજ’માં સમાવેશ ન થાય; દા.ત., ના ઘરને બળતું જોઈને સ્વેચ્છાથી તેને બુઝાવવામાં મદદ કરે તો તે સેવા બદલ તે નાણાં માગી શકે નહિ, કારણ કે એ કામ એણે बની વિનંતીથી કર્યું ન હતું.

અહીં અવેજમાં એ જરૂરી છે કે વચન આપનારની ઇચ્છાથી જ અવેજ આપવામાં આવ્યો હોય, પરંતુ એ જરૂરી નથી કે એ અવેજથી વચન આપનારને જ લાભ થવો જોઈએ.

  1. અવેજ વાસ્તવિક હોવો જોઈએ : અવેજ કાયદાની દૃષ્ટિએ કંઈક મૂલ્ય ધરાવતો હોવો જોઈએ. એ બનાવટી કે ભ્રામક ન હોવો જોઈએ; કાયદેસર કે વાસ્તવિક રીતે, અશક્ય ન હોવો જોઈએ; દા.ત., ચાંદમાંથી એક તોલો સોનું લાવી આપવાનું વચન અશક્ય હોઈ અવાસ્તવિક છે. એવી જ રીતે અવેજ અનિશ્ચિત કે સંદિગ્ધ સ્વરૂપનો ન હોવો જોઈએ. ‘કોઈ પણ એક ગાય’ નિશ્ચિત પ્રકારનો અવેજ ન હોઈ, વચન બંધનકર્તા ન બની શકે.
  2. અવેજ પૂરતો હોવો જરૂરી નથી : કરારને ટેકો આપવા અવેજ હોવો જરૂરી છે, પરંતુ અવેજ પૂરતો જ હોવો જોઈએ એ જરૂરી નથી. કરારધારાની કલમ 25ની સમજૂતીમાં જણાવ્યું છે કે ‘જે સમજૂતીમાં વચન આપનારની સંમતિ મુક્તપણે અપાઈ હોય તેમાં અવેજ અપૂરતો હોય તો તેથી જ તે રદબાતલ ગણાશે નહિ, પરંતુ જો અવેજ અપૂરતો હોય તો વચન આપનારની સંમતિ મુક્ત રીતે આપવામાં આવી છે કે નહિ તે પ્રશ્ન નક્કી કરવા માટે અદાલત તે બાબત ધ્યાનમાં લેશે.’
  3. અવેજ કાયદેસરનો હોવો જોઈએ : કરાર માટેના આધારરૂપ અવેજ જ જો કાયદેસર ન હોય તો કરાર ટકી શકતો નથી. કરારધારામાં જણાવ્યા મુજબ કોઈ કાયદા દ્વારા પ્રતિબંધિત એવો અવેજ, દગાભર્યો અવેજ, અન્ય કોઈ વ્યક્તિને કે તેની મિલકતને નુકસાન કરે એવો અવેજ, અન્ય કાયદાની જોગવાઈનો ભંગ થાય એવો અવેજ તેમજ અદાલત જેને અનૈતિક ગણે કે જાહેર નીતિ વિરુદ્ધ ગણે એવો અવેજ ગેરકાયદેસર છે.
  4. અવેજ વચન મેળવનાર અથવા કોઈ ત્રીજી વ્યક્તિ તરફથી પણ હોઈ શકે. અવેજ વચન મેળવનાર તરફથી જ મળવો જોઈએ એવું નથી. એ કોઈ ત્રીજી વ્યક્તિ તરફથી પણ મળી શકે અને છતાં વચન મેળવનાર વચનનો અમલ કરાવી શકે.

સામાન્ય રીતે કરારની કાયદેસરતા માટે અવેજ આવશ્યક છે, પરંતુ અમુક અપવાદરૂપ સંજોગોમાં અવેજ વિનાની સમજૂતીઓને પણ અમલમાં લાવી શકાય છે; દા.ત., 1. નૈસર્ગિક પ્રેમ અને લાગણીને ખાતર થયેલી સમજૂતી, 2. સ્વેચ્છાથી કરેલા કાર્યનું વળતર આપવાની સમજૂતી, 3. મુદત બહારનું દેવું ચૂકવી આપવા માટેની સમજૂતી, 4. એજન્સી ઉત્પન્ન કરવા માટેની સમજૂતી, 5. પૂર્ણ થયેલો બક્ષિસ કરાર.

દાઉદભાઈ કાસમભાઈ સૈયદ