અફઘાન વિગ્રહ : 19મી સદીમાં ભારત પર રાજ્ય કરતી બ્રિટિશ સરકારના અફઘાનિસ્તાન સાથેના બે વિગ્રહો : (1) કંપનીના શાસન સમયમાં, અને (2) ‘તાજ’ના શાસન દરમિયાન.
(1) પ્રથમ અફઘાન વિગ્રહ (ઈ. સ. 1837થી 1843) કંપની સરકારના શાસન સમયમાં લડાયો હતો. વાસ્તવમાં તે અંગ્રેજોના રશિયા પ્રત્યેના ભયમાંથી ઉદભવ્યો હતો. અફઘાનિસ્તાન ભારત અને રશિયા વચ્ચે આવેલું મહત્ત્વનું વ્યૂહાત્મક રાજ્ય હતું, અને ઇંગ્લૅન્ડની સરકારની નીતિ એવી હતી કે, અફઘાનિસ્તાનમાં રશિયાને પગપેસારો કરતાં કોઈ પણ રીતે અટકાવવું. તે સમયે અફઘાનિસ્તાનમાં પણ રાજકીય ઊથલપાથલો ચાલ્યા કરતી હતી. ત્યાંના નિર્બળ અમીર શાહ સૂજા સામે બળવો થતાં તે નાસીને ભારતમાં આવ્યો હતો. તેને ભારતની કંપની સરકારે લુધિયાણામાં રાજકીય આશ્રય આપ્યો હતો. તે પછી દોસ્તમહંમદ નામનો બરાકઝાઈ જાતિનો નેતા અફઘાનિસ્તાનનો શાહ બન્યો હતો. દોસ્તમહંમદ પણ અંગ્રેજોની મિત્રતા ઇચ્છતો હતો, પરંતુ તેની કિંમત રૂપે તે શીખ રાજવી રણજિતસિંહ પાસેથી પોતાનું પેશાવર અંગ્રેજો પાછું અપાવે, તેવો આગ્રહ રાખતો હતો. આમ કરીને અંગ્રેજો રણજિતસિંહને નારાજ કરવા માગતા ન હતા. તેથી દોસ્તમહંમદે અંગ્રેજો સાથે વાટાઘાટોનો અંત આણીને, તેમના પૂર્વના હરીફ રશિયા સાથે મિત્રતાની સંધિ કરી લીધી. આથી તેને શિક્ષા કરવા માટે તે સમયના ભારતના ગવર્નર-જનરલ લૉર્ડ ઑકલૅન્ડે અફઘાનિસ્તાન સામે યુદ્ધ જાહેર કર્યું. આ યુદ્ધમાં શરૂઆતમાં અંગ્રેજોને સારી સફળતા મળી. દોસ્તમહંમદ હાર્યો અને કેદ પકડાયો; તેની જગ્યાએ અંગ્રેજોએ પોતાના ઉમેદવાર શાહ સૂજાને ગાદીએ બેસાડ્યો અને તેની સાથેની સંધિની શરત મુજબ કાબુલમાં અંગ્રેજ એલચી કચેરી પણ ખોલવામાં આવી. પરંતુ સ્વતંત્ર મિજાજના અફઘાનોને અંગ્રેજોની કઠપૂતળી જેવા શાહ સૂજા પ્રત્યે નફરત હતી. તેથી થોડા જ સમયમાં તેમણે બળવો કર્યો; કાબુલની અંગ્રેજ એલચી કચેરીનો નાશ કરી ત્યાંના અંગ્રેજ એલચીના કટકા કરી નાંખવામાં આવ્યા. શાહ સૂજાના રક્ષણ માટે રહેલા 16,000ના અંગ્રેજ લશ્કરે બળવાખોરો સામે આત્મસમર્પણ કર્યું. તેમને નિર્વિઘ્ને ભારત પાછા ફરવા દેવા બળવાખોરો સંમત થયા; પરંતુ રસ્તામાં ઝનૂની અફઘાનોએ આ નિ:શસ્ત્ર સૈનિકોને ક્રૂરતાથી મારી નાખ્યા. આ સમાચારથી ઇંગ્લૅન્ડમાં હાહાકાર ફેલાઈ ગયો. કંપનીના સંચાલક