અભિનવગુપ્ત

January, 2001

અભિનવગુપ્ત (જ. 950 A.D. શંકારા, કાશ્મીર; અ. 1016, મનગામ, કાશ્મીર) : કાશ્મીરી શૈવદર્શન અને ભારતીય કાવ્યશાસ્ત્રના પ્રસિદ્ધ આચાર્ય. મમ્મટ જેવા આચાર્યો પણ એમનો આદરપૂર્વક આચાર્ય અભિનવગુપ્ત કે અભિનવગુપ્તપાદાચાર્ય તરીકે ઉલ્લેખ કરે છે. એમણે, પોતે જ પોતાના કેટલાક ગ્રંથોમાં ખાસ કરીને ‘તંત્રાલોક’નામના ગ્રંથમાં પોતાનાં જીવન, સમય અને કૃતિઓ વિશે વિગતો આપી છે. તદનુસાર જોઈએ તો અભિનવગુપ્તનો જન્મ કાશ્મીરના એક વિદ્વાન પરિવારમાં થયો હતો. તેમના પૂર્વજ અત્રિગુપ્તના વંશમાં કાલક્રમે વરાહગુપ્ત નામના એક વિદ્વાન થયા. તેમના પુત્ર નરસિંહગુપ્તને ત્યાં ઈ.સ. 950-960ની વચ્ચે અભિનવગુપ્તનો જન્મ થયો. તેમની માતાનું નામ વિમલકલા હતું. અભિનવગુપ્તે બાલ્યકાળમાં જ એમની માતાનું સુખ ગુમાવ્યું હતું અને યુવાનીમાં પ્રવેશ પામે તે પહેલાં જ તેમના પિતાને વૈરાગ્ય ઊપજ્યો અને તેથી તેઓ ગૃહત્યાગ કરી ચાલ્યા ગયા.

માતાનું મૃત્યુ અને પિતાનો વૈરાગ્ય એ બંને ઘટનાઓના કારણે અભિનવગુપ્તનું ચિત્ત સાંસારિક વિષયો પ્રત્યે વિરક્ત થઈ ગયું. તેમણે પોતાનું સમસ્ત જીવન શિવભક્તિ અને ઊંડા અધ્યયનને જ સમર્પિત કરી દીધું. એમણે વિવિધ વિષયોના પ્રધાન પંડિતો પાસેથી જે તે વિષયનો અભ્યાસ કર્યો. પોતાના આ ગુરુઓનો ઉલ્લેખ તેમણે તેમના ‘તંત્રાલોક’ અને અન્ય ગ્રથોમાં કર્યો છે. તેમાં સાત ગુરુઓનો તેમના વિષયો સાથેનો નિર્દેશ આ પ્રમાણે છે : (1) (પિતા) નરસિંહગુપ્ત-વ્યાકરણશાસ્ત્ર, (2) વામનાથ-દ્વૈતાદ્વૈતતંત્ર, (3) ભૂતિરાજતનય-દ્વિતશૈવસિદ્ધાન્ત, (4) લક્ષ્મણગુપ્ત-પ્રત્યભિજ્ઞા, ક્રમ તથા ત્રિકદર્શન, (5) ઇન્દુરાજ-ધ્વનિસિદ્ધાન્ત, (6) ભૂતિરાજ-બ્રહ્મવિદ્યા અને (7) ભટ્ટ તૌત-નાટ્યશાસ્ત્ર. આ ઉપરાંત વિષયનો ઉલ્લેખ કર્યા વિના બીજા તેર ગુરુઓનાં નામ પણ તેમણે આપ્યાં છે, તે આ પ્રમાણે છે : (8) શ્રીચન્દ્ર, (9) ભક્તિવિલાસ, (10) યોગાનન્દ, (11) ચન્દ્રવર, (12) અભિનન્દ, (13) શિવભક્ત, (14) વિચિત્રનાથ, (15) ધર્માનન્દ, (16) શિવ, (17) વામન, (18) ઉદભટ, (19) ભૂતીશ અને (20) ભાસ્કર. વળી કૌલિકસિદ્ધાન્તનો પ્રયોગસહિત અભ્યાસ કરવા જાલંધરમાં શંભુનાથ નામના વિદ્વાન પાસે જઈને રહ્યા હતા એવો પણ નિર્દેશ મળે છે.

અભિનવગુપ્તનો મુખ્ય રસ શૈવ આગમ સાહિત્ય અને તંત્રમાં હતો. કાળક્રમે એક મહાન તાંત્રિક વિદ્વાન આચાર્ય તરીકે તેઓ વિખ્યાત બની ગયા હતા. એ એટલે સુધી કે કાશ્મીર શૈવતંત્રના આદ્ય સંસ્થાપક તરીકે તેમને જ માનવામાં આવે છે.

