અન્નામનો ઉચ્ચપ્રદેશ

January, 2001

અન્નામનો ઉચ્ચપ્રદેશ : અગ્નિ એશિયા ભૂખંડના પૂર્વકાંઠે ગુજરાતી ‘ડ’ અક્ષરના આકારે આવેલો વિયેટનામ દેશ. વિયેટનામનો ઉત્તરનો મેદાની પ્રદેશ બેક-બૉ, મધ્યનો ઉચ્ચપ્રદેશ ટ્રુંગ-બૉ અને છેક દક્ષિણનો મેદાની પ્રદેશ નામ-બૉ કહેવાય છે. પરંતુ તેનાં ફ્રેન્ચ ભાષાનાં પ્રાચીન નામો અનુક્રમે ટોંકિન, અન્નામ અને કોચીનચીન પ્રચલિત છે. ટોંકિનના લાલ નદીના મુખત્રિકોણના મેદાની પ્રદેશ અને દક્ષિણના કોચીનચીનના મૅકોંગ નદીના મુખત્રિકોણના મેદાની પ્રદેશની વચ્ચે અન્નામનો ઊંચી ભૂમિનો પ્રદેશ ફેલાયેલો છે. ઉત્તર-દક્ષિણ વિસ્તરેલી અન્નામની ઉચ્ચભૂમિ આશરે સરેરાશ 2,500 મીટરની ઊંચાઈ ધરાવે છે. 170 ઉત્તર અક્ષાંશની ઉત્તરે તે રેતીખડકોથી ઢંકાયેલી છે. પરંતુ દક્ષિણે ધોવાણનાં પરિબળોએ ઉપરના રેતીના ખડકાળ ભાગો દૂર કર્યા હોવાથી અંદરના પાસાદાર ગ્રૅનાઇટ અને નાઇસ ખડકો ઉપરના ભાગમાં પ્રત્યક્ષ જોઈ શકાય છે. છેક દક્ષિણના ભાગમાં આ ઉચ્ચ પ્રદેશ ઉપર જ્વાળામુખી લાવા પથરાવાથી રચાયેલા બૅસાલ્ટ ખડકો છે. અન્નામની ઉચ્ચભૂમિ પૂર્વ તરફના સમુદ્રકાંઠે સીધી ભેખડો ધરાવે છે. પરંતુ પશ્ચિમમાં તે ચૂનાખડકો અને રેતીખડકોનો ઉચ્ચપ્રદેશ રચે છે. જોકે આગળ ઉપર મૅકૉંગ નદીની ખીણ તરફ તેની ઊંચાઈ ઘટે છે. અન્નામની ઉચ્ચભૂમિમાં આશરે 1,000 મીટરની ઊંચાઈ પર થોડા ઘાટ આવેલા છે. પ્રાચીન સમયમાં અહીં આવેલા ‘અન્નામ ઘાટ’ દ્વારા જ અન્નામાઇટ લોકોએ કોચીનચીન ઉપર આક્રમણ કર્યું હતું.

મહેન્દ્ર રા. શાહ