અમદાવાદ 

ભારતના મૅન્ચેસ્ટર તરીકે ખ્યાતિ પામેલું (230 1´ ઉ. અ., 720 37´ પૂ.રે.) સાબરમતી નદીના પૂર્વ કાંઠા પર 1411માં અહમદશાહે સ્થાપેલું નગર. આ પ્રદેશમાં માનવોની વસ્તીની નિશાનીઓ આશરે પાંચ હજાર વર્ષ પહેલાંની છે. વટવા, શ્રેયસ્, થલતેજ અને સોલાના ટેકરાઓ પરથી આ પ્રાગૈતિહાસિક કાળનાં અશ્મ-ઓજારો આ સ્થળની પ્રાચીનતા સાબિત કરે છે.

આ નગર સાબરમતી નદીના પૂર્વ કિનારા પર છે. આ સ્થળેથી મળી આવતાં સૂર્ય, શક્તિ, વિષ્ણુનાં શિલ્પો તથા પરંપરાગત પાળિયા આ સ્થળે આશરે નવમી/દસમી સદીથી તેરમી સદીના અંત સુધી થયેલી પ્રવૃત્તિઓની જાણકારી આપે છે. નગરનું આશાપલ્લી કે આશાવલ નામ પણ સ્થાનિક પરંપરાથી સચવાયું છે. અબુ રીહાંએ પણ એક સમૃદ્ધ નગર તરીકે અગિયારમી સદીના પૂર્વાર્ધમાં તેનો ઉલ્લેખ કર્યો છે. જૂના વખતમાં આ નગર આસ્ટોડિયા દરવાજા, રાયપુર, રાયખડ જેવા વિસ્તારમાં ફેલાયેલું હતું અને આજના કાળુપુર-સારંગપુર વિસ્તારમાં તેનાં પરાં હતાં. અગિયારમી સદીના અંતભાગમાં આ આશાવલ પર અણહિલવાડ પાટણના ચૌલુક્ય રાજવીએ વિજય મેળવીને ‘કર્ણાવતી’ના નામે પોતાની લશ્કરી છાવણી વસાવી હતી. કર્ણાવતી નગરી સપ્તર્ષિ ઘાટની કંઈક દક્ષિણે તથા પૂર્વમાં ફેલાયેલી હતી. આ વિસ્તારમાંથી મળી આવેલાં શિલ્પો, શિલાલેખો તથા સ્થાપત્યના કેટલાક નમૂનાઓ તેના અવશેષરૂપે પ્રાપ્ત થાય છે. ચંડોળા તળાવ પણ સંભવત: આ યુગથી અસ્તિત્વ ધરાવે છે. ઈ. સ. 1304માં આશાવલ પર ખલજી સત્તાએ વર્ચસ્ જમાવ્યું ત્યારથી આશરે એક સદી સુધી તેની સત્તાનું મુખ્ય કેન્દ્ર દિલ્હી અને ગૌણ કેન્દ્ર અણહિલવાડ પાટણ રહ્યું. આ સદીમાં આશાવલની આજુબાજુનાં પરાંઓમાં ઇસ્લામી સંતો આવ્યા તથા રાજકીય પ્રવૃત્તિ માટે મુહંમદ તુગલુક અહીં આવ્યો. અહીંથી ગુજરાતના સ્વતંત્ર મુઝફ્ફરી રાજ્યની શરૂઆત થઈ. આ મુઝફ્ફરી રાજ્યની સ્થાપના કરવામાં આશાવલના જે લોકોએ ભાગ લીધો તેમની રાજ્ય દૃઢ કરવામાં મદદ મળે તે હેતુથી અહમદશાહે તેના વિરોધીઓના કેન્દ્ર સમા પાટણનો ત્યાગ કરીને 1411માં આશાવલની પશ્ચિમે, સાબરમતીને કિનારે કંઈક ઊંચાણવાળા ટેકરા પર પોતાનો રાજનિવેશ બાંધ્યો. આજના ભદ્રના વિસ્તારમાં આવેલો આ રાજમહેલ લંબચોરસ ઘાટનો હતો. અહમદશાહનો રાજમહેલ તથા શાહીવિસ્તાર ત્રણ દરવાજાથી સાબરમતી તથા માણેક બુરજથી આજના નેહરુ પુલ સુધીનો હતો, જેને અહમદાબાદ કે અમદાવાદ નામ આપવામાં આવ્યું. ગુજરાતના સુલતાનોની રાજધાની તરીકે તેનો ઝડપથી વિકાસ થયો. જૂના વખતમાં પૂર્વ ગુજરાતથી કાઠિયાવાડ તરફ પ્રયાણ કરવા માટે સાબરમતી નદી પરના પ્રથમ ઉતરાણ તરીકે આ શહેરના તટનો ઉપયોગ થયો હોય એવી શક્યતા નકારી શકાય નહિ.

અમદાવાદ શહેરના કોટના વિસ્તાર અને પરાવિસ્તારોમાં આવેલાં વિવિધ સ્થળો અને માર્ગો

Sabarmati ashram

ગાંધી આશ્રમ

સૌ. "Sabarmati-ashram" by File Upload Bot (Magnus Manske) | CC BY 2.0

અહમદશાહે મુખ્ય કિલ્લાની બહાર જુમા મસ્જિદ બંધાવી, જે પ્રાચીન આશાવલ પાસે હતી. તેથી એક તરફ આશાવલ અને અમદાવાદ ભેગાં થઈ ગયાં, અને બીજી તરફ જુમા મસ્જિદની આજુબાજુ અહમદશાહની હસ્તીશાળા, તે વખતનાં કબ્રસ્તાનો, બજાર વગેરેનો વિકાસ થયો. શાહી કિલ્લા અને માણેકચોક વચ્ચેના વિસ્તારમાં ઢાલગરાં, રેશમના કારીગરો, હથિયાર વેચનાર વગેરેની પ્રવૃત્તિઓ વિકાસ પામતી ગઈ. જૂના આશાવલની પાસે મહુરત પોળ તથા અન્ય વસતીનો વિકાસ થઈને મૂળ અમદાવાદનું કેન્દ્ર તૈયાર થયું. અમદાવાદના ત્રણ દરવાજા અને જુમા મસ્જિદ વિસ્તારના નદીકાંઠે આવેલા આ કેન્દ્રને સાંકળી લેતા માર્ગો જૂનાં નાળાં જેવા ભૌગોલિક ભાગો પર વિકસ્યા અને ટેકરાઓ પર વસતી વિકસતી ગઈ. પંદરમી સદીમાં આ કેન્દ્રની દક્ષિણે હૌજે કુતુબ અથવા કાંકરિયાની રચના થઈ અને ત્યાં ઈદગાહનું સ્થાન બન્યું. ધીમે ધીમે નગર-વિકાસનાં અન્ય અંગો પણ વિકસવા માંડ્યાં. મુખ્ય શહેરની આજુબાજુ પરાંઓનો વિકાસ થવા માંડ્યો. નદીના બંને કિનારા પર જૂનાં પરાંઓની સાથે નવાં પરાં વિકસ્યાં, તે પૈકી મુખ્ય કેન્દ્રની નજીકનાં રાયખડ, જમાલપુર, રાયપુર, સારંગપુર, કાલુપુર, દરિયાપુર, શાહપુર, ખાનપુર આદિ ઘણાં પરાંઓ એકબીજાં સાથે મળી જઈને અમદાવાદ શહેરનો વિસ્તાર થયો હતો.

સોળમી સદીના અંતભાગમાં અમદાવાદ ફરીથી દિલ્હીની સત્તા નીચે આવ્યું. અકબરે ભદ્ર બહાર તેનો કિલ્લો બંધાવ્યો. આ વખતે ધનુકુટિલ આકારવાળું અમદાવાદ તૈયાર થયું. શહેરના મુખ્ય કેન્દ્રની આજુબાજુ પ્રસરેલાં પરાંઓનાં બદલાતાં નામો અને તેમાં થતા ફેરફારો વચ્ચે અમદાવાદના કિલ્લેબંધ શહેરની સત્તરમી સદીની આબાદીનાં ઘણાં વર્ણનો જોવા મળે છે.

