અભિનવ દશકુમારચરિતમ્ (લગભગ બારમી સદી) : પ્રાચીન તેલુગુ ગદ્યગ્રંથ. રચયિતા ચૌંડરસ. સંસ્કૃતની કવિ દંડીરચિત પ્રસિદ્ધ કૃતિ ‘દશકુમારચરિત’નું આ કન્નડ રૂપ છે અને એ ચમ્પૂ – ગદ્યપદ્યમિશ્ર – શૈલીમાં લખાયું છે. મૂળ કથાનકોને વળગી રહેવા છતાં, કવિએ એમાં સ્થલકાલોચિત પરિવર્તનો કર્યાં છે અને મૂળ કથાઓમાં સારો એવો ઉમેરો પણ કર્યો છે. રાજવાહન, સોમદત્ત, પુષ્પોદભવ, ઉદયવર્મા આદિ રાજકુમારોનું ચરિત ચિત્તાકર્ષક રીતે આલેખાયું છે, અને ચોરી, હત્યા વગેરેથી અદભુત રસનું વાતાવરણ પણ કથાકાર જમાવી શક્યા છે. ચૌદમા અધ્યાયમાં વિશ્રુતની કથામાં એ પંઢરપુર જઈને વિઠ્ઠલનાં દર્શન કરે છે, ત્યાં લેખકે વિશ્રુતના ઓઠા હેઠળ પોતાના ઇષ્ટદેવને અંજલિ આપી છે. એ ભાગ લેખકની સ્વાનુભૂતિના રસાયણે રસાયેલો હોઈ અત્યંત હૃદ્ય બન્યો છે. આ ગ્રંથમાં કન્નડના આદિકાળના ગદ્યનો પરિચય મળે છે.
એચ. એસ. પાર્વતી