અમોઘવર્ષ—1-2-3 : કર્ણાટકના રાષ્ટ્રકૂટ વંશમાં થઈ ગયેલા ત્રણ અમોઘવર્ષ. અમોઘવર્ષ પહેલો (ઈ. સ. 814-880), અમોઘવર્ષ બીજો (ઈ. સ. 922-23), અમોઘવર્ષ ત્રીજો (ઈ. સ. 936-939).

ગોવિંદરાજ ત્રીજાના પુત્ર-અનુગામી શર્વ અમોઘવર્ષ પ્રથમ સગીરવયે ગાદી પર આવતાં લાટેશ્વર કર્કરાજે વાલી તરીકે તેનો વહીવટ સંભાળેલો. સ્વભાવે શાંતિપ્રિય, ધર્મપ્રેમી અને સાહિત્યરસિક અમોઘવર્ષના દીર્ઘ શાસનકાલ દરમિયાન ઘણા બળવા અને ઘણી રાજકીય મુશ્કેલીઓ જોવા મળે છે. માન્યખેટકના સ્થાપક અમોઘવર્ષ હિન્દુ-જૈન ધર્મોમાં શ્રદ્ધાન્વિત હતો. એના સમયનાં દાનપત્રો એના રાજ્યમાં દક્ષિણ ગુજરાતના લાટમંડળ અને નવસારિકાના પ્રદેશો હોવાનું સૂચવે છે.

અમોઘવર્ષ દ્વિતીય ઇન્દ્રરાજ ત્રીજાનો પુત્ર-અનુગામી હતો. ગાદીએ બેસતાં જ ગોવિંદરાજ ચોથાના કાવતરાનો ભોગ બનતાં એક વર્ષ રાજગાદી ભોગવી શક્યો. એની વિધવા વેંગી રાજ્યાશ્રયે ગઈ.

અમોઘવર્ષ તૃતીય જગત્તુંગનો પુત્ર અને ઇન્દ્રરાજ ત્રીજાનો અનુજ હતો. શાંતિચાહક અમોઘવર્ષે મંત્રીઓ અને સામંતોની સલાહથી ગોવિંદરાજને પદભ્રષ્ટ કરી ગાદી મેળવી હતી. ધાર્મિક વૃત્તિનો અમોઘવર્ષ પ્રૌઢવયે શાસક બનેલો. રાજતંત્રમાં ઓછી સક્રિયતા સાથે આ અમોઘવર્ષે ત્રણ-ચાર વર્ષ શાસન ભોગવેલું.

રસેશ જમીનદાર