અર્ધપ્રતિજન (hapten) : પ્રતિદ્રવ્ય સાથે જોડાઈને પ્રતિજન–પ્રતિદ્રવ્ય પ્રક્રિયા દર્શાવતા પરંતુ પ્રાણી-શરીરમાં દાખલ કર્યા બાદ પ્રતિદ્રવ્યનું નિર્માણ પ્રેરવાને અસમર્થ હોય તેવા પદાર્થો. 1921માં કાર્લ લેન્ડસ્ટીનર નામના વિજ્ઞાનીએ અર્ધપ્રતિજન શબ્દની રજૂઆત કરી. અર્ધપ્રોટીન, વિવિધ પ્રોટીન રૂપાંતરણો, કાર્બોહાઇડ્રેટ ચરબી. સૌંદર્યપ્રસાધનો તથા વિવિધ ઔષધો અર્ધપ્રતિજન તરીકે કાર્ય કરે છે. અર્ધપ્રતિજનને વાહક અણુ (carrier molecule) સાથે ભેળવ્યા બાદ પ્રાણી-શરીરમાં દાખલ કરવામાં આવે તો તે પ્રતિદ્રવ્યનું નિર્માણ પ્રેરી શકે છે. અર્થાત્

અર્ધપ્રતિજન → પ્રાણીમાં ઇંજેક્શન → પ્રતિદ્રવ્યનું નિર્માણ થતું નથી.

અર્ધપ્રતિજન + વાહક અણુ → પ્રાણીમાં ઇંજેક્શન → પ્રતિદ્રવ્યનું નિર્માણ થાય છે.

અર્ધપ્રતિજનના એક કરતાં વધુ અણુઓ વાહક અણુ પર અનેક સ્થળે જોડાય એ અતિમહત્વનું છે. આવો પ્રત્યેક અર્ધપ્રતિજન પ્રતિજનિક નિર્ણાયક (antigenic determinant) તરીકે વર્તે છે.

અરવિંદ દરજી