અમતેરસુ–સૂર્યદેવી : જાપાનમાં પ્રચલિત શિન્તો ધર્મની દેવસૃષ્ટિમાં અમતેરસુ–સૂર્યદેવીની પૂજાનું મહત્વ વિશેષ છે. ઈસે નામના ધાર્મિક સ્થળે સૂર્યદેવીના માનમાં એક મંદિર બાંધવામાં આવ્યું છે અને ત્યાં પ્રજા અને સરકાર તરફથી દર વર્ષે સૂર્યદેવની પૂજા કરવામાં આવે છે અને આ દિવસને ઉત્સવ રૂપે મનાવવામાં આવે છે. આ પૂજા અમુક પ્રકારે કરવી એ વિશે ધર્મગ્રંથોમાં નિયમો આપવામાં આવેલા છે. આ મંદિરમાં પૂજારી તરીકે જાપાનની રાજકન્યા જ સેવા બજાવી શકે એવી પ્રથા પરંપરાગત ચાલી આવે છે. આ મંદિરના મધ્યભાગમાં એક દર્પણ રાખવામાં આવેલું છે. જાપાનની પ્રજા માને છે કે આ દર્પણ સૂર્યદેવી – અમતેરસુએ પ્રથમ મિકાડોને આપ્યું હતું અને કહ્યું હતું કે ‘આ દર્પણમાં મારો જ આત્મા વસે છે, એમ માનીને એની પૂજા કરજો’ (કો–જી–કી 109). અન્ય એક જગ્યાએ કહેવાયું છે કે અમતેરસુએ એ દર્પણ પોતાના હાથમાં લીધું અને કહ્યું કે, ‘મારા બાળ, તું જ્યારે દર્પણમાં જુએ ત્યારે, તું જાણે મારી સમક્ષ જુએ છે એમ હું માનીશ. આ પવિત્ર દર્પણ તારી પાસે રાખ.’ જાપાનની પ્રજા માને છે કે આ દર્પણની પૂજા એટલે સૂર્યદેવી–અમતેરસુની પૂજા. સૂર્યદેવીના મંદિરમાં દર્પણ ઉપરાંત તલવાર અને મોતીની માળાનો સમાવેશ થાય છે.
પ્રવીણચંદ્ર પરીખ