મંડળે લૉર્ડ ઑકલેન્ડને પાછો બોલાવી લીધો. તેની જગ્યાએ નવા આવેલા ગવર્નર-જનરલ લૉર્ડ એલનબરોએ થોડો સમય અફઘાન વિગ્રહ ચાલુ રાખીને અંગ્રેજોની પ્રતિષ્ઠા પાછી મેળવવાનો પ્રયત્ન કર્યો; પરંતુ આખરે તો તેને દોસ્તમહંમદને જ કેદમાંથી મુક્ત કરીને અફઘાનિસ્તાનના શાહ તરીકે માન્ય કરવો પડ્યો. આમ, પ્રથમ અફઘાન વિગ્રહના અંતે અંગ્રેજોના પક્ષે લગભગ 20,000 માણસોની હાનિ અને દોઢ કરોડ પાઉન્ડના ખર્ચ પછી સ્થિતિ તો એવી ને એવી જ રહી; ઊલટું તેમણે કારણ વગર અફઘાન પ્રજાની કડવાશ વહોરી લીધી, તથા ભારતની સીમા પર એક કાયમી મિત્ર-રાજ્ય બનાવવાની તક ગુમાવી.
(2) દ્વિતીય અફઘાન વિગ્રહ (ઈ. સ. 1878થી 1884) : પ્રથમ વિગ્રહ પછી લગભગ 40 વર્ષે દ્વિતીય અફઘાન વિગ્રહ થયો, જેનાં કારણો અને પરિણામોની બાબતમાં તે ‘ઇતિહાસનું પુનરાવર્તન’ જ હતો, તેમ કહી શકાય. પ્રથમ અફઘાન વિગ્રહના અંતે અફઘાનિસ્તાનની ગાદીએ આવેલા દોસ્તમહંમદે પોતાના અવસાન સુધી અંગ્રેજો સાથે મિત્રતાભર્યું વલણ રાખ્યું હતું; અને અંગ્રેજ સરકારે પણ દોસ્તમહંમદના અવસાન પછી અફઘાનિસ્તાનમાં રાજકીય ઊથલપાથલો થવા છતાં અફઘાનિસ્તાનના આંતરિક મામલામાં દખલગીરી કરવાનું ઉચિત માન્યું ન હતું.
પરંતુ ઈ. સ. 1874માં ઇંગ્લૅન્ડમાં રૂઢિચુસ્ત પ્રધાનમંડળ સત્તા ઉપર આવતાં જ અફઘાનિસ્તાન પ્રત્યેની બ્રિટિશ નીતિમાં એકાએક પલટો આવ્યો. તે સમયના ભારતના વાઇસરૉય લૉર્ડ લિટને અફઘાનિસ્તાનમાં રશિયાની લાગવગ વધે તે પહેલાં જ સક્રિય નીતિ અપનાવવાનું નક્કી કર્યું. તે સમયના અફઘાન અમીર શેરઅલીને રશિયાના સંભવિત આક્રમણ સામે મદદ કરવાની તૈયારી દર્શાવી, પરંતુ તે એ શરતે કે, તેના બદલામાં અમીરે હેરાતમાં બ્રિટિશ એજન્ટને રાખવા દેવો. પરંતુ અમીરે આનાથી અફઘાનો ઉશ્કેરાશે એમ કહીને આ શરત માન્ય ન કરી. દરમિયાનમાં રશિયાને બ્રિટિશ હિલચાલની ગંધ આવતાં, તેણે પોતાનો પ્રતિનિધિ કાબુલ મોકલ્યો, તેથી વાઇસરૉય લૉર્ડ લિટને પણ તેના જવાબ રૂપે, અમીર શેરઅલીની સંમતિની દરકાર કર્યા વગર બ્રિટિશ પ્રતિનિધિને અફઘાનિસ્તાન જવા રવાના કર્યો. સ્વાભાવિક રીતે જ આ પ્રતિનિધિને અફઘાન સરકારે સરહદ ઉપરથી પાછો મોકલ્યો. લૉર્ડ લિટને આને બ્રિટિશ પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવ્યો, અને અફઘાનિસ્તાન સામે યુદ્ધ જાહેર કર્યું.
