અભિનવનો રસવિચાર

January, 2001

અભિનવનો રસવિચાર (1969) : સંસ્કૃત કાવ્યશાસ્ત્રનાં કેટલાંક મહત્વનાં પ્રસ્થાનોની મૂલાનુસારી પદ્ધતિએ વિશદ સમજૂતી આપતો નગીનદાસ પારેખનો લેખસંગ્રહ. 1970માં ભારતીય સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત. આ સંગ્રહનો સૌથી મહત્ત્વનો લેખ ‘અભિનવનો રસવિચાર’ છે. ભરતના રસસૂત્રની અભિનવગુપ્તે કરેલી સૂક્ષ્મગહન વ્યાખ્યા ભારતીય કાવ્યવિચારનો એક મૌલિક અને અત્યંત મૂલ્યવાન દસ્તાવેજ છે. ઊંડી અભ્યાસશીલતાથી લેખકે એને સુગમ કરી આપવાનો એક નોંધપાત્ર પ્રયત્ન કર્યો છે ને રસસૂત્રની વ્યાખ્યાના નોલીએ કરેલા સટિપ્પણ અંગ્રેજી અનુવાદનો લાભ લઈને લેખને વિચાર અને માહિતીથી સમૃદ્ધ પણ કર્યો છે. રસસૂત્રની વ્યાખ્યા ઉપરાંત શૃંગાર, હાસ્ય અને શાંત એ રસોની સ્વરૂપચર્ચા તથા અન્ય કેટલાક વિષયો આવરી લેવામાં આવ્યા હોવાથી અહીં અભિનવની રસવિષયક લગભગ સમસ્ત વિચારણાનો પરિચય મળી જાય છે.

કુન્તકના વક્રોક્તિ-વિચારમાં અને જગન્નાથની રમણીયતાની વિભાવનામાં પણ લેખકે એ કાવ્ય-શાસ્ત્રીઓના ગ્રંથોની ચર્ચાની સારગ્રાહી નોંધ આપી એમનાં મુખ્ય દૃષ્ટિબિંદુઓને તાજગીભરી શૈલીમાં સ્ફુટ કરી આપ્યાં છે.

અર્થ, ઔચિત્ય અને રસાભાસ વિશેના લેખોમાં સમગ્રદર્શી વિચારણા રજૂ કરવાનો પ્રયત્ન થયો છે. રસાભાસ સંસ્કૃત કાવ્યશાસ્ત્રીઓને મતે દોષરૂપ નથી એમ આધારપૂર્વક સ્થાપિત કરી આપતા રસાભાસ વિશેના બે લેખો લેખકનાં વિશાળ અભ્યાસ, સ્વતંત્ર શોધવૃત્તિ અને તત્વગ્રહણશક્તિના ઉત્તમ નમૂનારૂપ છે. તેમ ‘આખ્યાન’ નામના નાટ્યાલંકારની વ્યાખ્યાને ‘આખ્યાન’ નામના કાવ્યપ્રકારની વ્યાખ્યા તરીકે ખપાવી દેતી વ્યાપક ગેરસમજનું નિરસન કરતો સંક્ષિપ્ત લેખ પણ એમની પારદર્શી દૃષ્ટિનું પરિણામ છે.

જયંત કોઠારી