અફઘાનિસ્તાન

દક્ષિણ-મધ્ય એશિયામાં આવેલો દેશ. સત્તાવાર નામ : ઇસ્લામિક પ્રજાસત્તાક અફઘાનિસ્તાન. જ્યાં પ્રમુખશાહી ઇસ્લામિક પ્રજાસત્તાક સરકાર છે. વિસ્તાર : 6,52,230 ચો.કિમી. પાટનગર-કાબુલ. આ ભૂમિબંદિસ્ત દેશની ઉત્તરે તુર્કમેનિસ્તાન, ઉઝબેકિસ્તાન અને તજાકિસ્તાન; પશ્ચિમે ઈરાન; દક્ષિણે અને પૂર્વે પાકિસ્તાન તથા ઈશાને ચીન આવેલું છે. તેને દરિયાકિનારો નથી. તેનાથી અરબી સમુદ્ર દક્ષિણે 482.7 કિમી. દૂર છે. તે પાકિસ્તાન સાથે આશરે 1,810 કિમી. લાંબી સીમા ધરાવે છે.

ભૂપૃષ્ઠ : અફઘાનિસ્તાન ત્રણ પ્રકારનો પ્રદેશ ધરાવે છે. ઉત્તરના સપાટ પ્રદેશોમાં ખેતીનો વ્યવસાય વિકસેલો છે. નૈર્ઋત્યનો ઉચ્ચ પ્રદેશ રેગિસ્તાન તરીકે ઓળખાતો રણવિસ્તાર ધરાવે છે. મધ્યમાં 414.40 લાખ હેક્ટરના વિસ્તારમાં ઊંચી પર્વતમાળા આવેલી છે, જે હિમાલય પર્વતમાળાના વિસ્તારરૂપે છે. તેમાં હિંદુકુશ પર્વતમાળાનો પણ સમાવેશ થાય છે, જે આશરે 6500.8 મી.થી વધુ ઊંચાઈ ધરાવે છે. 2023ના ઑક્ટોબરની 8 અને 9 તેમ જ 15મી તારીખના રોજ અફઘાનિસ્તાનમાં 6.3 અને 6.2 રિક્ટરની તીવ્રતાનાં ભૂકંપ અનુભવાયા હતા. ત્યારબાદ 5.7 અને 5.5ના આફટર શોક્સ પણ અનુભવાયા હતા. મૃતકોની સંખ્યા અંદાજે 3000થી 4000 મનાય છે. 15થી 20 હજાર લોકો ઘાયલ થયા હોવાનું મનાય છે.

એશિયા ખંડમાં અફઘાનિસ્તાનનું ભૌગોલિક સ્થાન

બીજી પર્વતમાળા સુલેમાનમાળા. એમાં ખૈબરઘાટ આવેલો છે. પ્રાચીન સમયમાં આ માર્ગેથી મહાન સિકંદરે આક્રમણ કર્યું હતું. ભારતમાં આક્રમણ કરવા માટે વિદેશીઓને આ માર્ગ ઘણો અનુકૂળ પડતો. વેપારીઓ એ માર્ગેથી અવરજવર કરતા.

ઉત્તરે અમુદર્યા નદી સોવિયેટ સંઘ સાથે સરહદ રચે છે. 1600 કિમી. લાંબી આ નદી હિમાલયમાંથી નીકળી અરબી સમુદ્રને મળે છે. આ ઉપરાંત 600 કિમી. લાંબી હેલ્માંદ નદી છે, જે નૈર્ઋત્યના ઉચ્ચ પ્રદેશોની પીવાના પાણી અને સિંચાઈના જળની વ્યવસ્થા પૂરી પાડે છે. રણવિસ્તારમાં વર્ષે 76.2 મિમી. કરતાં પણ ઓછો વરસાદ પડે છે, જ્યારે પર્વતીય વિસ્તારોમાં 1270 મિમી. જેટલો વરસાદ પડે છે. દેશની માત્ર 12% જમીન જ ખેડાણલાયક છે અને એનો ત્રીજો ભાગ સિંચાઈની સવલત ધરાવે છે. કાબુલ અને જલાલાબાદ વચ્ચેની કાબુલ નદીની ખીણના વિસ્તારમાં વિવિધ જાતનાં વૃક્ષો ઊગે છે.

અફઘાનિસ્તાન : ભૂસ્તર

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં છે. પેશાવરથી અફઘાનિસ્તાનની સરહદ 55 કિમી. દૂર છે. દિલ્હીથી ત્રણ કલાકમાં વિમાનમાર્ગે કાબુલ જવાય છે. અફઘાનિસ્તાનની પેશાવર તરફની સરહદથી કાબુલ 200 કિમી. અંતરે છે. પેશાવરથી કાબુલ જવાનો માર્ગ રળિયામણો છે. હરિયાળા પર્વતો, ખેતરો, ઝરણાં અને દ્રાક્ષ, અખરોટ વગેરે ફળોની વાડીઓ આવે છે. કાબુલમાં ગુરુ ગોરખનાથનું પ્રખ્યાત મંદિર છે. પાટનગર કાબુલની મધ્યમાંથી કાબુલ નદી પસાર થાય છે. તેની આસપાસ લીલીછમ ખીણો આવેલી છે. નગરની બહાર બાલા-હસાર નામે કિલ્લો આવેલો છે, જ્યાં પહેલાં રાજાઓ રહેતા હતા. ત્યાં સૈનિક કૉલેજ ચાલે છે. રાજાના મહેલનું નામ અરકએશાહી છે. ત્યાં ‘મહેલ સતૂન’ ચાલીસ સ્તંભોવાળો છે, જે સરકારી અતિથિગૃહ તરીકે વપરાય છે. લોખંડ, તાંબું, સીસું અને જસત મોટા પ્રમાણમાં છે. પરંતુ 1980ના દાયકાના આરંભ સુધી તેનો વ્યાપક ઉપયોગ કરાયો ન હતો. જમીનમાંથી મોટા પ્રમાણમાં પ્રાપ્ત થતી કુદરતી વાયુની અનામતો 141.5 ઘનમીટર જેટલી અને જ્વલનશીલ કોલસાની અનામતો 30થી 50 કરોડ ટન જેટલી અંદાજવામાં આવે છે.

લોકો : વસ્તી – 39864082 (2021). શહેરી વસ્તી 23.9 %, ગ્રામ વસ્તી 71.4 % જ્યારે 4.7 % વિચરતી (Nomadic) વસ્તી છે. અડધા ઉપરાંત પશ્તુન તથા બાકીના તાદઝિક, ઉઝબેક અને હુઝારા ભાષા બોલે છે. અહીં 99.7 % લોકો મુસ્લિમ છે. જેમાં 84.7 % સુન્ની, 15 % શિયા અને 0.3 % અન્ય ધર્મના વસે છે. અફઘાનિસ્તાનના સૌથી મોટા શહેર – પાટનગરની વસ્તી 32,00,000 (2019) છે. આ ઉપરાંત કંદહાર, હેરાત, મઝર-એ-શરીફ અને ઘઝની મુખ્ય શહેરો છે.

1922 પછી હાથ ધરાયેલા પુરાતત્વીય સંશોધને ત્યાં ઇસ્લામના આગમન પૂર્વેના અને તે પછીના સુંદર કળાત્મક નમૂનાઓ શોધી કાઢ્યા છે. સ્થાપત્યમાં પ્રણાલીગત તિમુરિદ પદ્ધતિ હજુ સચવાઈ છે. ત્યાંની ગાલીચા અને તાંબાનાં વાસણો પરની હસ્તકળા વિશ્વવિખ્યાત છે.

અર્થતંત્ર : અફઘાનિસ્તાનનું અર્થતંત્ર ભૂતકાળમાં કેન્દ્રીય રીતે આયોજિત, વિકસતું અર્થતંત્ર હતું, જે મોટા પ્રમાણમાં કૃષિગત ઉત્પાદન ઉપર આધાર રાખતું હતું.

અફઘાનિસ્તાનની સૌથી મહત્ત્વની આર્થિક પ્રવૃત્તિઓ ખેતી અને પશુપાલન છે. સિંચાઈ હેઠળનો વિસ્તાર ધીમેધીમે વધી રહ્યો છે. મુખ્ય પાક ઘઉં, મકાઈ, જવ, ચોખા, રૂ, કપાસ, ફળો છે. વિશ્વમાં અફીણનું સૌથી વધુ ઉત્પાદન અને નિકાસ આ દેશ કરે છે. દેશના અર્થતંત્રમાં અફીણની ખેતી અને વેચાણનો ફાળો લગભગ 16 % જેટલો છે.

અફઘાનિસ્તાન વાહનો (22.7 %), પેટ્રોલિયમ પેદાશો (18 %), ખાંડ (8.10 %), કાપડનો કાચો માલ (7.9 %), વનસ્પતિ તેલ અને પ્રાણિજ ચરબી (4.2 %) તથા ચા (4 %)ની આયાત કરે છે. તેની કુલ આયાતોમાં રશિયા પાસેથી 58.6 %, જાપાનમાંથી 12.6 %, હૉંગકૉંગમાંથી 4.4 %, ભારતમાંથી 2.7 % અને પશ્ચિમ જર્મનીમાંથી 2.7 % મુખ્ય છે. તે કુદરતી વાયુ (39.2 %), સૂકો મેવો (25.2 %), જાજમ તથા ગાલીચાઓ (10.5 %), ફળો (7.3 %), ઊન અને ચામડું (3.4 %) વગેરેની નિકાસ કરે છે. એક જમાનામાં સૌથી વધુ નિકાસ સોવિયેટ સંઘમાં (59.4 %) કરવામાં આવતી હતી. પાકિસ્તાનમાં 8.8% અને ભારતમાં 6.2 % નિકાસ કરે છે (1981–82).

અફઘાનિસ્તાનની ચારેય બાજુ ભૂમિ હોવાને કારણે વિદેશ વ્યાપારની સવલતો માટે તેને પડોશી દેશો પર આધાર રાખવો પડે છે. રેલવેની સવલતો ઓછી છે અને જળમાર્ગો ધરાવતી નદીઓ ઓછી હોવાથી માર્ગ-વાહનવ્યવહાર પર જ આધાર રાખવો પડે છે. રેલવે તો માત્ર 6 કિમી.ની લંબાઈ (1982) ધરાવે છે.

વહીવટી અને સામાજિક સ્થિતિ : આંતરવિગ્રહ : અફઘાનિસ્તાન એકતંત્રી (unitary) એકપક્ષીય પ્રજાસત્તાક હતું. 1979 પછી તેની કામચલાઉ ધારાકીય સંસ્થાનું નામ રેવોલ્યુશનરી કાઉન્સિલ રાખવામાં આવ્યું હતું. જેમાં 57 સભ્યો હતા. 19મી સદીના અંત સુધી અફઘાનિસ્તાનમાં રાજાશાહી પ્રવર્તતી હતી. એ પછી 1923 અને 1931માં બે બંધારણો ઘડાયાં. બંનેમાં વંશપરંપરાગત રાજાશાહીને સંપૂર્ણ સત્તાઓ અપાઈ હતી. 1964ના બંધારણથી બંધારણીય રાજાશાહીનો ઉદય થયો, જેમાં વહીવટી, ધારાકીય અને અદાલતી સત્તાઓને અલગ પાડવામાં આવી. 1973માં લશ્કરી બળવા દ્વારા રાજાને પદભ્રષ્ટ કરાયા. 1964નું બંધારણ નાબૂદ કરવામાં આવ્યું અને પ્રજાસત્તાકની સ્થાપના કરવામાં આવી. ફેબ્રુઆરી 1977માં નવું બંધારણ સ્વીકારાયું. પરંતુ 1978માં બીજો બળવો થતાં તે રદ કરાયું અને અફઘાનિસ્તાનના પ્રજાસત્તાકની સ્થાપના કરાઈ, જેનો વહીવટ રેવોલ્યુશનરી કાઉન્સિલ દ્વારા કરાતો. સપ્ટેમ્બર 1979માં ત્રીજો લશ્કરી બળવો થયો અને સોવિયેત સંઘ દ્વારા આક્રમણ થતાં ડિસેમ્બર 1979માં સમાજવાદી સરકારની સ્થાપના થઈ. ખાલ્ક (પ્રજા) પક્ષ દેશનો એકમાત્ર કાયદેસરનો રાજકીય પક્ષ બન્યો. અફઘાનિસ્તાનમાં સરકારની કેન્દ્રિત વ્યવસ્થા અસ્તિત્વમાં આવી. દેશ કુલ 29 પ્રાંતોમાં વહેંચાયેલો છે. દરેક પ્રાંતનો વહીવટ ગવર્નર સંભાળતા હતા. 1973 સુધી રાજા જ સશસ્ત્ર દળો પર અંકુશ ધરાવતો હતો. 197879ના બળવાઓ બાદ રેવોલ્યુશનરી કાઉન્સિલ અને તેના નેતાઓ અંકુશ ધરાવવા લાગ્યા. સોવિયેત સંઘના આક્રમણ પછી સરકારની સત્તાને અનેક બળવાખોરોએ પડકારી. તેમાં ‘ઇસ્લામિક એલાયન્સ ફૉર ધ લિબરેશન ઑવ્ અફઘાનિસ્તાન’ અને ‘ઇસ્લામિક પાર્ટી’નો સમાવેશ થતો હતો. 40 લાખ નિર્વાસિતોના બળવાખોર નેતાઓએ પણ સરકારની કાયદેસરતાને હિંસક રીતે પડકારી હતી. વીસમી સદીના છેલ્લા બે દાયકાઓમાં અફઘાનિસ્તાનમાં રાજકીય પરિસ્થિતિ ડામાડોલ રહી હતી. હાલ ત્યાં આંતર વિગ્રહ ચાલે છે જેને પરિણામે ત્યાંની રાજકીય પરિસ્થિતિ પ્રવાહી બની છે.

આ દેશમાં સાક્ષરતાનું પ્રમાણ 25 ટકા છે. આખા દેશમાં પ્રાથમિક શાળાઓ તો છે, પરંતુ માધ્યમિક શાળાઓ માત્ર કાબુલ તથા પ્રાંતીય પાટનગરોમાં જ છે. દેશમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ નિ:શુલ્ક અપાય છે. 1995-96માં દેશમાં 5 યુનિવર્સિટીઓ, ઇસ્લામિક અભ્યાસ માટેની એક અલાયદી યુનિવર્સિટી, 1 સ્ટેટ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ તથા પૉલિટેકનિક – આમ કુલ 8 ઉચ્ચ શિક્ષણને વરેલી સંસ્થાઓ હતી.

અફઘાનિસ્તાન શૈક્ષણિક દૃષ્ટિએ ઘણું જ પછાત છે. અક્ષરજ્ઞાન 20%, શિક્ષિત પુરુષો 33.2% અને સ્ત્રીઓ 5.8% (1980). સ્નાતક થઈ રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા એક લાખ દીઠ 9.6 (1981).

ઇતિહાસ : છેલ્લાં 1000 વર્ષોથી આજે જે અફઘાનિસ્તાન તરીકે ઓળખાય છે તે પ્રદેશ મધ્ય પૂર્વ, મધ્ય એશિયા, દક્ષિણ એશિયા અને દૂર પૂર્વના ચાર સાંસ્કૃતિક અને ભૌગોલિક વિસ્તારોનું સંગમસ્થળ રહ્યો છે. મૂળ અફઘાનો ભારતીય-યુરોપીય કુળની પશ્તુ ભાષા બોલે છે. તેઓ પૂર્વ અફઘાનિસ્તાન અને વાયવ્ય પાકિસ્તાનના વિસ્તારોમાં કેન્દ્રિત છે. 1893માં હાલના પાકિસ્તાનના અગાઉના બ્રિટિશ પ્રદેશો અને અફઘાનિસ્તાન વચ્ચે દુરાંદ (Durand) સરહદી રેખા દોરવામાં આવી હતી.

અફઘાનિસ્તાનના પાટનગર કાબુલના વ્યાપારિક રાજમાર્ગનું એક દૃશ્ય

અફઘાનિસ્તાન પુરાતત્ત્વ : કાબુલની પશ્ચિમે આવેલ બામિયાન નામનું સ્થળ તેની બે વિશાળકાય બુદ્ધપ્રતિમાને કારણે પ્રસિદ્ધ છે.

