અન્નાન, કૉફી (જ. 8 એપ્રિલ 1938, કુમાસી, ઘાના; અ. 18 ઑગસ્ટ 2018, બેર્ન, સ્વીટ્ઝર્લેન્ડ) : રાષ્ટ્રસંઘના મહામંત્રી અને બુટ્રોસ ઘાલીના ઉત્તરાધિકારી. 1997માં ઘાલીનો પ્રથમ કાર્યકાળ પૂરો થતાં બીજા કાર્યકાળ પ્રત્યે અમેરિકાએ નિષેધાત્મક સત્તા (veto) વાપરી, જેના પરિણામ રૂપે નવા મહામંત્રી તરીકે કૉફી અન્નાનની વરણી કરવામાં આવી હતી. તેઓ ઘાનાના મૂળ વતની તથા ત્યાંના અગ્રણી રાજદૂત હતા. અમેરિકામાં શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ તેઓ 1962માં વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા(WHO)માં જોડાયા. 1993થી સોમાલિયામાં અને ત્યારપછી બૉઝનિયા અને હટસગોવિનામાં તેમણે રાષ્ટ્રસંઘ વતી શાંતિસ્થાપક જૂથના નિરીક્ષક તરીકે સેવાઓ આપી હતી.
રાષ્ટ્રસંઘના વહીવટી અધિકારીના પદ પરથી સંસ્થાના મહામંત્રીના સર્વોચ્ચ પદ પર પહોંચનાર તેઓ પ્રથમ અધિકારી છે. તેવી જ રીતે આફ્રિકા ખંડમાંથી મહામંત્રી બનનાર પણ તેઓ પ્રથમ વ્યક્તિ છે.
માર્ચ 1998માં સંભવિત અમેરિકી હુમલાથી તેમણે ઇરાકને બચાવી શાંતિ સ્થાપવાનો સફળ પ્રયાસ કર્યો હતો.
કૉફી અન્નાન 31મી ડિસેમ્બર, 2006 સુધી રાષ્ટ્રસંઘના મહામંત્રી રહ્યા હતા. તેમણે વિશ્વશાંતિ માટે નોંધપાત્ર કામગીરી કરી હતી. તેમને અને યુએનને 2001માં શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર એનાયત થયો હતો. રાષ્ટ્રસંઘનો તેમનો કાર્યકાળ પૂરો થયો તે પછી પણ તેમણે માનવતા માટે કાર્યરત સંગઠનો સાથે મળીને ઘણાં વર્ષો વિશ્વની શાંતિ અને સલામતી માટે કામ કર્યું હતું. 18 ઑગસ્ટ, 2018માં તેમનું 80 વર્ષની વયે નિધન થયું હતું. યુએને તેમના સન્માનમાં 2019માં ટપાલટિકિટ બહાર પાડી છે.
રક્ષા મ. વ્યાસ