અરુણ કમલ (જ. 15 ફેબ્રુઆરી 1954, નસરીગંજ, જિ. રોહતાસ, બિહાર) : બિહારના જાણીતા કવિ, વિવેચક અને અનુવાદક. તેમને તેમના ઉત્તમ કાવ્યસંગ્રહ ‘નયે ઇલાકે મેં’ માટે 1998ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે.

તેમણે અંગ્રેજી સાથે એમ.એ.ની પદવી મેળવી. તેઓ પટણા યુનિવર્સિટી વિજ્ઞાન કૉલેજમાં અંગ્રેજીના પ્રાધ્યાપક છે.

Arun kamal

અરુણ કમલ

સૌ. "Arun kamal" by Buddhdeo Vibhakar | CC BY-SA 4.0

તેમણે 3 કાવ્યસંગ્રહો પ્રગટ કર્યા છે : ‘અપની કેવલ ધાર’ (1980); ‘સબૂત’ (1989) અને ‘નયે ઇલાકે મેં’ (1996), ‘કવિતા ઔર સમય’ તેમનો વિવેચનાત્મક નિબંધસંગ્રહ છે. ‘વૉઇસિઝ’ તેમનો અંગ્રેજી અનુવાદરૂપ ભારતીય કાવ્યસંગ્રહ છે. તેમણે માયકૉવસ્કીની આત્મકથા તથા તો હૂનાં કાવ્યોનો અનુવાદ પ્રગટ કર્યો છે.

તેમની આવી સાહિત્યસેવા બદલ તેમને ભારતભૂષણ અગ્રવાલ પુરસ્કાર (1980), સોવિયેત લૅન્ડ નેહરુ પુરસ્કાર (1990), શ્રીકાંત વર્મા સ્મૃતિ-પુરસ્કાર (1991), રઘુવીર સહાય સ્મૃતિ-પુરસ્કાર (1996) અને શમશેર સન્માન (1997) પ્રાપ્ત થયાં છે.

તેમની પુરસ્કૃત કૃતિ ‘નયે ઇલાકે મેં’માં તેમનો સમૃદ્ધ અનુભવ તથા કલાત્મક પ્રૌઢતા વિશેષ રૂપે તરી આવે છે. તેમણે સીધા લોકજીવનમાંથી આવતા અનેક શબ્દોનો પહેલી વાર ઉપયોગ કરીને વિવિધ ભાવો સર્જ્યા છે. મુક્ત છંદ ઉપરાંત પરંપરાગત છંદોના પ્રયોગ દ્વારા તેને કાવ્યશિલ્પનું એક નવું રૂપ આપવામાં આવ્યું છે. તેમણે આ કૃતિમાં વાસ્તવિકતા અને કલ્પના વચ્ચે સમતુલા જાળવીને સમકાલીન હિંદી કવિતાની સીમાઓ વિસ્તારી હોવાથી આ કૃતિને ભારતીય કવિતામાં મહત્વપૂર્ણ પ્રદાન માનવામાં આવે છે.

બળદેવભાઈ કનીજિયા