અમીરખાં (2) (જ. 15 ઑગસ્ટ 1912, ઇન્દોર, મધ્યપ્રદેશ; અ. 13 ફેબ્રુઆરી 1974, કોલકાતા, પશ્ચિમ બંગાળ) : ઇન્દોર ઘરાનાના અગ્રણી ગાયક. પિતા શાહમીરખાં ઉત્તમ સારંગીવાદક અને વીણાવાદક હતા. તેમની ઇચ્છા પુત્ર અમીરખાંને સારંગીવાદક બનાવવાની હતી, પરંતુ અમીરખાંએ સંજોગોવશાત્ કંઠ્ય સંગીત શીખવાનું પસંદ કર્યું. શાસ્ત્રીય સંગીતજગતમાં પિતાની ખ્યાતિને લીધે ઇન્દોરના તેમના નિવાસ પર તે જમાનાના અગ્રણી સંગીતકારો અવારનવાર ભેગા થતા, જેમાં અલાબંદે જાફરુદ્દીનખાં, રજબઅલીખાં, અબ્દુલ વહીદખાં, મુરાદખાં બીનકાર વગેરેનો સમાવેશ થતો. આમ નાનપણથી જ પરિવારમાં અમીરખાંને સંગીતનું વાતાવરણ મળ્યું હતું. તેમના પૂર્વજો મુઘલ કાળથી દરબારી ગાયકો હતા. પિતા પાસેથી શરૂઆતમાં સારંગીની તાલીમ અને ત્યારબાદ કંઠ્યસંગીતની તાલીમ મળી ખરી, પરંતુ તેમણે વિધિસર રીતે કોઈ સંગીતકાર પાસેથી તાલીમ લીધી ન હતી. કિરાના ઘરાનાના અબ્દુલ વહીદખાંની ગાયકીથી અમીરખાં નાનપણથી પ્રભાવિત થયા હતા અને તેથી તેમણે વહીદખાંની શૈલી આત્મસાત્ કરી. ઉપરાંત, ભીંડી બજાર ઘરાનાના ઉસ્તાદ અમાનઅલીખાંની શૈલીના કેટલાક અંશ પણ તેમણે અપનાવ્યા હતા, જેને લીધે આ બંને ગાયકોની શૈલીઓના મિશ્રણમાંથી એક નવી, મૌલિક ગણાય તેવી ગાયકી અમીરખાંએ ઊભી કરી હતી.

અમીરખાં

અમીરખાંનો કંઠ મધુર અને ધારદાર હતો. તેઓ માત્ર 11-12 વર્ષના હતા ત્યારે સંગીતની એક મહેફિલમાં તેમણે તેમનું ગાયન પ્રસ્તુત કરી શ્રોતાઓને પ્રભાવિત કર્યા હતા. તેમનો પ્રથમ કાર્યક્રમ ઑલ ઇન્ડિયા રેડિયોના કલકત્તા કેન્દ્ર પરથી પ્રસારિત થયો હતો. તેમનામાં કઠિનમાં કઠિન અને અપ્રચલિત રાગનો વિસ્તાર કરવાનો અનેરો કસબ હતો. આલાપમાં છેક તારસપ્તક સુધી સહજતાથી બઢત કરવાની તેમની શૈલી વિશેષ પ્રકારની હતી. તેઓ ઠૂમરીમાં પણ પ્રવીણ હતા, છતાં સંગીતની મહેફિલમાં તેઓ ઠૂમરી ગાતા ન હતા. તરાના પણ અપવાદ તરીકે જ રજૂ કરતા હતા. વિલમ્બિત ઝૂમરા તાલ અને ખયાલ ગાયકી તેમને વધુ પસંદ હતાં. તેમના પ્રિય રાગોમાં દરબારી કાનડા, આભોગી, શુદ્ધ કલ્યાણ, મુલતાની, ભટિયાર, તોડી, મિયાકી મલ્હાર અને મારવાનો સમાવેશ થતો હતો. તેમની પાંચ એલ. પી. રેકૉર્ડોઝ છે, જેમાં તેમના પ્રિય રાગો ઉપરાંત દેશ, મેઘ, લલિત, માલકંસ, હંસધ્વનિ અને ચંદ્રકૌંસ જેવા રાગોનો પણ સમાવેશ થયો છે.

ચલચિત્રોના માધ્યમથી શાસ્ત્રીય સંગીતને લોકપ્રિય બનાવી શકાય એવું તેમનું મંતવ્ય હોવાથી ‘ઝનક ઝનક પાયલ બાજે’ તથા ‘બૈજુ બાવરા’ જેવાં ચલચિત્રોમાં અમીરખાંસાહેબે પાર્શ્ર્વગાયક તરીકે પોતાની સંગીતકલાનો પરિચય આપ્યો છે. ભારત સરકારના ફિલ્મ્સ ડિવિઝને તેમના જીવન પર એક વૃત્તચિત્ર તૈયાર કર્યું હતું.

1967માં સંગીત-નાટક અકાદમીએ રાષ્ટ્રપતિ ઍવૉર્ડથી તથા 1971માં ભારત સરકારે પદ્મભૂષણનો ખિતાબ એનાયત કરી તેમને સન્માન્યા હતા.

તેમના અગ્રણી શિષ્યોમાં એ. કાનન, કંકણા બૅનર્જી, અમરનાથ તથા આચાર્ય મુકુંદ ગોસ્વામી વિશેષ ઉલ્લેખનીય છે.

કલકત્તા ખાતેની તેમની પોતાની સંગીત મહેફિલમાંથી તેઓ મધ્યરાત્રીએ નિવાસ તરફ પાછા જતા હતા ત્યારે માર્ગ-અકસ્માતમાં તેમનું અવસાન થયું હતું.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે