અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ

January, 2001

અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ : તમિળનાડુનો મુખ્ય પ્રાદેશિક રાજકીય પક્ષ. દક્ષિણ ઉપર ઉત્તરના પ્રભાવ તથા પછાતો ઉપર બ્રાહ્મણોના પ્રભાવ સામે વિરોધ દર્શાવવા માટે આ પક્ષ સ્થપાયો હતો. મૂળ તો રામસ્વામી નાઇકરે 1925માં ‘સ્વયં મર્યાદા ઇળક્કમ્’ (આત્મગૌરવ સંઘ) સ્થાપ્યો હતો. ત્યારબાદ 1944માં નાઇકરે જસ્ટિસ પક્ષ સાથે મળીને દ્રવિડ કઝગમ (સમવાય) પક્ષની સ્થાપના કરી હતી. પરંતુ પક્ષમાં ફાટફૂટ પડી. તેને પરિણામે કાંજીવરમ્ નટરાજન અન્નાદુરાઈએ 1949માં દ્રવિડ મુનેત્ર (પ્રગતિશીલ) કઝગમ પક્ષ સ્થાપ્યો. ફિલ્મી અભિનેતામાંથી રાજકારણમાં પ્રવેશેલા એમ. જી. રામચંદ્રન અન્નાદુરાઈના અનુગામી હતા. તમિળનાડુના મુખ્ય પ્રધાન બનેલા એમ. જી. રામચંદ્રને અંગત મતભેદને કારણે અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ પક્ષ સ્થાપ્યો. ઘણાં વર્ષો સુધી તમિળનાડુમાં આ પક્ષ સત્તા ઉપર હતો. આ પક્ષ હિંદી ભાષાનો વિરોધી તથા તમિળ ભાષાનો સમર્થક છે. લોકતાંત્રિક મૂલ્યોની પુન:સ્થાપના અને ગરીબપછાત વર્ગોનું ઉત્થાન એ બે, આ પક્ષના મુખ્ય ધ્યેયો છે.

ધર્મેન્દ્રસિંહ દિ. ઝાલા