અભિનવગુપ્તે પોતે પ્રાપ્ત કરેલ વિશાળ જ્ઞાનરાશિને અભિવ્યક્ત કરતા વિપુલ સાહિત્યનું પણ નિર્માણ કર્યું છે. એમના નામે લગભગ એકતાળીસ કૃતિઓ ગણાવાય છે. તેમાંનો મોટો ભાગ શૈવદર્શન રોકે છે. તેમણે રચેલા ગ્રંથોનો સંક્ષેપમાં પરિચય આ પ્રમાણે છે :

(1) બોધપંચદશિકા : તેમાં શિવ અને શક્તિનું સ્વરૂપ, તેમનો સમ્બન્ધ, એમના દ્વારા સૃષ્ટિસર્જન, બન્ધ, બન્ધનું કારણ, મોક્ષનો ઉપાય તથા મોક્ષનું સ્વરૂપ-આ વિષયોનું નિરૂપણ છે. આ ગ્રંથ પદ્યમાં છે. તેમાં સોળ શ્લોક છે.

(2) પરાત્રિંશિકાવિવરણ : ચોસઠ અદ્વૈતવાદી તંત્રોને આઠ આઠ તંત્રોનો એક એવા આઠ વર્ગોમાં વિભાજિત કરવામાં આવ્યાં છે. તેમાં બીજા વર્ગના અષ્ટકને યામલતંત્ર કહે છે. યામલતંત્રના સાતમા તંત્રનું નામ રુદ્રતંત્ર છે. રુદ્રતંત્રનો અંતિમ ભાગ પરાત્રિંશિકા તરીકે ઓળખાય છે. પ્રસ્તુત ગ્રંથમાં તેનું વિવરણ કરવામાં આવ્યું છે.

(3) માલિનીવિજયવાર્તિક : ‘માલિનીવિજય’ નામના તંત્ર ઉપરનું આ વાર્તિક છે. ખરેખર તો એ તંત્રના માત્ર એક જ શ્લોક પરનું બે અધ્યાયોમાં લખેલું એ વાર્તિક છે.

(4) તન્ત્રાલોક : માત્ર અભિનવગુપ્તનો જ નહિ, પણ સમસ્ત તંત્ર- સાહિત્યનો આ શકવર્તી ગ્રંથ છે. અહીં ચોસઠ અદ્વૈતવાદી તંત્રોના વિષયોનું સવિસ્તર આલેખન કરવામાં આવ્યું છે. તેમાં કૌલસિદ્ધાન્ત અને તંત્રસિદ્ધાન્તનું તો નિરૂપણ છે જ, પરંતુ તે ઉપરાંત ક્રમસિદ્ધાન્ત અને પ્રત્યભિજ્ઞાસિદ્ધાન્ત જેવા તંત્રશાસ્ત્રના અન્ય વિષયોની પણ મીમાંસા કરવામાં આવી છે. તેના 1-128મા શ્લોક પરથી ફલિત થાય છે કે અભિનવે  આ ગ્રંથમાં સાડત્રીસ આહનિકો લખ્યાં છે. પરંતુ હાલ જયરથની ટીકા સાથેનાં ચૌદ આહનિકો આઠ ભાગમાં પ્રકાશિત રૂપે ઉપલબ્ધ છે. આ ગ્રંથના ‘તન્ત્રાલોક’ એવા નામાભિધાન પાછળનો અર્થ સ્પષ્ટ કરતાં અભિનવ કહે છે કે – આ ગ્રંથના આલોક(પ્રકાશ)થી લોકો પોતાની જીવનવ્યાપારની સર્વ ક્રિયાઓ સરળ રીતે કરી શકશે – તેથી તે તન્ત્રાલોક છે.

(5) તંત્રસાર : તંત્રાલોકની સંક્ષિપ્ત આવૃત્તિ છે.

(6) તંત્રવટધાનિકા-તંત્રાલોકની અતિસંક્ષિપ્ત આવૃત્તિ છે.

(7) પરમાર્થસાર : શેષમુનિકૃત ‘આધારકારિકા’ નામના ગ્રંથનું સંક્ષિપ્ત સંસ્કરણ. તેમાં શૈવમતાનુસાર સાંખ્યતત્વનું નિરૂપણ છે.

(8) ઈશ્વપ્રત્યભિજ્ઞાવિમર્શિણી : ઉત્પલપાદાચાર્યવિરચિત ‘ઈશ્વરપ્રત્યભિજ્ઞાસૂત્ર’ પર લખાયેલી વૃત્તિ છે.

(9) ઈશ્વરપ્રત્યભિજ્ઞાવિવૃત્તિવિમર્શિણી : ઉત્પલપાદાચાર્યે પોતાના ઈશ્વરપ્રત્યભિજ્ઞાસૂત્ર પર પોતે જ લખેલી વિવૃત્તિ પરની ટીકા. આ વિવૃત્તિ અનુપલબ્ધ છે. પરંતુ ટીકા ઉપલબ્ધ છે. તે અપ્રકાશિત છે.

(10) તન્ત્રોચ્ચય : ‘તંત્રાલોક’નું કંઈક વિસ્તૃત સંક્ષિપ્ત સંસ્કરણ.

