અભિલેખવિદ્યા

January, 2001

અભિલેખવિદ્યા : અભિલેખ(કોતરેલા લખાણ)ને લગતી વિદ્યા. એના અભ્યાસીને તે તે દેશ કે પ્રદેશની તે તે કાળની લિપિ તથા ભાષાની જાણકારી હોવી જોઈએ. પ્રાચીન અભિલેખો વાંચવા માટે પ્રાચીન લિપિવિદ્યા જાણવી અનિવાર્ય છે. અભિલેખના સંપાદનમાં લેખનું લિપ્યંતર તથા તેનું ભાષાંતર કે તેનો સાર, વિવેચન તથા મૂળ લેખની છાપ કે છબી સાથે આપવામાં આવે છે. અભિલેખમાંના લખાણના અભ્યાસ પરથી એ સમયનો રાજકીય ઇતિહાસ, એમાં નોંધેલી ઘટના, એનો સમય, રાજ્યતંત્ર, પૂર્તકાર્ય કે ધર્મદાન, મંદિરનિર્માણ કે મૂર્તિપ્રતિષ્ઠા, પરાક્રમ કે મૃત્યુ, દિગ્વિજય કે પ્રશસ્તિ જેવી કોઈ યાદગાર ઘટના કે વ્યક્તિ વિશે પ્રમાણિત માહિતી મળે છે. રાજકીય તથા સાંસ્કૃતિક ઇતિહાસનાં અન્વેષણ, સંશોધન અને નિરૂપણ માટે અભિલેખવિદ્યા એક મહત્વનું સાધન છે.

ભારતીય અભિલેખવિદ્યા : 1781-85 દરમિયાન બંગાળમાં નવમી સદીના અભિલેખ વંચાયા ને એશિયાટિક સોસાયટીની ‘એશિયાટિક રિસર્ચિઝ’ નામે ગ્રંથમાળામાં પ્રગટ થયા ત્યારથી અર્વાચીન ભારતીય અભિલેખવિદ્યાનાં પગરણ થયાં. જેમ્સ પ્રિન્સેપ જેવા અનેક પાશ્ચાત્ય વિદ્વાનોના પુરુષાર્થથી પહેલાં ગુપ્તકાલ સુધીની અને પછી છેક મૌર્યકાળ સુધીની બ્રાહ્મી તેમજ ખરોષ્ઠી લિપિઓ ઊકલી. ‘આર્કિયોલૉજિકલ સર્વે ઑવ્ ઇન્ડિયા’ (આ.સ.ઇ.) તરફથી 1872માં ‘ઇન્ડિયન ઍન્ટિક્વરી’ અને 1888માં ‘એપિગ્રાફિયા ઇન્ડિકા’ નામે સામયિક શરૂ થયાં. ભારતના અનેકાનેક પ્રાચીન અભિલેખ વંચાયા અને પ્રકાશિત થયા; તેના સંગ્રહો, સૂચિઓ વગેરે તૈયાર કરાયાં. ભારતીય પ્રાચીન લિપિવિદ્યાનોય વિકાસ થયો. ‘આ. સ. ઇ.’ ના અભિલેખવિદ્યા વિભાગમાં બ્રાહ્મી અને ખરોષ્ઠી લિપિઓ તથા પ્રાકૃત અને સંસ્કૃત ભાષાઓ ઉપરાંત દ્રવિડકુલની તથા અરબી-ફારસી કુલની ભાષાઓ તથા લિપિઓના તજજ્ઞો નિમાયા. ભારતીય અભિલેખવિદ્યાએ ભારતીય ઇતિહાસના સંશોધનમાં વિપુલ પ્રદાન કર્યું છે.

હરિપ્રસાદ ગં. શાસ્ત્રી