Kankaria Lake, Ahmedabad

કાંકરિયા તળાવ

સૌ. "Kankaria Lake, Ahmedabad" by ddasedEn | CC BY 2.0

અહમદશાહથી બહાદુરશાહ સુધી અમદાવાદમાં પ્રતાપી સુલતાનો થયા. મુઘલોની જેમ એમનામાં હિંદુઓનું લોહી અને સંસ્કાર હતા. આ ગુજરાતી સુલતાનોએ રાજ્યની આબાદી માટે કાર્ય કરેલું છે. અમદાવાદ શહેરનો વિસ્તાર અને શોભા પણ મહમૂદશાહ બેગડાના સમયમાં વધ્યાં. તેનો પુત્ર મુઝફ્ફરશાહ દયાળુ, સંસ્કારી, વિદ્વાન અને શૂરવીર હતો. સુલતાન બહાદુરશાહ(1527-1536)ના સમયમાં ગુજરાતની જાહોજલાલી હતી. તે એક શક્તિશાળી સુલતાન હતો. 1573થી ગુજરાત પર મુઘલોની સત્તા સ્થપાઈ, ત્યારે મુઘલ શહેનશાહોના શાહજાદાઓએ અમદાવાદમાં સૂબા તરીકે વહીવટ સંભાળ્યો હતો. 1753માં રાઘોબા અને દામાજીરાવે અમદાવાદમાં પેશવાનો વહીવટ સ્થાપ્યો. તે પછી મરાઠી વસ્તીનો વધારો થયો, ભદ્રની દક્ષિણે ગાયકવાડની હવેલી બંધાઈ. મરાઠાઓના અમલ દરમિયાન આર્થિક ગેરવ્યવસ્થા, જુલમ અને અગણોતરા કાળ(સંવત 1869)ને લીધે શહેરની વસ્તીમાં નોંધપાત્ર ઘટાડો થયો. પરાં તૂટીને ખંડેર થયાં, બગીચા વેરાન થઈને ખેતર બન્યાં. લગભગ અડધું શહેર ખંડેર થઈ એમાં જંગલની જેમ ઝાડ ઊગ્યાં. 1818થી કંપની સરકારનો વહીવટ સ્થપાયો. ત્યારથી અમદાવાદમાં વિવિધ ક્ષેત્રોમાં વિકાસ થવા માંડ્યો. 1858થી કંપનીની સત્તા નાબૂદ થઈ અને ઇંગ્લૅન્ડની પાર્લમેન્ટની સત્તા સ્થપાઈ.

અઢારમી સદીમાં મુઘલ અને મરાઠાના સંઘર્ષોમાં અમદાવાદ પર થતાં આક્રમણોને લીધે તેનાં ઘણાં પરાંઓને નુકસાન થયું હતું. દેશના અન્ય ભાગોની માફક થોડી વસ્તી તૂટી, પરંતુ અઢારમી સદીના મધ્યભાગથી ઓગણીસમી સદીના પૂર્વાર્ધ સુધી અમદાવાદ અને તેનાં પરાંઓમાં નાનાંમોટાં ઘણાં મંદિરો બંધાવાયાં, કેટલાંક જૂનાં મંદિરોનો જીર્ણોદ્ધાર થયો તથા નવી પોળો બંધાઈ.

ઓગણીસમી સદીમાં અમદાવાદ પર અંગ્રેજોનું આધિપત્ય દાખલ થયું, તેથી તેને મુંબઈ સાથે સાંકળી લેતી રેલવે કાળુપુર બહાર તૈયાર થઈ. આ નવા મથક માટે અગાઉના કિલ્લાને તોડીને પ્રેમ દરવાજા તથા પાંચકૂવા દરવાજા બંધાયા. આ નવા કેન્દ્રની ઈશાન અને ઉત્તર તરફ અંગ્રેજોની લશ્કરી છાવણી તૈયાર થઈ અને નવાં પરાંઓનો વિકાસ થવા માંડ્યો.

મૂળ અમદાવાદ શહેરના નિર્માણનો આરંભ હાલ ભદ્ર કિલ્લાના નામથી ઓળખાતા રાજગઢથી થયો હતો. આ રાજગઢનો વિસ્તાર પશ્ચિમે નદીના પટ સુધી, ઉત્તરે સોળમી સદીની છેલ્લી પચીસીના આરંભમાં બંધાયેલી સીદી સઈદની પથ્થરની વિશ્વવિખ્યાત જાળીની મસ્જિદ સુધી, દક્ષિણમાં અહમદશાહની મસ્જિદની દક્ષિણ દીવાલ સુધી તથા પૂર્વમાં હાલ ભદ્રનો આગલો દરવાજો છે ત્યાં સુધી હતો. મિરાતે અહમદીના રચનાસમયે (ઈ. સ. 1761) આ કિલ્લાની પૂર્વ-પશ્ચિમ લંબાઈ 487 ઇલાહી ગજ અને ઉત્તરદક્ષિણ પહોળાઈ 400 ઇલાહી ગજ હતી અને તેને 14 બુરજ હતા. મોજૂદ કિલ્લો શાહજહાનના ગુજરાતના મુઘલ સૂબેદાર આઝમખાને બંધાવ્યો હતો. હાલ જ્યાં લાલ દરવાજા બસસ્ટૅન્ડ તથા સરદાર પટેલ પાર્કવાળી જગ્યા છે, ત્યાં સલ્તનતકાળ કે મુઘલકાળમાં જે ઇમારતો હતી તેમાંની અહમદશાહની મસ્જિદ સિવાયની ઇમારતો નામશેષ થઈ ગઈ છે. કિલ્લાનું વિશાળ પ્રાંગણ, જે મેદાને શાહ કહેવાતું, તેની પૂર્વમાં આવેલ ત્રિપોળિયા દરવાજો (ત્રણ દરવાજા) શહેર તરફનું મુખ્ય પ્રવેશદ્વાર હતું.

ત્રણ દરવાજા

સૌ. Iampurav |CC BY 2.0

ત્રણ દરવાજાથી આગળ માણેકચોકમાં ઈ. સ. 1424માં સુલતાને શહેરની ભવ્ય અને મોટામાં મોટી, 260 ઊંચા, સુંદર થાંભલાઓના લીવાન(મુખ્યખંડ)વાળી મસ્જિદ બંધાવી. તે પહેલાં ઈ. સ. 1412માં ખાનપુરમાં આવેલી સૈયદ આલમની મસ્જિદ બંધાઈ હતી. ઈ. સ. 1423માં બીજી એક મસ્જિદ બંધાયાનો ઉલ્લેખ તે પછી બંધાયેલ મસ્જિદમાં સચવાયેલ અભિલેખમાં મળે છે. જમાલપુર દરવાજાની પૂર્વમાં આવેલ હેબતખાનની મસ્જિદ સ્થાપત્યની દૃષ્ટિએ શહેર વસવાની પૂર્વે નહિ તો સર્વપ્રથમ બની હોય તેમ જણાય છે. તેવી જ રીતે કાળુપુરમાં આવેલી શકરખાનની મસ્જિદ પણ જામે મસ્જિદ (જુમા મસ્જિદ) પહેલાં બંધાઈ હોય તેમ તેના સ્થાપત્ય પરથી લાગે છે. જામે મસ્જિદ(જુમા મસ્જિદ)ની પૂર્વે અહમદશાહ પહેલાએ પોતાનો તેમજ રાણીઓનો રોજો બંધાવ્યો હતો. શહેરને ફરતો કોટ પાછળથી બંધાયો હતો.

દિલ્હી ચકલામાં આવેલી પથ્થરની મસ્જિદ ઈ. સ. 1449માં અહમદશાહ પહેલાના પુત્ર મુહંમદશાહ બીજાના સમયમાં બંધાઈ હતી. શહેરની દક્ષિણે કાંકરિયા તળાવ (હૌજે કુતુબ) 1451માં સુલતાન કુત્બુદ્દીન અહમદશાહ બીજાએ બંધાવ્યું હતું. આ જ સુલતાનના સમયમાં સુલતાનના વડા વજીર મલિક ઇમાદુલ મુલ્ક શાબાને ઈ. સ. 1452માં સલાપસ રોડ પર આવેલી સોનેરી મસ્જિદ તથા રખિયાલમાં આવેલો મલિક શાબાનનો રોજો બંધાવ્યાં હતાં. સાથોસાથ ત્યાં ફળોનાં તેમજ શોભાનાં વૃક્ષો, નહેરો, ફુવારાઓથી આભૂષિત વિશાળ ઉદ્યાન પણ ઊભું કર્યું હતું. દરિયાપુર-ડબગરવાડમાં પીરદ્દૂસની મસ્જિદ તેની દાઈ બીબી બુદ્દૂએ બંધાવી હતી, જેના નામ પરથી શહેરના એક મહોલ્લાનું નામ બુદ્દૂપર પડ્યું હતું. રાજપુર ગોમતીપુરની બીબીજીની કહેવાતી હાલતા મિનારાવાળી સુંદર અને સુવિખ્યાત મસ્જિદ સુલ્તાન કુત્બુદ્દીનના સમયમાં ઈ. સ. 1454માં રાજમાતાએ બંધાવી હતી.

