અરિષ્ટનેમિ : જૈનપરંપરામાં 24 તીર્થંકરો પૈકીના 22મા તીર્થંકર. કુશાર્ત દેશના શૌર્ય નગરના હરિવંશના રાજા સમુદ્રવિજય અને તેની પત્ની શિવાદેવીના પુત્ર અરિષ્ટનેમિનો જન્મ કાર્તિક વદ બારશે થયો હતો. તેઓ કૃષ્ણ વાસુદેવના પિત્રાઈ ભાઈ થતા હતા. એમનું સગપણ ઉગ્રસેનની પુત્રી રાજિમતી સાથે થયું હતું, પણ લગ્નોત્સવના ભોજન અર્થે થતી પશુહિંસા જોઈ વૈરાગ્ય ઉત્પન્ન થતાં એમણે રૈવતક પર્વત પર દીક્ષા લઈ ઉજ્જ્યંત (ગિરનાર) પર્વત પર તપસ્યા કરી. દ્વારવતીના અનેક યાદવોએ અરિષ્ટનેમિ પાસે દીક્ષા લીધી હતી. 1,000 વર્ષનું આયુષ્ય ભોગવ્યા બાદ અષાઢ સુદ આઠમે તેઓ નિર્વાણ પામ્યા એવી અનુશ્રુતિ છે.

હેમન્તકુમાર શાહ