અલીબાગ : મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું, મુંબઈથી દક્ષિણે 31 કિમી. દૂર, અરબી સમુદ્રકાંઠે વસેલું શહેર. સત્તરમી સદીમાં ‘અલી’ નામના એક મુસ્લિમ શ્રીમંતે આ સ્થળે આંબાનાં અને સોપારીનાં વૃક્ષોનો બગીચો બનાવેલો. તે પરથી આ શહેરનું નામ અલીબાગ પડેલું.

Kolaba Fort, Alibag

કોલાબા કિલ્લો, અલીબાગ

સૌ. "Kolaba Fort, Alibag" | CC BY 2.0

અગાઉ આ શહેર મરાઠાઓના કબજામાં હતું. એમની પાસેથી મુસ્લિમોએ જીતી લઈ આ શહેરનું નવું નામકરણ કરી અલીબાગમાં નૌકામથક પણ સ્થાપ્યું. પોર્ટુગીઝોનાં સંસ્થાનો પર તેમજ તેમનાં આવતાં વહાણો ઉપર હુમલા કરવા માટે મુસ્લિમોને આ ઘણું જ નજીકનું અને ઉપયોગી સ્થળ હતું. અગાઉના કોલાબા જિલ્લાનું આ મુખ્ય તાલુકામથક પણ છે. મોટી સાધનસંપન્ન હવામાન કચેરીની સ્થાપના પણ અહીં થયેલી છે.

હેમન્તકુમાર શાહ