(11) ધ્વન્યાલોકલોચન : તંત્રગ્રંથો ઉપરાંત અભિનવે સાહિત્યશાસ્ત્ર પર ત્રણ ગ્રંથો રચ્યા છે, તેમાં આ ગ્રંથ આનંદવર્ધનના ‘ધ્વન્યાલોક’ની આમ તો ટીકા છે, પણ એમાં અભિનવે એટલી વિશદ અને મૌલિક સિદ્ધાન્તચર્ચા કરી છે કે તેને એક સ્વતંત્ર ગ્રંથનો આદર મળ્યો છે.

(12) અભિનવભારતી : ભરતના નાટ્યશાસ્ત્ર પરની આ ટીકા પણ એટલી જ મહત્વપૂર્ણ છે. ઉપલબ્ધ હસ્તપ્રતોમાં નાટ્યશાસ્ત્રના સાતમા અધ્યાયના અમુક ભાગ સુધીની જ આ ટીકા હાલ પ્રાપ્ય છે. ‘અભિનવ-ભારતી’ એના રસસિદ્ધાન્તની વ્યાપક અને ઊંડાણપૂર્વકની ચર્ચાના કારણે અતિ મહત્વનો ગ્રંથ બન્યો છે. ‘લોચન’ અને ‘ભારતી’ એ બે ગ્રંથોમાં અભિનવે રસ અને ધ્વનિનો એવો સુભગ સમન્વય સાધ્યો છે કે પછીના કાવ્યશાસ્ત્રીઓ માટે તે માર્ગદર્શક બની રહ્યો છે.

(13) કાવ્યકૌતુકવિવરણ : ભટ્ટ તૌતના કાવ્યકૌતુકનું વિવરણ. અપ્રાપ્ય છે.

(14) ભગવદગીતાર્થસંગ્રહ : ભગવદગીતા પર શૈવમત અનુસાર રચાયેલી ટીકા. તેની વિશેષતા એ છે કે તેમાં ગીતાનો 745 શ્લોકોવાળો કાશ્મીરી પાઠ સ્વીકારવામાં આવ્યો છે.

(15થી 18) ચાર લઘુસ્તોત્રો છે. (15) ક્રમસ્તોત્ર, (16) ભૈરવસ્તોત્ર, (17) દેહસ્થદેવતાચક્રસ્તોત્ર, (18) અનુભવનિવેદનસ્તોત્ર

(19થી 22) શૈવદર્શનનો સામાન્ય બોધાત્મક પરિચય કરાવતી પુસ્તિકાઓ છે. (19) અનુત્તરાષ્ટિકા, (20) પરમાર્થદ્વાદશિકા, (21) પરમાર્થચર્ચા અને (22) મહોપદેશવિંશતિકમ્. (23) ઘટકર્પર કુલકવિવૃત્તિ – મેઘદૂતના જેવું ઘટકર્પર નામનું એક લઘુકાવ્ય પ્રસિદ્ધ છે. તેના પરની આ વિવૃત્તિ છે. અહીં અભિનવ લખે છે કે ‘ઘટકર્પર’ના કવિ કાલિદાસ છે એમ અમે સાંભળ્યું છે.

(24થી 35) : આ બાર ગ્રંથો પોતે રચ્યા હોવાનો ઉલ્લેખ અભિનવે પોતાના અન્ય ગ્રંથોમાં કર્યો છે. પરંતુ તે ગ્રંથો હાલ કોઈ પણ સ્વરૂપે પ્રાપ્ય નથી. તેમનાં નામ આ પ્રમાણે છે : (24) ક્રમકેલિ, (25) શિવર્દષ્ટ્યાલોચન, (26) પૂર્વપંચિકા, (27) પદાર્થપ્રવેશનિર્ણયટીકા, (28) પ્રકીર્ણવિવરણ, (29) પ્રકરણવિવરણ, (30) કથામુખતિલકમ્, (31) લઘ્વીપ્રક્રિયા, (32) ભેદવાદવિવરણ, (33) દેવીસ્તોત્રવિવરણ, (34) તત્વાધ્વપ્રકાશિકા અને (35) શિવશક્ત્યવિનાભાવસ્તોત્ર.

આ ઉપરાંત કેટલાંક સંસ્કૃત ગ્રંથસૂચિપત્રો(catalogues)માં અભિનવગુપ્તના નામે આ પ્રમાણે ગ્રંથોનાં નામ મળે છે : (36) બિમ્બપ્રતિબિમ્બવાદ, (37) અનુત્તરતત્વવિમર્શિણી, (38) નાટ્યાલોચન, (39) પરમાર્થસંગ્રહ અને (40) અનુત્તરશતક.

આમ તંત્ર, દર્શન અને સાહિત્ય – એ ત્રણેય ક્ષેત્રમાં અભિનવગુપ્તનું માતબર પ્રદાન છે.

વસંત પરીખ