આ ઊભી પ્રતિમાઓને ખડકમાંથી કોતરી કાઢવામાં આવી છે, જે 5મી – 6ઠ્ઠી સદી જેટલી પ્રાચીન હોવાનું મનાય છે. આ પ્રતિમાઓમાંની એક મૂર્તિ લગભગ 53.34 મીટર (175´) ઊંચી છે, જ્યારે અન્ય પ્રતિમા 38 મીટર (115´)ની ઊંચાઈ ધરાવે છે. આ મૂર્તિઓનાં કપડાંની ગડીઓ પ્રદર્શિત કરવા રેસાઓને ગડીરૂપે ગોઠવી માટી ચોપડવામાં આવી છે. એ રીતે પહેરણનું આબેહૂબ દૃશ્ય રજૂ કરાયું છે. પ્રતિમાઓ જે ગોખલામાં છે તેમાં ઉત્કૃષ્ટ પ્રકારનું ચિત્રકામ કરેલું છે, જેમાં અપ્સરાઓ, કિન્નરીઓ અને બુદ્ધના જીવનના પ્રસંગો આલેખાયેલાં છે. બામિયાન શહેર આજે ‘શહેર ગલગલા’ (વેરાન નગર) તરીકે ઓળખાય છે.

દક્ષિણ અફઘાનિસ્તાનમાં આવેલી મુંડીગાકની વસાહતનું ઉત્ખનન કરાયેલું છે. તેને પરિણામે કુલ 4 સાંસ્કૃતિક સ્તરો (periods) પ્રકાશમાં આવ્યા છે. મુંડીગાકમાં વસાહતની શરૂઆત પ્રાગ્ઐતિહાસિક લોકોએ કરી હતી. ત્યાં તેઓ ઠરીઠામ થયેલા અને ખેતી કરી જાણતા. પાછળથી વસાહતનું વિસ્તૃતીકરણ થયું અને તેના ચોથા સમયગાળા(period)માં વસાહતનું વધુમાં વધુ વિસ્તરણ થયું. મુંડીગાકની છેલ્લી વસાહતને બલુચિસ્તાન અને કેટલીક પ્રાક્હરપ્પીય વસાહત જોડે સંબંધ હોવાનું માલૂમ પડ્યું છે. આ અરસામાં વસાહતની આજુબાજુ કિલ્લેબંધી, વિસ્તૃત મકાનો અને ધાતુનાં ઓજારો બનાવવાની કળાનો વિકાસ જોવા મળે છે. આભૂષણોના ઉપયોગમાં પણ વધારો જોવા મળે છે, જેમાં અકીક અને અન્ય કીમતી પથ્થરોના મણકા ખાસ ઉલ્લેખપાત્ર છે. એક કાંસાની મુદ્રા કાંઈક અંશે હરપ્પીય મુદ્રા જોડે સામ્ય ધરાવે છે. મુંડીગાકનું ચોક્કસ સમયાંકન પ્રાપ્ત નથી, પણ કિરણોત્સર્ગ પદ્ધતિને આધારે મુંડીગાક ગાળા 1–2નું સમયાંકન ઈ. પૂ. 4000-3500 માનવામાં આવે છે.

ઈ. પૂ. એક લાખ વર્ષ અગાઉ અફઘાનિસ્તાનના પ્રદેશમાં વિચરતી જાતિઓ વસતી હતી. બદખશાનમાંની દારાઈકુરની ગુફામાંથી માનવ વસવાટનો સૌપ્રથમ પુરાવો મળ્યો છે, જે ત્રીસ હજાર વર્ષ અગાઉ ત્યાં મનુષ્યો વસતાં હોવાની સાબિતી આપે છે. અક કોપ્રુક ખાતેની ગુફામાંથી ઈ. પૂ. આશરે 9000 થી 6000 સુધીમાં મનુષ્ય વસવાટ હોવાના પુરાવા મળ્યા છે. બીજા વિશ્વયુદ્ધ બાદ થયેલા પુરાતત્ત્વીય સંશોધને સિંધુ કે હરપ્પા સંસ્કૃતિ (ઈ. પૂ. 3000) પહેલાં અને પછી અફઘાનિસ્તાનમાં શહેરો હોવાના પુરાવાઓ આપ્યા છે. કાંસ્ય યુગમાં મેસોપોટેમિયા અને ઈજિપ્ત સાથે અફઘાનિસ્તાન વ્યાપાર દ્વારા સંકળાયેલું હતું. કોન્દુઝની ઈશાને અમુદર્યા નદી નજીક શોર્તુગાઈ ખાતે હરપ્પા સંસ્કૃતિ સાથે સંબંધ ધરાવતી જગ્યા પણ મળી આવી છે.

ઈ. પૂ. છઠ્ઠી સદીમાં પર્શિયન શાસક સાયરસ બીજાએ અફઘાનિસ્તાન વિસ્તાર પર પોતાનો અંકુશ જમાવ્યો હતો. ઈ.પૂ. 336થી 330માં ઍલેક્ઝાંડર ત્રીજાએ આ વિસ્તાર કબજે કર્યો હતો. ઈ.પૂ. 304માં હિંદુકુશની દક્ષિણનો ભાગ ભારતમાં રાજ કરતા મૌર્ય વંશના રાજાઓ પાસે આવ્યો. મૌર્ય વંશના મહાન સમ્રાટ અશોકના શાસન સમયના શિલાલેખો કંદહાર પાસેથી મળી આવ્યા છે, જે ગ્રીક અને અરામાઈક ભાષામાં છે.

ઈ.પૂ. 135માં યુહ-ચિહ તરીકે જાણીતી પાંચ વિચરતી જાતિઓનું મધ્ય એશિયાઈ સમવાયતંત્ર ભાંગી પડ્યું. જોકે કુશાનોના નેતૃત્વ હેઠળ તેઓ ફરી એક થયા હતા અને અફઘાનવિસ્તાર તેમણે જીતી લીધો હતો. રાજા કનિષ્કના બીજી સદી દરમિયાનના શાસનકાળમાં કુશાનોનું સામ્રાજ્ય સમૃદ્ધ બન્યું હતું અને ચીનમાં મધ્ય એશિયા સુધી વિસ્તર્યું હતું. આ ગાળા દરમિયાન કળાઓ વિકસી હતી. કાબુલની ઉત્તરે બાગ્રામ ખાતે પાટનગર સ્થપાયું, જે વ્યાપાર અને સાંસ્કૃતિક વિકાસનું કેન્દ્ર બન્યું. બલ્ખની ઉત્તરે કુશાનોએ દેલબરજિન શહેર વસાવ્યું હતું. રોમ, ચીન અને ભારત વચ્ચે અફઘાનિસ્તાને કડીનું કાર્ય કર્યું હતું. ત્રણે વચ્ચેના વ્યાપારી માર્ગો અફઘાનિસ્તાનમાંથી પસાર થતા હતા.

ખૈબરઘાટ વિસ્તારમાં પર્વતમાળા અને ખીણોથી છવાયેલો અફઘાનિસ્તાનનો ભૂ-પ્રદેશ

ઈ.સ. 241માં સાસાનીઓએ અફઘાનિસ્તાનના પ્રદેશો પર કાબૂ જમાવી દીધો. પાંચમીથી સાતમી સદી દરમિયાન અનેક ચીની બૌદ્ધ યાત્રાળુઓ અફઘાનિસ્તાનમાં થઈને ભારતના પ્રવાસે આવ્યા હતા. સાતમીથી આઠમી સદીના ગાળા દરમિયાન હિંદુ રાજાઓનો પ્રભાવ પણ અફઘાનિસ્તાનના કાબુલ અને ગઝની વિસ્તારો પર હતો. 642માં મુસ્લિમોએ અફઘાનિસ્તાન પર પહેલું આક્રમણ કર્યું હતું. પરંતુ તે તો ઝાઝા ફાવ્યા ન હતા. નવમી અને દસમી સદીમાં અનેક સ્થાનિક ઇસ્લામી વંશોનો ઉદય થયો. આમાં ખોરાસાનનું તાહિરિદ રાજ્ય મહત્ત્વનું છે, જેણે હેરાત અને બલ્ખ પ્રદેશો પર કાબૂ મેળવ્યો હતો. અને ઈ.સ. 820માં અબ્બાસિદ ખલીફાત પાસેથી લગભગ સંપૂર્ણ સ્વતંત્રતા મેળવી લીધી હતી. ઈ. સ. 872થી 999 સુધીના સમાનિદોના શાસન દરમિયાન બુખારા, સમરકંદ અને બલ્ખ પ્રદેશો સમૃદ્ધ થયા હતા. પછી મહંમદ ગઝનીના શાસનને લીધે ગઝની શહેર સમૃદ્ધ બન્યું. મહંમદના વંશજોએ ઈ.સ. 1150 સુધી શાસન ચલાવ્યું. પછી ધુર સામ્રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. તેના પછી ખ્વારેમ-શાહ વંશનું સામ્રાજ્ય પૂર્વમાં ચીની તુર્કસ્તાનથી શરૂ કરીને પશ્ચિમમાં ઇરાકની સરહદો સુધી વિસ્તર્યું હતું. અફઘાનિસ્તાનમાંના અલાઉદ્દીનના સામ્રાજ્યના પૂર્વ ભાગમાં 1219માં ચંગીસખાને આક્રમણ કર્યું. અલાઉદ્દીનના પુત્ર જલાલુદ્દીનને જબરજસ્ત હાર આપી અને બામિયન શહેરનો નાશ કર્યો. ચંગીસખાનનું 1227માં મૃત્યુ થતાં તેનું સામ્રાજ્ય ટુકડાઓમાં વહેંચાઈ ગયું. 14મી સદીના અંતમાં તિમૂરે અફઘાનિસ્તાનનો મોટો ભાગ જીતી લીધો ત્યાં સુધી અનેક નાનાં નાનાં રાજ્યો અસ્તિત્વમાં રહ્યાં. તિમૂરના અનુગામીઓના 1404થી 1507 સુધીના શાસન દરમિયાન અફઘાનિસ્તાનમાં શાંતિ અને સમૃદ્ધિ હતાં. તેમનું પાટનગર હેરાત અનેક સ્થાપત્યકળાના નમૂનાઓથી ભરાઈ ગયું. ઘણાં સુંદર મકાનોનું બાંધકામ તે વખતે થયું હતું.