સીદી સૈય્યદ મસ્જિદની પ્રખ્યાત જાળી

સૌ. "The famous jaali from the Sidi Saiyyed" | CC BY-SA 2.0

અમદાવાદ શહેરનો સર્વાંગી વિકાસ સુલતાન મહમૂદશાહ પહેલા(બેગડા)ના સમયમાં થયો હોવાનું જણાય છે. શહેરને ફરતો કોટ તેના સમયમાં ચણવામાં આવ્યો. 18મા શતકના એક ઉલ્લેખ મુજબ સુલતાને તેના મુખ્ય અમીરો જે જે સ્થળોએ રહેતા હતા, તે તે સ્થળો તરફના કોટનો ભાગ બાંધવાનો તેમને આદેશ આપ્યો હતો. આ સુલતાનના સમયમાં 15મા સૈકાના ઉત્તરાર્ધમાં શહેરમાં સંખ્યાબંધ મસ્જિદો અને મકબરાઓ બંધાયાં હતાં. દા.ત. રાણી રૂપમતીની મસ્જિદ, દરિયાખાનનો ઘુંમટ, ગાયકવાડની હવેલીમાં આવેલ શાહ ફાઝલની મસ્જિદ ઇત્યાદિ. શહેરની દક્ષિણે થોડા અંતરે પ્રસિદ્ધ સંત શાહઆલમ સાહેબના નિવાસસ્થાનની આજુબાજુ રસૂલાબાદ નામનું એક સમૃદ્ધ પરું આ સમયમાં વસ્યું હતું. આ સમયે ગુજરાતના પ્રવાસે આવેલા વિદેશી મુસાફરોએ શહેરની સમૃદ્ધિ અને સુંદર રસ્તાઓ વગેરેનાં ભારોભાર વખાણ કર્યાં છે.

મુઘલ બાદશાહોના સમયમાં શહેરમાં વિશેષ ફેરફાર થયો હોય તેમ લાગતું નથી. ભદ્રના કિલ્લાને અડતી આઝમખાનની ભવ્ય સરાઈ અને શાહીબાગનો સુંદર મહેલ શાહજહાનના સમયનાં છે. સલાપસ રોડ પર શુજાઅતખાનની મસ્જિદ અને રોજો તથા જમાલપુર પગથિયાં સામે આવેલ સરદારખાનની મસ્જિદ અને રોજો ઔરંગઝેબના સમયનાં છે. અમદાવાદમાં ઉત્તમ કોટિના બાગબગીચાનો વિકાસ કરવામાં મુઘલ સૂબેદારોનો મોટો ફાળો છે.

Sanskar Kendra Museum

સંસ્કારકેન્દ્ર

સૌ. "Sanskar Kendra Museum" by Nizil Shah | CC BY 2.0

આ શહેરમાં કવિઓ, સંતો, ઓલિયા અને ધર્મપુરુષોની સ્મૃતિથી અંકિત અનેક સ્થાનો આવેલાં છે. જ્ઞાની કવિ અખો ખાડિયામાં રહેતો. પદ્યવાર્તાકાર શામળ વેંગણપુર(ગોમતીપુર)માં રહેલો. ઉર્દૂનો પ્રથમ ગણાતો કવિ વલી ગુજરાતી અમદાવાદનો વતની હતો. સ્વામી સહજાનંદે કાળુપુરમાં સ્વામિનારાયણનું મંદિર બાંધેલું અને તેમના સાધુઓએ ભદ્રકાળીના મંદિર સમક્ષ બલિના વિરોધમાં અહિંસક પ્રતિકાર કર્યો હતો. જગન્નાથના મંદિરથી નીકળતી રથયાત્રા કોમી એકતાના પ્રતીકરૂપ બનેલી છે.

અમદાવાદ શહેર વ્યાપાર અને વાણિજ્યના મુખ્ય મથક તરીકે સતત વિકસતું રહ્યું છે. ભારતના ઇતિહાસમાં વ્યાપાર અને રાજકારણમાં મહત્ત્વની ગણાય એવી ઘટના આ શહેરમાં બની તે શહેનશાહ જહાંગીરે અંગ્રેજ પ્રતિનિધિ સર ટૉમસ રોને મુલાકાત આપી અને અંગ્રેજોને ભારતમાં વ્યાપાર કરવાનો પરવાનો આપ્યો તે ગણાય. આને કારણે ભારતમાં અંગ્રેજોનો પગપેસારો થયો અને તેમણે વ્યાપારને નિમિત્તે ભારત પર રાજકીય આધિપત્ય જમાવ્યું.

Jhulta Minar Ahmedabad

હાલતા-ઝૂલતા મિનારા

સૌ. "Jhulta Minar Ahmedabad" by Glitterchirag | CC BY 2.0

અમદાવાદ શહેરની ભવ્ય અને વૈભવશાળી ઇમારતો દ્વારા તેની ભૂતકાળની કીર્તિગાથા તથા વર્તમાન સમૃદ્ધિ બંનેનાં દર્શન કરી શકાય છે. ઝડપથી વધતા શહેરીકરણના દબાણ હેઠળ જૂના જમાનાની કોટની મજબૂત દીવાલો ધીમે ધીમે ઢળતી ગઈ અને તેના કેટલાક દરવાજા હવે તે જમાનાના માત્ર સ્મૃતિ-અવશેષો તરીકે બાકી રહ્યા છે.

Hutheesing Jain Temple

શેઠ હઠીસિંગનાં દહેરાં

સૌ. "Hutheesing Jain Temple" by Rediscoveronwhels | CC BY 2.0

હાલનું અમદાવાદ શહેર 190.84 ચોકિમી. વિસ્તારમાં પ્રસરેલું છે. મધ્યસ્થ શહેરની જનસંખ્યા 56,33,927 (2011) જેટલી હતી. 2011ની વસ્તીગણતરી મુજબ દર ચોરસ કિમી. દીઠ વસતીના દર હજાર પુરુષો દીઠ સ્ત્રીઓની સંખ્યા 897.  1997માં નગરમાં 1293.5 મિમી. વરસાદ પડ્યો હતો. ગુજરાત રાજ્યમાં સૌથી મોટું અને દેશમાં પાંચમો ક્રમ ધરાવતું આ શહેર છે. એક તરફ જૂના જમાનાની કિલ્લેબંધી તથા ભગ્ન અવશેષો, પથ્થરનાં આવરણ ધરાવતા દરવાજા, અનેક મસ્જિદો, હિંદુ તથા જૈન મંદિરો, ઝૂલતા મિનારા  ઐતિહાસિક ભૂતકાળની યાદ અપાવે છે. તો બીજી બાજુ નવી શૈલીની ભવ્ય ઇમારતો, સતત વિસ્તરતા પરાવિસ્તારો, વ્યાપારી તથા ઔદ્યોગિક પ્રતિષ્ઠાનો, આ બધાં આ શહેરના સાંસ્કૃતિક જીવન પર પ્રસ્થાપિત થયેલ આધુનિક જમાનાની અસરોની સાબિતી આપે છે. જેમાં પતંગ હોટલ અને ડ્રાઇવ-ઇન-સીનેમા થિયેટર ઉલ્લેખનીય છે. ભદ્ર વિસ્તારને આવરી લેતા જૂના સમયના શહેરરક્ષક કિલ્લા(અંતરકોટ)ના વિસ્તારમાં હવે સરકારના વહીવટી વિભાગોની ઇમારતો ઊભી કરવામાં આવી છે, જેને લીધે આ વિસ્તારમાં સાપેક્ષ રીતે વસ્તીની ગીચતા ઓછી છે. કિલ્લાની પેલી પાર નદીના પટનો આશરો લેતું જૂનું અર્ધવર્તુળાકાર શહેર વસેલું છે, જ્યાં જૂના કિલ્લાની દીવાલોની જગ્યાએ કેટલાક દરવાજાના અવશેષો દેખાતા હોવા છતાં તેને હવે આધુનિક ઢબના રસ્તાઓથી મઢી લેવામાં આવ્યું છે. 1981ની વસતીગણતરી મુજબ શહેરના પશ્ચિમના વિસ્તારની હેક્ટર દીઠ 66ની વસ્તીગીચતા તથા પૂર્વ વિસ્તારની હેક્ટરદીઠ 178ની વસ્તીગીચતાની સરખામણીમાં જૂના શહેરના કોટની અંદરના વિસ્તારની હેક્ટરદીઠ ગીચતા 875 જેટલી હોવાથી કોટની રાંગની અંદરનો આ ભાગ શહેરનો સૌથી ગીચ વસ્તીવાળો વિસ્તાર છે. જૂના શહેરમાં સર્વત્ર ફેલાયેલી અને સહસ્વામિત્વનો સંકેત આપતી અસંખ્ય પોળોને લીધે જૂના શહેરની વસ્તીગીચતા વધુ સઘન બની છે. ચોરોથી પોળોનું રક્ષણ થાય તે હેતુથી દરેક પોળને એક અથવા બે પ્રવેશદ્વાર હોય છે, જે એક જમાનામાં રાત્રિના સમયમાં બંધ કરી દેવામાં આવતા હતા. દરેક પોળમાં તેની બંને તરફ વાંકીચૂકી અનેક ગલીઓને વણી લેતો એક મુખ્ય માર્ગ હોય છે. જમાલપુર વૉર્ડમાં આવેલી માંડવીની પોળ એ શહેરની સૌથી મોટી પોળ છે, જેમાં અનેક નાની પોળો સમાયેલી છે.

