અર્ધનેમિનાથ પુરાણ (બારમી સદી) : નેમિચંદ્રરચિત પ્રાચીન કન્નડ કાવ્ય. બાવીસમા જૈન તીર્થંકર નેમિનાથના જીવન પર રચાયેલું આ ચમ્પૂશૈલીનું કાવ્ય છે. મૂળ કથામાં કવિએ વસુદેવાચ્યુત તથા કંદર્પની કથા પણ જોડી દીધી છે. આ કાવ્ય અધૂરું જ મળે છે. કંસવધ સુધીની કથા મળે છે. તે પછીનો ભાગ મળતો નથી. એમ મનાય છે, કે એ ગ્રંથને અધૂરો મૂકીને જ કવિ સ્વર્ગવાસી થયા હશે. તેથી જ કદાચ ‘અર્ધનેમિનાથ પુરાણ’ નામ આપ્યું હશે. મૂળ કથામાં અનેક પ્રકરીઓ આવે છે. એટલે કથાનો ઘાટ બહુ સંકુલ બન્યો છે. જેટલો ભાગ મળે છે તેમાં કૃષ્ણચરિત્ર પ્રધાન છે. અહીં કાવ્યની શરૂઆતમાં કૃષ્ણ નટખટ બાળક નથી, પણ વીર પુરુષ છે.
એચ. એસ. પાર્વતી