1507માં મહંમદ શાયબાનીના નેતૃત્વ હેઠળ ઉઝબેક અને તુર્ક પ્રજાએ હેરાત પર વિજય મેળવ્યો. ભારતમાં મુઘલ વંશની સ્થાપના કરનાર અને ચંગીસ તથા તિમૂરના સીધા વંશજ બાબરે 1504માં કાબુલને તેના સ્વતંત્ર રાજ્યનું પાટનગર બનાવ્યું હતું. 1510માં સાફાવિદ શાહ ઇસ્માઈલે શાયબાનીનો બદલો લીધો અને તેને ખતમ કર્યો. બાબરે પછી 1522માં કંદહાર કબજે કર્યું અને 1526માં પાણિપતના યુદ્ધમાં દિલ્હીના ઇબ્રાહીમ લોદીને હરાવી ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી. બાબરે આગ્રાને રાજધાની બનાવી. તે વખતે અફઘાનિસ્તાનનો સમગ્ર પૂર્વ ભાગ તેના સામ્રાજ્યનો ભાગ હતો. બાબરનું 1530માં મૃત્યુ થતાં તેની ઇચ્છા મુજબ તેનો મૃતદેહ દફનવિધિ માટે આગ્રાથી કાબુલ લાવવામાં આવ્યો હતો.

તે પછીનાં 200 વર્ષ સુધી અફઘાનિસ્તાનની પોતાની કોઈ રાજકીય અસ્મિતા રહી નહિ. ભારતના મુઘલો અને પર્શિયાના આફાવિદો વચ્ચે અફઘાનિસ્તાનના પ્રદેશો માટે લડાઈઓ ચાલતી રહી. મુઘલો હિંદુકુશની ઉત્તરે કાબુલ સુધી અને સાફાવિદો હેરાત અને ફરાહ પર અંકુશ જમાવતા રહ્યા. કંદહાર અનેક વર્ષો સુધી બંનેનું સંગ્રામસ્થળ રહ્યું.

સ્વાતંત્ર્ય મેળવવા માટે અનેક પ્રયાસો અવારનવાર થતા રહ્યા. 1709માં હોતાકી ઘિલઝાય જાતિના નેતા મીર વેઝખાને કંદહારના ગવર્નર સામે સફળ બળવો પોકાર્યો હતો. તેમાંથી પ્રેરણા લઈને હેરાતના અબ્દાલીએ પણ પોતાના પ્રાન્ત માટે સ્વતંત્રતા પ્રાપ્ત કરી. મીર વેઝના પુત્ર મહમૂદે સાફાવિદોને 1722માં હરાવ્યા. 1725માં તેનું મૃત્યુ થયું. તે સમયે અફઘાનિસ્તાન ચારે બાજુએથી ઘેરાયેલું હતું. એક તરફ રશિયનો તો બીજી તરફ ઑટોમન તુર્કો તેમનાં સામ્રાજ્યો વિસ્તારી રહ્યા હતા. 1732માં નાદિર કોલી બેગે હેરાત પર કૂચ કરી. 1736માં તે પર્શિયાનો શાહ બનીને નાદિરશાહ તરીકે ઓળખાયો. 1737માં તેના હાથે કંદહારનું પતન થયું. ગઝની અને કાબુલ સર કર્યા બાદ તેણે દિલ્હીના મુઘલોને હરાવ્યા હતા. અને પછી તે પર્શિયા પરત ફર્યો હતો.

1747માં નાદિરશાહની હત્યા બાદ પર્શિયાનું સામ્રાજ્ય વેરવિખેર થઈ ગયું. પછીથી અહમદશાહ અબ્દાલી કંદહારનો રાજા બન્યો. ‘દુરાની’ (સર્વશ્રેષ્ઠ મોતી) બિરુદ ધારણ કરીને અહમદશાહ દુરાની તરીકે તે પછી જાણીતો થયેલો. તેણે સમગ્ર અફઘાનિસ્તાન પર પોતાનો પ્રભાવ પાડ્યો હતો. 18મી સદીના ઉત્તરાર્ધમાં ઑટોમન સામ્રાજ્ય પછી તેનું બીજા ક્રમે સૌથી મોટું મુસ્લિમ સામ્રાજ્ય હતું. 1772માં અહમદશાહનું અવસાન થયા બાદ ઝમનશાહ, શાહ મહમૂદ અને શાહ સોજાએ અફઘાનિસ્તાન પર રાજ કર્યું ત્યારપછી દોસ્તમહંમદે બરાકઝાઇ વંશનું શાસન સ્થાપ્યું. તેણે સદાને માટે પેશાવરને શીખો પાસેથી આંચકી લીધું. 1837થી પર્શિયા, રશિયા અને ભારતમાંના અંગ્રેજોની દરમિયાનગીરી અફઘાનિસ્તાનમાં શરૂ થઈ. અંગ્રેજો જોકે અફઘાનિસ્તાનમાં પોતાનો પ્રભાવ પ્રસરાવવામાં સફળ થયા નહિ અને તેમણે છેવટે 1842માં કાબુલ અને 1881માં કંદહાર છોડ્યું.

1880માં અબ્દુર રહેમાન ખાન કાબુલનો અમીર બન્યો અને તેના શાસનકાળ દરમિયાન રશિયનો અને અંગ્રેજોએ આધુનિક અફઘાનિસ્તાનની સરહદો નક્કી કરી. 1893માં દુરાન્દ રેખા નક્કી થઈ. અફઘાનિસ્તાન કદી યુરોપની સામ્રાજ્યવાદી સરકારનો ભાગ બન્યું નહિ. પરંતુ રશિયા અને બ્રિટિશ ભારત વચ્ચે તે અંતરિયાળ રાજ્ય (buffer state) બની રહ્યું. અબ્દુર રહેમાને કાબુલમાં મજબૂત કેન્દ્રીય સરકાર છે એવી પ્રતીતિ જુદાં જુદાં ભાષાવંશગત જૂથોને કરાવી. આ માટે તેને અનેક નાનાં યુદ્ધો પણ લડવાં પડ્યાં. અબ્દુર રહેમાનખાનને આધુનિક અફઘાનિસ્તાનનો સ્થાપક ગણી શકાય.

અબ્દુર રહેમાનખાને આધુનિક ટૅકનૉલૉજીનો ઉપયોગ શરૂ કર્યો હતો, તેને તેના પુત્ર હબીબુલ્લાહખાને આગળ વધાર્યો. તેણે અફઘાનોને પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મની, ઑટોમન સામ્રાજ્ય, ઑસ્ટ્રિયા-હંગેરી અને બલ્ગેરિયાના પક્ષમાં ઘસડ્યા. તેના પુત્ર અમાનુલ્લાહે વિદેશી બાબતોમાં સ્વતંત્રતા મેળવવા અંગ્રેજો સાથે યુદ્ધ કર્યું. 8-8-1919માં રાવલપિંડી ખાતે સંધિ થઈ અને 1921માં એ સંધિમાં થોડાઘણા સુધારા પણ કરાયા. તેણે રશિયાની નવી બૉલ્શેવિક સરકાર સાથે સંધિ કરી. રશિયાની નવી સરકારને માન્યતા આપનાર તે સૌપ્રથમ રાષ્ટ્ર બન્યું. બંને દેશો વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધોની શરૂઆત થઈ. તેણે અનેક સામાજિક, વહીવટી અને બંધારણીય સુધારાઓ કર્યા. સ્ત્રીઓનો બુરખો દૂર કર્યો, સહશિક્ષણની શરૂઆત કરી. આથી રૂઢિચુસ્તો છંછેડાયા. પરિણામે તેને ઇટાલીમાં દેશવટો લેવો પડ્યો.