Sabarmati riverside

સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ

સૌ. "Sabarmati riverside" | CC BY-SA 4.0

આ પોળોમાં મોટાભાગની વસ્તી હિંદુઓની છે, જેમાંની કેટલીકમાં મહદ્અંશે એક જ જ્ઞાતિનાં કુટુંબો વસે છે, તો અન્ય કેટલીક પોળોમાં બ્રાહ્મણ, વાણિયા, સુથાર તથા કણબી જેવી ઊંચી ગણાતી જ્ઞાતિઓની મિશ્ર વસ્તી છે. દરેક પોળના નાકે એક જમાનામાં પોળના મુખિયા ગણાતા કોઈ દાનવીરના ખર્ચે પ્રવેશદ્વાર (વંડો) ઊભો કરવામાં આવેલો હોય છે. દરેક પોળમાં પોતાના ચોકીદાર તથા પોળ પૂરતી સ્વાસ્થ્યરક્ષા માટે કચરા-નિકાલ(drainage)ની વ્યવસ્થા હોય છે. પોળોનું સંચાલન જે રીતે થાય છે તેના પરથી અમદાવાદની પ્રજાની સામૂહિક જીવન જીવવાની કુશળતાનો સાચો ખ્યાલ આવી શકે છે, તે એટલી હદે કે કોટની રાંગનો અંદરનો વિસ્તાર શહેરના કુલ વિસ્તારનો માત્ર પાંચ ટકા જેટલો જ હોવા છતાં શહેરની કુલ વસ્તીના ત્રીસ ટકા જેટલા લોકો તેમાં વસે છે. (ભારતનાં મોટાભાગનાં શહેરો ગીચ વસ્તીથી ખદબદતાં હોય છે.) તેની બાંધણી સુદૃઢ હોય છે અને લોકપરંપરાને માન આપે છે. અમદાવાદ શહેરના મધ્યભાગમાં જૈનો અને ઉત્તર-પૂર્વ તથા દક્ષિણ-પશ્ચિમ વિસ્તારોમાં હિંદુ અને મુસલમાનો વસે છે. મુસલમાનોના વસવાટ મુખ્યત્વે મહોલ્લા કહેવાય છે. જૂના શહેરના રહેવાસીઓમાં કુટુંબના આર્થિક દરજ્જાને કારણે સામાજિક પ્રતિષ્ઠા જોખમાઈ હોય એવું ભાગ્યે જ બનતું હતું.

શેઠ મંગળદાસ ટાઉન હૉલ

વીસમી સદીના બીજા ચરણથી કોટવિસ્તારની બહાર વિસ્તરતા (છલકાતા) જતા અમદાવાદ શહેરે તેના વિકાસ દરમિયાન શહેરની આજુબાજુનો ખેતીનો મોટો વિસ્તાર તથા સાબરમતી નદીના કાંઠાનાં ઘણાં ગામડાં આવરી લીધાં છે. નદીકાંઠાના શહેરના બે વિસ્તારોને જોડતો લોખંડનો પહેલો પુલ એલિસબ્રિજ 1892ની સાલમાં બાંધવામાં આવ્યો હતો. તેનું બે માર્ગી પુલ બે બાજુએ બાંધીને ઈ. 2000ના વર્ષમાં વિસ્તરણ કરવામાં આવ્યું છે. એલિસબ્રિજ બન્યા પછી અમદાવાદની વસ્તીવૃદ્ધિ થવાથી વધતી જતી અવરજવરને પહોંચી વળવા આ પુલની ઉત્તર તરફ અનુક્રમે ઈન્દિરા પુલ, ચીમનભાઈ પુલ, સુભાષ પુલ, ગાંધી પુલ, નહેરુ પુલ જ્યારે દક્ષિણે સરદાર પુલ, ડૉ. આંબેડકર પુલ અને વાસણા પુલ નિર્માણ કરવામાં આવ્યા છે. આમ જોતાં અમદાવાદ શહેરમાં નાના મોટા થઈને 82 પુલ આવેલાં છે. બીજા નવા બે પુલ જે મેટ્રો ટ્રેન અને રાહદારીઓ ચાલી શકે તેવા પુલનું નિર્માણ કાર્યરત છે. આ ઉપરાંત દક્ષિણ તરફથી આવતો ધોરીમાર્ગ નારોલ ચોકડી પાસે નવા બનાવેલા પુલથી સૌરાષ્ટ્ર અને ગાંધીનગરના રાષ્ટ્રીય ધોરી માર્ગોને સાંકળે છે. આ પુલની પેલી પાર લાવણ્યપૂર્ણ રહેઠાણો તથા સંસ્થાકીય ઇમારતોથી ભરપૂર એવું અદ્યતન અમદાવાદ શહેર ઊપસી આવ્યું છે. ઉત્તર દિશામાં કૅન્ટોનમેન્ટ તથા સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય વિમાની મથકો, પૂર્વદિશામાં રેલવે જંકશન આવેલ છે. અમદાવાદ મેટ્રો સીટી બનતા ગુજરાતમાં સૌપ્રથમ અમદાવાદને મેટ્રો ટ્રેનનો લાભ મળ્યો છે. આ ટ્રેનને ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમ એમ બે વિભાગમાં વહેંચવામાં આવેલ છે. તેનું નિર્માણ કાર્યરત છે. આ ટ્રેનને ગાંધીનગર સુધી વિસ્તરણ કરવાનું નક્કી થયું છે. અમદવાદ અને મુંબઈને જોડતી ‘બુલેટ ટ્રેન’નું આયોજન થયું છે. જે ભારતની સૌપ્રથમ બુલેટ ટ્રેન બની રહેશે.

દિલ્હી અને મુંબઈને સાંકળતો રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર 48 તેમજ અમદાવાદ ગાંધીનગર – વડોદરાને સાંકળતો રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર 148 અમદાવાદથી પસાર થાય છે. ભારતનો સૌપ્રથમ રાષ્ટ્રીય એક્સપ્રેસ વે જે અમદાવાદ અને વડોદરાને સાંકળે છે. આ શહેરમાં બી.આર.ટી.એસ.ની સુવિધા પણ ઉપલબ્ધ છે. પશ્ચિમ દિશામાં એલિસબ્રિજ વિસ્તાર, સાબરમતી કારાગૃહ, ગાંધીઆશ્રમ તથા અનેક શૈક્ષણિક સંસ્થાઓ, કોટની રાંગના પૂર્વ તરફના વિસ્તારમાં આવેલી કાપડની મિલો – આ બધાંએ શહેરના વિસ્તરણમાં મહત્વનો ફાળો આપ્યો છે.

શાહીબાગ, એલિસબ્રિજ તથા આંબાવાડી વિસ્તારમાં ઘણુંખરું સમૃદ્ધ વર્ગનાં રહેઠાણો તો નવરંગપુરા, ઉસ્માનપુરા અને મેમનગર જેવા વિસ્તારોમાં મોટેભાગે મધ્યમ વર્ગના લોકોના વસવાટો છે. જૂના શહેરની પૂર્વ તરફના વિસ્તારોમાં મહદ્અંશે શ્રમિક વર્ગનાં કુટુંબોની વસ્તી છે, જે અસારવા, સરસપુર, ગોમતીપુર અને બાપુનગરમાં કેન્દ્રિત થયેલી છે. પ્રમાણમાં સુખી ગણાય તેવી પ્રજા મણિનગર વિસ્તારમાં પણ વસે છે. રહેઠાણોના ચારેબાજુના વિસ્તારોની વચ્ચેના પૃષ્ઠભાગમાં કાપડની મિલો તથા રેલવે સ્ટેશન આવેલાં છે. ગંદકીના નિકાલ માટેની નૈસર્ગિક સુવિધા(natural drainage)ના અભાવે શહેરનું વિસ્તરણ દક્ષિણ પૂરતું મર્યાદિત રહ્યું છે.

