અવક્ષેપન (precipitation) : દ્રાવણોને ભેગાં કરીને રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા તેમાંથી ઘન પદાર્થ છૂટો પાડવાની (precipitate) અથવા અતિસંતૃપ્ત (super-saturated) દ્રાવણમાંથી વધારાનું દ્રાવ્ય, સ્ફટિક રૂપે છૂટું પાડવાની ક્રિયા (precipitation by crystallisation). સિલ્વર નાઇટ્રેટ અને સોડિયમ ક્લૉરાઇડનાં જલીય દ્રાવણોને મિશ્ર કરતાં સિલ્વર નાઇટ્રેટના Ag+ અને સોડિયમ ક્લૉરાઇડના Cl આયનો વચ્ચેની પ્રક્રિયાથી પાણીમાં અદ્રાવ્ય સિલ્વર ક્લૉરાઇડ અવક્ષેપ (precipitate) તરીકે છૂટું પડે છે.

Ag+NO + Na+Cl → AgCl + Na+ NO

સિલ્વર ક્લૉરાઇડના અવક્ષેપને ગાળીને દ્રાવકથી અલગ કરી શકાય છે. પાણીમાં દ્રાવ્ય બેરિયમ કે કૅલ્શિયમ આયનોનું અનુક્રમે બેરિયમ સલ્ફેટ કે કૅલ્શિયમ ઑક્ઝેલેટમાં અવક્ષેપન કરી શકાય છે. અવક્ષેપ મળવાનો આધાર જે તે પદાર્થના દ્રાવ્યતા–ગુણાકાર (solubility product) ઉપર છે; દા. ત., સિલ્વર ક્લૉરાઇડનો દ્રાવ્યતા ગુણાકાર, Ksp = [Ag+] [Cl] = 1 × 1010 છે, દ્રાવણમાં રહેલ Ag+ અને Cl આયનોની સાંદ્રતા આ દ્રાવ્યતા–ગુણાકારથી વધુ હોય તો AgClના અવક્ષેપ મળે છે.

દ્રાવણમાં રહેલા જુદા જુદા ધાતુ-આયનોને વિવિધ પ્રક્રિયકો દ્વારા ક્રમશ: અવક્ષિપ્ત કરી અલગ કરવાની ગુણદર્શક પૃથક્કરણની પદ્ધતિ (qualitative analysis) રસાયણમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. દ્રાવણમાંના એક કે વધુ આયનોને ચોક્કસ સંઘટન ધરાવતા શુદ્ધ અવક્ષેપ રૂપે અલગ અલગ મેળવીને શુષ્ક રૂપમાં તેમનું વજન કરીને મૂળ આયનોનું પ્રમાણ નક્કી કરી શકાય છે. આ પદ્ધતિ રસાયણની ભારમાપક (quantitative) પૃથક્કરણ શાખામાં અગત્યનું સ્થાન ધરાવે છે.

દ્રાવણમાંથી મળતા અવક્ષેપ હલકા, ભારે, બારીક અને મોટા કણરૂપ, સ્ફટિકમય કે જિલેટીન જેવા ચીકણા હોઈ શકે છે. વળી આ અવક્ષેપમાં અશુદ્ધિઓ પણ હોવાની શક્યતા છે. આ અશુદ્ધિઓનું પ્રમાણ ઘટાડવા માટે ગરમ અને સતત હલાવાતા મંદ દ્રાવણમાં બીજું મંદ દ્રાવણ જરૂર કરતાં સહેજ વધારે પ્રમાણમાં ધીમે ધીમે ઉમેરવામાં આવે છે. દ્રાવણોનું તાપમાન, તેમને મિશ્ર કરવાની ઝડપ તથા તેમને હલાવવાની ક્રિયા વગેરે બાબતો અવક્ષેપનું ભૌતિક સ્વરૂપ નક્કી કરે છે.

અવક્ષેપન અને સ્ફટિકીકરણની ક્રિયાઓ રાસાયણિક ઉદ્યોગમાં પણ અગત્યનું સ્થાન ધરાવે છે. કૃત્રિમ વર્ષા, ધુમાડામાંથી રજકણો દૂર કરવાનું કાર્ય, સુએજના પાણીનું શુદ્ધીકરણ વગેરેમાં અવક્ષેપન અગત્યની ક્રિયા ગણાય છે.

જ. ચં. વોરા