આ યુદ્ધમાં પણ શરૂઆતમાં બ્રિટિશ લશ્કરને સારી સફળતા મળી. અમીર શેરઅલી તુર્કસ્તાનમાં નાસી ગયો, જ્યાં થોડા સમયમાં તેનું અવસાન થયું. લૉર્ડ લિટને શેરઅલીના પુત્ર યાકુબખાનને અફઘાનિસ્તાનના શાહ તરીકે માન્ય કર્યો, તથા તેને વિદેશી (ખાસ તો રશિયાના) આક્રમણ સામે નાણાં અને શસ્ત્રોની મદદની બાંયધરી આપી. તેના બદલામાં યાકુબખાને કાબુલમાં કાયમી બ્રિટિશ રેસિડન્ટ રાખવાનું, તથા હેરાત અને અન્ય સરહદી જગ્યાઓ પર બ્રિટિશ એજન્ટો રાખવાનું સ્વીકાર્યું. પરંતુ થોડા જ સમયમાં ઝનૂની અફઘાનોએ બળવો કરીને કાબુલના બ્રિટિશ રેસિડન્ટને મારી નાખ્યો; જોકે તુરત જ ત્યાં બ્રિટિશ લશ્કર પહોંચી ગયું, અને તેણે બળવો દબાવી દીધો તથા બળવામાં આડકતરી રીતે સાથ આપવાના ગુના માટે યાકુબખાનને કેદ કર્યો. તેની જગ્યાએ અફઘાનિસ્તાનની ગાદીએ કોને બેસાડવો તે પ્રશ્ને લૉર્ડ લિટન મૂંઝવણમાં પડ્યો. તેવામાં જ રશિયાની પ્રેરણાથી મર્હૂમ અમીર શેરઅલીનો ભત્રીજો અબ્દુલ રહેમાન કાબુલ ઉપર ચડી આવ્યો, તેથી જો અબ્દુલ રહેમાન અફઘાન પ્રજાને વશ કરી શકે તો તેને અમીર તરીકે માન્ય રાખવા લૉર્ડ લિટન તૈયાર થયો !
દરમિયાનમાં લૉર્ડ લિટનની અફઘાન નીતિની સામે ઇંગ્લૅન્ડમાં ઘણો ઊહાપોહ થવાથી તેને પાછો બોલાવી લેવામાં આવ્યો, તથા તેની જગ્યાએ વાઇસરૉય તરીકે ઉદારમતવાદી લૉર્ડ રિપનને મૂકવામાં આવ્યો. તેણે અબ્દુલ રહેમાનને અફઘાનિસ્તાનના અમીર તરીકે માન્ય રાખ્યો અને કાબુલમાં બ્રિટિશ રેસિડન્ટ રાખવાનો આગ્રહ છોડી દીધો. આમ પ્રથમ અફઘાન વિગ્રહની જેમ જ દ્વિતીય અફઘાન વિગ્રહમાં પણ અત્યંત નામોશીભરી રીતે અંગ્રેજ નીતિનો રકાસ થયો, જોકે તે પછી ભારતની અંગ્રેજ સરકારના અફઘાનિસ્તાન સાથેના સંબંધો શાંતિ અને મિત્રતાભર્યા રહ્યા હતા.
દેવેન્દ્ર ભટ્ટ