ઉદ્યોગ-વેપાર અંગેની સૂઝ, વ્યવહારકુશળતા, કરકસર તથા ગણતરીબાજ સ્વભાવ જેવા ગુણો માટે અમદાવાદની પ્રજા જાણીતી છે. તેને કારણે રાજ્યમાં અને બહાર ગુજરાતીઓની પ્રતિષ્ઠા છે. આધુનિક ઉદ્યોગ તથા નાણાવ્યવસ્થા આ શહેરની પ્રજાના પ્રેરણાસ્રોત છે.

મિલ-માલિકો, વેપારીઓ, શરાફો તથા વિભિન્ન વ્યવસાયનાં મહાજનો (સંગઠનો) એ આ શહેરની એક આગવી લાક્ષણિકતા ગણાય છે. આ મહાજનોએ શહેરની પ્રગતિમાં મોટું યોગદાન આપ્યું છે. બહારનાં પરિબળોથી ગુજરાતનો વેપાર ટકાવી રાખવામાં, સ્થાનિક હુન્નરોનું જતન અને રક્ષણ કરવામાં, અનેક ઝંઝાવાતોની સામે મધ્યમ વર્ગને ટકાવી રાખવામાં, રાજસત્તાથી લોકસમૂહને કચડાતો બચાવવામાં, કોમી વિખવાદ ટાળવામાં કે દબાવવામાં, ધંધાદારીને પરદેશી સત્તાના શોષણ સામે રક્ષણ આપવામાં, વ્યાપારની રીતરસમોમાં અયોગ્ય હરીફાઈ દાખલ થતી અટકાવવામાં અને શાંતિપૂર્ણ વાટાઘાટો દ્વારા મજૂર-માલિકના-ઝઘડાઓની સુખદ પતાવટ કરાવી ઔદ્યોગિક શાંતિ પ્રસ્થાપિત કરવામાં અમદાવાદનાં મહાજનોએ રચનાત્મક ફાળો આપ્યો છે. તેને લીધે જ શહેરનો સર્વાંગી વિકાસ થયો છે તથા તેની સમૃદ્ધિમાં ઝડપી વધારો થતો ગયો છે. પરદેશી શાસકોને પ્રજાની લાગણીઓથી વાકેફ કરી જનસામાન્યની ઇચ્છાને અનુકૂળ તેવા શાસકીય નિર્ણયો લેવડાવવામાં મહાજનોએ ભૂતકાળમાં નોંધપાત્ર સફળતા હાંસલ કરી હતી. શાસકીય અન્યાય કે શોષણ સામે પ્રજાકીય બળ ઊભું કરી શાંતિપૂર્ણ તથા લોકશાહી પદ્ધતિ દ્વારા લડત આપવાની બાબતમાં પણ મહાજનોએ કદી પાછી પાની કરી નથી. પોતાના ધંધા-વ્યાપારમાં પરસ્પર વિવાદ કે વિખવાદ ઊભા થાય તો ન્યાયની અદાલતનું કામ પણ આ સંગઠનોએ કર્યું છે. પોતાની વગ તથા કુશળતાને જોરે સમાધાન કરાવી આપવામાં તેણે નોંધપાત્ર ફાળો આપ્યો છે. સંપ, એકતા, સહકાર અને રચનાત્મક અભિગમ : આ ચાર મહાજનોના મુદ્રાલેખ ગણાય છે તેને લીધે જ તેમની આર્થિક અને સામાજિક પ્રતિષ્ઠામાં સતત વધારો થતો રહ્યો છે. મહાજનની પરંપરા નગરશેઠ શાંતિદાસ ઝવેરીના સમય(સત્તરમી સદી)થી ચાલુ છે. તેમણે જહાંગીર પાસેથી બીબીપુરા (સરસપુર) ખાતે જૈન મંદિર બાંધવા માટે રુક્કો મેળવ્યો હતો અને નવ લાખ રૂપિયા ખર્ચીને શાંતિદાસે ચિંતામણિ પાર્શ્વનાથનું ભવ્ય મંદિર બંધાવ્યું હતું. 1656માં શાહજહાંએ તેમને પાલિતાણા ઇનામરૂપે આપવાનું ફરમાન કર્યું હતું.

અમદાવાદના કાપડ (મસ્કતી) બજારનું મહાજન સૌથી મોટું અને વ્યવસ્થિત છે. અન્ય વ્યવસાયોનાં મહાજનોએ ઓછાવત્તા પ્રમાણમાં તેને અનુસરવાનો પ્રયાસ કર્યો છે. શહેરનું મજૂર મહાજન મહાત્મા ગાંધીજીની પ્રેરણાથી સ્થપાયું હતું. ગાંધીજીએ ચીંધેલા માર્ગ પર તે ચાલે છે. ઔદ્યોગિક શાંતિ પ્રસ્થાપિત કરવામાં તેનું યોગદાન ઘણું મોટું રહ્યું છે. આવા સમર્થ, રચનાત્મક અભિગમને વરેલાં અને ન્યાય તથા સમાનતા દાખલ કરવા માટે પોતાની બુદ્ધિ તથા શક્તિને કામે લગાડવાની તત્પરતા ધરાવતાં મહાજનો અમદાવાદ શહેરનું ગૌરવ ગણાય છે. સૂબા હમીદખાનના સમયમાં ઑક્ટોબર 1725માં મરાઠાઓ જ્યારે અમદાવાદ શહેરને લૂંટવા આવ્યા ત્યારે નગરશેઠ ખુશાલચંદે પોતાનાં નાણાં આપીને અને પોતાના જાનના જોખમે શહેરને બચાવ્યું હતું. તેની કદરરૂપે બધાં મહાજનોએ જકાતની આવકમાં 100 રૂપિયાની આવકે ચાર આના (25 પૈસા) શેઠ ખુશાલચંદ અને તેમના વારસદારોને આપવાનો ઠરાવ કર્યો હતો. આ લાગો છેક 1977 સુધી શેઠ કસ્તૂરભાઈ લાલભાઈના કુટુંબને મળતો હતો.

શહેરના કુલ શ્રમદળમાંથી આશરે 45 % જેટલા કામદારો યાંત્રિક ઉત્પાદનપ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. રાવબહાદુર રણછોડલાલ છોટાલાલ અમદાવાદના આધુનિક કાપડ ઉદ્યોગના જનક ગણાય છે. 1859માં શહેરના પ્રથમ કાપડ કારખાનાનો પાયો તેમણે નાખ્યો હતો. એક જમાનામાં શહેરમાં કાપડની સો ઉપરાંત મિલો તથા વપરાશી તેમજ ઉત્પાદકીય ચીજવસ્તુઓનું ઉત્પાદન કરનારાં 268 જેટલાં મોટાં કારખાનાંઓ હતાં. ઝડપી ઔદ્યોગિક વિકાસ સાથે સંપત્તિ તથા સમૃદ્ધિમાં વધારો થવાની સાથોસાથ શહેરમાં વસ્તીની અતિગીચતાનું પ્રદૂષણ દાખલ થયું છે. કોટની રાંગ બહારના શહેરની પૂર્વ તરફના વિસ્તારમાં દેખાતાં ઉત્તુંગ ભૂંગળાંઓ શહેરમાં 1960ના દાયકા સુધી ધમધોકાર ચાલેલા કાપડ ઉદ્યોગની સાક્ષી પૂરે છે. આ કારખાનાંઓની વિસ્તીર્ણતા શહેરની બહાર લગોલગ વિસ્તાર સુધી પ્રસરેલી હતી. અનુકૂળ જમીનોની ઉપલબ્ધતા તથા પારસ્પરિક વ્યવહારની સુલભતાને લીધે પૂર્વ તથા પશ્ચિમની દિશામાં શહેરનો ફેલાવો વધી રહ્યો છે.  આજે આ શહેર ડેનિમ (જીન્સ) હીરા અને તેનાં આભુષણોની સૌથી વધુ નિકાસ કરે છે. ઓટોમોબાઈલ્સ ઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર બન્યું છે. આ શહેરના પરાવિસ્તારમાં ટોરેન્ટ, કેડિલા, ઈન્ટાસ જેવી અનેક ફાર્મસી કંપનીઓ સ્થપાયેલી છે. ઉત્તરમાં વિમાની મથક, કૅન્ટોનમેન્ટ, સરદાર સ્મારક તરીકે ઓળખાતું જૂનું રાજભવન સંકુલ અને થર્મલ પાવર સ્ટેશન, તો દક્ષિણમાં જળાશયો (કાંકરિયા તથા ચંડોળા) તથા નીચાણવાળા વિસ્તારો આવેલા હોવાથી તે દિશાઓમાં શહેરના વિસ્તરણ માટે કોઈ ખાસ અવકાશ સાંપડ્યો નથી. પરિણામે જુદી જુદી કંપનીઓનાં ગોડાઉનો ઉભા થયેલાં છે.

