અલ્ અલામીન (ઇજિપ્ત)

January, 2001

અલ્ અલામીન (ઇજિપ્ત) : દ્વિતીય વિશ્વવિગ્રહ (1939-1945) દરમિયાન બ્રિટિશ લશ્કરે જર્મન લશ્કરને સૌપ્રથમ હાર આપી તે સ્થળ. જર્મનીએ ઇજિપ્ત અને સુએઝ પર કબજો મેળવવા આક્રમણ કર્યું ત્યારે અલ્ અલામીન પાસે પ્રથમ લડાઈ વખતે (જુલાઈ, 1942) બ્રિટિશ લશ્કરોએ જર્મન લશ્કરોને અટકાવ્યાં અને તે જ સ્થળે બીજી લડાઈમાં (23 ઑક્ટોબર – 4 નવેમ્બર, 1942) જનરલ મૉન્ટગોમરીના નેતૃત્વ હેઠળ સાથી રાજ્યોનાં લશ્કરોએ રોમેલના નેતૃત્વ હેઠળનાં જર્મન સૈન્યોને સખત હાર આપી. પશ્ચિમી સત્તાઓની આ પ્રથમ મોટી જીત હતી, ત્યારથી ધરી સત્તાઓનાં વળતાં પાણીની સ્પષ્ટ શરૂઆત થઈ.

ર. લ. રાવળ