1947માં ભારતના ભાગલા પડતાં અને પાકિસ્તાન સ્વતંત્ર થતાં દુરાન્દ રેખાની પાકિસ્તાની બાજુએ રહેતા પશ્તુનોના રાજકીય દરજ્જા સંબંધી પશ્તુનિસ્તાનની સમસ્યા ઊભી થઈ. 1946થી 1953 દરમિયાન વડાપ્રધાનપદે રહેલા શાહ મહમૂદે મુક્ત ચૂંટણીઓ અને પ્રસારણમાધ્યમોની સ્વતંત્રતા પર ભાર મૂક્યો. પરિણામે રૂઢિચુસ્તોએ દાઉદખાનને સત્તા પર બેસાડ્યા. તેમણે રશિયા પાસે આર્થિક લશ્કરી સહાય માગી અને પશ્તુનિસ્તાન પ્રશ્ને કડક વલણ અપનાવ્યું. છેવટે રશિયા અફઘાનિસ્તાનની સાથે વ્યાપારી રીતે ગાઢપણે જોડાઈ ગયું. પશ્તુનિસ્તાનના પ્રશ્ને પાકિસ્તાને અફઘાનિસ્તાન સાથેની સરહદ બંધ કરી દેતાં તેનો રશિયા પરનો આધાર વધી ગયો. 1933થી 1973 સુધી અફઘાનિસ્તાનના રાજા રહેનાર મહંમદ ઝહીરશાહે રાજકીય બળો વચ્ચે ધ્રુવીકરણ સર્જાતાં બંધારણીય રાજાશાહી માટે ખૂબ પ્રયાસો કર્યા. પરંતુ તે નિષ્ફળ ગયા અને દાઉદખાને 17-7-1973ના રોજ સત્તા ફરીથી પ્રાપ્ત કરી અને અફઘાનિસ્તાનને પ્રજાસત્તાક બનાવ્યું. દાઉદખાને અનેક સામાજિક–આર્થિક સુધારાઓ કર્યા. પરંતુ તેની નીતિ મુસ્લિમ દેશો સાથે વધુ સંબંધો કેળવવાની તથા રશિયા અને અમેરિકા પરનું અવલંબન ઘટાડવા તરફની રહી. આથી ડાબેરી બળો એક થયાં અને દાઉદખાનની હત્યા થતાં 27-4-1978ના રોજ લોકતાંત્રિક પ્રજાસત્તાકની સ્થાપના થઈ.

નૂરમહંમદ તરાકી પ્રમુખ અને વડાપ્રધાન બન્યા તથા નવા ‘પીપલ્સ ડેમોક્રૅટિક પાર્ટી ઑવ્ અફઘાનિસ્તાન’ના મહામંત્રી બન્યા. પક્ષનાં ખલ્ક અને પરચમ જૂથો વચ્ચેનો જંગ સતત જારી રહ્યો. 14-2-1979ના રોજ અમેરિકી રાજદૂત ઍડોલ્ફ ડુબ્સની હત્યા થઈ અને પછી તરાકી પ્રમુખપદે ચાલુ રહ્યા. છતાં હફીઝુલ્લાહ અમીન વડાપ્રધાન બન્યા. લોકોના રોષે હિંસક સ્વરૂપ ધારણ કર્યું અને અફઘાનિસ્તાનની સાંસ્કૃતિક પ્રણાલીઓ જાળવી રાખવાના ધ્યેય સાથે તેમણે હિંસક સંઘર્ષ શરૂ કર્યો. અફઘાનિસ્તાનનું લશ્કર તૂટી પડ્યું હોવાથી અમીને રશિયા પાસે લશ્કરી સહાય માગી. તરાકી 14-9-1979ના રોજ માર્યા ગયા અને અમીને પાકિસ્તાન અને અમેરિકા સાથે સંબંધો સુધારવા માટે પ્રયાસો શરૂ કર્યા. પરંતુ 24-12-’79ના રોજ રશિયાનાં દળો અફઘાનિસ્તાનમાં ઘૂસ્યાં. અમીન અને તેમના અનુયાયીઓ માર્યા ગયા અને બાબ્રાક કર્માલે રશિયાથી પરત આવીને સત્તા સંભાળી. પરંતુ રશિયન આક્રમણકારો અને રશિયાના ટેકાવાળા અફઘાન લશ્કર સામે હિંસક બળવાખોરી સતત ચાલુ રહી. 1980ના દાયકાના ઉત્તરાર્ધમાં રશિયાએ પોતાનાં દળો અફઘાનિસ્તાનમાંથી પાછાં ખેંચવાની કાર્યવાહી શરૂ કરી, પણ તે અત્યંત ધીમી રહી છે. આમ અફઘાનિસ્તાનની સરકાર સંપૂર્ણતયા રશિયન પ્રભાવ હેઠળ આવી.

અફઘાનિસ્તાનની કટોકટી : ભારત અને મધ્ય એશિયાને જોડતા વેપારી માર્ગો પર આવેલો આ દેશ છેક અઢારમી સદી સુધી વિદેશી સામ્રાજ્યના એક ભાગ તરીકે જ અસ્તિત્વ ધરાવતો હતો. અઢારમી સદીમાં જ એક સંગઠિત રાજ્ય તરીકે વિશ્વના નકશા પર તે બહાર આવ્યો. ઓગણીસમી અને વીસમી સદીમાં અફઘાનિસ્તાન અનેક આંતરિક બનાવોનો ભોગ બન્યું. બ્રિટન અને રશિયા જેવી મહાસત્તાઓએ પણ તેના પર વર્ચસ્ જમાવવાના પ્રયત્નો કર્યા છે.

1921માં અફઘાનિસ્તાન સ્વતંત્ર રાજ્ય બન્યું હતું. 1950 અને 1960ના દાયકામાં ત્યાં આધુનિકીકરણ કરવાના અને અર્થતંત્ર સુધારવાના પ્રયત્નો થયા. 1973માં આ રાજાશાહી રાજ્ય પ્રજાસત્તાક બન્યું. સત્તા કબજે કર્યા પછી પ્રમુખ મોહમદ દાઉદે શરૂઆતમાં સોવિયેટ રશિયા સાથે સંબંધ સુધારવાના પ્રયત્નો કર્યા. પાછળથી તેણે રશિયાનું વર્ચસ્ વધવાની બીકે ઈરાન, સાઉદી અરેબિયા અને પાકિસ્તાન સાથે સંબંધો સુધારવાની નીતિ અપનાવી.

1978ના એપ્રિલમાં અફઘાનિસ્તાનના સામ્યવાદી પક્ષે લશ્કરી દળોની મદદથી એક બળવો (નેતા હવાઈ દળના એક અધિકારી અબ્દુલ કાદિર) કરીને દાઉદ સરકારને ઉથલાવી પાડી. નવી સરકારમાં પ્રમુખ અને વડાપ્રધાન તરીકેનું સ્થાન એક કવિ તરાકીએ પ્રાપ્ત કર્યું. કરમાલ અને હાફીઝુલ્લા અમીન એ બંને નેતાઓને નાયબ વડાપ્રધાનનું સ્થાન આપવામાં આવ્યું હતું. 1978ની આ સાઉર ક્રાંતિ (Saur Revolution) એક પછાત ઇસ્લામી સમાજમાં સામ્યવાદી વ્યવસ્થા લાવવાનો પ્રયાસ હતો. વિદ્યાર્થીઓ, બુદ્ધિવાદીઓ, સરકારી કર્મચારીઓ અને લશ્કરી દળોના સહકારથી પણ બહોળા સામાજિક ટેકા વગર માર્ક્સવાદી વ્યવસ્થા લાવવાના આ પ્રયત્નને ક્રાંતિ કહેવી કે ‘કૂ દેતાં’ (વિપ્લવ) તરીકે ઓળખાવવો એ ચર્ચાનો પ્રશ્ન છે.