અમદાવાદ શહેરની વર્તમાન રચનાના ત્રણ પ્રમુખ ભૌગોલિક ઉપખંડો (zones) ઊપસી આવે છે. કોટની રાંગનો અંદરનો વિસ્તાર ગીચ વસ્તી, જૂની બાંધણીનાં મકાનો, મોટા કદનાં કુટુંબો, સ્ત્રીશિક્ષણ સહિતની વ્યાપક સાક્ષરતા, રહેઠાણો સિવાયની બજાર આદિની વિપુલતા તથા સમાન ગુણધર્મો ધરાવતી વસ્તીના કેન્દ્રીકરણ જેવી લાક્ષણિકતાઓ ધરાવે છે. કોટની રાંગની બહારનો પૂર્વ તરફનો વિસ્તાર વસ્તીની મધ્યમ ગીચતા છતાં ચાલીઓમાં આંતરિક ગીચતાનું ઊંચું પ્રમાણ, ઓછી સાક્ષરતા, નવાં તથા જૂનાં બંને પ્રકારનાં કારખાનાંઓનું અતિકેન્દ્રીકરણ, ઝૂંપડપટ્ટીઓ તથા ભિન્ન-ભિન્ન સમુદાયવાળી મિશ્ર વસ્તી જેવાં લક્ષણો ધરાવે છે. શહેરની બહારનો નદીની પશ્ચિમ તરફનો વિસ્તાર ઓછી વસ્તીગીચતા, મધ્યમથી ઊંચી સાક્ષરતા, શિક્ષણસંસ્થાઓ, સભાગૃહો, ટાઉનહૉલ, સિનેમાગૃહો, જિમખાનાં અને ક્લબો જેવી સાંસ્કૃતિક, શૈક્ષણિક તથા મનોરંજનની સંસ્થાઓથી ભરપૂર છે. આ વિસ્તારની ઇમારતોની બાંધણીની ઢબ (architecture), રહેઠાણોની રચના, દુકાનોની હારમાળાઓ (shopping centres), મોટરગાડીઓ અને અંગ્રેજી માધ્યમની વિવિધ શાળાઓ-આધુનિકતાનાં પ્રતિનિધિ જેવાં આ બધાં તે વિસ્તારના રહેવાસીઓના સામાજિક તથા આર્થિક સ્તરનો સંકેત આપે છે.

અમદાવાદ શહેરમાં આવેલી ઘણી શિક્ષણ અને સંશોધન-સંસ્થાઓએ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તર પર નામના મેળવી છે, જેમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મૅનેજમેન્ટ (IIMA), નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ડિઝાઇન(NID), ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ISRO), ફિઝિકલ રિસર્ચ લૅબોરેટરી (PRL), સેન્ટર ફૉર એન્વાયરન્મેન્ટલ પ્લાનિંગ ઍન્ડ ટૅકનૉલોજી, અમદાવાદ ટેક્સટાઇલ્સ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ ઍસોસિયેશન (ATIRA), બી. એમ. ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મેન્ટલ હેલ્થ, નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઑક્યુપેશનલ હેલ્થ, એલ. ડી. ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ડૉલોજી, બી. જે. ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ લર્નિંગ ઍન્ડ રિસર્ચ, આંત્રપ્રેનિયોર ડેવલપમેન્ટ્ ઇન્સ્ટિટ્યૂટ (EDI), નિરમા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજી તથા નિરમા ઇન્સ્ટિટ્યૂટ ઑવ મૅનેજમેન્ટ, કન્ઝ્યૂમર એજ્યુકેશન ઍન્ડ રિસર્ચ સોસાયટી, ગુજરાત એરિયા પ્લાનિંગ ઇન્સ્ટિટ્યૂટ વગેરે સંસ્થાઓ ઉલ્લેખનીય છે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા સ્થપતિ બી. વી. દોશીએ જેની સંરચના (design) કરી છે તે ટાગોર મેમોરિયલ હૉલ, આંતરરાષ્ટ્રીય ખ્યાતિના સ્થપતિ લુઈ કાર્બુઝિયેએ જેનો નકશો ઘડેલો છે તે સંસ્કાર-કેન્દ્ર, વિખ્યાત અમેરિકન સ્થપતિ લુઈ કાન્હની સ્થાપત્ય-કળાના નમૂનારૂપ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મૅનેજમેન્ટ જેવી શિક્ષણ અને સાંસ્કૃતિક સંસ્થાઓ તથા કેન્દ્રોએ શહેરના સૌંદર્યમાં ઉમેરો કર્યો છે. મહાત્મા ગાંધીપ્રેરિત ગૂજરાત વિદ્યાપીઠ, ગુજરાત યુનિવર્સિટી, ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાત સાહિત્ય સભા, મૃણાલિની સારાભાઈપ્રેરિત દર્પણ એકૅડેમી, કૅલિકો મિલનું ટેક્સટાઇલ મ્યુઝિયમ, વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ ઇકોનૉમિક ઍન્ડ સોશ્યલ રિસર્ચ, ગાંધી શ્રમ પ્રતિષ્ઠાન અને ગુજરાત એરિયા પ્લાનિંગ ઇન્સ્ટિટ્યૂટ  અને ગુજરાત વિશ્વકોશ સંસ્થા પણ આગવી પ્રતિભા ધરાવતી શહેરની સંસ્થાઓ છે. ચિકિત્સાની દૃષ્ટિએ એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ આવેલી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત એસ.વી.પી. હોસ્પિટલ અને નગરી આંખની હોસ્પિટલ અદ્યતન સુવિધા ધરાવે છે. વિશ્વનું સૌથી મોટું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મોટેરા ખાતે આવેલું છે. અમદાવાદ શહેરનું આકર્ષણ રિવરફ્રન્ટ છે, જે લંડનની થેમ્સ નદીને લક્ષમાં રાખીને નિર્માણ કરેલ છે.

કોચરબ આશ્રમ

ગાંધીજીએ 1915માં કોચરબ ખાતે સ્થાપેલ સત્યાગ્રહ આશ્રમ, સાબરમતી આશ્રમ આ શહેરનાં તીર્થસ્થાનો ગણાય છે. ભારતની આઝાદીની લડતના ઇતિહાસમાં સુવર્ણાક્ષરોથી અંકિત કરવામાં આવેલી ઐતિહાસિક દાંડીકૂચ 12મી માર્ચ 1930ના રોજ સાબરમતી આશ્રમથી શરૂ થઈ હતી. સમગ્ર ભારતને હચમચાવી મૂકનાર તથા દેશની પ્રજામાં રાજકીય જાગૃતિ લાવનાર આ ચળવળના પ્રણેતા મહાત્મા ગાંધી હતા. હાલનું આ શહેર ઔદ્યોગિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓથી ધમધમતું હોય તો પણ સમગ્ર દેશમાં જાગૃતિનું મોજું લાવનાર દાંડીકૂચ અને તેના પ્રણેતા મહાત્મા ગાંધીજીનું પુણ્યસ્મરણ આ શહેરના ઇતિહાસનું અવિસ્મરણીય અંગ બની ગયું છે. તેની યાદમાં ‘દાંડીપુલ’ સાચવી રખાયો છે.

