અલ્ ઓશૈ : કૃષ્ણમૂર્તિ કલ્કિરચિત તમિળ નવલકથા. એના ત્રણ ભાગ છે. તેમાં સીતા, લલિતા, તારિણી, સૂરિયા, સૌંદર રાઘવન વગેરે અનેક મહત્વનાં પાત્રો છે. રાષ્ટ્રીય આંદોલનોની પૃષ્ઠભૂમિમાં લખાયેલી આ કથામાં 1930ના નાકર આંદોલનથી માંડીને 1947ના નાવિક આંદોલન સુધીના સમયની મુક્તિસંગ્રામની વિવિધ ઘટનાઓનું ચિત્રાત્મક નિરૂપણ છે. ગાંધીજીનાં અસહકાર આંદોલનોનો પણ તેમાં સમાવેશ છે. ‘અલૈ ઓશૈ’ એ તમિળનો જયઘોષ છે. ‘સરસ્વતીચંદ્ર’ની જેમ સમકાલીન સામાજિક, આર્થિક, રાજનૈતિક અને સાંસ્કૃતિક સમસ્યાઓનું તેમાં નિરૂપણ છે. ઉપરાંત ન્યાય, ઈશ્વર, શ્રદ્ધા, મતમતાંતર અને વાદો, ગ્રામીણ અને નાગરિક જીવન, ગામડાંઓનું ક્રમશ: થતું શહેરીકરણ વગેરેની ચર્ચા ધ્યાનપાત્ર છે. લેખકે સમગ્ર ભારતનો પ્રવાસ ખેડ્યો હોવાથી ઉત્તર ભારતનાં નગરોનું, ગ્રામપ્રદેશનું તથા પ્રાકૃતિક સૌંદર્યનું પણ રોચક નિરૂપણ કર્યું છે. આ તેમાં કેદીઓની દુર્દશાનું યથાર્થ ચિત્રણ છે; મધ્યમ તથા નીચલા વર્ગના લોકોનું જીવન અને તેમની સમસ્યાઓ, દાંપત્યજીવનના પ્રશ્નો વગેરેનું વિસ્તારથી આલેખન થયેલું છે. નવલકથાનાં પાત્રો જુદા જુદા સામાજિક થરનાં અને ભિન્ન ભિન્ન જીવનદૃષ્ટિવાળાં છે. એમાં આદર્શ પાત્રોની સંખ્યા પણ નાનીસૂની નથી. કથનશૈલી વૈવિધ્યપૂર્ણ છે. ક્યારેક વર્ણનશૈલીનો તો ક્યારેક આત્મકથનનો આશ્રય લીધેલો છે. લેખકનો જ્વલંત સ્વદેશપ્રેમ વાચકનું ચિત્ત આકર્ષે છે. કલ્કિની બધી નવલકથાઓમાં જ નહિ પણ તમિળની ઉત્તમ નવલકથાઓમાં ‘અલ્ ઓશૈ’નું સ્થાન અગ્રગણ્ય છે.

કે. એ. જમના