એપ્રિલ 1978ની ક્રાંતિની અસ્થિરતા, અફઘાનિસ્તાનના સામ્યવાદી પક્ષનાં બે જૂથો ખલ્ક (khalk) અને પરચમ (parcham) વચ્ચેના મતભેદો અને ઝઘડાઓ તથા અફઘાનિસ્તાનનાં રૂઢિવાદી તત્વોનો ક્રાંતિ સામેનો વિરોધ, આ તત્વોને બહારના દેશોની મદદ વગેરે પરિબળોએ સોવિયેટ સંઘને અફઘાનિસ્તાનમાં પોતાની લશ્કરી હાજરી વધારવા પ્રેર્યું. 1978ની પાંચમી ડિસેમ્બરે સોવિયેટ સંઘે અફઘાનિસ્તાન સાથે મૈત્રીકરાર કર્યો. તરાકી પ્રધાનમંડળમાં અમીનની સત્તા વધતાં કરમાલ અને બીજા કેટલાક સોવિયેટ સંઘ ભાગી ગયા. તરાકીનો પદત્યાગ અને મૃત્યુ ચર્ચાસ્પદ બન્યાં. હફીઝુલ્લા અમીન વડાપ્રધાન બન્યા. અમીન શાસક તરીકે ખૂબ કડક અને અત્યાચારી નીવડ્યા. તેમના સમયમાં અફઘાનિસ્તાનમાં આંતરિક અસ્થિરતા વધી. અફઘાનિસ્તાનમાં સામ્યવાદી પક્ષના શાસક સામે જ ભય ઊભો થયો. આથી સોવિયેટ સંઘે 1978ના ડિસેમ્બરની પચ્ચીસમી તારીખે કાબુલ અને બીજાં શહેરોમાં લશ્કરી દળો ઉતાર્યાં. સોવિયેટ અફઘાન  મૈત્રીકરાર હેઠળ અમીને જ તેમને નિમંત્ર્યા છે એવું બહાનું રશિયાએ આગળ ધર્યું. બે દિવસ પછી અમીનની હત્યા થઈ. બર્બરક કરમાલને સત્તા પર બેસાડવામાં આવ્યા. આ સિવાય સોવિયેટ રશિયાના અફઘાનિસ્તાન પરના આક્રમણ પાછળ બીજાં કેટલાંક પરિબળોને પણ જવાબદાર ગણવામાં આવે છે. સોવિયેટ રશિયા, અફઘાનિસ્તાનનાં બળવાખોર જૂથોને દબાવી દેવા ઉપરાંત કદાચ ઈરાનની આંતરિક અસ્થિરતાનો લાભ લેવા ઇચ્છતું હતું. સોવિયેટ રશિયાની હૂંફાળાં બંદરોની શાશ્વત શોધને પણ અફઘાનિસ્તાનમાં હાજરી માટે જવાબદાર ગણવામાં આવે છે. અખાતના વિસ્તારમાં પોતાની કાયમી હાજરી ઊભી કરીને સલામત રીતે ખનિજતેલ પ્રાપ્ત કરવાની વ્યવસ્થા ઊભી કરવાનો આશય પણ આક્રમણ માટે કારણરૂપ હોય. ઈરાનના મૂળ સિદ્ધાંતવાદીઓ(fundamentalists)ની અસર અફઘાનિસ્તાન અને રશિયા પર ન પડે એવી ઇચ્છા પણ રશિયન પગલાંની પાછળ હોઈ શકે.

અફઘાનિસ્તાનમાં કરમાલ સત્તારૂઢ થયા પછી અને સોવિયેટ પછી અનેક અફઘાનોએ પાકિસ્તાન અને ઈરાનમાં હિજરત લશ્કરની દરમ્યાનગીરી કરી છે. એક અંદાજ મુજબ પાકિસ્તાનમાં અફઘાન નિર્વાસિતોની સંખ્યા ત્યારે 27 લાખની હતી. કરમાલ સત્તારૂઢ થયા પછી સોવિયેટ અફઘાન લશ્કર અને અફઘાન ગેરીલાઓ વચ્ચેનાં અનેક યુદ્ધોને કારણે અફઘાનિસ્તાન આંતરવિગ્રહનો ભોગ બન્યું. યુદ્ધમાં કોઈ પક્ષકારનો વિજય થયો હોય એવું કહી શકાય એમ હતું નહી. યુદ્ધની શરૂઆતમાં સોવિયેટ સંઘ દ્વારા સમર્થન પ્રાપ્ત અફઘાન સરકારનો પક્ષ વિજયી બનતો હોય એમ લાગ્યું હતું. પાછળથી અફઘાન છાપામારોએ સારી સિદ્ધિઓ મેળવી હતી. 1986ના વર્ષમાં સોવિયેટ પ્રેરિત અફઘાન સરકારનો પક્ષ મજબૂત બન્યો હતો. 1987ના વર્ષમાં ગેરીલાઓએ ફરી નોંધપાત્ર સિદ્ધિઓ મેળવી હતી. શરૂઆતનાં વર્ષોમાં ગેરીલા જૂથો વચ્ચેના મતભેદો, ગેરીલાઓ પાસે પૂરતાં શસ્ત્રો અને પૂરતી તાલીમનો અભાવ, સોવિયેટ સંઘના હેલિકૉપ્ટર દ્વારા ગેરીલા મથક ઉપર અસરકારક હુમલાઓ વગેરે પરિબળોએ ગેરીલાઓનો ઉત્સાહ ઓછો કર્યો હતો. પાછળથી ગેરીલા જૂથો સારી એકતા સાધી શક્યાં. અમેરિકા તરફથી મળેલાં સ્ટિંજર પ્રક્ષેપાસ્ત્રો(Stinger missiles: ભૂમિથી આકાશ તરફ સંચાલિત – Ground to Air missiles)ની મદદથી સોવિયેટ સંઘના હેલિકૉપ્ટરોના ગેરીલા–મથકો પરના હુમલાઓ ખાળી શકાયા. આ સિવાય સોવિયેટ સંઘનું લશ્કર પાછું ખેંચાશે એવી અપેક્ષાએ છેલ્લાં વર્ષો દરમ્યાન છાપામારોને ઉત્સાહ આપ્યો છે. એક અમેરિકન અંદાજ મુજબ 1979થી અત્યાર સુધીમાં (2000) દસેક હજાર જેટલા સોવિયેટ સૈનિકોનાં મૃત્યુ થયાં છે અને વીસેક હજાર જેટલા સૈનિકો ઘાયલ થયા છે. અફઘાનિસ્તાનમાં સોવિયેટ સૈનિકોની કુલ સંખ્યા એક લાખ દસ હજારથી એક લાખ પચીસ હજાર જેટલી હતી. સોવિયેટ લશ્કરે શહેરોના રસ્તા અને અગત્યનાં મથકો સંભાળ્યાં છે. ગેરીલાઓ સાથેની યુદ્ધની જવાબદારી મુખ્યત્વે અફઘાન લશ્કરે સંભાળી હતી. યુદ્ધ દરમ્યાન અફઘાન લશ્કરમાંથી સૈનિકો અને અમલદારો સરકારના પક્ષને છોડીને ગેરીલાઓ સાથે જોડાઈ ગયા હોય એવા દાખલાઓ સતત બનતા રહ્યા છે. એક અંદાજ મુજબ લગભગ એંસી હજાર જેટલા સૈનિકો આ રીતે ભાગી ગયા છે. આ કારણસર અફઘાન લશ્કરમાં નવી ભરતી કરવાની, એ માટે નવા નિયમો ઘડવાની અને ભરતી માટેની ઉંમર ઘટાડવાની ફરજ પડી હતી. વડાપ્રધાન કરમાલને સત્તા પર ટકી રહેવા માટે પ્રધાનમંડળમાં પણ વારંવાર ફેરફારો કરવા પડ્યા હતા. પણ એમને માટે સ્થિરતા દુર્લભ જ બની હતી. ખુદ સોવિયેટ નેતાઓને કરમાલની આપખુદ અને અસહિષ્ણુ નીતિ પસંદ આવી ન હતી. 1986ના મે માસમાં આથી જ પીપલ્સ ડેમોક્રેટીક પાર્ટી ઑવ્ અફઘાનિસ્તાનના મહામંત્રીપદે મેજર જનરલ નજીબને મૂકવામાં આવ્યા. નજીબે 1987ના જાન્યુઆરીની પંદરમી તારીખથી છ માસ માટે એકપક્ષી યુદ્ધવિરામ જાહેર કર્યો. વળી તેમણે રાષ્ટ્રીય એકતાનું પ્રતીક બને એવી રાષ્ટ્રીય સરકાર રચવાનો ઇરાદો જાહેર કર્યો. આ માટે તેમણે પ્રામાણિક પ્રયત્નો કર્યા હતા. પોતાની સરકારમાં કેટલાંક વિરોધી જૂથોના નેતાઓનો સમાવેશ કર્યો હતો. ડૉ. નજીબ અહમદઝાઈ એટલે કે પશ્તુન ટોળીના હતા. પરચમ નેતાઓ મુખ્યત્વે શહેરી અને બુદ્ધિવાદી તત્વોનું પ્રતિનિધિત્વ ધરાવતા હતા. આથી  ડૉ. નજીબ ગ્રામીણ અને પશ્તુન તત્વોની વફાદારી મેળવવામાં અમુક અંશે સફળ થયા છે. પરંતુ નજીબ સામ્યવાદી નેતા અને સોવિયેટ ટેકેદાર હોવાના કારણે, ગેરીલાઓની સ્થિતિ મજબૂત બનતાં અને રશિયન લશ્કર અફઘાનિસ્તાનમાંથી ખસી જવા માંગે છે એવી ખાતરી થતાં નજીબ સરકારને રાષ્ટ્રવ્યાપી ટેકો મળી શક્યો હતો.