આધુનિક અમદાવાદની અસ્મિતા ઘડવામાં મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ ઉપરાંત છેક ઓગણીસમી સદીથી બંધાતી આવેલી અમદાવાદના પ્રજાજીવનની કેટલીક સબળ પરંપરાઓનું પ્રદાન સવિશેષ મહત્ત્વનું છે. દા. ત., અમદાવાદના ઉદ્યોગ અને વાણિજ્યની ઉજ્જ્વળ પરંપરા ઘડવામાં રણછોડલાલ છોટાલાલ, પ્રેમચંદ રાયચંદ, હિમાભાઈ નગરશેઠ અને હરકોર શેઠાણી તથા લાલભાઈ દલપતભાઈ, ચીનુભાઈ બૅરોનેટ, મંગળદાસ ગિરધરદાસ, બેચરદાસ લશ્કરી, અંબાલાલ સારાભાઈ અને કસ્તૂરભાઈ લાલભાઈ જેવા શ્રેષ્ઠીઓનો ફાળો નોંધપાત્ર રહ્યો છે. શિક્ષણ, સાહિત્ય અને સંસ્કૃતિના ક્ષેત્રે પ્રાર્થના-સમાજના સ્થાપકો ભોળાનાથ સારાભાઈ અને મહીપતરામ રૂપરામ નીલકંઠ, તથા સમાજસુધારકો અંબાલાલ સાકરલાલ, રમણભાઈ નીલકંઠ, આનંદશંકર ધ્રુવ તથા કેશવ હર્ષદ ધ્રુવથી શરૂ કરીને જીવણલાલ દીવાન, બળવંતરાય પ્ર. ઠાકોર, ઠાકોરલાલ શ્રીપતરાય ઠાકોર, સ્નેહરશ્મિ, વજુભાઈ દવે અને દામુભાઈ શુક્લ સુધી વિસ્તરેલી એક પરંપરા; આચાર્ય જે. બી. કૃપાલાની, આચાર્ય ગિદવાની, કાકાસાહેબ કાલેલકર, કિશોરલાલ મશરૂવાળા, રામનારાયણ વિ. પાઠક, પંડિત સુખલાલજી, પંડિત બેચરદાસ દોશી, મુનિ જિનવિજયજી, નરહરિ પરીખ, મગનભાઈ પ્ર. દેસાઈ, ઠાકોરભાઈ દેસાઈ અને નગીનદાસ પારેખ સુધી વિસ્તરેલી વિદ્યાપીઠસર્જિત બીજી પરંપરા; કવિશ્રી દલપતરામ અને તેમના સુપુત્ર કવિશ્રી ન્હાનાલાલથી શરૂ થતી અને ભિક્ષુ અખંડાનંદ, ધૂમકેતુ, જયભિખ્ખુ, ઉમાશંકર જોશી, સુન્દરમ્, પન્નાલાલ પટેલ, ઈશ્વર પેટલીકર, નિરંજન ભગત અને લાભશંકર ઠાકર સુધી વિસ્તરેલી ત્રીજી ધારા; પ્રો એમ. એસ. કૉમિસૅરિયટ, પ્રો. કાશીનાથ અભ્યંકર, પ્રો. સાલેટોર, પ્રો. ફીરોઝ દાવર, પ્રો. રા. બ. આઠવલે, પ્રો. એ. જી. ભટ્ટ, પ્રો. જી. કે. ભટ્ટ, પ્રો. જે. ડી. ઓઝા, પ્રો. પી. સી. વૈદ્ય, પ્રો. અનંતરાય રાવળ અને પ્રો. એસ્તર સૉલોમન આદિ સુધી વિસ્તરેલી શ્રદ્ધેય પ્રાધ્યાપકોની ચોથી પરંપરા; ડૉ. વિક્રમ સારાભાઈ, ડૉ. કે. આર. રામનાથન્, ડૉ. સુધીર પંડ્યા, ડૉ. પી. ડી. ભાવસાર અને ડૉ. પિશારોટી જેવા વિજ્ઞાનીઓની પરંપરા; અને પ્રો. રસિકલાલ છોટાલાલ પરીખ, પ્રો. સૈયદ અબુ ઝફર નદવી, ડૉ. છોટુભાઈ નાયક, ડૉ. દલસુખભાઈ માલવણિયા, ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી અને ડૉ. ઝેડ એ. દેસાઈ જેવા પ્રાચ્યવિદ્યાવિશારદો; તથા ડૉ. ટી. એન. દવે, ડૉ. પ્રબોધ પંડિત. ડૉ. હરિવલ્લભ ભાયાણી અને પ્રો. કે. કા શાસ્ત્રી જેવા ભાષાશાસ્ત્રીઓની  બધી પરંપરાઓ તથા ધારાઓએ અમદાવાદ શહેરના સાંસ્કારિક અસ્મિતાને સમૃદ્ધ બનાવી છે. જાહેર જીવનમાં રાજકીય ક્ષેત્રે સરદાર વલ્લભભાઈ પટેલ, ગણેશ વાસુદેવ માવળંકર, ઇન્દુલાલ યાજ્ઞિક, ભોગીલાલ લાલા અને અર્જુન લાલા, ગુલામ રસૂલ કુરેશી તથા ઠાકોરભાઈ દેસાઈ જેવા અગ્રણીઓએ તેમજ રવિશંકર મહારાજ, પરીક્ષિતલાલ મજમુદાર જેવા વંદનીય લોકસેવકોએ પાડેલી ઉચ્ચકોટિની નિ:સ્વાર્થ સેવાની પ્રણાલી; ગાંધીપ્રેરિત મજૂર મહાજનનાં અનસૂયાબહેન સારાભાઈ, શંકરલાલ બકર, ખંડુભાઈ દેસાઈ, ગુલઝારીલાલ નંદા, શ્યામપ્રસાદ વસાવડા અને સોમનાથ દવે જેવા સંનિષ્ઠ કાર્યકરોએ બાંધેલી સમાધાનકારી કાર્યનીતિ; અને અમદાવાદ નગરપાલિકા તથા નાગરિક જીવનની તંદુરસ્ત પ્રણાલિકા સ્થાપવામાં સરદાર વલ્લભભાઈથી શરૂ કરીને મણિભાઈ ચતુરભાઈ, ચિનુભાઈ ચિમનલાલ તથા દિનકર મહેતા સુધીના નગરપતિઓનું વિશિષ્ટ પ્રદાન; કલાક્ષેત્રે કલાગુરુ રવિશંકર રાવળ તથા કનુ દેસાઈ, રસિકલાલ પરીખ, છગનલાલ જાદવ અને ગાંધીયુગના સુવિખ્યાત છબીકાર જગન મહેતા; ‘આશ્રમ ભજનાવલી’ને સ્વરબદ્ધ કરનાર નારાયણ મોરેશ્વર ખરે, આધુનિક સ્થાપત્યકલાના નિષ્ણાત બાલકૃષ્ણ વી. દોશી, વ્યંગચિત્રકારો ચંદ્ર તથા ચકોર  આ બધાંથી અમદાવાદની અસ્મિતામાં આગવી ભાત ઊપસી છે. પત્રકારત્વની ઉજ્જ્વળ પરંપરા બાંધવામાં અનેક પત્રકારોને ઘડનારા ચૂનીલાલ વર્ધમાન શાહ, ઇન્દ્રવદન બળવંતરાય ઠાકોર અને કપિલરાય મહેતાનો ઉલ્લેખ કરવો ઘટે. આ જ ક્ષેત્રમાં આધુનિકોમાં નિરુભાઈ દેસાઈ અને વાસુદેવ મહેતા ધ્યાનપાત્ર છે. ઊગતા કવિઓને પોષણ આપનારા અને ઉચ્ચ કોટિની કલાભિમુખતા તથા સુરુચિની ફોરમ પ્રસરાવનાર સાહિત્યિક પત્રકાર બચુભાઈ રાવતની આગવી પ્રતિભા હતી. નાટ્યક્ષેત્રે આ જ નગરના ઝવેરી કુટુંબના નબીરા ડાહ્યાભાઈ ધોળશાજીથી બંધાયેલી પરંપરા જયંતિ દલાલ, જશવંત ઠાકર, દીના પાઠક અને ધનંજય ઠાકર સુધી વિવિધ રીતે વિકસેલી છે, જેમાં જયશંકર સુંદરી અને પ્રાણસુખ નાયકની તાલીમનો લાભ આ શહેરના ઘણા કલાકારોને મળ્યો છે.

