અરુચિ, મનોવિકારી (anorexia nervosa) : અપપોષણથી પોતાની જાતને કૃષકાય (cachexic) બનાવતી વ્યક્તિની માનસિક બીમારી. શરીરમાં અન્ય કોઈ રોગ હોતો નથી. ખિન્નતા (depression), મનોબંધ (obsession)ના જેવી માનસિક બીમારીઓ અને તીવ્ર મનોવિકારી (psychotic) ભ્રાંતિ(delusion)ના કારણે દર્દીના વર્તનમાં ફેરફાર દેખાય છે. આ માંદગી મોટેભાગે 12 20 વર્ષની કુમારિકાઓમાં જોવા મળે છે. આજની ઔદ્યોગિક સંસ્કૃતિમાં તેનું પ્રમાણ વધ્યું છે. પોતાના દેખાવ અને વજન અંગે વધુ પડતી સભાનતા કે કૌટુંબિક દાબને કારણે તેના અવચેતનશીલ (subconscious) મનમાં ઉદભવતા દ્વંદ્વને કારણે તેને માનસિક બીમારી થાય છે. તેને વજન ઉતારવાની અતિશય ઇચ્છા થઈ આવે છે અને ખોરાક પ્રત્યે અરુચિ થાય છે. ક્યારેક તે ઊલટી કરે છે અથવા જુલાબ લઈને પાતળા ઝાડા (અતિસાર) પણ કરે છે.
શારીરિક ક્ષીણતા, ઘણાં વિટામિનોની ઊણપ, લોહીનું દબાણ અને શરીરમાં ઘટાડો, સુક્કી પોપડીવાળી (scaly) ચામડી, અટકી ગયેલો ઋતુસ્રાવ, મોડેથી દેખા દેતા યૌવનારંભ (puberty) વખતના જાતીય ગુણધર્મો, અનિદ્રા, પાતળા અને રુક્ષ વાળ અને નખ, મંદ નાડી, નાનું હૃદય તથા પાંડુતા (anaemia) વગેરે ચિહનો દેખા દે છે. ક્યારેક મસ્તિષ્ક અને હૃદયના વીજાલેખ(EEG અને ECG)માં ફેરફારો વર્તાય છે. પીયૂષિકા (pituitary) ગ્રંથિ, અધિવૃક્ક (adrenal) ગ્રંથિ તથા અધશ્ચેતક (hypothalamus)માં પણ ફેરફાર જણાય છે; છતાં શારીરિક તપાસમાં ક્ષય, પૂર્ણ પીયૂષિકા ગ્રંથિ અલ્પતા (panhypopituitarism), અપશોષણ (malabsorption) સંલક્ષણ, મધુપ્રમેહ કે કૅન્સર જેવા કૃષકાયતા કરતા રોગો જણાતા નથી.
આ રોગની ચિકિત્સા મુશ્કેલ છે. દર્દીને નાકજઠરી (nasogastric) નળી અથવા નસ વાટે પોષણ આપવું પડે છે. શરૂઆતમાં આ માંદગીને સંભાળ તથા સહાનુભૂતિપૂર્ણ વર્તાવથી મટાડી શકાય છે. પરંતુ માનસિક રોગના નિષ્ણાતની મદદ લેવી જરૂરી છે. પ્રશાંતક (tranquilizer) અને ખિન્નતાનિવારક (antidepressant) ઔષધો અહીં ઉપયોગી નીવડે છે. મનોવિકારી અરુચિના દર્દીની હાલત – 30 %થી 40 % કિસ્સામાં – સુધરી શકે છે. ક્યારેક હૃદય બંધ પડવાના કે આત્મહત્યાના કિસ્સા પણ નોંધાય છે. જેમને સારું થાય તેમને ફરીથી ઊથલો ખાવાનો ભય રહેલો છે.
બંકિમ માંકડ
હરિત દેરાસરી