અમોઘવૃત્તિ (નવમી સદી) : સંસ્કૃત વ્યાકરણગ્રંથ ‘શાકટાયન શબ્દાનુશાસન’ પરની ટીકા. સંસ્કૃત વ્યાકરણની જૈન પરંપરાના પાલ્યકીર્તિ નામના વૈયાકરણે ‘શાકટાયન’ ઉપનામથી ‘શાકટાયન શબ્દાનુશાસન’ રચ્યું. પોતે રાષ્ટ્રકૂટ રાજા અમોઘવર્ષ પહેલાના આશ્રિત હતા એટલે શબ્દાનુશાસનનાં 3,200 સૂત્રો પર, પોતે જ 18,000 શ્લોકમાં રાજા અમોઘવર્ષનું નામ જોડેલી અમોઘવૃત્તિ (અમોઘાવૃત્તિ) ટીકા રચી. તેમાં ગણપાઠ, ધાતુપાઠ, લિંગાનુશાસન અને ઉણાદિ સિવાયની સઘળી પ્રક્રિયા છે. તેમના ‘ख्याते दृश्ये’(4.3, 207) સૂત્રમાં અદ્યતન ભૂતકાળનાં બે ઉદાહરણો अरुणद् देव: पांण्डयम् (રાજા અમોઘવર્ષે પાંડ્ય રાજાને રોક્યો) અને अदहदमोघवर्षो अरातीन् (રાજા અમોઘવર્ષે શત્રુઓને ભસ્મ કર્યા) મૂકીને ઐતિહાસિક પુરાવા આપ્યા છે. સંસ્કૃત વ્યાકરણક્ષેત્રમાં ગુજરાતનું આ અનોખું પ્રદાન છે.

જયદેવ જાની