શાસ્ત્રીય નૃત્યમાં મૃણાલિની સારાભાઈ અને તેમણે સર્જેલી દર્પણ એકૅડેમી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખ્યાતિ પામેલાં છે. ઉપરાંત કુમુદિની લાખિયા, ઇલાક્ષી ઠાકોર, સ્મિતા શાસ્ત્રી તથા મલ્લિકા સારાભાઈએ અમદાવાદની યુવા પેઢીમાં નૃત્યકલા પ્રત્યે અભિરુચિ કેળવવામાં સક્રિય ફાળો આપ્યો છે. સમાજસુધારણાના ક્ષેત્રમાં રમણભાઈ અને વિદ્યાબેન નીલકંઠ, વિનોદિની નીલકંઠ, ગટુભાઈ ધ્રુવ, ડૉ. સુમંત મહેતા અને શારદાબહેન મહેતા, પુષ્પાબહેન મહેતા, મૃદુલા સારાભાઈ, ઉદયપ્રભા મહેતા, ચારુમતી યોદ્ધા, હેમલતા હેગિષ્ટે, ઇન્દુમતી શેઠ અને ઇલાબહેન ભટ્ટ વગેરેએ અત્યંત ઉજ્જ્વળ અને પ્રગતિશીલ કાર્યપ્રણાલી બાંધી આપી છે. ન્યાય અને કાયદાના ક્ષેત્રમાં સર લલ્લુભાઈ આશારામથી દાદાસાહેબ માવળંકર, હિંમતલાલ શુક્લ તથા ન્યાયમૂર્તિ જે. એમ. શેલત, ન્યાયમૂર્તિ બિપિનચંદ્ર દીવાન, ન્યાયમૂર્તિ પ્રફુલ્લચંદ્ર ભગવતી, ન્યાયમૂર્તિ ડી. એ. દેસાઈ, ન્યાયમૂર્તિ એન. એમ. મિયાંભાઈ તથા ન્યાયમૂર્તિ પી. ડી. દેસાઈ અને ન્યાયમૂર્તિ એ. એમ. અહમદી અને ધારાશાસ્ત્રીઓ જે. એમ. ઠાકોર, વામનરાવ ધોળકિયા તથા ચંદ્રકાંત દરુ વગેરેની ઉદાત્ત પરંપરા જોવા મળે છે. 1 મે 1960 ના રોજ અલાયદા ગુજરાત રાજ્યની સ્થાપના થઈ તે દિવસથી છેલ્લાં લગભગ 40 વર્ષ (1960-2000) જે. એમ. ઠાકોર ગુજરાત રાજ્યના ઍડવોકેટ જનરલના પદ પર અંતરાય વિના કાર્યરત રહ્યા છે જે સમગ્ર દેશમાં એક વિક્રમ ગણાય છે.

તબીબી ક્ષેત્રે એક વખતના જાણીતા ડૉ. એચ. એમ. દેસાઈથી શરૂ થઈને કર્નલ નાણાવટી, ડૉ. ધનજીશા અંકલેસરિયા, ડૉ. જી. બી. માંકડ, ડૉ. જી. બી. મોહિલે, ડૉ. મોતીભાઈ પટેલ, ડૉ. ગણપતરામ પટેલ, ડૉ. સૌદામિનીબહેન પંડ્યા, ડૉ. જયંત હરિભક્તિ, ડૉ. એચ. એલ. ત્રિવેદી, ડૉ. પી. પી. મહેતા, ડૉ. અભય વસાવડા, ડૉ. પી. એમ દેસાઈ, ડૉ. પી. એન નાગપાલ વગેરે સુધીના તેજસ્વી નિષ્ણાતોની હાર વિકસેલી છે. આયુર્વેદક્ષેત્રે પણ વૈદ્ય નાનભટ્ટ ગઢડાવાળા, રસિકલાલ પરીખ અને ગોવિંદપ્રસાદ વૈદ્યનાં નામ જાણીતાં છે. રમતના ક્ષેત્રે જસુ પટેલ, સુરેશ મશરૂવાળા, ચાર્લ્સ બોરોમિયો અને ગીત સેઠી મોખરે રહ્યા છે. ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ હોમગાડર્ઝ કમાન્ડન્ટ ઉદયન ચિનુભાઈ નિશાનબાજીમાં ભારતભરમાં જાણીતા છે. અમદાવાદમાં વર્ષો સુધી સંનિષ્ઠ સેવાઓ આપી નિશાનબાજીને લોકપ્રિય બનાવવામાં કે. જી. પ્રભુનો ફાળો નોંધપાત્ર છે. કોમી હુતાશનમાં આત્મસમર્પણ કરનાર શહીદો વસંતરાવ હેગિષ્ટે અને રજબઅલી, ‘હિંદ છોડો’ આંદોલનમાં સામી છાતીએ ગોળી ઝીલનાર વિનોદ કિનારીવાલા, અખાડાની પ્રવૃત્તિઓનો પાયો નાખનાર યોગી અંબુભાઈ પુરાણી, પ્રાણીસંગ્રહાલયના પ્રેરક તથા પ્રાણીશાસ્ત્રવિશારદ રૂબિન ડેવિડ, સમર્થ પક્ષીવિદ્ હરિનારાયણ આચાર્ય, શેક્સપિયરના શ્રદ્ધેય વિદ્વાન તથા અનોખી વાક્છટા ધરાવનાર વિદ્યાર્થીપ્રિય પ્રો. એસ. આર. ભટ્ટ, મહાગુજરાત આંદોલન વખતે અમદાવાદના જનસમુદાયનું સફળ નેતૃત્વ કરનાર ઇન્દુલાલ યાજ્ઞિક, જયંતિ દલાલ ને બ્રહ્મકુમાર ભટ્ટ, ઔદ્યોગિક અને શૈક્ષણિક આયોજન અને વ્યવસ્થાપન-ક્ષેત્રે અસાધારણ કૌશલ્ય દાખવનાર વિચારક બી. કે. મજમુદાર અને 1942ની લડત વખતે પરદેશી શાસકોને હંફાવનાર ‘શહેરસૂબા’ તરીકે ખ્યાતિ પામેલા જાણીતા નિસર્ગોપચાર-ચિકિત્સક જયંતિ ઠાકોર, અમદાવાદ શહેરની સુધારણામાં સક્રિય રસ લેનાર અને વર્ષો સુધી મ્યુઝિયમનું સ્વપ્ન સેવનાર અમદાવાદના અનોખા ચાહક ડૉ. હરિપ્રસાદ વ્રજરાય દેસાઈ, દુનિયાભરમાં સહકારી ગૃહમંડળીના ક્ષેત્રે અમદાવાદને ખ્યાતિ અપાવનાર પ્રીતમરાય વ્રજરાય દેસાઈ, યોગસાધનાના પ્રસારમાં અનોખું યોગદાન આપનાર મનુવર્યજી, ધર્મ અને ચિંતનના ક્ષેત્રમાં પોતાની પ્રતિભાનો પડઘો પાડનાર પુનિત મહારાજ, ગીતામંદિરના સ્થાપક વિદ્યાનંદજી, સ્વામી કૃષ્ણાનંદજી, ગંગેશ્વરાનંદજી તથા અક્ષર પુરુષોતમ સંસ્થાના અધિષ્ઠાતા પ્રમુખસ્વામી વગેરે મહાનુભાવોનો અમદાવાદની સાંસ્કારિક પ્રગતિ અને આર્થિક સમૃદ્ધિ દર્શાવતી બહુમુખી પ્રતિભાના ઘડતરમાં નોંધપાત્ર ફાળો છે.

1લી મે 1960ના રોજ ભાષાકીય ધોરણે અલગ ગુજરાત રાજ્યની સ્થાપના થતાં તેના પ્રથમ કામચલાઉ પાટનગર તરીકે અમદાવાદની પસંદગી થઈ. પરંતુ 1967ના અરસામાં રાજ્યના મોટાભાગના વહીવટી વિભાગો અમદાવાદથી 35 કિમી.ના અંતરે આવેલા રાજ્યના કાયમી પાટનગર ગાંધીનગરમાં વસાવવામાં આવ્યા છે. 30 લાખ અથવા તેના કરતાં વધુ વસ્તી ધરાવતું ગુજરાત રાજ્યનું એકમાત્ર શહેર અમદાવાદ છે, જેણે આઝાદી પછીના ગાળામાં પોતાના વિકાસની આગેકૂચ સતત ચાલુ રાખી છે. અમદાવાદનો આધુનિક વિકાસ ગુજરાત રાજ્યની સમૃદ્ધિ, સાંસ્કૃતિક સંપદા તથા તેની આર્થિક અને સામાજિક આકાંક્ષાઓનું પ્રતીક છે. તાજેતરમાં યુનેસ્કોએ અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સીટી તરીકે જાહેર કરેલ છે.

ર. ના. મહેતા

ઝિયાઉદ્દીન અ. દેસાઈ

કૃષ્ણમૂર્તિ  કુલકર્ણી

બાળકૃષ્ણ માધવરાવ મૂળે