1988માં નવું બિનસામ્યવાદી બંધારણ સ્વીકારવામાં આવ્યું. 1989માં સોવિયેટ લશ્કર પાછું ખેંચવામાં આવ્યું અને પીપલ્સ ડેમોક્રૅટિક પાર્ટી ઑવ્ અફઘાનિસ્તાનનો વિરોધ કરવાનું મુજાહિદોએ ચાલુ રાખતાં ત્યાં કટોકટી લાદવામાં આવી. પરિણામે અફઘાનમાં આંતરવિગ્રહને વેગ મળ્યો. 1991માં અમેરિકા અને રશિયા બંનેએ આ દેશને અપાતી લશ્કરી સહાય પાછી ખેંચી લીધી. મુજાહિદોએ એક તરફ રશિયા અને બીજી તરફ દેશની તે વખતની સરકાર સાથે વાટાઘાટો શરૂ કરી. 1986થી દેશના પ્રમુખપદે રહેલા ડૉ. નજીબુલ્લાની સરકારને 1992માં ઉથલાવી પાડવામાં આવી અને મુજાહિદ નેતા બુરહાનુદ્દીન રબ્બાનીને પ્રમુખ ચૂંટવામાં આવ્યા. ઉપરાંત, બીજા એક અગ્રણી નેતા હઝબ-એ-ઇસ્લામીને સરકારમાંથી દૂર કરવામાં આવ્યા. 1993માં કાબુલમાં ભયંકર યુદ્ધ ફાટી નીકળ્યું. રબ્બાની અને વિરોધી નેતા હઝબ-એ-ઇસ્લામી વચ્ચે શાંતિકરાર થયો. પરિણામે, હેખ્મત્યારને વડાપ્રધાન બનાવવામાં આવ્યા. કાબુલ પર બળવાખોરોના હુમલા ચાલુ રહેતાં 1994માં તેને દબાવી દેવામાં આવ્યા અને હેખ્મત્યારને હોદ્દા પરથી બરતરફ કરવામાં આવ્યા. 1995માં તાલિબાન મુસ્લિમ કટ્ટરપંથી લશ્કરે હેરાત નગર કબજે કર્યું અને કાબુલ તરફ આગળ વધવા લાગ્યું. 1995ના સપ્ટેમ્બર સુધીમાં કાબુલ સહિત અફઘાનિસ્તાનના બે તૃતીયાંશ ભાગ પર તાલિબાનોનો અંકુશ સ્થાપિત થયો. દેશ ઉત્તર-દક્ષિણ એમ બે ભાગમાં વહેંચાઈ ગયો. દક્ષિણ અફઘાનિસ્તાન તાલિબાનના અંકુશ હેઠળ અને ઉત્તર અફઘાનિસ્તાન ઉદારવાદીઓના અંકુશ હેઠળ આવ્યાં. મોહંમદ રબ્બાનીના વડપણ હેઠળ છ સભ્યોની એક વચગાળાની સમિતિની રચના કરવામાં આવી. આ સમિતિએ સરકારની રચના કરી અને અફઘાનિસ્તાનમાં સખ્તાઈભર્યું કટ્ટર મુસ્લિમ શાસન લાદવામાં આવ્યું. સ્ત્રીશિક્ષણ અને સંગીત જેવી કલાપ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લાદવામાં આપ્યો. રબ્બાની શાસન હેઠળ, સંયુક્ત રાષ્ટ્રસંઘના કાર્યાલયમાં 1992થી આશ્રય લઈ રહેલા ડૉ. નજીબુલ્લા અને તેમના ભાઈ અમજદ-જાઈને સપ્ટેમ્બર 1995માં બળજબરીથી બહાર કાઢી, જાહેરમાં ફાંસી આપવામાં આવી. અફઘાનિસ્તાનમાં હાલ ચાલી રહેલ સંઘર્ષ. માત્ર આંતરિક યુદ્ધ ન રહેતાં આંતરરાષ્ટ્રીય યુદ્ધ બન્યું છે. સરકાર પક્ષે રશિયા અને વિરોધ પક્ષે અમેરિકા, પાકિસ્તાન, ઈરાન યુદ્ધમાં સક્રિય રસ ધરાવે છે. એક અંદાજ મુજબ અમેરિકા દ્વારા ગેરીલાઓને અપાતી શસ્ત્રસહાયનું નાણાકીય મૂલ્ય 1983માં 850 લાખ ડૉલર જેટલું હતું, તે વધીને 1986માં 6,500 લાખ ડૉલર જેટલું થયું હતું. સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભાએ આક્રમણ પછી દર વર્ષે બધાં જ વિદેશી દળોને અફઘાનિસ્તાનમાંથી પાછાં ખેંચવાની ભલામણ કરતા ઠરાવો પસાર કર્યા. 1986માં આ ઠરાવ 122 વિ. 20(11 ગેરહાજર)ની બહુમતીથી પસાર થયો હતો. આ સિવાય જિનીવા ખાતે યુનોના આશ્રય હેઠળ અને તેના મહામંત્રીના ખાસ પ્રતિનિધિ કૉર્ડોવેઝ(Cordovez)ના નેતૃત્વ હેઠળ રશિયાની સરકાર અને પાકિસ્તાનની સરકાર વચ્ચે અફઘાન કટોકટી હલ કરવા અંગે મંત્રણા થઈ. ગેરીલાઓએ અફઘાન સરકાર સાથે નહિ, પણ રશિયાની સરકાર સાથે જ સીધી મંત્રણા કરવાનો આગ્રહ રાખ્યો. સોવિયેટ લશ્કર હઠે તે પછીની અફઘાન સરકારના સ્વરૂપ અને રશિયા સાથેના તેના સંબંધો અંગે પણ વિવાદ ઊભો થયો હતો. અમેરિકા ઇચ્છતું હતું કે સોવિયેટ રશિયા અફઘાનિસ્તાનમાં લશ્કરી અને આર્થિક રીતે પાયમાલ થાય. પોતાની વિયેટનામમાં જેવી સ્થિતિ થયેલી તેવી સ્થિતિ રશિયાની અફઘાનિસ્તાનમાં થાય તો અમેરિકાને સંતોષ મળે. વળી સામ્યવાદી આક્રમણ જો ખર્ચાળ બને તો ભવિષ્યમાં રશિયા આક્રમણ કરતું અટકે. એ રીતે અમેરિકાએ સોવિયેટ સંઘના આક્રમણને રોકવા અને સોવિયેટ સંઘ પર અંકુશ મૂકવા અપનાવેલી રુકાવટની નીતિ (policy of containment) સફળ થાય છે. અમેરિકાના પ્યાદા તરીકે પાકિસ્તાન અમેરિકન શસ્ત્રો અફઘાન ગેરીલાઓને પહોંચાડવા માટે એક માધ્યમ તરીકે કામ કરે છે. તે ગેરીલાઓને આશ્રય અને તાલીમ આપે છે. અફઘાન નિરાશ્રિતોને સ્વીકારવાથી અમેરિકા પાસેથી વધુ આર્થિક અને લશ્કરી સહાય મેળવે છે. આ લશ્કરી સામગ્રીનો ઉપયોગ તે ભારત સામે કરી શકે છે. આ રીતે પણ ભારત સામે પાકિસ્તાને પોતાની લશ્કરી સ્થિતિને મજબૂત કરી છે. બાંગ્લાદેશ 1971માં સ્વતંત્ર થયા પછી પોતાની નબળી લશ્કરી અને રાજકીય સ્થિતિને મજબૂત કરવા પાકિસ્તાને સતત પ્રયત્નો કરેલા છે. અફઘાન કટોકટીએ આ રીતે પાકિસ્તાનને એક સોનેરી તક આપી છે. વધારામાં પાકિસ્તાનની એક અણુસત્તા બનવાની મહેચ્છા અને એ માટેના તેના પ્રયત્નો તરફ અમેરિકા આંખ આડા કાન ધરે એવી તેની ઇચ્છા પણ અફઘાન કટોકટીથી બર આવી છે. અફઘાન કટોકટી પાકિસ્તાનને ભારત સાથે સમાનતા (parity) સાધવાના તેના જૂના લક્ષ્યને સિદ્ધ કરવામાં મદદ કરે છે, એવી ભીતિ કેટલાક ભારતીયોને છે. બીજી બાજુએ અફઘાન કટોકટીએ શરૂઆતમાં ભારતને પાકિસ્તાનની નજીક આણ્યું હતું અને ભારત તથા રશિયા વચ્ચેના સંબંધોમાં હૂંફ ઓછી કરી હતી. ભારતે સોવિયેટ સંઘનું લશ્કર અફઘાનિસ્તાનમાંથી ખસે એ માટે મુત્સદ્દીય અને રાજકીય કક્ષાએ ખાનગીમાં પ્રયત્નો પણ કર્યા હતા. જાહેરમાં ભારતે સોવિયેટ સંઘની સ્પષ્ટ ટીકા કરવાનું ટાળ્યું હતું. પરંતુ અમેરિકાએ પાકિસ્તાનને આપેલી સહાયથી ભારતની સલામતી માટે ભય ઊભો થયો હતો. સમય જતાં રશિયાનો ભય (અફઘાનિસ્તાનથી પાકિસ્તાન, પાકિસ્તાનથી ભારત તરફ ટૂંકા ગાળામાં નહિ તો લાંબા ગાળામાં રશિયા નજર નાંખશે એ જાતનો) ઓછો લાગતાં અને અમેરિકાની મદદ મેળવતા મજબૂત પાકિસ્તાનનો સામનો કરવા મૈત્રીની જરૂરિયાત લાગતાં, ભારત અને રશિયા વચ્ચેના સંબંધોમાં ફરીથી સુધારો દેખાયો. આ મૈત્રીનું સ્વરૂપ ભૂતકાળ જેવું જ રહેશે કે કેમ એ ચર્ચાનો પ્રશ્ન રહ્યો છે.

