અલી બિન તૈફૂર બિસ્તામી

January, 2001

અલી બિન તૈફૂર બિસ્તામી (સત્તરમી સદી) : ભારતના ફારસી ઇતિહાસકાર, સાહિત્યકાર અને વિદ્વાન. ‘હદાઇકુસ સલાતીન’, ‘તુહફ એ મુલ્કી’, ‘તુહફતુલ ગરાઇબ’ અને ‘અન્વારુત તહકીક’નો કર્તા. હૈદરાબાદ દખ્ખણના અબ્દુલ્લાહ કુત્બશાહ (ઈ. સ. 1625-72) અને અબુલહસન તાનાશાહ(ઈ. સ. 1672-86)નો ઉદાર સાહિત્યાશ્રય એને મળેલો. ભાગ્યની ચડતી-પડતી અને ઊથલપાથલને કારણે દૂર દખ્ખણમાં આવી ધર્મગુરુ મહાવિદ્વાન મલિક મોહમ્મદ અન્સારીની સોબતનો લાભ મેળવી, તેમની સૂચના અનુસાર ઇબ્ન બાબવૈહી મુહમ્મદ બિન અલી બિદ મૂસા કુમ્મી(મૃત્યુ ઈ. સ. 991)ની કૃતિ ‘ઉયુનુલ અખ્બારે રઝા’નો અનુવાદ ઈ. સ. 1648માં ‘તુહફ એ મુલ્કી’ના નામે કર્યો. તે પછી અબ્દુલ્લા કુત્બશાહના શાસનકાળમાં જ અલ્લામા અલી બિન તૈફૂરે ‘તુહફતુલગરાઇ બ’ નામનો ગ્રંથ લખ્યો, જેમાં પૈગંબર સાહેબની હદીસો (સુવચનો), સૂફીઓના ધર્મશાસ્ત્ર વિશેના ચુકાદાઓ; માનવવર્તન, સુસંસ્કાર અને કઠોર સ્વભાવ વિશે અમુક ઉપદેશકોનાં વ્યાખ્યાનો તેમજ વિદ્વાનોનાં સલાહ-સૂચનો આપેલાં છે. ઉપરાંત તેમણે ‘અન્વારુત તહકીક’ નામના પુસ્તકમાં સૂફી સંત ખ્વાજા અબ્દુલ્લાહ અન્સારીની રચનાઓના ફકરાઓ ટાંકેલા છે. તેમની સર્વોત્તમ કૃતિ ‘હદાઇકુસ સલાતીન’ (રાજાઓનું ઉપવન) છે. આ ઇતિહાસગ્રંથ તેમણે કુત્બશાહી વંશના અંતિમ સુલતાન અબુલ હસન તાનાશાહની આજ્ઞાથી 1681માં લખેલો. તેના ત્રણ વિભાગ છે અને તેનું પેટાશીર્ષક ‘ફી કલામુલ ખ્વાકીન’ સૂચવે છે કે આ ગ્રંથ રાજાઓની કાવ્યરચનાઓ વિશે છે. તેનો મોટો ભાગ કવિઓનાં જીવનચરિત્ર અને તેમની રચનાઓ માટે ફાળવવામાં આવેલો છે. અલી બિન તૈફૂર સ્વીકારે છે કે તે અબ્દુલ્લાહ કુત્બશાહના પેશવા મુહમ્મદ ઇબ્ન ખાતૂનનો નમ્ર શિષ્ય છે અને તેની આપેલી માહિતી ‘તારીખે બેહમનિયા’ અને ‘તારીખે કુત્બશાહિયા’ ઉપર આધારિત છે, પરંતુ અલ્લામા અલીએ આ ગ્રંથોના કર્તાઓનાં નામ આપ્યાં નથી.

મહેમૂદહુસેન મોહમદહુસેન શેખ