અમિતાભ : બૌદ્ધ ધર્મના પાંચ ધ્યાની બુદ્ધોમાંના બૌદ્ધ સાધનમાલા અનુસાર ત્રીજા કે નેપાળમાંની પ્રચલિત માન્યતા પ્રમાણે ચોથા ધ્યાની બુદ્ધ. નેપાળના બૌદ્ધ સંપ્રદાયમાં તે ઘણા પ્રાચીન મનાય છે. પરંપરા અનુસાર તે સુખાવતી સ્વર્ગમાં ધ્યાનસ્થ અવસ્થામાં રહે છે ને વર્તમાન કલ્પના અધિષ્ઠાતા મનાય છે. વર્તમાન કલ્પને બૌદ્ધ સંપ્રદાયમાં ભદ્રકલ્પ કહે છે. સ્તૂપમાં ધ્યાની બુદ્ધ અમિતાભનું સ્થાન પશ્ચિમ દિશામાં હોય છે. તે રક્ત વર્ણના છે. તેમનું વાહન મયૂર અને લાંછન પૂર્ણ વિકસિત કમળ છે. તે સમાધિમુદ્રામાં યોગાસનમાં બેઠેલા હોય છે. તેમનાં બીજાં નામ બોધિસત્વ, પદ્મપાણિ અને બુદ્ધશક્તિ પાંડરા છે.

ગુજરાતમાં તારંગા (ઉત્તર ગુજરાત) પર્વત પર તારાની પ્રતિમાના મસ્તક પર અમિતાભની પ્રતિમા જોવા મળે છે. આ ઉપરાંત તેમની પ્રતિમાઓ અને ચિત્રો નાલંદા, નેપાળ, ટિબેટ વગેરે સ્થળોએથી પણ મળે છે.

ભારતી શેલત