અફઘાનિસ્તાનની કટોકટીએ અમેરિકા અને રશિયા વચ્ચેના સંબધ-સુધારની પ્રક્રિયા(detente)ને ફટકો માર્યો હતો. પ્રમુખ કાર્ટરને આથી સૉલ્ટ-2 (Salt-2) કરારને પડતો મૂકવો પડ્યો હતો. વળી તેમને રશિયા સામે આર્થિક શિક્ષાત્મક પગલાં (economic sanctions) લેવાની પણ ફરજ પડી હતી. સંબંધસુધાર(detente)ની પ્રક્રિયા ધીમી ન પડે એવી ઇચ્છા રાખનારા પશ્ચિમ યુરોપના દેશો અને અમેરિકા વચ્ચે પણ આ કટોકટીથી મનદુ:ખ ઊભું થયું હતું.

અફઘાનિસ્તાનમાંથી પોતાનાં લશ્કરો ખસેડી લેવાની ઇચ્છા સોવિયેટ સંઘે પ્રગટ કર્યા છતાં બંને મહાસત્તાઓ વચ્ચેનાં અવિશ્વાસ, ભીતિ અને અશ્રદ્ધાના કારણે અફઘાનિસ્તાનના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે લાંબા સમય સુધી મંત્રણાઓ ચાલ્યા કરી હતી. આ મંત્રણાઓમાં અમેરિકા અને રશિયા ઉપરાંત પાકિસ્તાને પણ ભાગ લીધો હતો. સંયુક્ત રાષ્ટ્રસંઘ વતી પણ તેમાં સક્રિય રસ લેવામાં આવ્યો હતો. અંતે 8મી ફેબ્રુઆરી 1988ના રોજ પોતાનાં લશ્કરો પાછાં ખેંચી લેવાનો અને તેનો અમલ 15મી મેથી શરૂ કરવાનો દૃઢ નિર્ધાર ગોર્બાચોવે જાહેર કરતાં આ અંગેની મંત્રણાઓએ વેગ પકડ્યો અને છેવટે 14 એપ્રિલ 1988ના રોજ સોવિયેટ સંઘ અને પાકિસ્તાન વચ્ચે કરાર ઉપર સહીસિક્કા થયા હતા. આ કરારને અમેરિકા તથા સોવિયેટ સંઘે પણ મહાસત્તાઓ તરીકે બાંયધરી આપી હતી અને સહીસિક્કા કર્યા હતા.

સોવિયેટ સંઘનાં લશ્કરો વિદાય થતાં ત્યાં શાંતિ સ્થપાશે એ ધારણા ખોટી પડી હતી. કારણ કે અમેરિકાએ, પાકિસ્તાન દ્વારા ‘મુજાહિદ્દીન’ ગેરીલાઓ(અફઘાન બળવાખોરો)ને પોતાની લશ્કરી મદદ ચાલુ રાખી છે. તે જ પ્રમાણે પાકિસ્તાનમાં હિજરત કરી ગયેલા બળવાખોરોએ તેમનું ગેરીલાયુદ્ધ ચાલુ રાખ્યું છે. આમ અફઘાનિસ્તાનનું આંતરિક યુદ્ધ વધારે ઉગ્ર સ્વરૂપે ચાલુ રહ્યું છે.

1996માં કાબુલ પર કબજો કરી બેઠેલા તાલિબાન જૂથે નજીબને ફાંસીએ લટકાવ્યા. 1998નું વર્ષ પુરું થયું ત્યાં સુધી અફઘાનિસ્તાનમાં તાલિબાન અને તેનાં વિરોધી જૂથો વચ્ચે પરાકાષ્ઠાએ પહોંચેલું આંતરયુદ્ધ ચાલુ રહ્યું છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે આતંકવાદને સક્રિય પ્રોત્સાહન આપનાર ઓસ્મા બિન લાદેનને તાલિબાને અફઘાનિસ્તાનમાં આશ્રય આપેલો હોવાથી અમેરિકા તથા અફઘાનિસ્તાન વચ્ચે રાજકીય તંગદિલીમાં વધારો થયો છે. ઓસ્મા બિન લાદેનને સોંપવા માટે અમેરિકાએ કરેલી માગણીને રાષ્ટ્રસંઘે ટેકો આપ્યો છે પરંતુ અફઘાનિસ્તાનના હાલના. શાસકોએ તે માગણી નકારી કાઢી છે, જેના પરિણામે નવેમ્બર 1999ના મધ્યમાં રાષ્ટ્રસંઘે અફઘાનિસ્તાન સામે કેટલાક પ્રતિબંધો જાહેર કર્યા છે. આ પ્રતિબંધો હેઠળ રાષ્ટ્ર સંઘે બધા સભ્ય દેશોને આદેશ આપ્યો છે કે તેઓ તાલિબાનની વિદેશી અસ્કયામતો સ્થગિત (freeze) કરે તથા તાલિબાનનાં વિમાનોને પોતાના દેશનાં હવાઈ મથકોનો ઉપયોગ કરવાથી વંચિત રાખે. 29 ફેબ્રુઆરી 2020ના રોજ અફઘાનિસ્તાન અને યુ. એસ. વચ્ચે થયેલા કરાર મુજબ યુ. એસ.ના સૈનિકો પાછા ખેંચાતા અફઘાનિસ્તાનમાં તાલીબાનોની સરકાર રચાઇ.

દેવવ્રત  પાઠક

હેમન્તકુમાર શાહ

મહેન્દ્રભાઈ ઠા. દેસાઈ
જ. મ. શાહ

યુનુસ ચિતલવાલા