અલી દશ્તી

January, 2001

અલી દશ્તી (જ. 31 માર્ચ, 1897, ઇરાન; અ. 16 જાન્યુઆરી 1982, તહેરાન, ઇરાન) : ઈરાનના ફારસી વિદ્વાન અને પત્રકાર. મધ્યમ વર્ગના રૂઢિચુસ્ત ઈરાની સમાજમાં જન્મેલા અલી દશ્તી, પત્રકારત્વના માધ્યમથી જનસમૂહના સંપર્કમાં આવ્યા. ઈ. સ. 1921માં ‘શફકે સુર્ખ’નું તેમણે સંપાદન કર્યું હતું. રાજકીય પ્રવૃત્તિને લીધે રિઝાશાહના સમયમાં તેમણે કારાવાસ ભોગવ્યો હતો. ઈ. સ. 1921માં તેમણે ‘અયામે મેહબસ’ પુસ્તક લખ્યું. બીજા વિશ્વયુદ્ધ સમયે ઇજિપ્ત અને લેબનનના એલચી નિમાયેલા. ઈરાનના પ્રશિષ્ટ સાહિત્યમાં દશ્તીનું મહત્વનું યોગદાન છે. પ્રશિષ્ટ કવિઓનાં વ્યક્તિત્વ અને કૃતિઓ વિશે, ‘નકશ-અઝ-હાફિઝ’, ‘સયર-દર-દીવાને શમ્સ’, ‘કલમ-રૂએ-સાદી’, ‘શેઅરે-દેર-આશના’ વગેરે પુસ્તકો લખ્યાં છે. નિબંધો અને વાર્તાઓ ઉપરાંત તેમણે ફ્રેન્ચ કૃતિઓનો ફારસીમાં અનુવાદ કર્યો છે.

Ali Dashti

અલી દશ્તી

સૌ. "Ali.dashti" | CC BY-SA 3.0

હુસેનાબીબી અમીરુદ્દીન કાદરી